Home તાજા સમાચાર gujrati દાહોદના ભાટીવાડા ગામના જે NTPC પ્લાન્ટમાં આગ લાગી, તેનો કેમ ગામલોકો વિરોધ...

દાહોદના ભાટીવાડા ગામના જે NTPC પ્લાન્ટમાં આગ લાગી, તેનો કેમ ગામલોકો વિરોધ કરતા હતા?

3
0

Source : BBC NEWS

એનટીપીસી, દાહોદ, બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી

ઇમેજ સ્રોત, Daxesh Shah

3 કલાક પહેલા

દાહોદ જિલ્લાના ભાટીવાડા ગામ ખાતે નિર્માણાધીન 70 મેગાવૉટ સોલર પ્લાન્ટમાં સોમવારે રાત્રે આગ લાગવાને કારણે કરોડો રૂપિયાના સાધનો બળીને રાખ થઈ ગયા છે.

પ્રશાસનના જણાવ્યા પ્રમાણે આ આગ હાલ નિયંત્રણમાં છે અને તેને કારણે કોઈ જાનહાની થઈ નથી.

NTPCના આ પ્લાન્ટનો ભાટીવાડા ગામના કેટલાક લોકો વિરોધ કરતા હતા. તેમનો આરોપ હતો કે આ પ્લાન્ટ તેમની જમીનમાં બની રહ્યો છે. જોકે, કલેક્ટરનું કહેવું છે કે આ જમીન પર ગામના કેટલાક લોકોએ અતિક્રમણ કર્યું હતું.

આ ગામના કેટલાક લોકોએ સોમવારે દિવસ દરમિયાન પ્લાન્ટ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગામવાસીઓએ પથ્થરમારો કર્યો હતો જેમાં કંપનીના એક કર્મચારીને ગંભીર ઇજા પણ થઈ હતી.

પોલીસે હવે આ મામલે ફરિયાદ દાખલ કરીને એ તપાસ કરી રહી છે કે સોમવારે રાત્રે લાગેલી આગનું સોમવારે દિવસે થયેલા વિરોધ અને પથ્થરમારા સાથે કોઈ કનેક્શન છે કે નહીં?

ગામવાસીઓનો વિરોધ કેમ છે?

ભાટીવાડા ગામના કેટલાક લોકોનો દાવો છે કે આ પ્લાન્ટ અમારી જમીન પર બન્યો છે. જોકે, સરકારી તંત્ર તેમની વાત માનવા તૈયાર નથી.

ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ મેડા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે છેલ્લા એક વર્ષથી ગામના લોકો આ પ્લાન્ટના વિરોધમાં હતા.

તેમણે જણાવ્યું, “હું સરપંચની ચૂંટણી હારી ગયો ત્યાર પછીનો આ બનાવ છે. ગામના કેટલાક લોકો કહે છે કે કંપનીએ તેમની જમીન પચાવી પાડી છે.”

ગામના હાલના સરપંચ રમીલાબહેન મેડાના પુત્ર અનિલ મેડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગામના લોકોએ પ્લાન્ટની સામે વિરોધ પણ કર્યો હતો.

એનટીપીસી, દાહોદ, બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી

ઇમેજ સ્રોત, Daxesh Shah

તેમણે જણાવ્યું, “આ લોકોએ વિરોધમાં કલેક્ટરમાં પણ અપીલ કરી હતી કે તેમની જમીન પરત મળે. પરંતુ, કલેક્ટરે તેમના વિરુદ્ધ હુકમ કર્યો અને જમીન કંપનીની છે તેવું જણાવ્યું હતું.”

બીજી તરફ દાહોદના ભાજપના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી પણ સ્વીકારે છે કે તેમને પણ ગામના લોકોએ આ મામલે રજૂઆત કરી હતી.

કનૈયાલાલ કિશોરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “આ આગની ઘટનાનો વિરોધ સાથે સંબંધ છે કે નહીં તેની મને ખબર નથી. પણ એ વાત સાચી છે કે આ પ્લાન્ટની સામે ગામવાસીઓનો વિરોધ હતો. હું પોતે ઇચ્છું છું કે કોઈ ખેડૂતોની જમીન જવી ન જોઈએ. મેં પ્રાંત અધિકારીને આ મામલે તેમની સમસ્યા વિશે જાણ કરી હતી. મેં તેમને કહ્યું હતું કે જમીનની માપણી કરો અને ખેડૂતોની રજૂઆતોનો નિકાલ કરવાનું કહ્યું હતું. પણ આ વિરોધને કારણે ગામના લોકોએ આગ લગાડી હોય તેવું હું માનતો નથી.”

અનીલ મેડા કહે છે કે હાલ આગ લાગ્યા બાદ ગામના ઘણા લોકો કે જેઓ વિરોધ કરતા હતા તે ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બચુભાઈ કિશોરી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે મામલો મહેસૂલી સમસ્યાનો છે તે અંગ્રેજોના સમયનો છે.

તેઓ કહે છે, “અંગ્રેજો હતા ત્યારે આ જમીન દેસાઈ કે કાઝીની હતી અને તેઓ અંગ્રેજોને મહેસૂલ ઉધરાવીને આપતા હતા. અંગ્રેજો જતા રહ્યા બાદમાં જે ગણોતિયાઓ હતા તેઓ આ જમીન પર ખેતી કરતા હતા. હવે જમીન જેમના નામે હતી તેઓ એ જમીન વેચીને જતા રહ્યા પરંતુ જેઓ ગણોતિયા હતા તેમણે આ જમીન પર પોતાનો અધિકાર હોવાનો દાવો કર્યો.”

“ખેડૂતો પોતાની જમીનને લઈને આ પ્લાન્ટનો વિરોધ કરતા હતા.”

કલેક્ટરનું શું કહેવું છે?

એનટીપીસી, દાહોદ, બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી

ઇમેજ સ્રોત, Daxesh Shah

દાહોદના કલેક્ટર યોગેશ નીરગુડેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે જે લોકો પ્લાન્ટની જમીન પર દાવો કરે છે તે યોગ્ય નથી.

તેમણે જણાવ્યું, “આ શત્રુ સંપત્તિ હતી. જેમની જમીન હતી તે પૈકી કેટલાક ભારતના ભાગલા સમયે પાકિસ્તાન જતા રહ્યા હતા. જ્યારે કેટલાક ભારતમાં રહ્યા હતા. આ શત્રુ સંપત્તિ હોવાને કારણે તે સરકાર પાસે આવી. હવે જે લોકો ભારતમાં રહ્યા તેમને તેમની જમીનનો ભાગ મળ્યો. તેમણે આ જમીન વેચી દીધી. એટલે આ જમીન પર આ ગામવાસીઓ પોતાનો દાવો કરે છે તે યોગ્ય નથી.”

બીબીસી ગુજરાતીએ કલેક્ટરને પૂછ્યું કે શું સરકારે આ જમીન એનટીપીસીને આપી છે. ત્યારે જવાબમાં યોગેશ નીરગુડેએ કહ્યું, “આ જમીન એનટીપીસીએ બજાર મારફતે માલિકો પાસે લીધી છે. સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી.”

અમે તેમને એ પણ પૂછ્યું કે શું સોમવારે કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ પાછળનું કારણ આ વિરોધ છે?

તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે.

દાહોદ પોલીસ પણ હવે આ મામલે તપાસ કરી હતી છે.

દાહોદના પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા કહે છે, “અમે એફએસએલનો રિપોર્ટ આવે પછી જ કોઈ પ્રાથમિક તારણ પર પહોંચી શકીએ છીએ. હાલ તપાસ ચાલુ છે.”

અમે તેમને પૂછ્યું કે ગામ લોકો કંપનીનો વિરોધ કેમ કરી રહ્યા હતા? ત્યારે જવાબમાં રાજદીપસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે “આ મહેસૂલીનો મામલો છે એટલે અમને ખબર નથી. અમે સોમવારે થયેલા પથ્થરમારાની અને રાત્રે લાગેલી આગ મામલે તપાસ કરી રહ્યા છે.”

અમે તેમને એમ પણ પૂછ્યું કે શું અગાઉ ગામવાસીઓએ કંપની સામે વિરોધ કર્યો હતો તેવી કોઈ ફરિયાદ મળી હતી ખરી?

જવાબમાં તેમણે જણાવ્યું કે “જ્યારે જમીનું સંપાદન થયું હતું અને ફેન્સિંગ થયું હતું ત્યારે અમે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.”

“હવે તેમનો વિરોધ કેમ હતો, તેમણે આવેદન કેમ આપ્યું અને તેમની શી રજૂઆત હતી તે વિશે અમને ખબર નથી.”

NTPCના અધિકારીઓ આ મામલે કશું કહેવા તૈયાર નથી, પરંતુ એક દાહોદ ખાતે NTPCના આસિસ્ટન્ટ એન્જિનિયર ચેતન શ્રીવાસ્તવે એટલું જરૂર કહ્યું કે આ આગને કારણે તેમનો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે અને તેમને આ આગને કારણે કરોડોનું નુકસાન ગયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS