Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 2 કલાક પહેલા
વાંચવાનો સમય: 6 મિનિટ
‘તેમણે જે કર્યું, તેને તો ભારત પણ નહીં સમજી શકે.’
‘આ ભારતની સામે મહત્ત્વનું પત્તું સાબિત થશે.’
પાકિસ્તાન અને અમેરિકાની ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી ટી20 વર્લ્ડકપ મૅચ દરમિયાન ભારતની એક ચૅનલ પર કૉમેન્ટરી દરમિયાન આ ચર્ચા થઈ રહી હતી. અને આ વાતો પાકિસ્તાની બૉલર ઉસ્માન તારિકની થતી હતી, જેમની અલગ બૉલિંગ ઍક્શન અગાઉ પણ ચર્ચાના કેન્દ્રમાં રહી છે.
ગયા મંગળવારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ટી20 મૅચમાં અમેરિકાને 32 રનથી હરાવ્યું હતું અને આ મૅચમાં ઉસ્માન તારિકે 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી હતી.
આ મૅચની કેટલીક ક્લિપ્સ ભારતમાં પણ સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાવા લાગી. કેટલાક યૂઝર્સે ઉસ્માન તારિકની બૉલિંગ ઍક્શન પર સવાલ કર્યા અને કેટલાકે એવો સવાલ પણ કર્યો કે ઉસ્માન જે રીતે બૉલ ફેંકતાં પહેલાં થોડું અટકે છે, શું તે નિયમો અનુસાર બરાબર છે?
જોકે, આ બધી ચર્ચાઓ વચ્ચે ભારતના પૂર્વ સ્પિનર આર અશ્વિને ઉસ્માન તારિકનો બચાવ કર્યો છે.
ભારતના પૂર્વ ક્રિકેટર શું કહે છે?
ઇમેજ સ્રોત, Getty Images
શ્રીવત્સ ગોસ્વામી નામના એક સોશિયલ મીડિયા યૂઝરે ઍક્સ પર અમેરિકાના એક બૅટ્સમૅન ઉસ્માનના બૉલથી આઉટ થયા તેનો વીડિયો શૅર કર્યો.
વીડિયોમાં ઉસ્માન બૉલ ફેંકતાં પહેલાં સહેજ અટકતા જોવા મળે છે.
શ્રીવત્સ ગોસ્વામીએ આ વીડિયોની સાથે લખ્યું, “ફૂટબૉલમાં પણ ખેલાડીઓને હવે પેનલ્ટી રન-અપ દરમિયાન પૉઝની મંજૂરી નથી. આ કઈ રીતે ઓકે છે? ઍક્શન બરાબર છે, પરંતુ પૉઝ? એ પણ ત્યારે, જ્યારે બૉલ ડિલિવર કરવાનો છે! આ ન ચાલે.”
આર અશ્વિને શ્રીવત્સ ગોસ્વામીની આ પોસ્ટને જ ક્વૉટ કરીને લખ્યું, “એ સાચું કે ફૂટબૉલમાં તેની મંજૂરી નથી, પરંતુ જો કોઈ બૅટ્સમૅનને અમ્પાયરને જાણ કર્યા વિના બૉલને બીજી તરફ સ્વિચ કરવા કે રિવર્સ કરવાની મંજૂરી છે, તો બધા પ્રતિબંધો માત્ર બૉલરો માટે જ કેમ છે? બૉલરને તો અમ્પાયરને જાણ કર્યા વગર બીજા હાથથી બૉલિંગની પણ મંજૂરી નથી. પહેલાં આ નિયમ બદલવો જોઈએ.”
તો, પૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપડાએ એક વીડિયોમાં પાકિસ્તાની સ્પિન બૉલિંગને મજબૂત ગણાવતાં ઉસ્માન તારિકની ઍક્શનને રસપ્રદ ગણાવી.
તેમણે કહ્યું, “ઉસ્માનની ઍક્શન ઇન્ટરેસ્ટિંગ છે. એવું લાગે છે કે તમે ટીવી જોઈ રહ્યા હો અને અચાનક કોઈએ પૉઝ કરી દીધું હોય. તેઓ અટકી જાય છે અને પછી બૉલ ફેંકે છે. ધીમો ફેંકે છે. મને નથી લાગતું કે તેમાં કોઈ પણ મુશ્કેલી છે. તે બરાબર છે. તમે ઊભા રહીને પૉઝ લઈને બૉલિંગ કરી શકો છો. તેનો કશો નિયમ નથી. અને જે ધીમા બૉલ ફેંકે છે, તેમાં પણ કોણી બેન્ડ (વળતી) થતી નથી દેખાતી.”
જોકે, આકાશ ચોપડાએ એમ જરૂર પૂછ્યું કે શું હાથ વાળ્યા વગર બૉલની સ્પીડને 20થી 25 કિલોમીટર સુધી વધારવી શક્ય છે?
ચર્ચા એટલી વધી ગઈ કે આર અશ્વિને ઍક્સ પર બીજી એક લાંબી પોસ્ટ લખી. તેમણે કહ્યું, “પહેલી વાત તો એ કે ઍક્શન બરાબર છે કે નહીં તેની તપાસ તો આઇસીસીના બૉલિંગ ઍક્શન ટેસ્ટિંગ સેન્ટર પર જ થઈ શકે છે.”
“બીજી વાત એ કે એક 15 ડિગ્રીનો નિયમ છે. જેના અનુસાર, બૉલરે પોતાની કોણી સીધી કરવાની હોય છે. અને અમ્પાયર માટે મેદાન પર એ નક્કી કરવું અશક્ય છે કે બૉલર 15 ડિગ્રીએ જ બૉલ ફેંકી રહ્યો છે કે નહીં.”
તેમણે લખ્યું, “આનો એક જ ઉકેલ છે કે તમે એક રિયલ ટાઇમ કૉમ્પિટિશન ટેસ્ટિંગ ટૂલ લઈ આવો. કેમ કે, આ એક અસ્પષ્ટ મુદ્દો છે અને કોઈના પર પણ આ અસ્પષ્ટ મુદ્દાનો લાભ લેવાનો આરોપ કરવો ખોટું છે. જ્યાં સુધી બૉલનો સવાલ છે કે ક્રીઝની અંદર લીધેલો પૉઝ લીગલ છે કે નહીં?, તો હું માનું છું કે એ પૂર્ણ રીતે માન્ય છે, કેમ કે, આ તેમની રેગ્યુલર બૉલિંગ ઍક્શન છે.”
ઉસ્માન તારિકે પોતાની બૉલિંગ ઍક્શન વિશે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images/BBC
લગભગ એક વર્ષ પહેલાં ઉસ્માન તારિકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમની બૉલિંગ ઍક્શન એટલા માટે સામાન્ય નથી દેખાતી, કેમ કે તેમને ‘બે કોણી’ છે.
તેમણે જણાવ્યું કે તેમની બૉલિંગ ઍક્શન સામે જ્યારે વાંધો ઉઠાવાયો હતો, ત્યારે તેઓ ડૉક્ટર પાસે ગયા હતા અને તેમણે પોતાના બંને હાથની તપાસ કરાવી હતી.
ઉસ્માન તારિકે જણાવ્યા અનુસાર, તેમની શારીરિક રચના કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરતાં અલગ છે. તેમણે કહ્યું, “આવું જન્મથી જ છે અને બે કોણીના કારણે મારો હાથ સીધો નથી થઈ શકતો.”
બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા વર્ષે 7 મેએ એક નિવેદનમાં કહેલું કે ક્વેટા ગ્લૅડિયેટર્સના સ્પિનર ઉસ્માન તારિકે લાહોરમાં બાયૉમિકેનિક્સ લૅબમાં ટેસ્ટ કરાવ્યો અને ત્યાં તેમની બૉલિંગ ઍક્શન પાસ કરી દેવાઈ હતી.
પીસીબી અનુસાર, 13 એપ્રિલે પીએસએલમાં લાહોર કલંદર્સ સામેની મૅચ દરમિયાન ઉસ્માનની અસામાન્ય બૉલિંગ ઍક્શનની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર પછી આ ટેસ્ટ કરાવાયો હતો.
બૅટ્સમૅન્સ માટે ઍક્શન કેટલી ખતરનાક?
ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન અમેરિકા સામેની મૅચ જીતી ગયા પછી ઇએસપીએન પરની એક ચર્ચા દરમિયાન વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર ઇયાન બિશપે ઉસ્માન તારિકની બૉલિંગ ઍક્શન પર વાત કરી.
તેમણે કહ્યું, “તેઓ અલગ ઍંગલથી બૉલિંગ કરે છે—એ રાઉન્ડ આર્મ, અને પછી ઓવર ધ ટૉપ. તેનાથી તમને બાઉન્સનું અલગ લેવલ મળે છે. પરંતુ તેનાથી વધારે તો એ કે તેઓ બૉલ ફેંકતાં પહેલાં પૉઝ લે છે અને બૅટ્સમૅનના પગ જુએ છે, જેથી એ જાણી શકાય કે બૅટ્સમૅન કઈ દિશામાં જઈ શકે છે, અથવા કયો શૉટ મારી શકે છે. અને પછી તેઓ જે ડિલિવરી કરે છે ત્યારે બૅટ્સમૅનના ઍક્શનને રોકવાની ગણતરીએ થાય છે.”
“તેઓ બૅટ્સમૅનને બૅટના ઑફ સેન્ટર પર બૉલ હિટ કરવા માટે મજબૂર કરે છે. બૅટ્સમૅનને બાઉન્સ કે વેરિએશનનો કશો લાભ નથી થતો. મને લાગે છે કે જ્યાં સુધી તેઓ આવી રીતે જ બૉલિંગ કરતા રહેશે અને પાકિસ્તાની ટીમમાં રહેશે, ત્યાં સુધી તેઓ એક ઍસેટ જ રહેશે.”
બીજી તરફ, પૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમે આ ચર્ચામાં કહ્યું કે એ નાનકડો પૉઝ જ બૅટ્સમૅન પર હાવી થઈ જાય (સરસાઈ અપાવે) છે.
તેમણે કહ્યું, “કેમ કે તેનાથી તેમને અલગ-અલગ વેરિએશન ટ્રાઇ કરવાની સ્વતંત્રતા મળે છે. અને એ જ આપણે અગાઉની કેટલીક મૅચોમાં જોયું છે કે તેઓ (ઉસ્માન) સારામાં સારા અને ટૉપ ઑર્ડર બૅટ્સમૅન્સને પણ આઉટ કરવામાં સફળ રહ્યા. તેમની અનોખી ઍક્શન આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે ખૂબ નિર્ણાયક સાબિત થઈ શકે છે.”
નિયમ શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ઉર્દૂએ લાહોર યુનિવર્સિટી ઑફ મૅનેજમૅન્ટ સાયન્સિસના બાયૉમિકેનિક્સ ઍક્સ્પર્ટ પ્રોફેસર મોહમ્મદ ઓવૈસ પાસેથી આ બાબતનાં ટેકનિકલ પાસાં જાણ્યાં. ભૂતકાળમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બૉલર્સની ઍક્શનના ટેસ્ટ માટે પ્રોફેસર ઓવૈસને પણ નિયુક્ત કરી ચૂક્યું છે.
તેમણે બીબીસી ઉર્દૂના અસદ સોહૈબને કહ્યું, “બૉલિંગ કરતા સમયે અટકવાની વાત કરીએ તો તેમાં કોઈ સમસ્યા નથી, શરત માત્ર એટલી કે (બૉલ ફેંકતાં સમયે) કોણીના ઍંગલમાં પરિવર્તન 15 ડિગ્રીથી વધુ ન હોય. જો કોણીનો વળાંક 15 ડિગ્રી કે તેનાથી ઓછો હોય, તો બૉલ માન્ય ગણાશે.”
તેમણે કહ્યું, “એ નક્કી છે કે જો કોઈ બૉલર અટકી-અટકીને બૉલિંગ કરે, તો તે સમયે પણ આ નિયમ લાગુ રહે છે. આઇસીસીના નિયમોમાં અટકી-અટકીને બૉલિંગ કરવા અંગે કોઈ જ જોગવાઈ નથી, નિયમ માત્ર 15 ડિગ્રી વળાંકની વાત કરે છે.”
પ્રોફેસર ઓવૈસે સમજાવ્યું કે, “ક્યારેક-ક્યારેક બૉલરના હાથની રચનામાં સ્વાભાવિક રીતે જ વધુ સ્થિતિસ્થાપકતા હોય છે. તેથી જો સીધી આંખે જોઈએ તો એવું લાગી શકે છે કે બૉલર ચકિંગ એટલે કે ખોટી ઍક્શનથી બૉલિંગ કરે છે, પરંતુ આઇસીસીના કૅમેરાથી માપવા અને તપાસ કરવાથી તે ચકિંગની શ્રેણીમાં નથી આવતી. એવી પૂરી શક્યતા છે કે પરીક્ષણમાં બૉલરે ચકિંગ કર્યું છે તે સાબિત ન થાય.”
તેમણે જણાવ્યું કે આઇસીસીના નિયમો અનુસાર, કોઈ પણ બૉલરની આર્મ ઍક્શનની તપાસ કરવા માટે જુદા જુદા ખૂણામાં 12 ઇન્ફ્રારેડ આઇઆર કૅમેરા અને બે હાઈસ્પીડ કૅમેરા ગોઠવવામાં આવે છે, જેનાં પરિણામોને પછી આઇસીસી સૉફ્ટવૅરમાં પ્રોસેસ કરાય છે અને એ નિર્ણય લેવાય છે કે ઍક્શન કાયદેસર છે કે અમાન્ય.
ઉસ્માન તારિક કોણ છે?

ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, ઉસ્માન તારિકે નવેમ્બર 2023માં પાકિસ્તાનના નૅશનલ ટી20 કપથી પોતાનો ડેબ્યૂ કર્યો. તેમણે 2024માં પીએસએલમાં પણ ભાગ લીધો, પરંતુ કોઈ ખાસ છાપ ઊભી ન કરી શક્યા.
પરંતુ 2024-25 દરમિયાન ઘરેલુ ક્રિકેટમાં તેમણે શાનદાર પુનરાગમન કરતાં 15 મૅચમાં 22 વિકેટ ઝડપી.
જોકે, આ દરમિયાન બે વાર તેમની બૉલિંગ ઍક્શન સામે ફરિયાદ પણ થઈ. પહેલી વખત વર્ષ 2024ની પીએસએલ દરમિયાન તેમની સામે સવાલ ઊભા થયા.
પરંતુ લાહોર નૅશનલ ક્રિકેટ ઍકેડૅમીમાં ટેસ્ટિંગ પછી તેમને પાસ કરી દેવામાં આવ્યા અને તેમની બૉલિંગ ચાલુ રહી.
પરંતુ ત્યાર પછીની પીએસએલમાં ફરીથી તેમના પર ફરિયાદ થઈ, પરંતુ ત્યાર પછી થયેલી તપાસ પણ તેમણે પાસ કરી લીધી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



