Home તાજા સમાચાર gujrati ટ્રમ્પની ટેરિફ નીતિથી ભારત-અમેરિકા સહિત આખી દુનિયા મંદીમાં ધકેલાશે?

ટ્રમ્પની ટેરિફ નીતિથી ભારત-અમેરિકા સહિત આખી દુનિયા મંદીમાં ધકેલાશે?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ડોનાલ્ડ ટ્રમ્પ મંદી અર્થતંત્ર શેરબજાર નિકાસ આયાત

ઇમેજ સ્રોત, Getty Images

3 એપ્રિલ 2025, 19:10 IST

અપડેટેડ 3 કલાક પહેલા

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના મોટા ભાગના દેશો પર આકરા ટેરિફ ઝીંકીને આંચકો આપ્યો છે.

ચીન પર હવે કુલ ટેરિફનો દર 53 ટકા થયો છે. યુરોપિયન યુનિયન અને સાઉથ કોરિયા પર 20 ટકા અને ભારત પર 26 ટકા ટેરિફ રેટ લાદવામાં આવ્યો છે.

9 એપ્રિલથી ટ્રમ્પનો ટેરિફ પ્લાન લાગુ થશે જેના કારણે અમેરિકામાં ઉત્પાદનોની નિકાસ કરવી મોંઘી પડશે અને નિકાસલક્ષી ઉદ્યોગો માટે ટકવું મુશ્કેલ બની જાય તેવી શક્યતા છે.

આવામાં એક શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રમ્પની આર્થિક નીતિઓના કારણે દુનિયા કદાચ મંદીમાં ધકેલાઈ શકે છે.

ટ્રમ્પે આટલા જંગી ટેરિફ લાદ્યા તેના કારણે દરેક વર્ગના અર્થશાસ્ત્રીઓ માને છે કે હવે જે ભાવવધારો થશે તેનો બોજ અમેરિકન ગ્રાહકોએ ઉઠાવવો પડશે અને તેથી વૈશ્વિક મંદી આવશે.

નોંધનીય છે કે કોવિડ પછી દુનિયાભરમાં ફુગાવામાં વધારો થયો હતો જેની સામે સરકારોનું દેવું વધ્યું હતું. હવે ટ્રમ્પે વધુ એક આંચકો આપ્યો છે.

મંદી કોને કહેવાય? અગાઉ કેટલી મંદી આવી છે?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ડોનાલ્ડ ટ્રમ્પ મંદી અર્થતંત્ર શેરબજાર નિકાસ આયાત

ઇમેજ સ્રોત, Getty Images

મંદીની વાત કરતા પહેલાં જાણીએ કે મંદી કોને કહેવાય.

નૅશનલ બ્યૂરો ઑફ ઇકૉનૉમિક રિસર્ચે મંદીની જે વ્યાખ્યા આપી છે, તે પ્રમાણે સળંગ બે ક્વાર્ટર સુધી આર્થિક ઉત્પાદનમાં ઘટાડો થાય ત્યારે તેને મંદી કહી શકાય. સમગ્ર અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિ ઘટે અને તે કેટલાક મહિના કરતાં વધુ સમય સુધી ચાલે ત્યારે તેને મંદી કહી શકાય.

તેમાં રોજગારી, આવક, ગ્રાહક દ્વારા થતા ખર્ચ અને ઔદ્યોગિક ઉત્પાદનને ધ્યાનમાં લેવાય છે.

છેલ્લાં 100 વર્ષમાં દુનિયાએ અનેક વખત મંદી જોઈ છે જેમાં 1929થી 1939 સુધી ચાલેલી મહામંદી અથવા ગ્રેટ ડિપ્રેશનને સૌથી ભયંકર ગણવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધના કારણે સેનામાં મોટા પાયે રોજગારી પેદા થઈ છેક ત્યારે મહામંદીનો અંત આવ્યો હતો.

1973માં પણ દુનિયાએ આર્થિક આંચકો સહન કર્યો હતો જ્યારે ઑઇલનું ઉત્પાદન અને વેચાણ કરતા દેશોએ અમેરિકા અને તેના મિત્ર દેશોને ઑઇલની નિકાસ અટકાવી દીધી હતી.

ત્યાર પછી 1997ની એશિયન અર્થતંત્રોની કટોકટી અને 2007-08ની કટોકટી નોંધપાત્ર છે. એકવીસમી સદીમાં લિમેન બ્રધર્સ નામની ઈન્વેસ્ટમેન્ટ બૅન્કના પતન પછી 2008ની નાણાકીય કટોકટી સર્જાઈ હતી.

અમેરિકામાં મંદી આવવાની શક્યતા કેટલી?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ડોનાલ્ડ ટ્રમ્પ મંદી અર્થતંત્ર શેરબજાર નિકાસ આયાત

ઇમેજ સ્રોત, Getty Images

ડોનાલ્ડ ટ્ર્મ્પે બીજી એપ્રિલને ‘લિબરેશન ડે’ તરીકે ઓળખાવ્યો છે, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને ‘રિસેશન ડે’ એટલે કે મંદીના દિવસ તરીકે ઓળખાવીને ટીકા કરે છે.

અમેરિકન અખબાર યુએસએ ટૂડેના અહેવાલ પ્રમાણે “ટેરિફ વૉરના કારણે અમેરિકામાં ચીજવસ્તુઓની અછત સર્જાશે, ભાવ વધશે અને ફુગાવાનો દર ચાર ટકાને પાર કરી જશે. જોકે, અમેરિકાની આયાત ઘટશે ત્યારે ડૉલર વધુ મજબૂત બનશે અને અમેરિકનો માટે વિદેશી માલ ખરીદવો સસ્તો પડશે.”

આઇએમએફના ભૂતપૂર્વ ચીફ ઇકૉનૉમિસ્ટ કેન રોગોફે આગાહી કરી છે કે, “ટ્રમ્પ દ્વારા ટેરિફના એલાન પછી અમેરિકામાં મંદી આવવાની શક્યતા વધીને 50 ટકા થઈ છે.”

ટોચની ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમેન સૅક્સે ત્રણ દિવસ અગાઉ જ આગાહી કરી હતી કે, “અમેરિકામાં આગામી 12 મહિનામાં મંદી આવવાની શક્યતા 35 ટકા છે.” ટ્રમ્પે કહેવાતા ‘લિબરેશન ડે’ નિમિત્તે ઊંચા ટેરિફની જાહેરાત કરી તે અગાઉ જ ગોલ્ડમેને મંદીની આગાહી કરી હતી.

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ડોનાલ્ડ ટ્રમ્પ મંદી અર્થતંત્ર શેરબજાર નિકાસ આયાત

ઇમેજ સ્રોત, Getty Images

ગોલ્ડમેન સૅક્સે ફુગાવાનો અંદાજ પણ વધાર્યો છે. 2025માં જીડીપીનો ગ્રોથ રેટ માત્ર એક ટકા રહેવાની આગાહી કરી છે અને બેરોજગારીનો દર 0.3 ટકા વધીને 4.5 ટકા થશે તેમ કહ્યું છે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે વિદેશી માલ પર ટેરિફ નાખવાથી ઘર આંગણે ઍનર્જીના ભાવ ઘટશે, ટૅક્સનો બોજ ઘટશે અને આર્થિક વિકાસદર વધશે.

ફોર્ચ્યુનના અહેવાલ અનુસાર અમેરિકા હાલમાં 28 લાખ કરોડ ડૉલરના દેવા હેઠળ દબાયેલું છે અને 6.7 લાખ કરોડ ડૉલરના દેવાને ચાલુ વર્ષમાં જ રિફાઇનાન્સ કરવાનું છે ત્યારે તે નાણાકીય સંકટમાં મુકાઈ શકે છે.

નોમુરા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ ઇકૉનૉમિસ્ટ ટાકાહિડે કિયુચીને ટાંકીને રૉયટર્સે જણાવ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ પોતે ગ્લોબલ ફ્રી ટ્રેડની આગેવાની લીધી હતી અને ટ્રમ્પના ટેરિફ તેને ધ્વસ્ત કરી નાખે તેવી શક્યતા છે.

ઇન્સ્ટિટ્યૂટ ફૉર પબ્લિક પૉલિસી રિસર્ચ નામની થિંક ટેન્કનું કહેવું છે કે જગુઆર લેન્ડ રોવર અને મિની ફેકટરીને સૌથી વધારે અસર થશે અને યુકેમાં કારઉત્પાદન ઉદ્યોગમાંથી લગભગ 25 હજાર લોકો જૉબ ગુમાવે તેવી શક્યતા છે.

હાલમાં અમેરિકામાં વેચાતી દર આઠ કારમાંથી એક કાર યુકેમાં તૈયાર થાય છે. તેને ભારે ફટકો પડી શકે છે.

ટ્રમ્પ વિશે નકારાત્મક વાતાવરણ

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ડોનાલ્ડ ટ્રમ્પ મંદી અર્થતંત્ર શેરબજાર નિકાસ આયાત

ઇમેજ સ્રોત, Getty Images

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી તે અગાઉથી જ અમેરિકામાં નૅગેટિવ વાતાવરણ જોવા મળ્યું છે. મિશિગન યુનિવર્સિટીના સર્વેમાં અમેરિકનોએ ફુગાવા અને બેરોજગારીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

ચાલુ મહિનામાં અમેરિકામાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં 12 ટકા ઘટાડો થયો છે. 2009 પછી સૌથી વધુ અમેરિકનોને નોકરી ગુમાવવાનો ભય છે. બે તૃતિયાંશ લોકોનું માનવું છે કે આ વર્ષમાં તેઓ રોજગારી ગુમાવશે.

હજુ ગયા વર્ષે જ ટ્રમ્પ ચૂંટણી જીતીને બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા છે, પરંતુ તેની લોકપ્રિયતા ઝડપથી ઘટી રહી છે.

રૉયટર્સના અહેવાલ પ્રમાણે ટ્રમ્પનું અપ્રૂવલ રેટિંગ ઘટીને 43 ટકા થઈ ગયું છે જે છેલ્લા અઢી મહિનામાં સૌથી નીચું છે. 20 જાન્યુઆરીએ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારે તેમનું અપ્રૂવલ રેટિંગ 47 ટકા હતું.

ભારતને ટેરિફથી કેવો આંચકો લાગશે?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ડોનાલ્ડ ટ્રમ્પ મંદી અર્થતંત્ર શેરબજાર નિકાસ આયાત

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, બીજા દેશોની તુલનામાં ભારત પર ઓછા ટેરિફ નાખવામાં આવ્યા છે જે રાહતની વાત છે. ફાર્મા ઇન્ડસ્ટ્રી વધારાના ટેરિફમાંથી બચી ગઈ છે.

બ્રોકરેજ કંપની મોતીલાલ ઓસવાલ મુજબ ભારતમાંથી અમેરિકામાં જે નિકાસ થાય છે તેમાં સૌથી વધુ 15.6 ટકા હિસ્સો ઇલેક્ટ્રોનિક્સનો છે.

બીજા નંબરે જેમ્સ ઍન્ડ જ્વેલરીનો હિસ્સો 11.5 ટકા, ફાર્મા સેક્ટરનો હિસ્સો 11 ટકા, મશીનરી અને ન્યુક્લિયર રિએક્ટરનો હિસ્સો આઠ ટકા અને પેટ્રોલિયમ પેદાશોનો હિસ્સો 5.5 ટકા છે.

ભારત માટે સ્થિતિ એટલી બધી ખરાબ નથી.

જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે કહ્યું છે કે ચીન, તાઈવાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ પર અમેરિકાએ જે ટેરિફ નાખ્યા તેની તુલનામાં ભારત પર 26 ટકા ટેરિફ વધારે ન કહેવાય.

આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર સંધિ થશે ત્યારે તેમાં ટેરિફ ઘટી શકે છે.

ટ્રમ્પના ટેરિફમાંથી ભારતીય ઍનર્જી ઉત્પાદનો, ખનીજ, ફાર્મા પ્રોડક્ટ્સ, સેમિકન્ડક્ટર, તાંબાનાં ઉત્પાદનોને રાહત મળી છે. પરંતુ ડાયમંડ જ્વેલરી, કાર અને કાર ઍસેસરિઝ, રિફાઇન્ડ પેટ્રોલિયમ, રેડીમેડ ગારમેન્ટ્સ વગેરે ઉદ્યોગોને આંચકો લાગવાનો છે.

ભારતમાંથી અમેરિકામાં 4.93 અબજ ડૉલરના કપડાની નિકાસ થાય છે જેના પર ટ્રમ્પ ટેરિફ લગાવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS