Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
-
3 એપ્રિલ 2025, 19:59 IST
અપડેટેડ એક કલાક પહેલા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કરેલા વાયદા પ્રમાણે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે.
ભારત પર 26 ટકાના દરે ટેરિફ નાખવાની જાહેરાત કરી છે ત્યારે ચીન પર 34 ટકા, યુરોપિયન યુનિયન પર 20 ટકા, વિયેતનામ પર 46 ટકા, તાઇવાન પર 32 ટકા ટેરિફ ઝીંકવામાં આવ્યા છે.
નવા ટેરિફ વૉરના પગલે ઑઇલના ભાવમાં મોટો ઘટાડો થયો છે જ્યારે સોનાનો ભાવ વધીને રેકૉર્ડ સ્તરે પહોંચ્યો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 3.2 ટકાથી વધારે ઘટાડો થયો છે જ્યારે સોનાનો ભાવ 3129 ડૉલર પ્રતિ ઔંસ (રતલ એટલે કે લગભગ 454 ગ્રામના 16મા ભાગ જેટલું વજન) થયો હતો.
ટ્રમ્પે લાદેલા ટેરિફના કારણે ભારતીય નિકાસ ઉદ્યોગોને મોટો ફટકો પડવાનો છે જેમાં ગોલ્ડ જ્વેલરી તથા ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ સામેલ છે. પોલિશ્ડ ડાયમંડ પર શૂન્ય ટકા ડ્યૂટી હતી જે હવે વધીને 26 ટકા થશે. અલગ અલગ પ્રકારની જ્વેલરી પર હવે કુલ ડ્યૂટીનું પ્રમાણ 33 ટકા સુધી પહોંચી જશે.
નવા ટેરિફના દર 9 એપ્રિલથી લાગુ થશે.
સોનાના ભાવમાં વધારા પાછળ માત્ર ટ્રમ્પનું કારણ નથી. મધ્ય પૂર્વ અને યુરોપની અસ્થિરતાએ પણ તેમાં ભૂમિકા ભજવી છે.
એપ્રિલની શરૂઆતમાં પહેલી વખત ગોલ્ડનો ભાવ વધીને 3000 ડૉલરને વટાવી ગયો હતો.
દુનિયાભરમાં જ્યારે આર્થિક અનિશ્ચિતતા વધે ત્યારે રોકાણકારો સુરક્ષાની શોધમાં સોનું ખરીદતા હોય છે.
જ્વેલરી સેક્ટરને મોટો ફટકો

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરેલા ટેરિફના કારણે ભારતીય જ્વેલરી સેક્ટરને મોટો આંચકો લાગવાનો છે.
અત્યાર સુધી પોલિશ્ડ ડાયમંડ પર શૂન્ય ટકા ડ્યૂટી હતી જે હવે વધીને 26 ટકા થશે.
ગોલ્ડ જ્વેલરી પર 5.5 ટકાથી સાત ટકા ડ્યૂટી હતી, જે વધીને 31.5 ટકાથી લઈને 33 ટકા થશે.
સિલ્વર જ્વેલરી પરની ડ્યૂટી પાંચ ટકાના બદલે વધીને 31 ટકા થશે. લેબગ્રોન ડાયમંડ પર શૂન્ય ટકા ડ્યૂટી હતી જે વધીને 26 ટકા થશે.
રૉયટર્સના અહેવાલ અનુસાર જેમસ્ટોન જ્વેલરી પરની ડ્યૂટી પાંચથી છ ટકા હતી.
ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના ડાયરેક્ટર હરેશ આચાર્યએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, “સોનાના ભાવ હાલમાં તેજી તરફ છે અને ડૉલરની ખરીદી એક કરન્સી તરીકે થઈ રહી છે.”
ભારતમાંથી અમેરિકામાં એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક ગૂડ્સ પછી જેમ અને જ્વેલરીની સૌથી વધુ નિકાસ થાય છે અને લાખો લોકોને રોજગારી પણ મળે છે.
તાજેતરમાં ચીનમાં પણ ડિમાન્ડ નબળી પડવાના કારણે આ ઉદ્યોગ પહેલેથી સંકટમાં છે. તેવામાં ટ્રમ્પના ટેરિફના કારણે મુશ્કેલી વધી છે.
સોનું એક લાખની સપાટી અડકશે?

ઇમેજ સ્રોત, Getty Images
હરેશ આચાર્યના કહેવા મુજબ “દુનિયાભરની સેન્ટ્રલ બૅંકો આ ભાવે સોનું ખરીદી રહી છે તેથી જીએસટી સાથે દસ ગ્રામ સોનાનો ભાવ ટૂંક સમયમાં એક લાખની સપાટી પાર કરી શકે છે.”
તેમણે કહ્યું કે, “ભારતમાં આ ભાવે જે સોનું ખરીદાય છે તેમાં 80 ટકા ઇન્વેસ્ટરો છે અને માત્ર 20 ટકા સોનું જરૂરિયાત માટે ખરીદાઈ રહ્યું છે. સામાન્ય લોકો માટે ગોલ્ડ જ્વેલરી ખરીદવી બહુ મુશ્કેલ બનશે.”
અમદાવાદમાં સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ 94 હજાર રૂપિયાની સપાટીને વટાવી ગયો છે.
અમદાવાદ જ્વેલર્સ ઍસોસિયેશનના પ્રેસિડન્ટ જિગર સોનીએ જણાવ્યું કે, “વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતાં સોનું એક લાખની સપાટીને પાર કરી શકે છે. જોકે, તે અગાઉ તેમાં થોડું કરેક્શન એટલે કે ઘટાડો આવી શકે છે. પરંતુ સોનાની ખરીદી ઘટશે.”
ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર ટેરિફની કેવી અસર પડશે તે વિશે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, “ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકા એ દુનિયાનું સૌથી મોટું બજાર છે. ભારતમાંથી 75 ટકા પોલિશ્ડ ડાયમંડ અને જ્વેલરીની ખરીદી અમેરિકામાં થાય છે અને હવે ત્યાં ડ્યૂટીમાં મોટો વધારો થયો છે.”
તેઓ કહે છે કે “નવા ભાવે ડિમાન્ડ જળવાઈ રહે તો ઉદ્યોગને વાંધો નહીં આવે, પરંતુ આ ભાવે માંગ ટકી રહે તે મુશ્કેલ છે.”
તેમણે કહ્યું કે “ભારતમાં સોનાનો ભાવ 45 હજાર રૂપિયાથી 95 હજાર સુધી પહોંચ્યો છતાં સોનાની આયાત એટલી જ જળવાઈ રહી છે. આવી જ રીતે અમેરિકાના ગ્રાહકો પણ જવેલરીની ખરીદી જાળવી શકે છે.”
ડાયમંડ ઇન્ડસ્ટ્રીના જાણકારોના કહેવા પ્રમાણે હવે દુબઈ સહિતના અખાતના દેશોમાં ભારતીય ડાયમંડની નિકાસ વધી શકે છે જ્યાં માત્ર દસ ટકા ડ્યૂટી છે અને ત્યાંથી માલ અમેરિકા પહોંચી શકે છે.
વૈશ્વિક અર્થતંત્રને પણ અસર થશે

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમાં બનેલાં તમામ વાહનો પર 25 ટકા ટેરિફની ઘોષણા કરી છે જે મધરાતથી જ અમલમાં આવી જશે.
ટ્રમ્પની દલીલ છે કે અમેરિકાને અત્યાર સુધી લૂંટવામાં આવ્યું છે જે હવે બંધ થશે અને રાષ્ટ્રીય દેવું ચૂકવવામાં મદદ મળશે. તેમનો દાવો છે કે આનાથી અમેરિકામાં ઉત્પાદનને વેગ મળશે.
ફિચ રેટિંગ એજન્સી ખાતે યુએસ ઇકૉનૉમિક રિસર્ચના ઓનુ સોનોલાએ જણાવ્યું કે, “આ ટેરિફ ગૅમ ચેન્જર સાબિત થશે. માત્ર અમેરિકન અર્થતંત્ર માટે નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્રને પણ અસર થશે. ઘણા દેશોમાં મંદી આવવાની શક્યતા છે.”
શૅરબજારને આંચકો

ઇમેજ સ્રોત, Getty Images
શૅરબજારે આ જાહેરાત અંગે પ્રતિભાવ આપવાનું શરૂ કરી દીધું છે. એશિયા પૅસિફિકના મોટા ભાગનાં બજારો ઘટ્યાં છે. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ સીધો ચાર ટકા ગગડ્યું હતું.
આજે ટ્રમ્પે જે ટેરિફની જાહેરાત કરી તેમાં કૅનેડા અને મૅક્સિકો સામેલ નથી. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે આ બંને દેશો સાથે એક્ઝિક્યુટિવ ઑર્ડર મારફત કામ લેવામાં આવશે. ટ્રમ્પે અગાઉ આ બંને દેશો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી અને પછી કેટલીક છૂટછાટ આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળી ત્યાર પછી ચીન અને કૅનેડા વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂટીઓ)માં ગયા હતા અને અમેરિકા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
હવે જિનિવાસ્થિત સંસ્થા આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમોના આધારે ચુકાદો આપશે. જોકે, છેલ્લાં સાડા પાંચ વર્ષથી ડબલ્યૂટીઓની ક્ષમતા મર્યાદિત થઈ ગઈ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની પ્રથમ ટર્મ દરમિયાન ડબલ્યૂટીઓમાં નવા જજની નિમણૂકો અટકાવી હતી. અમેરિકાની દલીલ છે કે ડબલ્યૂટીઓની કામગીરી અમેરિકાના હિતની વિરુદ્ધ છે. ટ્રમ્પનું કહેવું છે કે ગ્લોબલ ટ્રેડ સિસ્ટમમાં ડબલ્યૂટીઓએ ચીનને બિનજરૂરી ફાયદો કરાવ્યો છે.
ભારતીય ફાર્મા ઉદ્યોગને રાહત

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાંથી દર વર્ષે 13 અબજ ડૉલરની ફાર્મા નિકાસ થાય છે.
હાલમાં અમેરિકાથી ભારતમાં આયાત થતી દવાઓ પર ભારત દસ ટકા ટેરિફ નાખે છે, પરંતુ ભારતીય ફાર્મા ઉત્પાદનો પર અમેરિકા કોઈ ટેરિફ નાખતું નથી.
ભારતીય ફાર્મા ઉદ્યોગ રાહતનો દમ લઈ શકશે, કારણ કે દવાઓની નિકાસને રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલી ફૅક્ટ શીટ પ્રમાણે દવાઓ અને બીજી પ્રોડક્ટ્સનો તેમાં સમાવેશ થયો નથી.
ટ્રમ્પે જે જાહેરાતો કરી તેમાં કોઈ ચોક્કસ સેક્ટરના ટેરિફની વાત ન હતી.
અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ફાર્મા, સેમી કન્ડક્ટર અને બીજા સેક્ટર પર ટેરિફની મોડેથી જાહેરાત કરશે. તેમણે વિદેશથી આવતા તમામ ઓટોમોબાઇલ અને ઓટો કમ્પોનન્ટ પર 25 ટકા ટેરિફ નાખ્યા છે.
ચીને અમેરિકાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
દરમિયાન રૉયટર્સના અહેવાલ પ્રમાણે ચીને પોતાના પરના ટેરિફને તાત્કાલિક રદ કરવા અમેરિકા પાસે માંગણી કરી છે. ચીને અમેરિકા વિરુદ્ધ વળતા ટેરિફ નાખવાની ચેતવણી પણ આપી છે.
ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે અમેરિકાના આ પગલાથી વેપારસંગઠનોમાં આટલાં વર્ષો દરમિયાન જે સંતુલન સાધવામાં આવ્યું હતું તે જોખમાશે.
ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ ચીન પર 20 ટકા ટેરિફ ઝીંક્યા હતા અને હવે વધુ 34 ટકા ટેરિફની જાહેરાત કરી છે. તેથી ચીન પર અમેરિકન ટેરિફ વધીને 54 ટકા સુધી પહોંચી જશે. યુએસ પ્રેસિડન્ટની ચૂંટણી વખતે પણ ટ્રમ્પ કહેતા હતા કે તેઓ ચીન પર 60 ટકા ટેરિફ નાખશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS