Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Fadel SENNA / AFP via Getty Images
દુબઈમાં ઈરાની મિસાઈલ (કે ડ્રોન) હુમલાનો પોતાના મોબાઇલ ફોનમાં વીડિયો ઉતારનારા કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનારી 21 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમની ધરપકડ કરવામાં આવી છે, તેમાં 60 વર્ષના એક બ્રિટિશ નાગરિકનો પણ સમાવેશ થાય છે.
તેમની વિરુદ્ધ સાયબર ક્રાઇમના કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓને રિમાન્ડ પર લઈને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. બ્રિટનનું વિદેશ મંત્રાલય આરોપીના પરિવારનો સંપર્ક સાધીને તેમને સહાય કરી રહ્યું છે.
યુએઈના કાયદા મુજબ, જાહેર સુરક્ષાને ક્ષતિ પહોંચાડે તેવી કોઈ પણ સામગ્રી શૅર કે પ્રકાશિત કરી શકાતી નથી. આ કાયદા હેઠળ બે વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. ‘ડિટેઇન્ડ ઈન દુબઈ’નાં રાધા સ્ટર્લિંગના જણાવ્યા પ્રમાણે, “તાજેતરના મિસાઇલ હુમલા સંદર્ભે મીડિયા પોસ્ટ અને વીડિયો શૅર કરવા બદલ યુએઈના સાયબર કાયદા હેઠળ 21 લોકો સામે આરોપ દાખલ કરવામાં આવ્યા છે.”
પોલીસને એક બ્રિટિશ નાગરિકના મોબાઇલ ફોનમાંથી ઈરાનના મિસાઈલ હુમલાનો વીડિયો મળી આવ્યો હતો. રાધા સ્ટર્લિંગના મતે, આ આરોપો એકદમ અસ્પષ્ટ અને અનિશ્ચિત પ્રકારના છે.
સ્ટર્લિંગે વધુમાં જણાવ્યું કે, “મેં આરોપનામું વાંચ્યું છે. તે વાંચીને તમને ખબર જ ન પડે કે આરોપીએ વાસ્તવમાં શું ખોટું કર્યું છે. યુએઈના સાયબર ક્રાઈમ કાયદા હેઠળ દોષિત ઠરનારા લોકોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે.”
શા માટે આટલી બધી કડક કાર્યવાહી?
ઇમેજ સ્રોત, EPA
રાધા સ્ટર્લિંગના જણાવ્યા મુજબ, બ્રિટિશ નાગરિકની અટકાયત કર્યા બાદ તેને પરિવાર સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
સ્ટર્લિંગનું માનવું છે કે દુબઈ પ્રવાસીઓ માટે સલામત છે તેવી પોતાની છાપ જાળવી રાખવા માંગે છે, તેથી જે લોકો મિસાઈલ હુમલાનું વીડિયો રેકૉર્ડિંગ કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુએઈમાં સરકારની ટીકા કરવી ગેરકાયદેસર છે તથા દેશમાંથી બહાર જતી માહિતી પર સરકાર કડક નિયંત્રણ રાખે છે.
યુકેસ્થિત માનવાધિકાર સંસ્થા ‘ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલ’ના અહેવાલ પ્રમાણે, “યુએઈ વિવિધ કાયદાઓ દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતાને ગુનાહિત ઠેરવે છે. જે લોકો સરકારના ટીકાકાર લાગે અથવા સરકારની ટીકા કરે, તેમને સજા કરવામાં આવે છે.”
રાજ્યકક્ષાનાં વિદેશ મંત્રીએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
યુએઈના રાજ્યકક્ષાનાં વિદેશમંત્રી લાના નુસેબેહને બીબીસીના ક્લાઇવ મેરીએ પૂછ્યું હતું કે, માત્ર તસવીર લેવા બદલ આટલી કઠોર સજા કઈ રીતે આપી શકાય? તેના જવાબમાં લાના નુસેબેહે કહ્યું, “જો દરેક વ્યક્તિએ સલામતીની અનુભૂતિ કરવી હોય, તો જે કંઈ પણ માહિતી સાર્વજનિક થાય તે વિશ્વાસપાત્ર સ્ત્રોતો પાસેથી જ પ્રાપ્ત થાય તે અનિવાર્ય છે. તે જ અમારા કાયદાનો મુખ્ય આધાર છે.”
તેમણે ઉમેર્યું કે, “કાયદાનો ભંગ થયો હોય તેવા કેટલાક કિસ્સાઓ મારા ધ્યાનમાં આવ્યા છે. તેમાં નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયાને અનુસરવામાં આવશે. આ પ્રકારની પ્રવૃત્તિ કરીને વ્યક્તિ પોતે પણ જોખમમાં મુકાય છે. અહીં આવનારા લોકો માટે મારી શ્રેષ્ઠ સલાહ એ જ છે કે તેઓ ભલે સ્થાનિક રહીશ હોય, પ્રવાસી હોય કે પત્રકાર, તેમણે અહીંની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.”
શા માટે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે?
ઇમેજ સ્રોત, AFP via Getty Images
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન દુબઈએ પોતાની છાપ વ્યાપારિક તકો અને પર્યટન માટે એક આકર્ષક તથા વૈભવી સ્થાન તરીકે ઊભી કરી છે.
28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયેલે મધ્ય-પૂર્વ એશિયામાં ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા અને ઈરાનના સર્વોચ્ચ નેતાની હત્યા કરી હતી. ત્યારથી આ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે. ઈરાને વળતા પ્રહાર રૂપે ઇઝરાયેલ-અમેરિકાના મધ્ય-પૂર્વનાં સાથી રાષ્ટ્રો પર હુમલા કર્યા છે.
સૈન્ય ઠેકાણાંથી લઈને નાગરિક વિસ્તારો તથા ઑઇલ ફેસિલિટીઝ પર હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલામાં યુએઈની બે વિખ્યાત ઇમારતો ‘ફેરમોન્ટ ધ પામ હોટલ’ અને ‘બુર્જ અલ અરબ હોટલ’ને પણ નુકસાન પહોંચ્યું છે. પ્રાદેશિક હિંસાને કારણે આ ક્ષેત્રના ઍર ટ્રાફિક પર પણ મોટી અસર પડી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



