Source : BBC NEWS

“મારાં માતા કશુંક ખોટું કર્યાંનો અપરાધબોધ અનુભવતાં હશે. મારે તેમને કહેવું પડશે કે મને કોઈ વાંધો નથી, મમ્મી. હું તમને કહેવા ઇચ્છું છું કે તમારો દીકરો ખૂબ જ પ્રેમ અને સ્નેહથી મોટો થયો છે.”
પોતાનાં માતાને આ શબ્દો કહેવા નેધરલૅન્ડ્સથી નાગપુર આવેલા ફાલ્ગુને બીબીસી સંવાદદાતા સાથે વાત કરી હતી.
નેધરલૅન્ડ્સના હીમસ્ટેડના મેયર ફાલ્ગુન બિનેન્ડિજ્ક 40 વર્ષ પછી તેમનાં જૈવિક માતાની શોધમાં નાગપુર આવ્યા છે. તેઓ અત્યાર સુધીમાં ચાર વખત ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે.
ફાલ્ગુને બીબીસીને જણાવ્યું હતું કે તેઓ તેમનાં માતાને મળવા અને તેમને કહેવા ઇચ્છે છે કે તેમના ઉછેરમાં અસમર્થ હોવા બાબતે ચિંતા કરવાની કે દુઃખી થવાની કોઈ જરૂર નથી.
ફાલ્ગુનનો જન્મ 1985ની 10 ફેબ્રુઆરીએ નાગપુરની એક સરકારી હૉસ્પિટલમાં થયો હતો. તેમને શિશુ અવસ્થામાં જ નાગપુરસ્થિત માતૃસેવાસંઘને સોંપી દેવામાં આવ્યા હતા. સંસ્થામાં કામ કરતી એક નર્સે તેમનું નામ ફાલ્ગુન રાખ્યું હતું. તેઓ ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા. એ પછી નેધરલૅન્ડ્સનું એક દંપતી તેમને દત્તક લઈને પોતાની સાથે લઈ ગયું હતું.
ફાલ્ગુનની ભારતમાં મૂળની શોધ
ઇમેજ સ્રોત, Boudewijn de Groot
ફાલ્ગુન નેધરલૅન્ડ્સમાં એક શ્રીમંત પરિવારમાં ઉછર્યા હતા અને ફાલ્ગુનના કહેવા મુજબ, માતાપિતાએ તેમનો ઉછેર બહુ પ્રેમથી કર્યો હતો.
ફાલ્ગુને બીબીસીને એક ઇમેઇલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “મને દત્તક લેવાયો હોવાની હકીકતથી ક્યારેય પરેશાન થયો નથી, કારણ કે તે મારા જીવનનો એક હિસ્સો છે. મને દત્તક લેવામાં આવ્યો છે, એ વાત મને દત્તક લેનારાં માતાપિતાએ ક્યારેય છુપાવી નથી. મને ઍરપૉર્ટ સુધી લઈ ગયેલી એક નર્સનો ફોટો પણ મારી પાસે છે. તે બાળપણની યાદ છે.”
પોતાને દત્તક લેવામાં આવ્યો હોવાની ખબર પડ્યા પછી ફાલ્ગુને પોતાનું મૂળ શોધવાના પ્રયાસ કર્યા હતા અને જન્મદાત્રીની શોધમાં 2017માં નાગપુર આવ્યા હતા.
તેમણે માતૃસેવાસંઘનો સંપર્ક સાધ્યો હતો. જોકે, સંઘ પાસે માતાનું સંપૂર્ણ સરનામું ન હોવાને કારણે ફાલ્ગુન તેમને મળી શક્યા ન હતા.
એ પછી 2024માં ફાલ્ગુને અધિકારીઓની મદદથી ફરી એક વાર તેમનાં જન્મદાત્રીને શોધવાનું શરૂ કર્યું હતું. તેમણે જિલ્લા કલેક્ટર પાસે મદદ માગી હતી.
ફાલ્ગુને કહ્યું હતું, “હું છેલ્લાં આઠ વર્ષથી મારાં જૈવિક માતાને શોધવાના પ્રયાસ કરી રહ્યો છું.”
તેમના કહેવા મુજબ, “શરૂઆતમાં હું એ જાણવા ઇચ્છતો હતો કે હું ક્યાંથી આવ્યો છું. તેમાં હું સફળ થયો અને નાગપુર પહોંચ્યો. મને દત્તક લેનારાં માતાપિતાએ મારાં જૈવિક માતાની શોધ દરમિયાન મને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. તેઓ ખૂબ જ પ્રેમાળ છે.”
ફાલ્ગુને માતાને પત્રમાં શું લખ્યું છે?

ગયા વર્ષે નાતાલની રજાઓ દરમિયાન 21 ડિસેમ્બરે ફાલ્ગુન તેમના પરિવાર સાથે નાગપુર આવ્યા હતા. તેમનાં સંતાનો એ સ્થળ જોવા ઇચ્છતાં હતાં, જ્યાં તેમના પિતાનો જન્મ થયો હતો.
ફાલ્ગુન તેમનાં સંતાનોની ઇચ્છાપૂર્તિ માટે અને જૈવિક માતાને શોધવા નાગપુર પહોંચ્યા હતા.
તેઓ 21 ડિસેમ્બરથી ત્રીજી જાન્યુઆરી સુધી નાગપુરમાં હતા. એ દરમિયાન તેઓ ઘણા લોકોને મળ્યા હતા અને તેમાંથી એક વિનોદ જાધવ નામની વ્યક્તિ હોવાનું ફાલ્ગુને જણાવ્યું હતું.
વરિષ્ઠ જિલ્લા અધિકારી વિનોદ જાધવે પહેલી જ મુલાકાતમાં ફાલ્ગુનનાં માતાને શોધવાની જવાબદારી લઈ લીધી હતી.
વિનોદ જાધવે બીબીસીને કહ્યું હતું, “મેં ફાલ્ગુન જેવી બીજી કોઈ વ્યક્તિ જોઈ નથી, જેણે પોતાના જન્મસ્થળ સાથે આટલો ગાઢ સંબંધ વિકસાવ્યો હોય.”
વિનોદ જાધવે ઉમેર્યું હતું, “ફાલ્ગુન તેમનાં જૈવિક માતાને કોઈ સવાલ પૂછવા માગતા નથી. દીકરાને શા માટે ત્યજી દીધો એ પણ જૈવિક માતાને પૂછવા ઇચ્છતા નથી. તેઓ તેમની ચિંતા દૂર કરવા માગે છે. તેઓ તેમનાં જૈવિક માતાને જણાવવા માગે છે કે તેમણે જે પુત્રને જન્મ આપ્યો હતો એ આજે ઉચ્ચ પદ પર કાર્યરત્ છે. ફાલ્ગુનના કહેવા મુજબ, જૈવિક માતા ઇચ્છશે તો તેઓ તેમને પોતાની સાથે લઈ જશે અને જૈવિક માતાએ ત્યાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરશે.”
ફાલ્ગુને વિનોદ જાધવને એક પત્ર આપ્યો છે અને જણાવ્યું છે કે તેમનાં જૈવિક માતા મળે ત્યારે એ પત્ર તેમના હવાલે કરે. એ પત્ર હિન્દીમાં લખાયેલો છે. વિનોદ નેધરલૅન્ડ્સમાં રહેતા હોવા છતાં હિન્દી શીખ્યા છે.
તેમનાં પત્ની તથા બાળકો પણ હિન્દી શીખ્યા છે. તેમણે તેમનાં ચાર સંતાનોને ભારતીય નામ આપ્યાં છે.
મૂળ વતનમાં માતાને શોધવાની ચાલુ મથામણ

ફાલ્ગુન ગયા ડિસેમ્બરમાં નાગપુર આવ્યા ત્યારે તેઓ માતૃસેવાસંઘના ભૂતપૂર્વ પ્રમુખ મંગલા ભુસારી, વિનોદ જાધવ અને જિલ્લા બાળ સંરક્ષણ અધિકારી મુસ્તાક પઠાણને મળ્યા હતા.
ફેબ્રુઆરીમાં શિશુ ફાલ્ગુનને માતૃસેવાસંઘને હવાલે કરવામાં આવ્યા ત્યારે મંગલા ભુસારીએ તેમનું નામ ફાલ્ગુન રાખ્યું હતું. અગાઉ જણાવ્યું તેમ ફાલ્ગુન હવે નેધરલૅન્ડ્સના એક શહેરના મેયર છે.
મંગલા ભુસારીએ બીબીસીને કહ્યું હતું, “ફાલ્ગુનનાં જૈવિક માતાના સરનામામાં તાલુકાનો ઉલ્લેખ ન હતો. તેથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. જોકે, ફાલ્ગુનને ખાતરી હતી કે તેઓ અહીં આવશે એટલે તેમનાં જૈવિક માતા સાથે મુલાકાત જરૂર થશે. ફાલ્ગુને મને કહ્યું હતું કે તમે મને આ સંસ્થામાં માતાની જેમ ઉછેર્યો છે. તેથી તમે મારાં માતા સમાન છો.”
જિલ્લા અધિકારી ફાલ્ગુનનાં જૈવિક માતાને શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. વિદેશી યુગલો દ્વારા દત્તક લેવામાં આવેલાં બાળકોને તેમના અસલી માતાપિતાને તેમના વતનમાં શોધવાનો અધિકાર છે.
એ કાયદા હેઠળ નાગપુર જિલ્લા વહીવટીતંત્ર ફાલ્ગુનનાં જૈવિક માતાને શોધવાના પ્રયાસ કરી રહ્યું છે.
આ જવાબદારી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મુસ્તાક પઠાણે સંભાળી છે.
મુસ્તાક પઠાણે બીબીસીને કહ્યું હતું, “આ અમારી કાનૂની જવાબદારી છે. અમને મળેલી માહિતી મુજબ, ફાલ્ગુનને તે સંસ્થામાંથી દત્તક લેવામાં આવ્યા હતા. અમે ત્યાંના સામાજિક કાર્યકરો મંગલા ભુસારી અને સેલોકરની મુલાકાત લીધી છે. અમને ફાલ્ગુનનાં જૈવિક માતાના સગાંસંબંધી મળશે તો અમે કાયદા મુજબ જરૂરી પરવાનગી લઈને તેમની મુલાકાત ફાલ્ગુન સાથે કરાવવાની વ્યવસ્થા કરીશું. ફાલ્ગુનનાં જૈવિક માતા અને તેમનાં સગાંસંબંધીને શોધવાના પ્રયાસ ચાલુ છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



