Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયાના એક ક્રિપ્ટોકરન્સી ઍક્સચેન્જ પ્લૅટફૉર્મે ભૂલથી તેના ગ્રાહકોને 40 અબજ ડૉલરના બિટકોઈન આપી દીધા હોવાનું સામે આવ્યું છે.
જ્યાં સુધી કંપનીએ ટ્રેડિંગ બંધ કર્યું અને ફંડની રિકવરી શરૂ કરી એ પહેલાં અનેક ગ્રાહકો પળભરમાં જ જાણે કે કરોડપતિ થઈ ગયા હતા.
કંપની બિટહમ્બે કહ્યું છે કે આવી ઘટના હૅકિંગ કે સિક્યૉરિટી બ્રીચને કારણે નથી થઈ અને ભૂલથી મોકલી દેવાયેલા તમામ બિટકોઇનની રિકવરી થઈ ગઈ છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ બિટકોઈન ભૂલથી 6 ફેબ્રુઆરીના રોજ મોકલવામાં આવ્યા હતા. આવું ત્યારે બન્યું હતું જ્યારે કંપની તેના ગ્રાહકનો નાનકડો રિવૉર્ડ (અંદાજે 1.37 ડૉલર) આપવા માગતી હતી.
જોકે, એ બૉનસને બદલે સિસ્ટમની ખામીને કારણે તેણે ભૂલથી બિટકોઇન મોકલી આપ્યા હતા જેની કિંમત અંદાજે 40 અબજ ડૉલર (ભારતીય ચલણમાં 3.62 લાખ કરોડ રૂપિયા) જેટલી હતી.
બિટહમ્બનું કહેવું છે કે તેને તરત જ આ સમસ્યાને ઓળખી લીધી હતી અને ટ્રેડિંગ તથા પૈસા બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 35 મિનિટની અંદર જ આ સમસ્યા ઓળખી લેવાઈ હતી અને 695 ગ્રાહકો પર ટૂંકાગાળાનો આ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
કંપનીએ કહ્યું હતું કે કુલ 6.20 લાખ બિટકોઇન મોકલી દેવામાં આવ્યા હતા અને તેમાંથી 99.7 ટકા પાછા મેળવી લેવાયા હતા.
ગત શુક્રવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કંપનીએ કહ્યું હતું કે, “અમે એ સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે આ બાબતને બહારથી થયેલા હૅકિંગ કે સિક્યૉરિટી બ્રીચ સાથે કોઈ લેવાદેવા નથી અને સિસ્ટમ સિક્યૉરિટી અને કસ્ટમર ઍસેટ મૅનેજમૅન્ટ સાથે કોઈ સમસ્યા નથી.”
તપાસ શરૂ, વળતર આપવાનો પ્રસ્તાવ
ઇમેજ સ્રોત, Getty Images
આ કેસ દક્ષિણ કોરિયાના સત્તાવાળાઓ સુધી પણ પહોંચ્યો છે. આ સંદર્ભે બોલાવાયેલી એક ઇમરજન્સી મીટિંગમાં દક્ષિણ કોરિયાના ફાઇનાન્શિયલ રેગ્યુલેટરે કહ્યું છે કે તેઓ આ બાબતની ચકાસણી કરશે.
તેણે આ અંગે ચેતવણી આપી છે કે જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થશે તો આ બાબતની પૂછપરછ પણ થશે.
કંપની બિટથમ્બ પણ આ બાબતે સત્તાવાળાઓને સહકાર આપશે.
કંપનીની સીઈઓ લી જા-વોને કહ્યું છે કે, કંપની આ ઘટનામાંથી બોધપાઠ લેશે અને ગ્રાહકોના વિશ્વાસ જાળવી રાખવાની બાબતને પ્રાધાન્ય આપશે.
આ બાબતે લેવાયેલાં પગલાંની જાણકારી આપતાં બિટથમ્બે કહ્યું હતું કે એ સમયે આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકોને તેઓ અંદાજે 13.66 ડૉલરનું વળતર આપશે અને ટ્રાન્ઝેક્શન ફી પણ માફ કરશે.
કંપનીએ તેની વેરિફિકેશન સિસ્ટમ્સ અપગ્રેડ કરવાની તથા આ પ્રકારના ટ્રાન્ઝેક્શન રોકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આગળ જતાં ઉપયોગ કરવાની પણ સૂચના આપી છે.
ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટના નાણાકીય ક્ષેત્રમાં કડક નિયમન માટેના નિયંત્રણો પર ફરીથી ચર્ચા શરૂ કરી શકે છે. ખાસ કરીને જ્યારે મોટી સંસ્થાઓમાં ઑપરેશનલ ભૂલોએ અન્ય બજારોમાં આશ્ચર્યજનક ઘટનાઓ પેદા કરી છે.
ઉદાહરણ તરીકે, ઍપ્રિલ 2024 માં યુએસ બૅન્ક સિટીગ્રુપે ભૂલથી એક ખાતામાં 280 અબજ ડૉલરને બદલે 81 અબજ ડૉલર જમા કરાવ્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



