Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલી ધો. 12 સાયન્સ, કૉમર્સ અને વિનયન પ્રવાહ ઉપરાંત ગુજસેટની પરીક્ષાના પરિણામ જાહેર થયાં.
તા. 27મી ફેબ્રુઆરીથી 10મી માર્ચ દરમિયાન ધો. 12 સાયન્સની પરીક્ષાઓ લેવાઈ હતી, જેનું 83.51 ટકા પરિણામ આવ્યું છે.
આ સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભાવિ કૅરિયર અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે. સામાન્યતઃ વિદ્યાર્થીને સ્નાતકની ડિગ્રી મેળવવા માટે ત્રણ વર્ષ અને સ્નાતકોત્તર અભ્યાસ માટે પાંચ વર્ષનો સમય લાગે છે.
એટલે વિદ્યાર્થીઓ એવો કોર્સ કરવા માગતા હોય છે કે જેમાં તેમને રસ પડે, ‘ભવિષ્યલક્ષી’ હોય તથા ‘એવરગ્રીન’ હોય.
વર્તમાન સમયમાં વિદ્યાર્થી માત્ર શિક્ષણ મેળવે તે જરૂરી નથી હોતું, પરંતુ તેની સાથે-સાથે કેટલાક કૌશલ્ય કેળવે તો તે બજારની માગ મુજબ પોતાને ઢાળી શકે છે.
આવી જ કેટલીક નોંધપાત્ર બાબતો વિશે જાણો.
ધો. 12 સાયન્સનું પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત બોર્ડ દ્વારા ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી તથા ઉર્દૂ ભાષામાં પરીક્ષા લેવામાં આવે છે. સામાન્યતઃ સૌથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાં હોય છે. સંખ્યાની દૃષ્ટિએ એ પછી અનુક્રમે અંગ્રેજી, હિંદી, મરાઠી અને ઉર્દૂ માધ્યમના વિદ્યાર્થીઓ હોય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓને ‘A’ અથવા ‘B’ એમ બે ગ્રૂપમાંથી એક પસંદ કરી શકે છે. ‘A’ ગ્રૂપના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ગણિત હોય છે, જ્યારે ‘B’ ગ્રૂપના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં બાયૉલૉજી હોય છે. આ સિવાય તેમણે ફિઝિક્સ-કૅમેસ્ટ્રી અને અંગ્રેજી જેવા વિષય બંને જૂથના વિદ્યાર્થીઓએ ભણવાના રહે છે.
વિદ્યાર્થીઓનું પ્રદર્શન ગ્રેડિંગ સિસ્ટમથી નક્કી થાય છે, જેમાં 91-100 માર્ક્સ મેળવનારને A1, 81-90ની વચ્ચે માર્ક્સ મેળવનારને A2, 71-80 માર્કસ મેળવનારને B1, 61-70 વચ્ચે B2 ગ્રેડ મળે છે.
આ સિવાય C1 (51-60 માર્ક્સ), C2 (41-50 માર્ક્સ), D (33-40 માર્ક્સ), E1 (21-31 માર્ક્સ), 20થી ઓછા માર્ક્સ માટે E2 ગ્રેડ આપવામાં આવે છે.
જેના આધારે તેમના માટે આગળના કોર્સના દ્વાર ખુલતા હોય છે.
ગુજરાતમાં એક લાખ 575 વિદ્યાર્થીઓએ ધો. 12 સાયન્સની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ 83.51 ટકા રહ્યું હતું. લગભગ દસ હજાર રિપીટ વિદ્યાર્થીઓ પણ હતા.
રાજ્યમાં 83.79 ટકા વિદ્યાર્થીઓ અને 83.20 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ હતી. રાજ્યમાં સૌથી ઊંચું પરિણામ ગોંડલ (96.60 ટકા) કેન્દ્રનું રહ્યું હતું. 55.5 ટકા સાથે દાહોદ કેન્દ્રનું પરિણામ રાજ્યભરમાં સૌથી ઓછું રહ્યું હતું.
રાજ્યની 194 શાળાઓનું પરિણામ 100 ટકા રહ્યું હતું, જ્યારે 34 શાળામાં 10 ટકા કરતાં ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
એ ગ્રૂપનું પરિણામ 91.9 ટકા રહ્યું હતું, જ્યારે બી ગ્રૂપનું પરિણામ 78.74 ટકા જેટલું રહ્યું હતું.
JEE,NEET, GUJCET,NATA, AIIMS,IIST અને BITSAT જેવી પ્રવેશ પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચાભ્યાસની તકો ખુલ્લી જતી હોય છે.
ધો. 12 સાન્યસ ‘A’ ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે

ઇમેજ સ્રોત, Getty Images
ધો. 12 સાયન્સમાં ગણિત વિષય લેનારા તથા તેના પ્રત્યે રુચિ રાખનારા વિદ્યાર્થીઓ ‘A’ ગ્રૂપ પસંદ કરે છે. તેમના માટે કૅરિયર કાઉન્સેલર સનત પોપટ જણાવે છે :
“આજે લગભગ 175 વિષયમાં ઍન્જિનિયરિંગ થાય છે. જેમાંથી સિવિલ, મિકેનિકલ, કેમિકલ ઇલેક્ટ્રિકલ તથા કમ્પ્યુટરને કોર બ્રાન્ચ કહેવામાં આવે છે. આ સિવાય ઑટોમોબાઇલ, ઍરોનોટિકલ, આર્કિટેક્ચર રબર જેવી સ્પેશિયલાઇઝ બ્રાન્ચો છે.”
“કોર બ્રાન્ચના લોકો આગળ જતાં રુચિના આધારે અન્ય વિભાગમાં કારકિર્દી ઘડી શકે છે, પરંતુ સ્પેશિયલાઇઝ કરનારાઓને માટે અન્ય બ્રાન્ચ માટેની તકો મર્યાદિત થઈ જતી હોય છે. ડીઆરડીઓ, રેલવે, ઈસરો વગેરે જેવી સંસ્થાઓ કોર ઍન્જિનિયરો માટે જ જાહેરાતો કાઢતી હોય છે.”
સનત પોપટ ઉમેરે છે, “વિદ્યાર્થીઓએ આકર્ષક નામોથી ભરમાવું ન જોઈએ. જેમ કે, આઈટી, કમ્પ્યૂટર સાયન્સ, કમ્પ્યૂટર સાયન્સ ઍન્ડ ટૅક્નોલોજી એક જેવા જ કોર્સ છે. આજે એ.આઈ.ના (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કારણે સૉફ્ટવેર ક્ષેત્રનું પરિદૃશ્ય દિવસે-દિવસે બદલાઈ રહ્યું છે, ત્યારે ચારથી પાંચ વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થી બહાર નીકળે, ત્યારે તેમના સામે બહુ મોટા પડકાર ઊભા થઈ શકે છે.”
“અગાઉ આઈટી નિષ્ણાત ત્રણ મહિનામાં જે સૉફ્ટવેર તૈયાર કરતો હતો, તેને એ.આઈ. ખૂબ જ ઝડપથી કરી આપશે.”

સનત પોપટ વિદ્યાર્થીઓને પોતાના નિયમિત અભ્યાસક્રમની સાથે સેમિકંડક્ટર, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, સાયબર સિક્યૉરિટી, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ફોરેન્સિક્સ, બ્લૉક ચેઇન, વર્ચ્યૂઅલ રિયાલિટી, ઑગ્મેન્ટેડ રિયાલિટી, ઍક્સ્ટેન્ડેડ રિયાલિટી. ડેટા ઍનાલિસિસ, રૉબોટિક્સ, ડ્રોન, ક્વૉન્ટમ, સસ્ટેઇનેબલ ટેકનૉલૉજીમાંવિષયાનુસાર નિપુણતા મેળવવા સૂચન કરે છે.
સનત પોપટ કહે છે, “પહેલાં બૅન્કની એક શાખાને ચલાવવા માટે કદાચ 10-15 લોકોની જરૂર પડતી, તો તે આજે ચાર-પાંચ લોકોથી થઈ જાય છે. એ.આઈ. આવવાના કારણે ચોક્કસથી પડકાર ઊભા થયા છે અને થશે, પરંતુ જો લોકો નિયમિત અભ્યાસ ઉપરાંત કોઈ વિષયમાં નિપુણતા મેળવશે તો તે ટકી શકશે.”
આ સિવાય તેઓ કૉમ્યુનિકેશન, લૅંગ્વેજ (હિંદી, અંગ્રેજી, ગુજરાતી ઉપરાંત ભારતીય કે વિદેશી), અનુકૂલન, ક્રિટિકલ ઍનાલિટિકલ થિંકિંગ, ડિજિટલ લિટરસી, મીડિયા લિટરસી, ટીમ પ્લેયર, લિડરશિપ અને નેટવર્કિંગ જેવી વ્યક્તિત્વલક્ષી સૉફ્ટ સ્કિલ્સ ઉપર પણ ભાર મૂકે છે.
ધો. 12 સાન્યસ ‘B’ ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે

ઇમેજ સ્રોત, Getty Images
ધો. 12મા બાયૉલૉજી વિષય લેનારા ‘B’ ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે કૅરિયર કાઉન્સેલર ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય જણાવે છે, “વિદ્યાર્થીઓ મહદંશે એમબીબીએસમાં પ્રવેશ મેળવવાની ખેવના રાખતા હોય છે. એ પછી ડેન્ટલ, આયુર્વેદિક તથા હૉમિયોપેથીના વિકલ્પો વિશે વિચારતા હોય છે. આ સિવાય પૅરા મેડિકલમાં ફિઝિયોથૅરપી, નર્સિંગ, યુનાની, સિદ્ધ, ડી.ફાર્મ, બી.ફાર્મ, યોગ, જનરલ મિડવાઇફરી, વૅટરનરી ઍન્ડ એનિમલ હસબન્ડરી, બૅચલર ઑફ ઍગ્રિકલ્ચર જેવા કોર્સ થાય છે.”
“વિજ્ઞાનમાં સ્નાતકકક્ષાએ પણ બૉટની, ઝુલૉજી, કમ્પ્યૂટર સાયન્સ, ફૂડ ટેકનૉલૉજી, બાયૉ મેડિકલ સાયન્સ, બાયૉકેમેસ્ટ્રી, જિયૉલૉજી, લૅબ ટેક્નિશિયન સિવાય પ્રૉસ્થેટિક્સ, ઑડિયૉલૉજી ઍન્ડ સ્પીચ, મેન્ટલ રિહૅબિલિટેશન જેવા બિનપરંપરાગત કોર્સ થઈ શકે છે.”
બીએસસી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ફાર્મસી, ડેરી, યોગ અને ઍગ્રિકલ્ચરમાં ‘A’ ગ્રૂપના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકે છે.
ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય અખબારોમાં આવતી ઍડ્મિશનની જાહેરાતો તથા તેને લગતા સમાચારોને વાચવાની અને જો કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવાની ઇચ્છા હોય તો તેની વેબસાઇટની નિયમિત મુલાકાત લેવાની ; ઍડ્મિશન પ્રક્રિયા માટે જરૂરી સર્ટિફિકેટ્સ તથા ડૉક્યુમેન્ટ્સના ઑરિજિનલ, નકલ તથા સૉફ્ટકૉપી તૈયાર રાખવાની ભલામણ કરે છે.
કૉલેજ પસંદ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય કોર્સ પસંદ કર્યા બાદ અને કૉલેજમાં પ્રવેશ મેળવતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની ભલામણ કરે છે, જેમ કે :
- કૉલેજની વૅબસાઇટ વિઝિટ કરીને તથા અન્યત્રથી તેના વિશે શક્ય તમામ માહિતી મેળવો
- જે કૉલેજમાં ઍડ્મિશન મળ્યું હોય અથવા પ્રવેશ મળે તેમ હોય તેની રૂબરૂ મુલાકાત લો
- જો વ્યવહારુ કારણોસર રૂબરૂ મુલાકાત શક્ય ન હોય તો ત્યાંથી અભ્યાસ કરનારા પૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક કરો તથા શિક્ષકોનું માર્ગદર્શન લો
- કૉલેજ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ, ટ્રાન્સપૉર્ટેશન કૅન્ટિન અને ફી સહિતની માહિતી મેળવી લો
- જો નજીકની સારી કૉલેજમાં ઍડમિશન મળે તો તે વધુ સારું, જેથી કરીને ઘરે રહીને અભ્યાસ થઈ શકે. તેનાથી સમય અને નાણાની બચત થશે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS