Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Hina Durrani
લાહોરના દૈનિક અખબાર ‘ઇમરોઝ’ દ્વારા 1953ની 24 જૂને વિખ્યાત અભિનેત્રી-ગાયિકા નૂરજહાં અને ક્રિકેટર નઝર મોહમ્મદ વિશેના એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
તેમાં જણાવ્યા અનુસાર, નઝર મોહમ્મદને મળવા માટે નૂરજહાં એક જગ્યાએ ગયાં, ત્યારે તેમના પતિ શૌકત હુસૈન રિઝવી પણ અચાનક ત્યાં પહોંચી ગયા હતા.
શૌકત હુસૈન રિઝવીને જોઈને નઝર મોહમ્મદ ઇમારતના પહેલા માળેથી કૂદી પડ્યા હતા. તેથી તેમનો એક હાથ તૂટ્યો હતો અને એ પછી તેઓ ફરીથી ક્યારેય ક્રિકેટ રમી શક્યા ન હતા.
નૂરજહાં અને નઝર મોહમ્મદની પ્રેમકહાણી પાકિસ્તાની ફિલ્મ ઇતિહાસનો દિલચસ્પ, પરંતુ દુઃખદ અધ્યાય છે.
એ પ્રેમકથાનો એક દુર્ઘટનામાં અંત થયો હતો. તે દુર્ઘટનામાં નઝર મોહમ્મદનો હાથ ભાંગી ગયો હતો અને તેમણે ક્રિકેટના કાયમ માટે અલવિદા કરવી પડી હતી.
નઝર મોહમ્મદ વિખ્યાત સંગીતકાર ફિરોઝ નિઝામીના નાના ભાઈ હતા. તેમને ગાયનમાં રુચિ હતી અને જે લોકોએ તેમને સાંભળ્યા છે એ લોકો કહે છે કે તેમનો અવાજ બહુ સૂરીલો હતો.
નૂરજહાં અને નઝર મોહમ્મદ વચ્ચેનું પ્રેમપ્રકરણ ક્યારે અને ક્યાં શરૂ થયું હતું એ વિશેના નૂરજહાંના, નઝર મોહમ્મદના અને શૌકત હુસૈન રિઝવીનાં નિવેદનોમાં મોટો વિરોધાભાસ જોવા મળે છે.
નૂરજહાં 11 કે 12 વર્ષનાં હતાં ત્યારે નઝર મોહમ્મદ સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ હતી. એ ઘટના મુંબઈમાં બની હતી.
નૂરજહાં મુંબઈમાં ફિરોઝ નિઝામીના ઘરે સંગીત-ગાયન શીખવા જતાં હતાં. એ દિવસોમાં નઝર મોહમ્મદ પણ પંજાબની ક્રિકેટ ટીમ સાથે મુંબઈ આવતા હતા.
નૂરજહાં અને નઝર ક્યાં મળ્યા હતા
ઇમેજ સ્રોત, Pakistan Chronicle
વસીમ અકબરને 1972માં આપેલા એક મુલાકાતમાં નૂરજહાંએ કહ્યું હતું, “સાંજનો સમય હતો, હું ગાતી હતી ત્યારે એક દુબળો-પાતળો યુવાન મારા ઓરડામાં દાખલ થયો અને મને ધારીને જોવા લાગ્યો હતો.”
“મેં પહેલાં તો તેના પર ધ્યાન આપ્યું ન હતું, પરંતુ તેણે મને તાકીને જોવાનું બંધ ન કર્યું એટલે મેં ફિરોઝ સાહેબને પૂછ્યું હતું કે આ છોકરો કોણ છે અને મને સતત શું કામ જુએ છે?”
“મને ગુસ્સે થયેલી જોઈને તેનો ચહેરો ઝંખવાઈ ગયો હતો, પરંતુ ફિરોઝ સાહેબે તેને કશું કહ્યું નહીં. તેમણે મને કહ્યું હતું કે એ મારો નાનો ભાઈ છે.”
“બહુ સારો ક્રિકેટર છે અને સારો ગાયક પણ છે. મેં રેડિયો પર ક્યારેય તેમની ગઝલો સાંભળી ન હતી.”
“લાહોરથી મુંબઈ આવ્યે તેને કેટલો લાંબો સમય થઈ ગયો? હવે એ મારી પાસે આવ્યો છે.”
નૂરજહાંએ ગઝલ ગાવાનો આગ્રહ નઝર મોહમ્મદને કર્યો.
પહેલાં તો તેઓ ખચકાયા હતા, પરંતુ બાદમાં તેમણે કે. એલ. સાયગલની એક ગઝલ ગાઈ સંભળાવી. નઝર મોહમ્મદની શૈલી શાસ્ત્રીય હતી, પરંતુ તેમના અવાજમાં જબરો જોશ હતો.
નૂરજહાંના જણાવ્યા અનુસાર, તેમણે બહુ ઓછા પુરુષ ગાયકોને આટલા સારા અવાજમાં ગાતા સાંભળ્યા હતા અને નઝર મોહમ્મદના અવાજમાં મર્દાનગીનો રણકાર હતો.
નૂરજહાં અને નઝર વચ્ચે ધીમે-ધીમે પ્રેમ પાંગર્યો.
બન્નેએ ક્યારેય અલગ ન થવાના સોગંદ લીધા. એકમેકને વચનો આપ્યાં અને એક નવી જિંદગી શરૂ કરી.
તેઓ બે-ત્રણ વર્ષ એકમેકને મળતા રહ્યાં. એક દિવસ નઝર મોહમ્મદે નૂરજહાંને જણાવ્યું હતું કે તેઓ તેમનાં માતા-પિતાના આગ્રહને ટાળી શક્યાં નથી તેમની સગાઈ તેમના સંબંધીની એક છોકરી સાથે થઈ ગઈ છે.
નઝરે નૂરજહાંને એક લાંબો પત્ર લખ્યો હતો અને તેમાં સગાઈનું કારણ જણાવ્યું હતું.
નઝર મોહમ્મદે લખ્યું હતું, “મારી જાન, તું એવું વિચારતી હશે કે મેં મારી મરજીથી આ છોકરી સાથે સગાઈ કરી છે અને તારી સાથે દગો કર્યો છે.”
“તું આવું વિચારતી હોય તો તે ગેરસમજ છે. હું અલ્લાહના સોગંદ ખાઈને કહું છું કે હું બેવફા નથી. હું આજે પણ માત્ર તને પ્રેમ કરું છું અને આજીવન કરતો રહીશ.”
“એ પ્રેમને દુનિયાની કોઈ તાકાત ઓછો કરી શકશે નહીં.”
“મેં સગાઈને તોડવાના અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ સગાઈ તોડી શકાઈ નહીં. જે છોકરી સાથે મારી સગાઈ થઈ છે, તેની કહાણી એટલી દર્દનાક છે કે તે સગાઈ તૂટવાનો આઘાત સહન કરી શકશે નહીં અને તેનું ભવિષ્ય કાયમ માટે અંધકારમય બની જશે.”
“એ છોકરી આ દુનિયામાં એકદમ એકલી છે. તેનાં માતા-પિતાનું નિધન બહુ નાની વયે થયું હતું. તેને કોઈ ભાઈ-બહેન નથી અને તે અમારી સંબંધી પણ છે.”
“તેથી મારાં માતા-પિતા અને બહેનો કોઈ પણ કિંમતે આ સંબંધ તોડવા રાજી નથી.”
“હું તને પહેલાં કરતો હતો એટલો જ પ્રેમ આજે પણ કરું છું અને મર્યા પછી પણ મારો પ્રેમ બદલાશે નહીં. હું ભલે મરી જાઉં, મારો આત્મા તને પ્રેમ કરતો રહેશે.”
નૂરજહાં અને નઝર મોહમ્મદની પ્રેમકથાનું પહેલું પ્રકરણ આ રીતે સમેટાઈ ગયું હતું.
એ પછી શૌકત હુસૈન રિઝવી નૂરજહાંના જીવનમાં આવ્યા અને બન્નેનાં નિકાહ થઈ ગયાં.
નૂરજહાં અને શૌકત હુસૈન રિઝવીનાં લગ્નના આઠ-દસ દિવસ પછી નઝર મોહમ્મદના પણ નિકાહ થઈ ગયાં.
શૌકત અને નૂરજહાંના પ્રેમ અને લગ્નેત્તર સંબંધની કહાણી
પાકિસ્તાનની સ્થાપના બાદ નૂરજહાં અને શૌકત હુસૈન રિઝવી પાકિસ્તાન આવ્યાં.
તેમને લાહોરમાં શાહ નૂર સ્ટુડિયો ફાળવવામાં આવ્યો અને તેમણે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.
શૌકત હુસૈન રિઝવી એક વ્યભિચારી વ્યક્તિની છાપ ધરાવતા હતા. નૂરજહાંએ કથિત રીતે તેમને અનેક અભિનેત્રીઓ સાથે કઢંગી હાલતમાં ઘણીવાર પકડ્યા હતા.
નૂરજહાંએ પોતાના સવાલોના જવાબ મેળવવા માટે નઝર મોહમ્મદ સાથે ફરી સંપર્ક સ્થાપવાનો નિર્ણય કર્યો હતો અને નઝર મોહમ્મદને શોધવામાં સફળ થયાં હતાં.
નઝર મોહમ્મદે એ દિવસોમાં ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ભારત સામેની લખનૌ ટેસ્ટમાં સદી ફટકાર્યા પછી તેઓ સુપરસ્ટાર બની ગયા હતા.
નૂરજહાંએ મુલાકાતમાં કહ્યું હતું, “એક દોસ્ત અને ભાઈની માફક નઝરને મળીશ એવું મેં વિચાર્યું હતું, જેથી શૌકતને અમારી મુલાકાતોની ખબર પડે તો તેની અક્કલ ઠેકાણે આવે અને પોતાની કૂટેવો છોડી દે.”
“હું નઝરને નિકાહ પછી પણ મળતી હોવાની શંકા શૌકતને પહેલેથી જ હતી, પરંતુ હું કહું છું કે લગ્ન બાદ મેં નઝરને મળવાનું તદ્દન બંધ કરી દીધું હતું એ અલ્લાહ જાણે છે.”
“શૌકત યાસ્મીનને છોડશે નહીં તેની ખાતરી થઈ ગયા બાદ હું નઝરને ફરી મળી હતી.”
આ રીતે નૂરજહાં અને નઝર મોહમ્મદ વચ્ચેનો મુલાકાતોનો સિલસિલો ફરી શરૂ થયો.
હવે શૌકત હુસૈન રિઝવીએ આ સંદર્ભે કહેલી કથા સાંભળીએ.
વિખ્યાત પત્રકાર મુનીર અહમદને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શૌકત હુસૈન રિઝવીએ આ કથા જણાવી હતી.
શૌકત હુસૈન રિઝવીએ કહ્યું હતું, “નૂરજહાં તથા નઝર વચ્ચેનું અફેર એટલું વધી ગયું હતું અને એ વાત એટલી ફેલાઈ ગઈ હતી કે મારો ડ્રાઇવર તેમજ અન્ય લોકો તેની વાતો મને કરતા હતા. મારા ડ્રાઇવર આમિર હસને મને કહ્યું હતું કે સાહેબ, બહુ બદનામી થઈ રહી છે.”
નઝર અને નૂરજહાં સાથે હતા ત્યારે…
ઇમેજ સ્રોત, Social Media
આમિર હસને એક દિવસ શૌકત હુસૈન રિઝવીને જણાવ્યું હતું કે તે દોઢ કલાક પહેલાં નૂરજહાંને ઇસ્લામિયા પાર્ક ખાતે કારમાં મૂકી આવ્યો છે.
શૌકત હુસૈન રિઝવીએ કહ્યું હતું, “ત્યાં એક બાબા રહેતા હતા. તેમની એક ફાર્મસી હતી. એ બન્ને તેમના ઘરે મળતાં હતાં.”
“હું મારા દોસ્તોને બે કારમાં બેસાડીને તરત ઇસ્લામિયા પાર્ક તરફ ભાગ્યો. અમે બાબાના ઘરને ઘેરી લીધું હતું. બાબા પાસે જઈને મેં પૂછ્યું હતું કે નૂરજહાં ક્યાંથી આવી છે?”
“બાબાએ પૂછ્યું- નૂરજહાં કહાં હૈ? મેં તેમને ગુસ્સામાં કહ્યું કે ‘તમે નૂરજહાંને નથી ઓળખતા? હું બધું જાણું છું.’ બાબાના ઘરમાં જતી સીડીના પગથિયાં હું ચડવા લાગ્યો.”
“એ બૂઢો મને રોકી શક્યો નહીં. મારામાં બહુ તાકાત હતી. બૂઢો ગુસ્સામાં બરાડવા લાગ્યો.”
“તેથી નૂરજહાં અને નઝર આમતેમ ભાગવા લાગ્યાં. ત્યાં સુધીમાં હું ઉપર પહોંચી ગયો હતો.”
“ત્યાં વરંડામાં નૂરજહાં અને નઝર એક પલંગમાં સાથે સૂતેલાં હતાં. એ વખતે મારી પાસે પિસ્તોલ હોત, તો ગોળીબાર કરીને મેં નૂરજહાં તથા નઝરને એકસાથે મારી નાખ્યાં હોત.”
“નઝર ગભરાઈને બેઠો થઈ ગયો અને 25 ફીટની ઉંચાઈ પરથી નીચે ભૂસકો માર્યો. પડવાથી તેનો હાથ ભાંગી ગયો હતો.”
“નૂરજહાં નીચે આવીને રડવા લાગી. ચીસો પાડતી કહેવા લાગી કે ‘આ મારા ખાવિંદ છે, એ મારા પર બરાડી રહ્યા છે. તેઓ આવારા અને બદમાશ છે. તેઓ મારા દ્વારા પૈસા કમાય છે, પોતે છોકરીઓ ફેરવે છે. તેઓ આવા-તેવા છે. ગુંડાગીરી કરે છે. હું નઝરને પ્રેમ કરું છું.'”
“નૂરજહાં બે કલાક સુધી ચીસો પાડતાં રહ્યાં. પછી સ્થાનિક લોકો આવ્યા. લગભગ 200 લોકો ત્યાં એકઠા થયા હતા.”
“મને સારી રીતે ઓળખતા લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા.”
“ક્રેસન્ટ ફિલ્મ્સના મિયાં રહેમાન પણ ત્યાં આવ્યા હતા. તેઓ નૂરજહાંને તેમની સાથે લઈ ગયા હતા.”
“નઝરને તેઓ પણ ઓળખતા હતા. નઝર ત્યાં અર્ધબેભાન અવસ્થામાં પડ્યો હતો.”
“એ બહુ સારો ખેલાડી હતો. આપઘાતથી તેનું મોત થયું હતું. હાથ ભાંગ્યા પછી તે નકામો થઈ ગયો હતો.”
શૌકત હુસૈન રિઝવીના જણાવ્યા અનુસાર, ‘પતિને સાચા રસ્તે લાવવા માટે આવું કરવું જ પડશે,’ એવું નૂરજહાં માનતાં હતાં, પરંતુ “હું પૂછું છું કે પતિ હીરામંડીમાં (લાહોરમાં સેક્સવર્કર્સ માટેની જગ્યા) જશે, તો તમે પણ હીરામંડીમાં જશો? તેણે મારી સાથે શું નથી કર્યું?”
“હવે એ કહે છે કે તે નિવેદન આપશે. કદાચ એવું કહેશે કે હું તેને લોકોની સામે પેશ કરતો હતો.”
નઝર મોહમ્મદની નજરે એ ઘટના
ઇમેજ સ્રોત, Pakistan Chronicle
નૂરજહાં સાથેના પોતાના સંબંધ બાબતે નઝર મોહમ્મદ આજીવન મૌન રહ્યા હતા, પરંતુ જીવનના અંતિમ સમયમાં તેમણે પત્રકાર ઇબ્ન યૂનુસને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
ઉપરોક્ત ઘટનાની થોડી વિગત તે ઇન્ટરવ્યૂમાં પ્રકાશિત થઈ હતી. તુફૈલ અખ્તરના પુસ્તક ‘નૂર જહાં, ફિતર જહાં’ પુસ્તકમાં તે ઇન્ટરવ્યૂ સામેલ છે.
નઝર મોહમ્મદે કહ્યું હતું, “નૂરજહાં સાથે મારી મુલાકાત મારા ભાઈ ફિરોઝ નિઝામીને કારણે થઈ હતી. તેઓ બહુ જ મોટા અને વિખ્યાત સંગીત દિગ્દર્શક હતા તેમજ નૂરજહાંને ગાયનનો રિયાઝ ઘણી વખત કરાવતા હતા.”
“નૂરજહાં જાણતી હતી કે હું એક વિખ્યાત ક્રિકેટર છું. હું નૅશનલ ક્રિકેટ ટીમનો સભ્ય છું, પરંતુ તેને ક્રિકેટમાં કોઈ રસ ન હતો અને ક્રિકેટને કારણે તે મારા તરફ આકર્ષિત થઈ ન હતી.”
“મારા મર્દાના અને પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે નહીં, પરંતુ ગાયનની સમજ, સંગીતરચનાઓના જ્ઞાન તથા મારા સૂરીલા અવાજને કારણે નૂરજહાં મારા ભણી આકર્ષાઈ હતી.”
“બહુ ઓછા લોકો જાણતા હશે કે હું બહુ સારો ગાયક છું અને નૂરજહાંના મારા પ્રત્યેના લગાવનું મુખ્ય કારણ એ જ હતું.”
નઝર મોહમ્મદના કહેવા મુજબ, “નૂરજહાં મારી પાસે બેસીને કલાકો સુધી ગાતી હતી અને હું તેને સાંભળતો રહેતો હતો.”
“નૂરજહાંને જે રીતે ગાતાં મેં સાંભળી છે તેવી રીતે કોઈએ નહીં સાંભળી હોય. એ મારા માટે ગાતી હતી.”
“નૂરજહાં એ દિવસોમાં શૌકત હુસૈન રિઝવીની પત્ની હતી, પરંતુ હું તેને શૌકત હુસૈન રિઝવીની પત્નીને બદલે સોનાની ચકલી કહીશ. શૌકત હુસેને નૂરજહાંને બહુ લૂંટી અને બહુ હેરાન કરી.”
“વાસ્તવમાં શૌકત હુસૈન રિઝવી આ વાત જાણતા ન હતા. એ વખતે શૌકત અને નૂરજહાં પૂંછ રોડ પરના ઇસ્લામિયા પાર્કમાં રહેતા હતા.”
“અમે ચિરાગદીનની દુકાન પર મળતા હતા અને નૂરજહાંની નોકરાણી અમારી ગુપ્ત એજન્ટ હતી.”
“સંજોગવશાત્ એ નોકરાણીની જગ્યાએ નવી નોકરાણીની નિમણૂક થઈ હતી. એ સમયે નૂરજહાંએ મને તેના ઘરે બોલાવ્યો હતો.”
“અમે એક ઓરડામાં વાતો કરતા હતા. શૌકત હુસૈન રિઝવી ક્યારે ત્યાં આવી ગયા તેની ખબર અમને પડી નહીં. અમે બન્ને ક્યા ઓરડામાં છીએ તે નોકરાણીએ તેમને જણાવ્યું હતું.”
ઇમેજ સ્રોત, Hina Durrani
એ ઘટનાનું વર્ણન કરતાં નઝર મોહમ્મદે કહ્યું હતું, “એ ઓરડામાં આવ્યો. તેને જોતાં જ હું ભાગ્યો. મારી સામે એક દિવાલ હતી.”
“દિવાલ પર ચડીને હું બીજી તરફ કૂદી ગયો. હું પટકાયો ત્યારે કમનસીબે મારો હાથ નીચે હતો. હાથ ભાંગીને બેકાર થઈ ગયો. હું ફરી ક્યારેય (ક્રિકેટ) રમી શક્યો નહીં. નૂરજહાંના પ્રેમ માટે મેં મારા હાથનું બલિદાન આપ્યું અને એ સાથે મારી ટેસ્ટ (ક્રિકેટની) કારકિર્દી પણ ખતમ થઈ ગઈ.”
“શૌકત હુસૈન રિઝવીએ તે ઘટનાનો ઉપયોગ નૂરજહાંને તલાક આપવા માટેના ખાસ કારણ તરીકે કર્યો હતો.”
“હકીકતમાં શૌકત તથા યાસ્મીનનો પ્રેમ ચરમસીમાએ હતો અને નૂરજહાંથી છૂટકારો મેળવવા માટે શૌકત એક કારણ શોધી રહ્યો હતો.”
‘બાળકોને આપણે સાથે ઉછેરીશું, તમે…’
ઇમેજ સ્રોત, Hina Durrani
તલાક પછી નૂરજહાંએ નઝર મોહમ્મદ સાથે લગ્નની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં નઝર મોહમ્મદ મુબાશિર નઝર અને મુદસ્સર નઝર નામનાં બે બાળકોના પિતા બની ગયા હતા.
નૂરજહાંએ નઝર મોહમ્મદને કહ્યું હતું, “બાળકોને આપણે ઉછેરીશું. તમે તમારી પત્નીને તલાક આપી દો.”
નઝર મોહમ્મદે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મેં નૂરજહાંને સવાલ કર્યો હતો કે મુબાશિર અને મુદસ્સર મોટા થઈને મને પૂછશે કે તમે અમારી માતાને તલાક શા માટે આપ્યા હતા તો હું શું જવાબ આપીશ?”
“હું મારી જાતને અન્યાય કરી શકું, પરંતુ મારી નિર્દોષ પત્ની અને બાળકો સાથે અન્યાય નહીં કરું. મારાથી નિરાશ થઈને નૂરજહાંએ એજાઝ સાથે લગ્ન કર્યાં હતાં.”
“મને જણાવ્યા પછી તેણે એજાઝ સાથે શાદી કરી હતી. તેના લગ્નના એક દિવસ પહેલાં સાથે હતા અને શાદી પછી તે અન્ય કોઈની સાથે હતી.”
“તે દગાબાજોને ક્યારેય માફ કરતી ન હતી અને બદલો લેતી હતી, પરંતુ તેણે મને કશું કહ્યું ન હતું, કારણ કે એ મને બહુ પ્રેમ કરતી હતી.”
“એ જાણતી હતી કે મને તેની દોલતમાં કોઈ દિલચસ્પી નથી અને તેની લોકપ્રિયાતનું મારા માટે કોઈ મહત્ત્વ નથી.”
એ દિવસોમાં નઝર મોહમ્મદ એટલા વિખ્યાત હતા કે તેમના હાથમાં ફ્રૅક્ચર થયાના સમાચાર ઇંગ્લૅન્ડ પહોંચ્યા ત્યારે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મૅચ રમાઈ રહી હતી.
બન્ને ટીમોના કૅપ્ટનોએ એકમેકની સાથે વાતચીત કરીને નઝર મોહમ્મદની ટેસ્ટ કારકિર્દીના અકાળ, દુઃખદ અંત બાબતે શોક વ્યક્ત કર્યો હતો અને રમત એક મિનિટ અટકાવીને મૌન પાળ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



