Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Alpesh Karkare
“ડેટિંગ ઍપ પર મળેલી એક યુવતીએ મને કૅફેમાં મળવા બોલાવ્યો હતો. અમે વાત કરી રહ્યાં હતાં ત્યારે ડ્રિંક્સ અને ફૂડના ઑર્ડર્સ સતત આવતા હતા. થોડા સમય પછી એ યુવતી અચાનક ટૉઇલેટ જવા માટે ઊભી થઈ અને પાછી ક્યારેય આવી જ નહીં. રૂ. 18,000નું બિલ થયું હતું અને એ બિલ ચૂકવવા માટે કૅફેના બાઉન્સરોએ મને ફરજ પાડી હતી.”
મુંબઈના એક યુવકે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં તેનો આ અનુભવ વર્ણવ્યો છે.
આ ફક્ત એક વ્યક્તિની વાત નથી. મુંબઈ પોલીસે એક કથિત ‘ડેટિંગ કૌભાંડ’નો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં લોકોને ડેટિંગ ઍપ દ્વારા ફસાવીને તેમની પાસેથી હજારો રૂપિયાના બિલ વસૂલવામાં આવે છે.
આ બે વ્યક્તિ વચ્ચેનું ડેટિંગ નહીં, પરંતુ એક સંગઠિત કૌભાંડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ પ્રકરણમાં ત્રણ મહિલા સહિત 13 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આ સિન્ડિકેટ કેટલી મોટી છે તથા તેમાં બીજું કોણ-કોણ સંડોવાયું છે તે જાણવા મુંબઈ પોલીસ સઘન તપાસ કરી રહી છે.
આરોપીઓ તથા તેમના વકીલોનો સંપર્ક સાધવાનો પ્રયાસ તેમની બાજુ જાણવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. સંપર્ક થશે ત્યારે આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.
ડેટિંગ ઍપ અને છેતરપિંડી
ઇમેજ સ્રોત, Alpesh Karkare
છેતરપિંડીનો ભોગ બનેલા એક યુવકે આપેલી માહિતી મુજબ, ડેટિંગ ઍપ પર તેની મુલાકાત એક યુવતી સાથે થઈ હતી.
બંને થોડા દિવસ સુધી ચૅટ કરતાં રહ્યાં હતાં. વાતચીત વધુને વધુ મૈત્રીપૂર્ણ બની ગઈ હતી અને એક સપ્તાહમાં તો રૂબરૂ મુલાકાતનું આમંત્રણ મળ્યું હતું.
યુવતીએ યુવકને મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આવેલી એક ક્લબમાં મળવા બોલાવ્યો હતો. એ મુજબ, નક્કી કરેલા દિવસે યુવક તેને મળવા ગયો હતો. બન્ને મળ્યાં પછી, ક્લબ કૅફેમાં સારું ભોજન મળે છે, એમ કહીને યુવતી યુવકને ત્યાં લઈ ગઈ હતી.
ક્લબ કૅફેમાં ગયા પછી શું ખાવું અને શું પીવું તેની ચર્ચા બન્નેએ કરી હતી. વેઇટરે યુવતીને મૅન્યૂ કાર્ડ આપ્યું હતું. તેમણે કેટલાંક ડ્રિંક્સ અને મોંઘી વાનગીઓનો ઑર્ડર આપ્યો હતો. ઑર્ડર આવે ત્યાં સુધી બન્ને વાતો કરતાં રહ્યાં હતાં.
એ પછી તેમણે ખાવાં-પીવાનું શરૂ કર્યું હતું. એ દરમિયાન પણ ડ્રિંક્સના નવા ઑર્ડર સતત આપવામાં આવ્યા હતા.
ઇમેજ સ્રોત, Alpesh Karkare
થોડા સમય પછી યુવતીએ જણાવ્યું હતું કે તે ટૉઇલેટ જઈ રહી છે. એટલી વારમાં ટેબલ પર રૂ. 18,000નું બિલ આવ્યું હતું.
એટલું મોટું બિલ જોઈને યુવક ચોંકી ગયો હતો. ટૉઇલેટ ગયેલી યુવતી લાંબા સમય સુધી પાછી ન આવી હોવાને કારણે યુવકે યુવતીનો સંપર્ક સાધવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો.
યુવકના જણાવ્યા મુજબ, “યુવતી જે ડ્રિંક્સ પીતી હતી તેને મેં સૂંઘ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો હતો કે તે દારૂ નહીં, પરંતુ સાદું સૉફ્ટડ્રિંક હતું. પછી મેં કાઉન્ટર પરના મૅનેજરને આ વિશે જણાવ્યું હતું, પરંતુ તેણે મારી વાત સાંભળી નહીં અને બાઉન્સર્સ તથા વેઇટર્સના દબાણમાં મને બિલ ચૂકવવા કહ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો હતો કે આ છેતરપિંડી છે.”
પોલીસ અને યુવાનની મદદથી કૌભાંડનો પર્દાફાશ
ઘણા યુવાનો આવા અનુભવ પછી તેમના મિત્રોની મદદથી આ બાબત પોલીસને ધ્યાન પર લાવ્યા હતા. એ પછી કેટલાક યુવાનો અને પોલીસે આ કૌભાંડના પર્દાફાશ માટે સાથે મળીને પ્રયાસ કર્યા હતા.
કેટલાક યુવાનોએ ડેટિંગ ઍપ પર નકલી આઈડી બનાવી, સબસ્ક્રિપ્શન લઈ અને કેટલીક યુવતીઓ સાથે વાતચીત કરી હતી. તેમાં એક યુવકને એક યુવતી સાથે પરિચય થયો હતો. થોડા દિવસની વાતચીત પછી યુવતીએ સાકીનાકા વિસ્તારમાં મળવા આવવાનો પ્રસ્તાવ યુવકને મોકલ્યો હતો.
યુવકે બાંદ્રા વિસ્તારમાં મળવાનું સૂચન કર્યું હતું. જોકે, સાકીનાકા વિસ્તારમાં સારું ભોજન મળતું હોવાનું કહીને યુવતીએ યુવકને ત્યાં બોલાવ્યો હતો.
યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો અને તમામ માહિતી આપી હતી. એ પછી પોલીસે એક ટીમ તહેનાત કરીને છટકું ગોઠવ્યું હતું તથા શકમંદોની ગતિવિધિ પર નજર રાખી હતી.
એક યુવતી ક્લબ કૅફેના નામે યુવકને હોટલમાં લઈ ગઈ
યુવતી ક્લબ કૅફેના નામે યુવકને એક હોટલમાં લઈ ગઈ હતી. વાતચીત કરતી વખતે વેઇટરે યુવતીના હાથમાં મૅન્યૂ કાર્ડ આપ્યું હતું. એ પછી યુવતીએ ડ્રિંક્સ અને મોંઘી વાનગીઓનો ઑર્ડર આપ્યો હતો.
યુવતી હંમેશની જેમ ટૉઇલેટ જવાના બહાને ત્યાંથી રવાના થઈ ગઈ હતી અને પાછી ફરી ન હતી. બિલ આવ્યા પછી યુવકે મૅનેજરને કેટલાક સવાલ કર્યા હતા, પરંતુ યુવક પર બિલ ચૂકવવાનું દબાણ કરવામાં આવ્યું હતું.
એ પછી પોલીસે પંચ અને સાક્ષીઓની હાજરીમાં કૅફે પર દરોડો પાડ્યો હતો અને સંબંધિત લોકોને અટકાયતમાં લીધા હતા.
આ પ્રકરણમાં ત્રણ મહિલાઓ સહિત 13 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં રેસ્ટોરાંના મૅનેજર, ઑપરેટર અને બાઉન્સર્સનો પણ સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ સામે કલમ 308 (ખંડણી) અને 318 (છેતરપિંડી) તેમજ બીએનએસ તથા આઈટી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
કૅફેમાં શું મળ્યું?
ઇમેજ સ્રોત, Alpesh Karkare
દરોડા દરમિયાન કૅફેની વિવિધ કૅબિનમાં અનેક યુગલો જોવાં મળ્યાં હતાં.
