Source : BBC NEWS

ગુજરાતને અડીને આવેલા દીવના વતન એવા ભારતીય નાવિક દીક્ષિત સોલંકીનો પાર્થિવ દેહ તેમના મૃત્યુના 35 દિવસ પછી આખરે મુંબઈ આવી પહોંચ્યો છે.
પાંચમી એપ્રિલની મધરાતે દીક્ષિતના પરિવારને શિપિંગ મંત્રાલય, વી શિપ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તેમજ દુબઈસ્થિત ભારતીય દૂતાવાસ અને કૉન્સ્યુલેટ દ્વારા જાણ કરાઈ હતી કે, તેમનું પાર્થિવ શરીર મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટના કાર્ગો ટર્મિનલ પર પહોંચશે. ત્યાર પછી તેમનો મૃતદેહ મુંબઈ આવી પહોંચ્યો છે.
દરમિયાન જાણવા મળ્યું હતું કે, સોલંકીના પરિવારે તેમના પુત્રનો મૃતદેહ શક્ય તેટલી વહેલી તકે મેળવવા માટે ત્રણ દિવસ પહેલાં બૉમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, તે પછી જ આ પ્રક્રિયા ઝડપી બની હતી.
પરિવાર વતી બીબીસી મરાઠી સાથે વાત કરતાં વકીલ સતીષ તાલેકરે પાર્થિવ દેહ મુંબઈ પહોંચી ચૂક્યો હોવાના અહેવાલની પુષ્ટિ કરી હતી. જોકે, આ પ્રક્રિયામાં વિલંબ થવાને કારણે અને પરિવાર દ્વારા કેટલાક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવાથી, પરિવારે તે મૃતદેહ દીક્ષિત સોલંકીનો જ હોવાની પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટની માગણી કરી છે.
સાથે જ પરિવારે જણાવ્યું છે કે, જ્યાં સુધી પરીક્ષણ નહીં થાય, ત્યાં સુધી તેઓ મૃતદેહનો કબજો લેશે નહીં.
વહીવટી તંત્રે પરિવારને જણાવ્યું છે કે, ડીએનએ પરીક્ષણ માટે કોર્ટનો આદેશ મળવો જરૂરી છે. હાલમાં દીક્ષિતનો પાર્થિવદેહ વહીવટીતંત્ર પાસે છે.
સોલંકી કેસમાં બૉમ્બે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી મંગળવાર માટે મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલ છે.
દરમિયાન ઉચ્ચ અદાલતે પૂછ્યું છે કે સામાન્ય રીતે આવા સંજોગોમાં શું કરવામાં આવે છે. સુનાવણીમાં શું ફેંસલો આવે છે, તેના પર સૌની નજર છે.
ઇમેજ સ્રોત, Gallo Images via Getty
સોલંકીના મૃતદેહ માટે પરિવારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને દીક્ષિત સોલંકીના પિતાએ પુત્રના મૃતદેહ માટે હવે સીધા હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ઓમાનના દરિયાકાંઠે એક ઑઇલ ટૅન્કર પર થયેલા ડ્રોન હુમલામાં દીક્ષિતનું કરુણ મોત નીપજ્યું હતું.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચોથી માર્ચના રોજ ઓમાન નજીક ઑઇલ ટૅન્કર ‘એમટી એમકેડી વ્યોમ’ ઉપર ડ્રોન ત્રાટક્યું હતું. આ હુમલામાં જહાજમાં સવાર 25 વર્ષના દીક્ષિત સોલંકીએ જીવ ગમાવ્યો હતો.
આ દુર્ઘટનાને એક મહિનો વીતી ચૂક્યો હોવા છતાં પુત્રનો મૃતદેહ ન મળતાં દીક્ષિતના પિતા અમૃતલાલ અને બહેન મિતાલીએ હવે હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરી છે.
યાચિકામાં સોલંકી પરિવારે મુખ્યત્વે અદાલત સમક્ષ તેમના મૃતક પુત્રના પાર્થિવ શરીરને વહેલી તકે ભારત પરત લાવવાની અને તેમને સોંપવાની માગણી કરી છે.
સાથે જ, રિપોર્ટ, તપાસ અહેવાલ, ફોરન્સિક રિપોર્ટ (જે યુએઇના અધિકારીઓને સુપરત કરવામાં આવ્યો છે) તથા જહાજ અંગેના ફોટોગ્રાફિક પુરાવા જેવા તમામ સુસંગત તપાસલક્ષી દસ્તાવેજો અરજદારોને પૂરા પાડવા માટે પ્રતિવાદીઓને આદેશ આપવાની માગણી પણ અરજીમાં કરાઈ છે.
વળી, તેમાં એવી માગણી પણ કરાઈ છે કે, જ્યાં સુધી દીક્ષિત સોલંકીનો મૃતદેહ ભારત લાવવામાં ન આવે, ત્યાં સુધી તેની સલામત અને યોગ્ય સ્થિતિમાં જાળવણી કરવાનો આદેશ જારી કરવામાં આવે.
અરજદારોએ વિનંતી કરી છે કે, અદાલતને યોગ્ય જણાય, તેવી આ ઉપરાંતની અન્ય રાહતો પણ આપવામાં આવે.
દીક્ષિતના મોતને એક મહિનો થઈ ગયો છે. આ દરમિયાન, અત્યાર સુધીના ઘટનાક્રમ વિશે જાણકારી મેળવીએ.
મુંબઈમાં દીક્ષિત સોલંકીના પિતાએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Bipin Bamaniya
દીક્ષિત સોલંકીના મોતના સમાચાર મળતાં તેમના પિતાએ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ન તો કંપનીએ કે ન તો વહીવટીતંત્રે માહિતી આપી કે દીક્ષિતનું મોત કેવી રીતે થયું કે વાસ્તવમાં ત્યાં શું બન્યું હતું.
તેને પગલે સોલંકી પરિવારે કંપની અને સર્ચ ઑપરેશન અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
દીક્ષિતના પિતા અમૃતલાલ સોલંકીએ આક્ષેપ કર્યો હતો, “આ પ્રશ્નોના જવાબો અમને કોણ આપશે? શું સરકાર આપશે, કંપની આપશે કે પછી દૂતાવાસ આપશે? હજી સુધી અમારી પાસે કોઈ સ્પષ્ટ માહિતી નથી. બચાવકાર્ય માટે જે કામગીરી થવી જોઈતી હતી, તે થઈ નથી.”
“મૃતદેહ રાહ જોઈ રહ્યો છે. 12 દિવસ (અરજ સમયે) વીતી ગયા છતાં હજી સુધી દેહ મળ્યો નથી. ખરેખર ત્યાં શું થયું હતું, તે અમને ખબર જ નથી, આથી તમામ પ્રક્રિયાઓ ખોરવાઈ ગઈ છે. રાહ જોઈ-જોઈને અમે થાકી ગયાં છીએ. હવે હું જીવતેજીવ મરી ગયો છું,” એમ તેમણે હતાશ થઈને કહ્યું હતું.
ઓમાનની રાજધાની મસ્તકના ભારતીય દૂતાવાસે આ ઘટના વિશે શોક વ્યક્ત કરીને કહ્યું હતું, “જહાજ ઉપર સવાર ભારતીય નાગરિકો સલામત રીતે અને વહેલી તકે ભારત પરત ફરે, તે સુનિશ્ચિત કરવા માટે દૂતાવાસ ઓમાનના સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંકલન કરી રહ્યું છે.”
સેઇલર્સ યુનિયન ઑફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ આરપી વિઠ્ઠીલે બીબીસી મરાઠી સાથે વાત કરતાં કહ્યું હતું, “આ ઘટના ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે. જોકે, શિપિંગ કંપનીએ પરિવારને દુર્ઘટના વિશે યોગ્ય માહિતી પૂરી પાડીને તેમની સાથે તાકીદે સંકલન સાધવું જોઈએ. પણ, આ બનાવમાં સંકલનનો અભાવ છે અને કંપનીએ પરિવારને યોગ્ય માહિતી પહોંચાડી નથી. આ બનાવ પછી, કંપનીએ પરિવારને મૃતદેહ સોંપવા માટે તાકીદે પગલાં ભરવાં જોઈએ. વળી, પરિવારને નિયમ અનુસાર મદદ પણ મળવી જોઈએ.”
બીબીસી મરાઠીએ આ મામલે વી. શિપ્સ કંપનીનો સંપર્ક પણ સાધ્યો હતો. આ કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું, “વી. શિપ્સ એશિયાના પ્રતિનિધિઓ મૃતક ક્રૂ મેમ્બરના પરિવારની સાથે છે, અમે તેમને પૂરો સહકાર આપી રહ્યા છીએ અને તેમની સાથે નિયમિત સંપર્કમાં છીએ.”
કંપનીએ બીબીસીને એમ પણ જણાવ્યું હતું કે, બચાવી લેવાયેલા અન્ય તમામ ક્રૂ મેમ્બર્સને સલામત રીતે તેમના દેશોમાં પરત મોકલી દેવામાં આવ્યા છે અને જહાજને મરામત માટે સલામત સ્થળે લઈ જવા માટે ટૉઇંગની કામગીરી ચાલી રહી છે.
જોકે, બાર દિવસ વીત્યા પછી પણ દીક્ષિતનો મૃતદેહ ન મળતાં તેમના પરિવારે તે પછી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સાથે જ તેમણે વિવિધ સંગઠનો મારફત કંપની અને સરકારને મદદ માટે વિનંતી પણ કરી જોઈ હતી.
દીક્ષિતના પિતાએ ગુરુવાર, પાંચમી માર્ચના રોજ બીબીસીને જણાવ્યું હતું કે, દીક્ષિત ખનીજ તેલ લઈ જતા ઑઇલ ટૅન્કર એમકેડી વ્યોમ પર ઑઇલ સેઇલર તરીકે કામ કરતા હતા.
પહેલી માર્ચની સવારે, ‘એમકેડી વ્યોમ’ ઓમાનના અખાતમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેના ઉપર હુમલો થયો અને તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં દીક્ષિતનું મોત નીપજ્યું હતું.
જોકે, ઘટના બન્યાના પાંચ દિવસ પછી પણ દીક્ષિતનો મૃતદેહ ભારત પરત લવાયો નહોતો. સોલંકી પરિવાર અને સેઇલર્સ યુનિયને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે તથા સંબંધિત કંપનીએ હજી સુધી પરિવારનો સંપર્ક સાધ્યો નથી.
પહેલી માર્ચના રોજ દીક્ષિતના જહાજ સાથે શું થયું હતું?

રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, યુકે ખાતે વડું મથક ધરાવતી વી. શિપ્સ નામની કંપની ‘એમકેડી વ્યોમ’ ઑઇલ ટૅન્કરનું સંચાલન કરે છે.
પહેલી માર્ચના રોજ રૉયટર્સે વી. શિપ્સને લગતી એક ઘટનાને ટાંકતાં અહેવાલ આપ્યો હતો કે, ઓમાનના મસ્કતના દરિયાકાંઠે જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેના ભારતીય ક્રૂ મેમ્બર્સ પૈકીના એક નાવિકનું મોત નીપજ્યું હતું.
ન્યૂઝ એજન્સી રૉયટર્સે એમ વી. શિપ્સની પ્રેસ રિલીઝને ટાંકતા જણાવ્યું હતું, “પહેલી માર્ચે જ્યારે જહાજ મસ્કતના દરિયાકાંઠે હતું, ત્યારે તે એક શંકાસ્પદ ડ્રોન તેના પર ત્રાટકતાં વિસ્ફોટ થયો હતો અને પછી આગ ફાટી નીકળી હતી. અમે આઘાત સાથે જણાવીએ છીએ કે, આ દુર્ઘટના સમયે એન્જિનરૂમમાં મોજૂદ એક ક્રૂ મેમ્બરે જીવ ગુમાવ્યો હતો.”
દીક્ષિત અમૃતલાલ સોલંકી 32 વર્ષના હતા અને છ વર્ષથી સેઇલર તરીકે કામ કરી રહ્યા હતા
તેમનો જન્મ 1994માં દીવમાં થયો હતો. મૂળ તેઓ દીવના વતની હતા, પણ છેલ્લાં સાતેક વર્ષથી તેઓ મુંબઈના કાંદિવલી વેસ્ટમાં મહાવીર નગર ખાતે રહેતા હતા.
તેમના પરિવારમાં તેમના પિતા અમૃતલાલ શાહ અને 28 વર્ષનાં બહેન છે. બહેન દુબઈમાં કામ કરે છે. તેમનાં માતાનું પાંચેક માસ પૂર્વે અવસાન થયું હતું.
દીક્ષિતે દીવ અને મુંબઈમાં 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો હતો. તે પછી તેમણે જીપી રેટિંગ અને એસટીસીડબલ્યુ કોર્સ, એટલે કે એન્જિનિયરિંગ કર્યું હતું.
તેમના પિતાએ માહિતી આપી હતી કે, દીક્ષિત છેલ્લાં છ વર્ષોથી વિવિધ કંપનીઓમાં ઑઇલ સેઇલર તરીકે કામ કરતા હતા.
તેમના પિતાએ પણ 20 વર્ષ સુધી આ જ ક્ષેત્રમાં ફિટર તરીકે કામ કર્યું હતું.
દીક્ષિત છેલ્લા ચાર મહિનાથી આ કંપનીમાં કૉન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા. તેમના પિતાએ પણ આ જ કંપનીમાં કામ કર્યું હતું. દીક્ષિત 10મી ડિસેમ્બરે ફરજ પર જોડાયા હતા અને તેઓ 10મી સપ્ટેમ્બર, 2026ના રોજ ભારત પરત ફરવાના હતા.
મૃતદેહ અને વિગતવાર અહેવાલની પિતાની માગણી
માર્ચ મહિનામાં બીબીસી મરાઠી સાથે વાત કરતાં દીક્ષિતના પિતા અમૃતલાલે જણાવ્યું હતું, “કંપનીમાંથી કેટલાક લોકો એક દિવસ અમારા ઘરે આવ્યા અને તેમણે અમને આ ઘટના વિશે જાણ કરી. આ જાણીને અમને આઘાત લાગ્યો હતો. દીક્ષિતની બાળપણની અઢળક યાદો અમારી સાથે જોડાયેલી છે.”
વધુમાં તેમણે કહ્યું હતું, “અમે ઘણા લાડકોડથી તેને ઉછેર્યો હતો અને અમારું જીવન આનંદથી આગળ વધી રહ્યું હતું. આ ઘટનાએ આખા પરિવારને હચમચાવી દીધો છે. ચાર મહિના પહેલાં તેનાં માતાનું અવસાન થયું હતું. હવે, આ નવા આઘાતથી અમે નોધારા થઈ ગયા છીએ. અમને કોઈ પણ સ્વરૂપમાં અમારા પુત્રનો મૃતદેહ જોઈએ છીએ. અમે તેના અંતિમ દર્શન કરવા માગીએ છીએ, તમામ વિધિ પૂર્ણ કરવા માગીએ છીએ.”
તેમણે આગળ કહ્યું હતું, “આ ઘટનાને પાંચ દિવસ પસાર થઈ ગયા છે. અમે સંબંધિત કંપની અને તેની સાથે સંકળાયેલા કર્મચારીઓનો સંપર્ક સાધવાની કોશિશ કરી રહ્યાં છીએ. જોકે, કંપની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. ખોટી માહિતી આપવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ કોઈ પૂછપરછ કરી નથી. અમારી માગણી છે કે, મૃતદેહ વહેલી તકે અમને સોંપવામાં આવે અને આ ઘટના કેવી રીતે બની અને મૃત્યુ કેવી રીતે થયું, તેનો વિસ્તૃત અહેવાલ અમને આપવામાં આવે.”
પરિવારે દીક્ષિતનો ચહેરો છેલ્લે ક્યારે જોયો હતો?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં, દીવમાં રહેતાં દીક્ષિતનાં કાકી શર્મિલાબહેને કહ્યું હતું કે, દીક્ષિત છેલ્લા ચાર મહિનાથી સતત ફરજ પર હતો.
તેમણે કહ્યું હતું, “તેનાં માતાનું અવસાન થયા બાદ તે ઘરે આવ્યો હતો. તમામ વિધિ પૂરી થઈ ગઈ અને તેની રજાઓ પૂરી થઈ ગઈ, પછી તે કામ પર પાછો ફર્યો હતો.”
“તે પછી તે લગભગ ચાર મહિનાથી ઘરે આવ્યો નહોતો. હવે, તે મોટો થઈ ગયો છે. અમે તેનાં લગ્ન કરાવવાનું વિચારી રહ્યાં હતાં, પણ કુદરતને કંઈ ઓર જ મંજૂર હતું.”
કાકીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની અને દીક્ષિત વચ્ચે દસ દિવસ પહેલાં ફોન પર વાતચીત થઈ હતી, જે તેમની છેલ્લી વાતચીત બની રહી.
દીક્ષિતે તેમના પિતા અને કાકાને અનુસરતાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો તથા લગભગ છ વર્ષ પહેલાં મર્ચન્ટ નૅવીમાં નોકરી સ્વીકારી હતી.
આ કમનસીબ ઘટના વિશે ભારત સરકારે શું કહ્યું?
વીડિયો જુઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS


