Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 8 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 4 મિનિટ
ટી20 વર્લ્ડકપના 18મા મુકાબલામાં ભારતે નામીબિયાને 93 રનથી હરાવ્યું.
ભારતના 209 રનના જવાબમાં નામીબિયાની ઇનિંગ 18.2 ઓવરમાં 116 રન પર જ સમેટાઈ ગઈ.
વરુણ ચક્રવર્તી, ત્રણ વિકેટ લઈને ભારત માટે સૌથી સફળ બૉલર બન્યા. જ્યારે હાર્દિક અને અક્ષરે બે બે વિકેટ લીધી.
આ પહેલાં ભારતે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 209 રન બનાવ્યા હતા.
ઇશાન કિશને 24 બૉલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતને સારી શરૂઆત અપાવી હતી.
ભારતના 209 રનના જવાબમાં નામીબિયાની શરૂઆત સારી રહી. નામીબિયાના ઓપનર્સે પહેલી વિકેટ માટે 3.4 ઓવરમાં 34 રન જોડ્યા.
પરંતુ અર્શદીપસિંહે જૅન ફ્રાઇલિંકને મોટી ઇનિંગ રમતા અટકાવ્યા અને તેમને 22 રન પર આઉટ કર્યા.
તે પછી લૉરેન સ્ટીનકેમ્પે જૅનનિકોલ સાથે મળીને નામીબિયાની પારીને આગળ ધપાવી અને પાવરપ્લેના અંતે ટીમનો સ્કોર 6 ઓવરમાં 57 રન સુધી પહોંચાડી દીધો.
પરંતુ આઠમી ઓવરમાં બૉલિંગ કરવા આવેલા વરુણ ચક્રવર્તીએ મૅચમાં પોતાની પ્રથમ જ બૉલ પર લૉરેનને બોલ્ડ કરી દીધા. લૉરેનએ 29 રનની ઇનિંગ રમી.
તેમની આગામી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ નામીબિયાના બે બેટર્સને પેવિલિયન પરત મોકલ્યા. ત્યારબાદ અક્ષર પટેલે 11મી ઓવર મેડન નાખી અને નામીબિયાના એક વધુ બેટરને પેવિલિયન પરત મોકલ્યા.
સારી શરૂઆત બાદ નામીબિયાની પારી એવી લડખડાઈ કે 11 ઓવરમાં અડધી ટીમ પેવિલિયન ભેગી થઈ ગઈ. પોતાની આગામી ઓવરમાં અક્ષરે એક વધુ વિકેટ લીધી અને 96 રનના સ્કોર પર નામીબિયાના છ બેટર્સ આઉટ થઈ ચૂક્યા હતા. ત્યારબાદ ભારતની જીત માત્ર ઔપચારિકતા જ રહી ગઈ હતી.
હાર્દિક પંડ્યાએ બે વિકેટ લઈને નામીબિયાને 116 રન પર જ રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
ટી20 વર્લ્ડકપમાં ભારતની આ સતત બીજી જીત છે. હવે 15 ફેબ્રુઆરીએ ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે.
ઇશાન કિશનની તોફાની ફિફ્ટી
ઇમેજ સ્રોત, Getty Images
સંજૂ સેમસને ઈશાન કિશન સાથે મળીને ભારતને ધમાકેદાર શરૂઆત અપાવવાના પ્રયત્ન કર્યા. સંજૂએ આઠ બૉલમાં 22 રનની ઇનિંગ રમી. તેમની ઇનિંગમાં ત્રણ છગ્ગા અને ચોગ્ગો સામેલ રહ્યા.
પરંતુ બીજી ઓવરના અંતિમ બૉલ પ બેન શિકોંગોએ સંજૂની વિકેટ ઝડપીને તેમને પેવેલિયનની રાહ બતાવી દીધી. જોકે, એ બાદ ઈશાન કિશને તિલક વર્મા સાથે મળીને મોરચો સંભાળ્યો અને 4.3 ઓવરમાં જ ભારતનો સ્કોર 50ની પાર પહોંચી ગયો.
ઈશાન કિશને છઠ્ઠી ઓવરનો પ્રથમ બૉલ ખાલી ગયા બાદ સતત ચાર છગ્ગા ફટકાર્યા. કિશને 20 બૉલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી.
પ્રથમ પાવરપ્લે બાદ ભારતનો સ્કોર એક વિકેટના નુકસાન પર 86 રન સુધી પહોંચી ગયો. એ બાદ પણ કિશને રન બનાવવાની ગતિ જાળવી રાખી અને સાતમી ઓવરનાં પાંચમા બૉલે ભારતનો સ્કોર 100 રનની પાર પહોંચી ગયો. પરંતુ કિશન આઠમી ઓવરના પ્રથમ બૉલ પર મોટો શૉટ ફટકારવાની કોશિશમાં બાઉન્ડ્રી પર કૅચઆઉટ થઈ ગયા.
કિશને 24 બૉલમાં 61 રન બનાવ્યા. તેમને જેરાર્ડ ઇરાસ્મસે પેવેલિયન પરત મોકલ્યા. એ બાદ ગત મૅચના હીરો કપ્તાન સૂર્યકુમાર યાદવ પણ વધુ સમય સુધી ક્રીઝ પર ન ટકી શક્યા અને 13 બૉલમાં 12 રન બનાવીને સ્ટમ્પ આઉટ થયા.
હાર્દિક પંડ્યાએ મોરચો સંભાળ્યો
ઇમેજ સ્રોત, Getty Images
એ બાદ ભારતની રનની ગતિ ધીમી પડી. તેને વધારવાની કોશિશમાં તિલક શર્મા 21 બૉલમાં 25 રન બનાવીને આઉટ થઈ ગયા. ભારતે 11.5 ઓવરમાં 124ના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધા.
પરંતુ એ બાદ હાર્દિક પંડ્યાએ શિવમ દુબે સાથે મળીને રનની ગતિ વધારી. હાર્દિક પંડ્યાએ 27 બૉલમાં પોતાની અર્ધ સદી પૂર્ણ કરી.
પરંતુ ફિફ્ટી પૂરી કરતાં જ તેમને પેવેલિયન પરત ફરવું પડ્યું. પંડ્યાની 52 રનની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ રહ્યા.
એના તરત બાદ શિવમ દુબે 16 બૉલમાં 23 રન બનાવીને રનઆઉટ થઈ ગયા.
અંતિ બે ઓવરમાં નામીબિયાએ જબરદસ્ત વાપસી કરી અને ભારતને માત્ર દસ રન કરવાની જ તક આપી. જોકે, તેમ છતાં ભારત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 209 રન બનાવવામાં જરૂર સફળ રહ્યું.
ટી20 વિશ્વકપમાં ભારતે રચ્યો ઇતિહાસ
ઇમેજ સ્રોત, Getty Images
210 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નામીબિયાની ટીમ 16.2 ઓવરમાં 116 રનમાં ઑલઆઉટ થઈ ગઈ. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં ભારતે નામીબિયાને 93 રનથી પરાસ્ત કર્યું.
સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમની આ ટી20 વિશ્વકપ 2026માં સતત બીજી જીત છે. આ પહેલા તેણે ગ્રૂપ મુકાબલામાં અમેરિકાની ટીમને 29 રનથી હરાવી હતી. ભારત હવે ગ્રૂપ-એમાં પૉઇન્ટ-ટેબલમાં પાકિસ્તાનને પછાડીને ટૉપ પર આવી ગયું છે.
ભારતીયી ટીમે નામીબિયા પર 93 રનોથી જીત હાંસલ કરી, તે રનના હિસાબે ટી20 વિશ્વકપના ઇતિહાસમાં આ ટીમની સૌથી મોટી જીત છે.
અગાઉ ભારતીય ટીમે 2012ના ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડને 90 રનોથી હરાવ્યું હતું. આ રેકૉર્ડને ભારતીય ટીમે વધુ બહેતર કર્યો છે.
આ ઉપરાંત ભારતની ટીમે ટી20 વિશ્વકપના ઇતિહાસમાં સતત 10 મૅચ જીતી છે. ભઆરતીય ટીમે ટી20 વિશ્વકપ 2024 દરમિયાન સતત 8 મૅચોમાં જીત હાંસલ કરી હતી. હાલના વિશ્વકપમાં તેણે બે જીત હાંસલ કરી છે. અગાઉ દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા સતત 8-8 મૅચ જીતી ચૂક્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