કેટલીક મહિલાઓના મોબાઈલમાંથી ડેટિંગ ઍપ્સ પર ચૅટિંગના પુરાવા તપાસ દરમિયાન મળી આવ્યા હતા. કેટલીક મહિલાઓ ડેટિંગ ઍપ્સ પર ગ્રાહકોનો સંપર્ક કરીને તેમને કૅફેમાં મળવા બોલાવતી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં કૅફેના કર્મચારીઓ, મૅનેજર્સ અને બાઉન્સર્સની એક ટોળકી સામેલ હોવાની શક્યતા છે. ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવેલા પૈસા આ લોકો અંદરોઅંદર વહેંચી લેતા હોવાની શંકા પણ પોલીસને છે.
મહિલાઓનાં અલગ-અલગ નામથી પ્રોફાઇલ
કેટલીક મહિલાઓએ અલગ-અલગ નામથી પ્રોફાઇલ બનાવી હોવાનું બહાર આવ્યું છે. ઘણા લોકો આવી છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
કેટલાક કિસ્સામાં ગ્રાહકો પાસેથી રૂ. 15,000થી માંડીને રૂ. 40,000 સુધીના બિલ વસૂલવામાં આવ્યા હોવાના આરોપ છે. તપાસ દરમિયાન એક બિલિંગ મશીન અને અનેક બિલ્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
મુંબઈમાં છેલ્લા કેટલાક મહિનામાં આવા અનેક કેસ
ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈમાં ડેટિંગ ઍપ્સ દ્વારા છેતરપિંડીના અનેક કિસ્સા છેલ્લા કેટલાક મહિનાઓમાં બહાર આવ્યા છે. જુલાઈમાં બોરીવલીમાં આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો. તેમાં 22 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પ્રકારની છેતરપિંડી વિવિધ ડેટિંગ ઍપ્સ મારફત કરવામાં આવતી હોવાથી પોલીસે નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.
આ સંદર્ભમાં વાત કરતાં ડેપ્યુટી પોલીસ કમિશનર દત્તા નલાવડેએ જણાવ્યું હતું કે અમને આ મામલે ફરિયાદ મળી હતી. તે મુજબ છટકું ગોઠવીને પોલીસે કાર્યવાહી કરી છે. આ સિન્ડિકેટ કેટલી મોટી છે તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. આરોપીઓને પોલીસ કસ્ટડીમાં સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
ડેટિંગ ઍપ્સના ઉપયોગ વખતે કઈ સાવચેતી રાખશો?
સાયબર ક્રાઇમ નિષ્ણાત પ્રશાંત માલીના મતાનુસાર, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના યુગમાં ડેટિંગ ઍપ્સનો ઉપયોગ કરતી વખતે વધારે કાળજી રાખવી જોઈએ.
તેમના મત અનુસાર, “તમારી સામેની પ્રોફાઇલ ઘણીવાર નકલી, ટૅટબોટ આધારિત અથવા ડીપફેક ટૅક્નૉલૉજી દ્વારા બનાવવામાં આવેલી હોઈ શકે છે. તેથી વ્યક્તિગત માહિતી, ફોટોગ્રાફ્સ, વીડિયો અથવા નાણાકીય વિગતો અજાણ્યા લોકો સાથે શૅર ન કરવી જોઈએ.”
તેઓ કહે છે કે કોઈ અચાનક પૈસા, ઓટીપી માંગે કે રોકાણની ઑફર કરે ત્યારે અત્યંત સાવધ રહેવું જોઈએ અને શક્ય હોય તો વીડિયો કૉલ મારફતે વાતચીત કરતા પહેલાં સામેની વ્યક્તિની ચકાસણી કરવી જોઈએ.
એ ઉપરાંત ડેટિંગ ઍપ પર પરિચય થયા પછી તરત જ કોઈ તમને મળવાનો આગ્રહ કરે કે ચોક્કસ કૅફે અથવા બારમાં જ મળવાનો આગ્રહ રાખે તો શંકા થવી જોઈએ. ઑર્ડર અને બિલની ચકાસણી કાળજીપૂર્વક કર્યા વિના ચૂકવણી કરવી ન જોઈએ. પરિસ્થિતિ શંકાસ્પદ લાગે તો તત્કાળ પોલીસને જાણ કરવી જોઈએ. તે સલામતીનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



