Home તાજા સમાચાર gujrati ડીસા વિસ્ફોટ : ‘ચાર દિવસ પછી અમને ભાળ મળી કે મમ્મી હવે...

ડીસા વિસ્ફોટ : ‘ચાર દિવસ પછી અમને ભાળ મળી કે મમ્મી હવે આ દુનિયામાં નથી’

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ડીસા બનાસકાંઠા ફટાકડા ફૅક્ટરી વિસ્ફોટ આગ મૃત્યુ પોલીસ

  • લેેખક, તેજસ વૈદ્ય
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 5 એપ્રિલ 2025, 06:50 IST

    અપડેટેડ 13 મિનિટ પહેલા

એક એપ્રિલની ગોઝારી સવારે સાડા નવથી દસની વચ્ચે ડીસાના ઢુવા ગામે ફટાકડાના ગોદામમાં વિસ્ફોટ થતાં એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાંના મોટા ભાગના મધ્યપ્રદેશનાં કામદાર હતા.

એ ગોદામમાં હરદા જિલ્લાનાં હંડીયા ગામના 49 વર્ષીય લક્ષ્મીબહેન વર્મા પણ કામ કરતાં હતાં. જે 21 લોકો મૃત્યુ પામ્યા છે તેમાં લક્ષ્મિબહેનનું નામ નહોતું. લક્ષ્મીબહેનની બંને દીકરીઓ નેહા અને નિધિ તેમજ તેમનો પુત્ર લલીત ડીસામાં સરકારી હોસ્પિટલના સતત ચક્કર કાપી રહ્યાં હતાં.

ચાર એપ્રિલે સાંજે બંને દીકરીઓ અને પુત્રને જણાવવામાં આવ્યું હતું કે જે વિસ્ફોટ થયો તેમાં તેમનાં માતાનું એટલે કે લક્ષ્મીબહેનનું અવસાન થયું છે. અત્યાર સુધી તેમને લાપતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં લલીતે કહ્યું હતું કે, “પહેલી એપ્રિલે ઘટના બની અને અમને આજે ચોથી એપ્રિલે માલૂમ થયું કે એમાં મમ્મીનું મરણ થયું છે. આજે સાંજે મામલતદાર અને નાયબ મામલતદારે અમને જણાવ્યું કે મૃતકોમાં તમારાં મમ્મી પણ છે.”

વિસ્ફોટમાં કેટલાક મૃતદેહ એવા હતા કે તેની કોઈ ઓળખ થઈ શકી નહોતી. તે પૈકી કેટલાંકનાં માત્ર અંગો જ મળ્યાં હતાં. જેને આધારે મૃતકની ભાળ મેળવવી મુશ્કેલ બની હતી.

નિધીએ કહ્યું હતું કે “મારાં તેમજ નેહાના ડીએનએ નમૂના લેવામાં આવ્યા છે. અમને બે એપ્રિલે કહેવામાં આવ્યું હતું કે એ નમૂના મૅચ – ચેક કરવા માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.”

બીબીસી ગુજરાતી ડીસા બનાસકાંઠા ફટાકડા ફૅક્ટરી વિસ્ફોટ આગ મૃત્યુ પોલીસ

બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે “ગાંધીનગરની એફએસએલ(ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં જે નમૂના મોકલવામાં આવ્યા હતા. તેમાં લક્ષ્મીબહેનના નમૂના સાથે તેમનાં સંતાનના જે ડીએનએના નમૂના મોકલવામાં આવ્યા હતા તે મૅચ થઈ ગયા છે. મૌખિક રીતે મને એફએસએલના અધિકારીએ જણાવી દીધું છે. હવે એક વખત રીપોર્ટ હાથમાં આવે એટલે તેમના પુત્ર પુત્રીને મૃતદેહ સોંપીને મધ્યપ્રદેશ મોકલવા માટે ઍમ્બ્યુલન્સ વગેરેની વ્યવસ્થા ગોઠવશું.”

નેહાએ કહ્યું હતું, “જે દિવસે દુર્ઘટના બની તે સાંજ અમે દોડીને હંડીયાથી ડીસા રાતે બે વાગ્યે આવ્યાં હતાં. આખી રાતનો ઉજાગરો હતો. આજે ચોથો દિવસ છે અને અમે લાચાર છીએ. થાકી ગયાં છીએ.”

કલેક્ટરે જણાવ્યું હતું, “વિસ્ફોટ થયો તે સ્થળે નજીકમાં જ લક્ષ્મીબહેન હોવા જોઈએ. કેમકે, તેમના એક પગ સિવાય અમને બીજું કશું મળ્યું નહોતું.”

‘વિસ્ફોટ થયો એની થોડી ક્ષણ અગાઉ જ મમ્મી સાથે વાત થઈ હતી’

બીબીસી ગુજરાતી ડીસા બનાસકાંઠા ફટાકડા ફૅક્ટરી વિસ્ફોટ આગ મૃત્યુ પોલીસ

એક એપ્રિલે વિસ્ફોટ થયો તેના બે દિવસ અગાઉ જ એટલે કે 29 માર્ચે જ લક્ષ્મીબહેન ગોદામમાં કામે આવ્યાં હતાં. નેહાએ કહ્યુ હતું કે “મારા મમ્મી ફટાકડાનું જ કામ કરતાં હતાં.”

સવારે સાડા નવે એટલે કે દુર્ઘટનાની થોડી ક્ષણો અગાઉ જ નેહાની મમ્મી સાથે વાત થઈ હતી. નેહાએ કહ્યું હતું કે, “હું રોજ કૉલેજ જાઉં ત્યારે મમ્મી સાથે મોબાઇલ પર વાત કરીને જાઉં છું. મને નહોતી ખબર કે એ પછી મમ્મીની કોઈ ભાળ જ નહીં મળે.”

લલીતે અગાઉ કલેક્ટરને કહ્યું હતું કે, જે ડેડબૉડી હોય તે અમને બતાવો તો ખરા? કલેક્ટરે કહ્યું હતું કે જે ડેડબૉડી છે તે બતાવી શકાય તેવી અવસ્થામાં નથી. અમે તમને બતાવશું તો પણ કંઈ ભાળ નહીં મળે.”

ડીસા વિસ્ફોટની તપાસ માટે એસઆઈટી

 બીબીસી ગુજરાતી ડીસા બનાસકાંઠા ફટાકડા ફૅક્ટરી વિસ્ફોટ આગ મૃત્યુ પોલીસ

એક એપ્રિલની દુર્ઘટના પછી એની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવી છે. સીટની બે અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે.

બીબીસી ગુજરાતીના બનાસકાંઠા – ડીસાના સહયોગી પરેશ પઢીયારે જણાવ્યું હતું કે, “વિસ્ફોટનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. બનાસકાંઠાના એસપી(સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) અક્ષયરાજ મકવાણાએ અમને રાતે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક સાયનસ લૅબોરેટરીના અધિકારી પણ અહીં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે.”

આ મામલે ફટાકડા ગોદામના બે માલિકોની ધરપકડ કરવામાં આવી છે.

દુર્ઘટનાના બીજા દિવસે અક્ષયરાજ મકવાણાએ મીડિયાને જણાવ્યું હતું કે “બ્લાસ્ટ માટે કઈ વસ્તુ જવાબદાર છે અને તેઓ ક્યાંથી લઈ આવ્યા હતા. તેની તપાસ ચાલી રહી છે. એફએસએલ ટીમનો જે પ્રાથમક અભિપ્રાય આવ્યો છે તે ઍલ્યુમિનિયમ પાઉડર અને યેલો બૅક્સટાઇનનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઍલ્યુમિનિયમ પાઉડર ખુલ્લી બજારમાં વેચાય છે અને કોઈ પણ ખરીદી શકે છે.”

તેમણે વધુમાં જણાવ્યું, “તે જ્વલનશીલ પદાર્થમાં આવે છે પરંતુ તે બિનવિસ્ફોટક પણ કહેવાય છે. જેથી તેનું વેચાણ થઈ શકે છે. ઍલ્યુમિનિયમ પાઉડર જે છે તે સળગે છે ત્યારે ખૂબ ઊર્જા ઉત્પન્ન કરે છે. તે ખુલ્લામાં સળગે તો સળગીને આથમી જાય છે, પણ બંધ કમરામાં સળગે તો વિસ્ફોટની શક્યતા રહે છે. આ પ્રાથમિક તારણ છે.”

ફટાકડાંનું ગોદામ ગેરકાયદે હતું

 બીબીસી ગુજરાતી ડીસા બનાસકાંઠા ફટાકડા ફૅક્ટરી વિસ્ફોટ આગ મૃત્યુ પોલીસ

આ ઘટનામાં દીપક ટ્રેડર્સના માલિક આરોપી પિતા-પુત્ર ખૂબચંદ મોહનાણી અને દીપક મોહનાણીની પોલીસે ધરપકડ કરી હતી.

દીપક ટ્રેડર્સ નામનું જે ફટાકડાનું ગોદામ હતું તે કૅમ્પસમાં જ કામદારો રહેતા હતા. જ્યાં વિસ્ફોટ થયો અને છત તૂટી પડી એની નજીકમાં જ દીવાલને અડીને જ તેમનાં તાડપત્રીવાળાં કાચાં રહેઠાણો હતાં. જ્યાં તેમનાં કપડાં, વાસણો વગેરે હતાં.

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે દીવાલની ઇંટો ઉછળીને કૅમ્પસની બહાર પડી હતી. દીપક ટ્રેડર્સની જે ઑફીસ હતી તેના શટરમાં બાકોરું પડી ગયું હતું અને કાચ તૂટીને ઑફીસમાં ફેલાઈ ગયા હતા.

 બીબીસી ગુજરાતી ડીસા બનાસકાંઠા ફટાકડા ફૅક્ટરી વિસ્ફોટ આગ મૃત્યુ પોલીસ

ઑફીસની પાસે એક રિક્ષા હતી તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સવારે જે વિસ્ફોટ થયો તેનો કાટમાળ હઠાવવાનું કામ મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું.

ગોદામમાં એક રૂમમાં ખાતરનો કોથળો ભરેલા વાટ વિનાના સૂતળી બૉમ્બ જોવા મળ્યા હતા.

કલેક્ટરનું જણાવવું છે કે ફટાકડાનું ગોદામ ગેરકાયદે હતું.

કલેક્ટર મિહિર પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, “જે ગોદામ હતો તેનો પરવાનો ડિસેમ્બર 2024માં જ સમાપ્ત થઈ ગયો હતો અને તે રિન્યૂ કરવામાં આવ્યો ન હતો. માર્ચ 205ની પંદર તારીખ આસપાસ અમે જ્યારે તપાસ કરી હતી તો ત્યાં ફટાકડાને લગતી કોઈ સામગ્રી ન હતી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS