Home તાજા સમાચાર gujrati નર્સ બનવા માટે શું કરવું પડે, કેટલા પગારની નોકરી મળે?

નર્સ બનવા માટે શું કરવું પડે, કેટલા પગારની નોકરી મળે?

5
0

Source : BBC NEWS

નર્સ, મેડિકલ બીબીસી ગુજરાતી કૅરિયર કારકિર્દી, નોકરી બેકારી શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ સાયન્સ કૉલેજ રોજગારી ગુજરાત અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીમાં રહેતાં સ્વાતિ બાળપણમાં જ્યારે પણ પોતાનાં માસીને સફેદ યુનિફૉર્મમાં હૉસ્પિટલે જતાં જોતાં, ત્યારે તેમના મનમાં વિચાર આવતો કે તેમણે પણ એક દિવસ આ જ રીતે લોકોની સેવા કરવી છે.

તેઓ ડૉક્ટર ન બની શક્યાં, પરંતુ તેમણે એ રસ્તો પસંદ કર્યો, જેના વગર કોઈ ડૉક્ટર, કોઈ હૉસ્પિટલ, કોઈ ઑપરેશન થિએટર સંપૂર્ણ ન બની શકે; એટલે કે નર્સ.

સ્વાતિ અત્યારે એક મલ્ટિનૅશનલ આઇટી કંપનીની કૉર્પોરેટ ક્લિનિક સાથે જોડાયેલાં છે.

ભારતમાં હાલના સમયે 39 લાખથી વધારે નર્સ છે. સાંભળવામાં આ સંખ્યા મોટી લાગે છે, પરંતુ 140 કરોડની વસ્તીના હિસાબથી આ સંખ્યા ઓછી છે.

જાણીતા કાર્ડિઍક સર્જન અને નારાયણા હેલ્થના ફાઉન્ડર ડૉક્ટર દેવીપ્રસાદ શેટ્ટી અનુસાર, અમેરિકા અને યુરોપમાં પ્રતિ ડૉક્ટર ચાર-પાંચ નર્સ છે. જો ભારતે પણ આ જ માપદંડ સુધી પહોંચવું હોય, તો તેણે લગભગ વધુ 20 લાખ નર્સની જરૂર પડશે.

તો શું નર્સિંગ નોકરીનો માત્ર એક વિકલ્પ છે કે આગામી સમયની મોટી તક? બારમા ધોરણ પછી આ ફીલ્ડમાં કઈ રીતે જઈ શકાય છે? અને શું તેમાં સારી કૅરિયર બની શકે છે? આજે કૅરિયર કનેક્ટમાં આ વિષય પર વાત કરીશું.

નર્સિંગમાં કયા કયા પ્રોગ્રામ છે?

 નર્સ, મેડિકલ બીબીસી ગુજરાતી કૅરિયર કારકિર્દી, નોકરી બેકારી શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ સાયન્સ કૉલેજ રોજગારી ગુજરાત અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

દેશમાં નર્સિંગના અભ્યાસનું વ્યવસ્થાપન ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ (આઇએનસી)ના હાથમાં છે. તે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે અને એક ઑટોનોમસ બૉડી છે.

ભારતમાં નર્સ બનવા માટે બીએસસી નર્સિંગ સિવાયનો જે પ્રોગ્રામ સૌથી વધુ ચલણમાં છે, તે છે જીએનએમ; એટલે કે જનરલ નર્સિંગ ઍન્ડ મિડવાઇફરી.

તેના ઉપરાંત, એએનએમ, એટલે કે ઑક્સિલિયરી નર્સિંગ ઍન્ડ મિડવાઇફરી પણ એક કોર્સ છે; પરંતુ આ બેઝિક હેલ્થકેર સ્કિલ્સ શીખવા પૂરતો થતો કોર્સ છે.

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ) દિલ્હીના નર્સિંગ ઑફિસર કનિષ્ક યાદવે આને સરળ ભાષામાં સમજાવ્યું, “સામાન્ય રીતે એએનએમ ઓછા સમયમાં થતો ડિપ્લોમા કોર્સ છે. તેનું ફૉકસ માતા-શિશુ સ્વાસ્થ્ય, રસીકરણ, પ્રાથમિક સારવાર અને મોટા ભાગે ગ્રામીણ કે સામુદાયિક આરોગ્યસેવાઓમાં કામ કરવા પર હોય છે.”

તેમણે જણાવ્યું, “જ્યારે જીએનએમ કે બીએસસી નર્સિંગ લાંબો અને વિસ્તૃત અભ્યાસ છે. જીએનએમ ત્રણ વર્ષનો કોર્સ હોય છે અને બીએસસી ચાર વર્ષનો. બંનેય કોર્સ પછી ઇન્ટર્નશિપ પણ હોય છે. એટલે, આ કોર્સ પૂરો કરનાર સંપૂર્ણપણે તૈયાર હોય છે.”

આઇએનસી પર રહેલી માહિતી અનુસાર, એએનએમ માટે બારમું ધોરણ કોઈ પણ સ્ટ્રીમમાં હોઈ શકે છે, પરંતુ જીએનએમ માટે સાયન્સમાં ઓછામાં ઓછા 40 ટકા માર્ક સાથે બારમું પાસ કરવું જરૂરી છે.

ઓછામાં ઓછી વય 17 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ ઉંમર હોવી જોઈએ. સાથે જ સ્ટુડન્ટ મેડિકલી ફીટ હોવા જરૂરી છે.

બીએસસી નર્સિંગ માટે વયમર્યાદા એકસમાન છે.

સાથે જ, બારમા ધોરણમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયૉલોજી, ઇંગ્લિશ કૉર/ ઇંગ્લિશ ઇલેક્ટિવ વિષયો હોવા જોઈએ અને ઓછામાં ઓછા 45 ટકા લાવવા જરૂરી છે.

કનિષ્ક યાદવે જણાવ્યું કે હવે કેન્દ્ર સરકાર હેઠળ આવતી બધી હૉસ્પિટલ નૅશનલ ઍલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ દ્વારા જ નર્સિંગ કોર્સમાં પણ ઍડ્‌મિશન આપે છે. પરંતુ, રાજ્ય સરકારની કૉલેજ કે પછી પ્રાઇવેટ કૉલેજમાં જુદી ઍન્ટ્રન્સ ટેસ્ટના આધારે એડ્‌મિશન મળે છે. સરકારી કૉલેજમાં વાર્ષિક ફી 1 લાખ રૂપિયા સુધી અને પ્રાઇવેટ કૉલેજમાં અલગ-અલગ હોય છે.

નર્સિંગ કઈ રીતે સારો વ્યવસાય છે?

નર્સ, મેડિકલ બીબીસી ગુજરાતી કૅરિયર કારકિર્દી, નોકરી બેકારી શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ સાયન્સ કૉલેજ રોજગારી ગુજરાત અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

થોડા દિવસ પહેલાં જ ભારતમાં સરકારે હેલ્થ વર્કફૉર્સ અંગેના તાજા આંકડા પ્રકાશિત કર્યા હતા અને તેમાં જણાવાયું હતું કે ભારતમાં 1,000 દર્દીએ લગભગ બે નર્સ ઉપલબ્ધ છે.

નર્સિંગના અભ્યાસ માટે દેશમાં 5,310 સંસ્થા છે, જેમાંની 806 સરકારી છે.

દર વર્ષે 3.82 લાખ નર્સિંગ કરનારા પાસ થઈ રહ્યા છે.

એમ્સ દિલ્હી, કૉલેજ ઑફ નર્સિંગ – ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ (સીએમસી) વેલ્લોર, બનારસ હિંદુ યુનિવર્સિટી – ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, કિંગ જૉર્જ મેડિકલ યુનિવર્સિટી લખનઉ, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ચંડીગઢ, સેન્ટ સ્ટીફન્સ હૉસ્પિટલ કૉલેજ ઑફ નર્સિંગ દિલ્હી જેવી કેટલીક સંસ્થાઓ છે જે નર્સિંગ કોર્સ માટે ઘણી સારી ગણાય છે.

સરકારી આંકડા જણાવે છે કે ભારતમાં અત્યારે લગભગ 1 લાખ 20 હજાર બીએસસી નર્સિંગ સીટ છે. તદ્ ઉપરાંત, જીએનએમ, એમએસસી નર્સિંગ અને પીએચડી કરનારા પણ છે.

જોકે, જાણકારો કહે છે કે ઘણી વાર બીજી કોઈ જગ્યાએ સફળતા ન મળવાના કારણે સ્ટુડન્ટ નર્સિંગમાં આવે છે. દાખલા તરીકે, કોઈને એમબીબીએસ કે બીડીએસમાં ઍડ્‌મિશન ન મળી શક્યું, તો તેઓ નર્સિંગમાં આવી ગયા.

નર્સિંગમાં અસંખ્ય શક્યતાઓનો ઉલ્લેખ કરતાં કનિષ્ક યાદવ કહે છે, “દર વર્ષે સરકારી અને પ્રાઇવેટ મળીને હજારો વૅકન્સી આવે છે. પરંતુ અત્યાર સુધી નર્સનું કામ મામૂલી ગણાતું રહ્યું છે. જોકે, કોરોના પછી સ્થિતિ બદલાઈ છે, પરંતુ લોકોને જાગૃત કરવાની જરૂર છે કે નર્સિંગ કોઈ મામૂલી વ્યવસાય નથી. તમે એક દિવસ માટે હૉસ્પિટલ, નર્સિંગ હોમ કે કોઈ પણ હેલ્થ ફૅસિલિટીને નર્સ વગરની કલ્પી જુઓ; શું તે ચાલી શકશે?”

તેમના અનુસાર, “જાગરૂકતા ઓછી હોવાના કારણે સ્ટુડન્ટ માટે એક ફાયદો એ છે કે તુલનાત્મક રીતે સ્પર્ધાત્મકતા પણ ઓછી છે. એટલે કે એક ટીચરની વૅકન્સી માટે જો લાખો અરજી થઈ રહી છે, તો નર્સિંગ માટે એવું નહીં થાય. કેમ કે, એટલા કૅન્ડિડેટ જ નથી.”

ગ્રોથની સંભાવના કેવી છે?

નર્સ, મેડિકલ બીબીસી ગુજરાતી કૅરિયર કારકિર્દી, નોકરી બેકારી શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ સાયન્સ કૉલેજ રોજગારી ગુજરાત અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

જો તમે એએનએમ, જીએનએમ કે બીએસસી નર્સિગ કરવાનું વિચારી રહ્યા છો, તો જાણકારો કેટલીક એવી સ્કિલ જણાવે છે જેના પર અત્યારથી જ કામ શરૂ કરી શકાય છે.

સ્વાતિએ જણાવ્યું, “સૌથી જરૂરી છે કમ્યુનિકેશન. એટલે કે દરદી હોય કે ડૉક્ટર, બંને સાથે સ્પષ્ટ વાત કરવાની છે. એમ્પૅથી/સહાનુભૂતિ, જેથી દરદીની પીડાને સમજી શકાય. ધૈર્ય, કેમ કે લાંબી ડ્યૂટી કરવાની હોય છે, અલગ-અલગ સ્વભાવના લોકો સાથે કામ કરવું પડે છે. અને લીડરશિપ, કેમ કે અચાનક સ્થિતિઓ બદલાતાં તાત્કાલિક નિર્ણય લેવા પડી શકે છે.”

જ્યારે ભવિષ્યમાં મળનારી તક બાબતે કનિષ્ક યાદવે જણાવ્યું, “બીએસસી નર્સિંગ કરનાર તો અધ્યાપનની દિશામાં જઈ શકે છે. જોકે, હવે ઘણા સ્ટુડન્ટ્સ એમએસસી નર્સિંગ અને પીએચડી પણ કરી રહ્યા છે. એ સ્થિતિમાં બીએસસીવાળા મોટી-મોટી સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલ્સમાં સારાં પદો સુધી પહોંચી શકે છે.”

જોકે, નર્સિંગની કૅરિયરમાં આવકના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ બાબત તેના પર નિર્ભર છે કે નોકરી ક્યાં મળી છે.

કનિષ્ક યાદવે કહ્યું, “જો કોઈને કેન્દ્ર સરકારની હૉસ્પિટલમાં નોકરી મળી હોય, તો શરૂઆત જ 80 હજારથી થશે. રાજ્ય સરકારમાં તે ઓછી હશે, કેમ કે ત્યાં ભથ્થાં ઓછાં હોય છે. અને પ્રાઇવેટમાં, હૉસ્પિટલ કેટલી મોટી છે તેના ધોરણે. પરંતુ સામાન્ય રીતે શરૂઆતમાં 25-30 હજાર રૂપિયા મળે છે.”

તેઓ જણાવે છે કે લગભગ સાડા છ લાખ ભારતીય નર્સ બીજા દેશોમાં કામ કરી રહ્યા/રહી છે. એટલે કે, નર્સિંગ પછી જે કોઈ દેશની ઇચ્છા થાય, જરૂરી ટેસ્ટ આપો અને જો પાસ થઈ જાઓ તો ત્યાં જઈને પ્રૅક્ટિસ કરો. સાથે જ ક્લિનિક, સ્કૂલ, આર્મી, ડીઆરડીઓ, ઇસરો પણ નર્સને સારા પૈસા આપે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS