Source : BBC NEWS

ઇમેજ સ્રોત, UGC
9 કલાક પહેલા
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલામાં ગુજરાતી પરિવારો પણ ભોગ બન્યા છે, જેઓ કાશ્મીરમાં પર્યટન માટે આવ્યા હતા. હાલમાં રામાયણ કથાવાચક મોરારિબાપુની કથા પણ કાશ્મીરમાં ચાલુ છે, જેનું શ્રવણ કરવા માટે કેટલાક પરિવારો ગયા હતા. તેમાંથી કેટલાક લોકો મંગળવારે પર્યટન સ્થળો જોવા માટે પહલગામ ગયા હતા, જ્યાં તેઓ ચરમપંથી હુમલાનો ભોગ બન્યા છે.
ભાવનગરના કાળીયાબીડ નંદનવન સોસાયટી શેરી નંબર 7માં રહેતા એક પરિવારના સભ્યો પણ કથા માટે કાશ્મીર ગયા હતા અને બંદુકધારીઓના હુમલામાં માર્યા ગયા છે.
ભાવનગરના યતિષ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું પહલગામમાં ચરમપંથીઓની ગોળી વાગવાથી મૃત્યુ થયું છે.
દરમિયાન મોરારિબાપુની કથા અને તેમના અન્ય કાર્યક્રમોની સામગ્રીનું પ્રબંધન કરતી સંસ્થા સંગીતની દુનિયાના જણાવ્યા પ્રમાણે હુમલાના પગલે રામકથા સ્થગિત કરવામાં આવી છે.
કાશ્મીર બંધનું એલાન થયું હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકો પોતપોતાની રીતે રવાના થઈ રહ્યા છે. મોરારિબાપુ પણ હવે ભાવનગર જવા રવાના થવાના છે.
કાશ્મીરમાં ચાલી રહેલી રામકથાને સ્થગિત કરવાની ઘોષણા કરતો મોરારિબાપુનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં મોરારિબાપુ એમ કહેતા દેખાય છે કે, “વ્યાસપીઠે હાલમાં કથા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની વ્યવસ્થા અનુસાર ઘરે પાછા જઈ શકે છે. સરકારે કે કોઈ એજન્સીએ અમને અટકાવ્યા નથી. પરંતુ સર્વજન હિતમાં આ નિર્ણય લેવાયો છે.”

ઇમેજ સ્રોત, UGC
યતિષ પરમાર, તેમનાં પત્ની કાજલ પરમાર અને પુત્ર સ્મિત પરમાર 16મી એપ્રિલે સુરેન્દ્રનગરથી જમ્મુ તાવી ટ્રેનમાં મોરારિબાપુની રામકથા સપ્તાહ સાંભળવા કાશ્મીર ગયા હતા. ત્યાર પછી હવે સમાચાર મળ્યા છે કે પહલગામમાં થયેલા ચરમપંથી હુમલામાં યતિષ પરમાર અને સ્મિત પરમારનાં મૃત્યુ થયાં છે.
યતિષ પરમારના સ્વજન નિખિલ નાથાણીએ જણાવ્યું કે, “મારા માતાપિતા અને બહેન-બનેવી પરિવાર સાથે કાશ્મીર ગયા હતા. તેમાંથી મારા બનેવી અને મારા ભાણેજને ગોળી વાગી છે. મારા ભત્રીજા પણ ત્યાં સાથે જ હતા. તેમણે નજરે ઘટના જોઈ હતી. લગભગ પોણા ત્રણ વાગ્યાની આસપાસ તેમણે ફોન પર કહ્યું કે અહીં આતંકવાદી હુમલો થયો છે અને કેટલાય લોકોને ગોળી વાગી છે.”
અન્ય એક સ્વજન પ્રકાશભાઈ નાથાણીએ કહ્યું કે, “મારાં સ્વજનો 16 એપ્રિલે મોરારિબાપુની કથામાં શ્રીનગર ગયા હતા. ત્યાર પછી સાઈટસીઈંગ માટે પહેલગામ ગયા હતા. રાત સુધી અમારી પાસે તેમના વિશે કોઈ માહિતી ન હતી. આજે સવારે લિસ્ટ આવ્યું ત્યારે અમને ખબર પડી કે અમારા ભાણેજ અને બનેવીને ગોળી વાગી છે.”
ભાવનગરના જિલ્લા કલેકટર ડૉ.મનીષ બંસલએ ટેલિફોનિક માહિતીમાં જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃતકોના મૃતદેહને ભાવનગર લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, UGC
મોરારિબાપુએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, UGC
મોરારિબાપુએ બુધવારે સવારે એક વીડિયો સંદેશમાં કહ્યું, “આખો દેશ જાણે છે કે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પહલગામમાં એક દુખદ ઘટના ઘટી જેમાં 26થી 27 લોકો મૃત્યુ પામ્યા છે.”
તેમણે કહ્યું કે, “સૌથી પહેલાં તો અમે આ દિવંગતો પ્રત્યે શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ છીએ. તેમના પરિવારજનોને અમારી દિલસોજી અને સંવેદના પ્રસ્તુત કરીએ છીએ. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તેવી હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ.”
તેમણે કહ્યું, “એક સત્ય ધ્યાનમાં લેવું જોઈએ કે કથાની સાથે જોડાયેલા હતા તેમાંથી કોઈને કંઈ નથી થયું. હાં, કોઈ પર્યટન માટે ગયા હોય અને પછી કદાચ કથામાં આવવાના હોય તેમાંથી કોઈને ક્ષતિ થઈ હોય એવું બની શકે. કોઈ બે દિવસ કથામાં આવ્યા હોય અને પછી ઘૂમવા ગયા હોય એવું હોઈ શકે.”
મોરારિબાપુએ કહ્યું, “આ ઘટના અહીંથી 100 કિમી દૂર બની છે. મીડિયા પ્રશાસન કહે છે કે આની એક મહિના અગાઉ તૈયારી કરવામાં આવી હતી.”
તેમણે એમ પણ કહ્યું, “દુનિયા કહે છે કે કાશ્મીર એ ભારતનું, પૃથ્વીનું સ્વર્ગ છે. તમે લોકો ગયા તે સ્વર્ગ નથી ગયા, પરંતુ સ્વર્ગથી દિવ્યલોક ગયા છો. સારું તો નથી લાગતું, પરંતુ હરિ ઇચ્છા. નિયતીને રડીને કે હસીને કબૂલ કરવી જ પડે છે. તેથી અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. હું મારા પરમસ્નેહી અરુણભાઈને કહીશ કે તમે પાંચ લાખ રૂપિયાનું તુલસીપત્ર આ દિવંગતોના પરિવારોને વહેંચવામાં આવે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS