Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
આજે ઈરાન અને અમેરિકા વચ્ચે ભયંકર તણાવ છે. પરંતુ ઈરાન કોઈ નવો દેશ નથી. તેની સભ્યતા અને સંસ્કૃતિ હજારો વર્ષો પુરાણી છે. એક સમયે હાલના આ ઈરાનના સામ્રાજ્યની જડો યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી વિસ્તરેલી હતી. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત પાંચ લેખ પ્રગટ થશે. પહેલા લેખમાં આપણે જોઈશું કે પર્શિયન સામ્રાજ્યનો ઉદય કેવી રીતે થયો અને ફારસી રાજાઓએ તેમના સામ્રાજ્યને યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી કેવી રીતે વિસ્તાર્યું?
“ઈ.સ. પૂર્વ 559થી 331 સુધી ઈરાની સભ્યતા ઘણી ઉન્નત દશામાં હતી. સમ્રાટ ડેરિયસ એટલે કે દારાના જમાનામાં તેનું સામ્રાજ્ય એટલું વિસ્તૃત અને શક્તિશાળી થઈ ગયું હતું કે યૂનાનીઓને તેમના ડરથી ઊંઘ નહોતી આવતી અને યુરોપ, આફ્રિકા અને એશિયાના દેશો ઈરાની સમ્રાટના નામથી થરથર કાંપતા હતા.”
આ શબ્દો ભારતના પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના છે. નહેરુએ વિવિધ જેલોમાંથી તેમનાં પુત્રી ઇંદિરા ગાંધીને પત્રો લખ્યા હતા, જેમાં દુનિયાના ઇતિહાસ તથા સામ્રાજ્યોની કહાણી તેમણે વર્ણવી છે. આ પત્રોનું એક સંકલન કરીને ‘વિશ્વ ઇતિહાસની ઝલક’ પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં પર્શિયન સામ્રાજ્યની ‘મહાનતા અને તેના પતન’ની કહાણીની ઝલક પણ આપી છે.
ઈરાનનો ઇતિહાસ દિલચસ્પ છે. અહીં હજારો વર્ષોથી અનેક રાજવંશોનું રાજ્ય રહ્યું છે. ઈરાનને ક્યારેક પર્શિયા કે પારસ કે ફારસ કહેવામાં આવતું હતું. એક સમયે આ સામ્રાજ્યનાં મૂળ એશિયા, યુરોપ અને આફ્રિકા સુધી લંબાયેલાં હતાં.
એક સમયે ઇરાક, હાલનું ઈરાન, સીરિયા, જોર્ડન, લેબેનોન, ઇઝરાયલ, પેલેસ્ટાઇન તથા તુર્કી ઉપરાંત અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, તાજિકિસ્તાન તથા પ્રાચીન ભારતના પશ્ચિમોત્તર પ્રદેશો (અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાનના કેટલાક ભાગો) તેનો હિસ્સો હતા. આફ્રિકામાં આ સામ્રાજ્ય ઇજિપ્ત અને લીબિયા સુધી ફેલાયેલું હતું. યુરોપમાં તે ગ્રીસ, બલ્ગેરિયા, રોમાનિયા અને આર્મેનિયા, કૉકેશસનો વિસ્તાર તથા જ્યોર્જિયા સુધી લંબાયેલું હોવાનું ઇતિહાસમાં નોંધાયું છે.
જરથોસ્તી ધર્મના અનુયાયીઓ એટલે કે પારસીઓનું આ સામ્રાજ્ય કેવી રીતે ધૂળમાં મળી ગયું? એવું શું થયું કે એક સમયે વિશ્વના સૌથી વિશાળ અને શક્તિશાળી મનાતા આ સામ્રાજ્યનો અંત આવ્યો? આવો જાણીએ કે દુનિયાના ઘણા ભાગોમાં ફેલાયેલા આ સામ્રાજ્યની કેવી રીતે પડતી થઈ?
પર્શિયન સામ્રાજ્યની શરૂઆત
ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ ઇતિહાસમાં સૌથી મહાન અને વૈભવી સામ્રાજ્યો પૈકીના એક ગણાતા આ સામ્રાજ્યએ માત્ર રાજકીય શક્તિ જ નહીં, પરંતુ સંસ્કૃતિ, ધર્મ, સ્થાપત્ય અને વહીવટી વ્યવસ્થામાં પણ વિશ્વને અનોખો વારસો આપ્યો હતો. મનાય છે કે ઈરાનવાસી ‘આર્ય’ જાતિના હતા. કેટલાક ઇતિહાસકાર કહે છે કે આર્યોનો એક સમૂહ કાસ્પિયન સમુદ્ર મારફતે ઈરાન પહોંચ્યો, જ્યારે કે બીજો સમૂહ ભારતમાં.
ઈ.સ. પૂર્વે 2000માં આ લોકો અહીં આવ્યા હોવાનું અનુમાન છે. અસીરિયાના રાજા સરગોન (સન્નહેરિબ) દ્વિતીયએ ઈ.સ. પૂર્વે 720ની આસપાસ ઇઝરાયલ પર અધિપત્ય જમાવી દીધું, તેમણે યહૂદીઓને ત્યાંથી હઠાવીને મીડ પ્રદેશમાં વસાવ્યા. અસીરિયાનું સામ્રાજ્ય ‘અશ્શૂર સામ્રાજ્ય’ તરીકે પણ ઓળખાય છે. તેમણે ઇઝરાયલમાં વિદેશી આબાદી વસાવી.
બીજી તરફ ઈરાનમાં આવેલા લોકો એટલા શક્તિશાળી થઈ ગયા કે તેમણે પહેલાં અહીંના અસીરિયાવાસીઓને જીત્યા અને પછી બૅબિલોનને જીતી લીધું. ઈરાનના પૂર્વ ભાગમાં આ લોકો રહેતા હતા અને પશ્ચિમ ભાગમાં મીડ લોકો. મીડોની સૈન્ય શક્તિ ઘણી પ્રબળ હતી. મીડોએ એલમના નિવાસીઓને પરાજિત કરી દીધા. હવે તેમના હાથમાં સૂસા નગર આવી ગયું. પછી મીડ અને ઈરાનીઓ વચ્ચે વર્ચસ્વ માટે યુદ્ધો થયાં. અંતમાં સાઇરસ નામના રાજાએ બંને પ્રજાને એક કરીને એક સામ્રાજ્ય ઊભું કર્યું.
સાઇરસ ધ ગ્રેટ
ઇમેજ સ્રોત, Tish Wells/Tribune News Service via Getty Images
આ પહેલાં ઈરાનીઓ મીડ સામ્રાજ્યનો હિસ્સો હતા. સાઇરસે મીડના રાજા વિરુદ્ધ બળવો કર્યો અને તેમના રાજા એસ્ટિએઝને પદચ્યુત કરીને સત્તા કબજે કરી. હવે ફારસ એટલે કે પારસ સત્તાનું કેન્દ્ર બની ગયું અને મીડ તેનું સહાયક.
ઈ.સ. પૂર્વે 549ના અરસામાં સાઇરસે આકેમેનિડ એટલે કે હખમાની વંશના પાયા નાખ્યા. સાઇરસને ‘કુરુશ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાઇરસે લીડિયા, એશિયા માઇનોર એટલે કે હાલના તુર્કી પર પણ અધિકાર જમાવી દીધો. તેનું સામ્રાજ્ય તુર્કીના પશ્ચિમી કિનારા (જ્યાં તેમના પરંપરાગત દુશ્મનો ગ્રીક હતા)થી લઈને વર્તમાન અફઘાનિસ્તાન સુધી ફેલાયું હતું.
સાઇરસે બૅબિલોન જીત્યા પછી ઈ.સ. પૂર્વે 538માં યહૂદીઓને જેરુસેલમમાં પાછા જવાની છૂટ આપી. ઇતિહાસકારો માને છે કે સાઇરસ એ વખતના ઇતિહાસનો સૌથી ઉમદા શાસક હતો. તે વિજેતા હોવા છતાં પરાજિત પ્રજાના ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનો આદર કરતો હતો. તે વખતના ‘ક્રૂર’ ગણાતા યુગમાં એ ‘અકલ્પનીય’ બાબત ગણાતી હતી. સાઇરસના જમાનામાં ઝોરોસ્ટ્રિયન એટલે કે જરથોસ્તી ધર્મ ઈરાનીઓનો મૂળ અને ખાસ ધર્મ બની ચૂક્યો હતો.
બીબીસીના પૂર્વ પ્રેઝન્ટર અને પોલિટિકલ ઍડિટર ઍન્ડ્ર્યૂ મર્ર તેમના પુસ્તક “અ હિસ્ટ્રી ઑફ ધ વર્લ્ડ”માં લખે છે, “યહૂદીઓ જૂડાહ (ઇઝરાયલ) જઈ શકે અને સ્વતંત્ર રીતે પોતાનો ધર્મ પાળી શકે, તે માટે માત્ર તેઓ (સાઇરસ) જવાબદાર હતા. વિસ્થાપિત થયેલા યહૂદીઓ તેમના વતન પરત ફરી રહ્યા હતા. આ બધું ત્યારે શક્ય બન્યું જ્યારે સાઇરસે બૅબિલોન પર કબજો કર્યો.”
તેઓ લખે છે કે ગ્રીક ઇતિહાસકારો માનતા હતા કે પર્શિયનો વિદેશી સંસ્કૃતિ અને પરંપરા બાબતે વધારે રૂઢિચુસ્ત નહોતા.
“સાઇરસે વહીવટની નવી વ્યવસ્થા અપનાવી. તેમણે લોકો વિદ્રોહ ન કરે તે માટે વિવિધ ધર્મો અને પરંપરાને પાળવાની છૂટ આપી. આ પહેલું એવું સામ્રાજ્ય હતું જ્યાં વિવિધ પરંપરા અને સંસ્કૃતિઓ ઉછરી,” ઍન્ડ્ર્યૂ મર્ર લખે છે.
યહૂદીઓ સાઇરસને પોતાના તારણહાર માનતા હતા. તેના જમાનામાં તેને સૂસા, એકબતાના અને બૅબિલોન એમ ત્રણ રાજધાની હતી. તેણે પસારગાદી નગરમાં ભવ્ય મહેલ બનાવડાવ્યો હતો. જોકે, મનાય છે કે તેણે બૅબિલોનિયાના ખાલ્ડિયન સામ્રાજ્યને સમાપ્ત કરવાની સાથે તેની સંસ્કૃતિનો વિનાશ કર્યો હતો.
ઇરાકમાં 1879માં મળેલા ‘સાઇરસ સિલેન્ડર’ને રાજકીય પ્રચારનાં પ્રારંભિક ઉદાહરણોમાંનું એક માનવામાં આવે છે. સાઇરસ સિલિન્ડર તરીકે ઓળખાતો માટીનો એક ટુકડો છે, જેના પર પર્શિયાના રાજાના સુધારાને ક્યુનિફૉર્મ લિપિમાં કોતરવામાં આવ્યા હતા. ઘણા નિષ્ણાતો તેને ‘માનવ અધિકારોનું પ્રથમ જાણીતું ચાર્ટર’ માને છે. તે મુજબ ઈ.સ.પૂ. 539નું વર્ષ હતું અને સાઇરસ મહાન, જેમણે તાજેતરમાં જ બૅબિલોન પર વિજય મેળવ્યો હતો, તેઓ પ્રથમ મહાન વિશ્વ સામ્રાજ્યનું નેતૃત્વ કરશે.
શાસકે ગુલામ હતા તેવા કેદીઓને મુક્ત કર્યા એટલું જ નહીં, પરંતુ તેમને તેમની ભૂમિ પર પાછા જવાની મંજૂરી આપી. તેમણે ડઝનબંધ વંશીય સમુદાયોની પરંપરાઓ અને ધર્મોનો પણ આદર કર્યો. સાઇરસના નેતૃત્વ હેઠળનું સામ્રાજ્ય ‘પહેલું વ્યાપક બહુસાંસ્કૃતિક અને બહુધાર્મિક રાજ્ય’ હતું, એક એવી શક્તિ જેમાં 200 વર્ષ સુધી સ્થિરતા રહી. સાઇરસના પુત્ર કમ્બિસસ (કમ્બોજિયા)એ મિસ્ર (ઇજિપ્ત) પર ચઢાઈ કરીને તેનો મહત્તમ હિસ્સો કબજે કરી દીધો. તેની સામે વિદ્રોહ થયો. ત્યારબાદ ડેરિયસ કે ડેરિયસ ઉર્ફે દારા પ્રથમનું રાજ્ય આવ્યું.
ઈરાનમાં જરથોસ્તી ધર્મ
ઇમેજ સ્રોત, Spencer Platt/Getty Images
પ્રાચીન જરથોસ્તી ધર્મના આદ્યપુરુષ અષો જરથુષ્ટ્ર મનાય છે. જરથુષ્ટ્રને ઝરથુસ્ત્ર કે જરથોસ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. એક મત મુજબ તેમનો સમય ઈ. સ. પૂ. આશરે 7000 ગણાય છે. બીજા મત મુજબ તે વૈદિક યુગની લગભગ સમાંતર છે. તેના આધારે જરથુષ્ટ્ર આશરે ઈ. સ. પૂર્વે 3000 સુધીમાં થયા હોવા જોઈએ.
વિદ્વાનો સામાન્ય રીતે એવું માને છે કે ઈરાનના પ્રાચીન પયગંબર તરીકે મનાતા જરથુષ્ટ્ર (ફારસીમાં ઝરતોશ્ત અને ગ્રીકમાં ઝોરોસ્ટર) ઈસવીસન પૂર્વ 1500થી 1000 વચ્ચે થઈ ગયા. કેટલાક માને છે કે અષો જરથુષ્ટ્રનો જન્મ ઈ.સ. પૂર્વે 600ની આસપાસ હાલના અઝરબૈજાનમાં થયો હતો. ઈ.સ. પૂર્વે 509ની આસપાસ જરથોસ્તી ધર્મની તેમણે સ્થાપના કરી હતી.
જરથોસ્તી ધર્મ ઈરાનનો રાજધર્મ બન્યો હતો અને અન્ય વિસ્તારોમાં પણ જ્યાં ફારસીઓ જઈને વસ્યા ત્યાં (અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન અને મધ્ય એશિયામાં) પણ તેનું પાલન થતું હતું. એક સમય એવો હતો જ્યારે પર્શિયન સામ્રાજ્ય (આજનું ઈરાન) વિશ્વનાં સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ સામ્રાજ્યોમાં એક ગણાતું હતું. પ્રાચીન સમયમાં આકેમેનિડ, પાર્થિયન અને સાસાનિયન વંશો હેઠળ પર્શિયન સંસ્કૃતિએ વિજ્ઞાન, કલા, શાસન અને ધાર્મિક પરંપરામાં અદ્ભુત વિકાસ કર્યો હતો.
જરથોસ્તી ધર્મ, જેને વિશ્વના સૌથી પ્રાચીન એકેશ્વરવાદી ધર્મોમાં ગણવામાં આવે છે, પર્શિયન સામ્રાજ્યનો મુખ્ય આધાર હતો. અગ્નિ મંદિરો (અગિયારી કે આતશ-બહેરામ), શૈક્ષણિક કેન્દ્રો અને સામાજિક સંસ્થાઓ સમગ્ર રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. આથી સ્પષ્ટ થાય છે કે પર્શિયન કે પારસ કે ફારસ સંસ્કૃતિ માત્ર રાજકીય નહીં, પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પણ સમૃદ્ધ હતી. પાછળથી આ જ ધર્મ પર્શિયા એટલે કે પારસ એટલે કે ઈરાનનો રાજધર્મ બની ગયો.
(હવે પછીના લેખમાં આપણે જોઈશું કે કેવી રીતે ફારસી રાજાઓએ ગ્રીક પર આક્રમણ કર્યું અને ઍથેન્સનાં નગરો તબાહ કર્યાં. જવાબમાં સિકંદરે કેવી રીતે પર્શિયાની રાજધાનીને સળગાવી દીધી અને તેના પર કબજો કર્યો?)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



