Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આનંદ મણિ ત્રિપાઠી
- પદ, બીબીસી સંવાદદાતા
-
11 મે 2025, 09:39 IST
અપડેટેડ એક કલાક પહેલા
શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામની જાહેરાત થઈ અને બંને દેશો સાંજે પાંચ વાગ્યાથી એકબીજા વિરુદ્ધ જમીન, હવાઈ કે દરિયાઈ સૈન્યકાર્યવાહી બંધ કરવા સહમત થયા.
જોકે, આ પહેલાં બંને દેશોએ એકબીજા પર સામસામે રહેણાક વિસ્તારોમાં ગોળીબાર-તોપમારો કરવાના તથા ‘મહત્ત્વપૂર્ણ માળખા’ને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાના આરોપ મૂક્યા હતા.
વિવાદ અને સૈન્યકાર્યવાહી વચ્ચે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આવેલો નીલમ-ઝેલમ હાઇડ્રો પ્રોજેક્ટ પણ ચર્ચામાં આવ્યો હતો.
પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગના વડા લેફટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ બુધવારે કહ્યું હતું કે ‘ભારતનાં સશસ્ત્ર બળોએ નીલમ-ઝેલમ હાઇડ્રો પ્રોજેક્ટ ઉપર હુમલો કર્યો છે.’
લેફટનન્ટ જનરલ ચૌધરીએ કહ્યું, “જળવિદ્યુત એકમને નિશાન બનાવવું અસ્વીકાર્ય અને ખતરનાક છે.”
તેમના કહેવા પ્રમાણે, ભારતના હુમલાને કારણે ડૅમનાં દરવાજા તથા તેની હાઇડ્રોલિક સિસ્ટમને પ્રોટેક્શન આપતાં યુનિટને નુકસાન થયું હતું.
પાકિસ્તાનની આ વાતને ભારતે નકારી છે. ભારતના વિદેશ સચીવ વિક્રમ મિસરીએ ગુરુવારે કહ્યું, ‘પાકિસ્તાનના આરોપો પૂર્ણપણે ઉપજાવી કઢાયેલા છે.’
વિક્રમ મિસરીએ કહ્યું, “હું કહેવા માગું છું કે તે સંપૂર્ણપણે કપોળ કલ્પિત તથા સદંતર જૂઠાણું છે. ભારતની માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડવા માટે આ વાતનો બહાના તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ હોય, તો એ પછી જે પરિણામ આવે, તેના માટે નિઃસંદેહપણે પાકિસ્તાન જવાબદાર હશે.”
મિસરીએ કહ્યું, “ભારતે માત્ર અને માત્ર આતંકવાદી માળખાંને નિશાન બનાવ્યાં હતાં અને આ માળખાની વિગતો, તેના સ્થાન વિશે બુધવારે માહિતી આપી હતી.”
60 મીટર ઊંચો છે નૌસારી બંધ

ઇમેજ સ્રોત, Getty Images
આ નદીને ભારતમાં કિશનગંગાના નામથી ઓળખવામાં આવે છે.
નીલમ-ઝેલમ હાઇડ્રો પ્રોજેક્ટ પર બનાવાયેલા નૌસારી બંધની ઊંચાઈ 60 મીટર અને લંબાઈ 160 મીટર છે. તેની ઉત્પાદનક્ષમતા લગભગ 969 મેગાવૉટ હોવાનું કહેવાયું છે.
વિશ્વનાં વીજળી સંયંત્રો પર નજર રાખતા ગ્લોબલ ડેટા પાવર ઇન્ટેલિજન્સ સેન્ટર અનુસાર પ્રોજેક્ટનું નિર્માણ 2008માં શરૂ થયું અને 2018માંથી ત્યાં ઉત્પાદનની શરૂઆત થઈ.
એ આસપાસના લગભગ 50-60 કિમીની અંદર આવતા સમસ્ત ક્ષેત્રને વીજળી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે.
વાર્ષિક 50 હજાર કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન

ઇમેજ સ્રોત, Getty Images
નીલમ-ઝેલમ હાઇડ્રો પ્રોજેક્ટ એક રન-ઑફ-રિવર પ્રોજેક્ટ છે. તેમાં પાણીના સંગ્રહની ખૂબ ઝાઝી જરૂર નથી હોતી. આ તકનીકનો એવી જગ્યાએ ઉપયોગ કરાય છે, જ્યાં નદી ખૂબ તીવ્ર ગતિથી વહે છે.
તેના જળાશયની ક્ષમતા દસ મિલિયન ક્યુબિક મીટર છે. આ બંધ 280 ક્યુબિક મીટર પ્રતિ સેકન્ડ પાણીના પ્રવાહને નિયંત્રિત કરે છે. આ બંધની 90 ટકા સંરચના અંડરગ્રાઉન્ડ છે.
પાકિસ્તાનના અખબાર ‘ધ ડૉન’ પ્રમાણે આ પ્રોજેક્ટના નિર્માણમાં 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
નીલમ-ઝેલમ હાઇડ્રો પ્રોજેક્ટથી પાકિસ્તા દર વર્ષે 50 હજાર કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરી રહ્યું છે. તેનાથી એ ઝેલમ નદીમાં આવતા પૂરને પણ નિયંત્રિત કરે છે.
‘સહાનુભૂતિ માટે આરોપ લગાવી રહ્યું છે પાકિસ્તાન’

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના નીલમ-ઝેલમ હાઇડ્રો પ્રોજેક્ટને નુકસાન પહોંચાડવાના આરોપને કેન્દ્રીય જળ આયોગના પૂર્વ અધ્યક્ષ એ. કે. બજાજ વિશ્વ પાસેથી ‘સહાનુભૂતિ મેળવવાની પાકિસ્તાનની યુક્તિ માને છે.’
તેમણે કહ્યું, “પાકિસ્તાન આવી વાતો કરીને વિશ્વનું ધ્યાન મૂળ વાતોથી હઠાવવા માગે છે અને બાલાકોટની માફક પલટવાર કરવા માટે તક શોધી રહ્યું છે.”
તેઓ કહે છે કે, “ડૅમની વાત કરવામાં આવે તો એક-બે પાઉન્ડના બૉમ્બ પડવાથી એક નાનકડું ખાડું માત્ર પડે છે, ના કે ડૅમને મોટું નુકસાન પહોંચે છે.”
તેમણે કહ્યું, “પાકિસ્તાનનો આ પ્રોજેક્ટ ભારતના કિશનગંગા પ્રોજેક્ટની નીચે સ્થિત છે આવી સ્થિતિમાં ભારત અહીં વગર કહ્યે પાણી બંધ કરીને છોડી દે તો વીજળી ઉત્પાદનમાં પાકિસ્તાનને નુકસાન પહોંચી શકે છે.”
તેઓ કહે છે કે પાકિસ્તાનનો આ મોટો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં ચીનના પણ ખૂબ પૈસા લાગેલા છે.
ભારતે 7 મેના રોજ મુઝફ્ફરાબાદનાં બે ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images
નીલમ-ઝેલમ હાઇડ્રો પ્રોજેક્ટથી મુઝફ્ફરાબાદ 41 કિમી દૂર છે અને ભારતે મુઝફ્ફરાબાદમાં 7 મેના રોજ બે સ્થળોએ હુમલો કર્યો હતો.
ભારતીય સંરક્ષણમંત્રાલયે બુધવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સૈન્યે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ‘કુલ નવ સ્થળો’ને નિશાન બનાવ્યાં છે.
મંગળવાર અને બુધવારની રાત્રે થયેલા હુમલાની જાણકારી આપતાં ભારતીય સૈન્યનાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, “પીઓકેના શવાઈ નાલા આતંકી કૅમ્પને નિશાન બનાવાયો. એ લાઇન ઑફ કંટ્રોલથી 30 કિમીના અંતરે સ્થિત છે.”
તેમણે દાવો કર્યો, “આ લશ્કર-એ-તૈયબાનું એક ટ્રેનિંગ સેન્ટર હતું. 22 એપ્રિલ 2025 પહલગામ, 24 ઑક્ટોબર 2024 ગુલમર્ગ અને 20 ઑક્ટોબર 2024 સોનમર્ગમાં હુમલો કરનારા આંતકીઓએ અહીંથી જ તાલીમ લીધી હતી.”
તેમણે કહ્યું, “સૈયદના બિલાલ કૅમ્પ જૈશ-એ-મોહમ્મદનો સ્ટેજિંગ એરિયા છે. એ હથિયાર, વિસ્ફોટક અને જંગલ સર્વાઇવલ ટ્રેનિંગનું કેન્દ્ર પણ હતું.”
બીજી તરફ પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘અહીં શવાઈ નાલામાં સ્થિત એક મસ્જિદ નિશાન બની છે, જેનું નામ મસ્જિદ-એ-બિલા છે. અહીં બિલાલ મસ્જિદ પર સાત હુમલા થયા.’
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS