Home તાજા સમાચાર gujrati ટી20 વર્લ્ડકપ : ત્રણ ગુજરાતીએ મળીને કેવી રીતે પાકિસ્તાનની હારનો પાયો નાખ્યો?

ટી20 વર્લ્ડકપ : ત્રણ ગુજરાતીએ મળીને કેવી રીતે પાકિસ્તાનની હારનો પાયો નાખ્યો?

38
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, બીબીસી, ભારતીય ક્રિકેટ ટીમ, અમદાવાદ, ક્રિકેટ, પાકિસ્તાન, ટી20 વર્લ્ડકપ,

ઇમેજ સ્રોત, Getty Images

15 ફેબ્રુઆરી 2026, 22:45 IST

અપડેટેડ 25 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 6 મિનિટ

શ્રીલંકાના પાટનગર કોલંબો ખાતે રમાયેલી ટી20 વર્લ્ડકપની 27મી મૅચમાં ભારત-પાકિસ્તાનના મુકાબલામાં ત્રણ ગુજરાતીની કમાલે પાકિસ્તાનની ટીમને પાછી પાડી દીધી હતી.

176 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાની ટીમે શરૂઆતમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ટીમની જીતની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું.

પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં 114 રનના સ્કોરે જ ઑલઆઉટ થઈ ગઈ અને ભારતની 61 રનથી દબદબાભેર જીત થઈ.

નોંધનીય છે કે, પ્રથમ ઓવરમાં હાર્દિક પંડ્યા, બીજી ઓવરમાં જસપ્રીત બુમરાહ અને પાંચમી ઓવરમાં અક્ષર પટેલે પાકિસ્તાનના ધુરંધર બૅટ્સમૅનોને પેવેલિયનનો રસ્તો બતાવી પાકિસ્તાનની ટીમની જાણે કમર જ તોડી નાખી.

આ પહેલાં ભારતીય ટીમ વતી ઈશાન કિશને તોફાની ઇનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડ્યું હતું.

નોંધનીય છે કે ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન અને ભારતના મુકાબલાના ઇતિહાસમાં આ સૌથી મોટો ટાર્ગેટ હતો.

ગુજરાતી બૉલરોની કમાલ

પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, શ્રીલંકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન તરફથી સ્પિનરોએ ભારતીય બૅટ્સમૅનોની મુશ્કેલી વધારી હોઈ જ્યારે ભારતીય કપ્તાને પ્રથમ ઓવર ફેંકવાની જવાબદારી હાર્દિક પંડ્યાને આપી ત્યારે ઘણાને આશ્ચર્ય થયો હશે.

જોકે, હાર્દિકે લાઇન-લેન્થ જાળવીને બૉલિંગ કરતાં પાકિસ્તાનના આક્રમક ઓપનર શાહીબઝાદા ફરહાનને શરૂઆતથી જ પરેશાન કરી દીધા. તેમને સેટ થવાની કોઈ તક જ ન આપી. મોટો શૉટ રમાવાની કોશિશમાં શાહીબઝાદા ફરહાન ચોથા બૉલે જ શૂન્ય પર આઉટ થઈ ગયા.

વિકેટ લેવાની સાથે હાર્દિક પ્રથમ ઓવર મેડન કાઢવામાં પણ સફળ રહ્યા.

ભારતની બીજી અને જસપ્રીત બુમરાહની પ્રથમ ઓવર તો પાકિસ્તાન માટે પડતા ઉપર પાટુ જેવી સાબિત થઈ.

ઓવરના પ્રથમ બૉલે જસપ્રીત બુમરાહનો બૉલ રમવા જતાં પાકિસ્તાનના અન્ય ઓપનર સઈમ અયૂબ બૅટના કિનારે બૉલ અથડાયો અને બૉલ બાઉન્ડ્રી લાઇનની બહાર જઈને પડ્યો. આમ, પ્રથમ બૉલમાં જ પાકિસ્તાનને છ રન મળ્યા, પરંતુ સઈમ અને બુમરાહ બંને જાણતા હતા કે આ મિસટાઇમિંગવાળા શૉટને કારણે આ છગ્ગો મળ્યો હતો.

જોકે, બુમરાહે બીજો બૉલ એવો તો યૉર્કર નાખ્યો કે સઈમ બિલકુલ કળી જ ન શક્યા અને એલબીડબ્લ્યૂ આઉટ થઈ ગયા. છેલ્લા પ્રયાસ તરીકે પાકિસ્તાને લીધેલો રિવ્યૂ પણ બાતલ જ ગયો.

પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, શ્રીલંકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ ઓવરમાં બુમરાહનો તરખાટ ચાલુ રહ્યો. ક્રીઝ પર નવા આવેલા પાકિસ્તાનના કપ્તાન સલમાન અલી આગાને તેમણે હાથ ન ખોલવા દીધા. અંતે બુમરાહની ઓવરના અંતિમ બૉલમાં આગા પણ હાર્દિક પટેલને કૅચ દઈ બેઠા અને માત્ર ચાર રન બનાવી પરત ફર્યા.

એ બાદ પાંચમી ઓવર નાખવા આવેલા અક્ષર પટેલે પહેલા ચાર બૉલમાં બે બાઉન્ડ્રી ખાધી અને પાંચમા બૉલે પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને આક્રમક બૅટ્સમૅન બાબર આઝમની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી. તેઓ સાત બૉલમાં પાંચ રન જ કરી શક્યા. આ તબક્કા સુધી પાકિસ્તાનનો સ્કોર 4.5 ચાર વિકેટના નુકસાને 34 રન થઈ ચૂક્યો હતો.

પાકિસ્તાની ટીમે ચાર વિકેટ ગુમાવ્યા બાદ ઉસ્માન ખાન ને શાદાબ ખાનની જોડીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો. ઉસ્માન એક છેડેથી જબરદસ્ત ફટકાબાજી કરતા દેખાયા, પરંતુ અક્ષર પટેલને આ ભાગીદારી જ તોડવામાં સફળતા સાંપડી. તેમણે ખતરનાક જણાઈ રહેલા ઉસ્માન ખ્વાજાને 44 રનના વ્યક્તિગત સ્કોરે રવાના કરી દીધા. તેમણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.

અહીં સુધી પાકિસ્તાનનો સ્કોર પાંચ વિકેટના નુકસાને 73 રન થઈ ગયો હતો.

બાદમાં 12મી ઓવરમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવે મોહમ્મદ નવાઝને ચાર રનના વ્યક્તિગત સ્કોરે શિવમ દુબેના હાથે કૅચઆઉટ કરાવી દીધા. એ બાદ એક છેડો સાચવીને ઊભેલા શાદાબ ખાન પણ ઝાઝું ન ટકી શક્યા. તેમને તિલક વર્માએ 14 રનના વ્યક્તિગત સ્કોરે શિવમ દુબેના હાથે કૅચઆઉટ કરાવી દીધા.

પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, શ્રીલંકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આટલે સુધી પાકિસ્તાનની ટીમ સાત વિકેટના નુકસાને 78 રન જ બનાવી શકી હતી અને અત્યંત મુશ્કેલ સ્થિતિમાં જણાઈ રહી હતી.

ડ્રિંક્સ બ્રેક બાદ 16મી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ ફહીમ અશરફને 10 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કરી દીધા અને તેના બીજા જ બૉલે ક્રીઝ પર નવા આવેલા પૂંછડિયા બૅટ્સમૅન અબરાર અહમદ પણ શૂન્ય પર એલબીડબ્લ્યૂ આઉટ થઈ ગયા.

16 ઓવર પૂરી થયા બાદ ભારત જીતથી માત્ર એક જ વિકેટ દૂર હતું.

જોકે, અંતિમ ઓવરોમાં શાહીન આફ્રિદીએ ભારત માટે જીતનો ઇંતેજાર થોડો લાંબો કર્યો હતો.

હાર્દિક પંડ્યાએ 18મી ઓવરના અંતિમ બૉલ પર ઉસ્માન તારિકને બોલ્ડ કરીને આ ઇંતેજાર ખતમ કર્યો અને આમ, ભારતની 61 રનથી મોટી જીત થઈ.

ભારત તરફથી જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીને બબ્બે, કુલદીપ યાદવ અને તિલક વર્માને એકેક વિકેટ મળી હતી.

ઈશાન કિશનની ધમાકેદાર ઇનિંગ

પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, શ્રીલંકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Manan VATSYAYANA / AFP via Getty Images

ભારતની ઇનિંગની વાત કરીએ તો જીતના ઇરાદા સાથે ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ કંઈ ખાસ રહી નહોતી. પ્રથમ ઓવરમાં જ મોટો શૉટ રમવા જતા ઓપનર અભિષેક શર્મા સલમાન અલી આગાના બૉલ પર શાહીન અફરીદીને કૅચ આપી બેઠા.

ભારતીય ઓપનર ઈશાન કિશને શરૂઆતી ફટકાને ટીમ પર અને પોતાની જાત પર દબાણનું કારણ નહોતું બનવા દીધું.

તેમણે એક છેડેથી એવી તો ફટકાબાજી ચાલુ રાખી કે એક સમયે શાંત જણાતી પાકિસ્તાનની ટીમ દબાણમાં હોવાનું દેખાવા લાગ્યું.

ઈશાન કિશને માત્ર 27 બૉલમાં અર્ધ સદી નોંધાવી દીધી હતી. તેમના આક્રમક અંદાજનો એ બાબત પરથી ખ્યાલ આવતો તો કે આ તબક્કા સુધી ભારતનો સ્કોર એક વિકેટના નુકસાને 60 રનનો હતો.

જબરદસ્ત ફૉર્મમાં લાગી રહેલા ઈશાન કિશને 73 રનના વ્યક્તિગત સ્કોરે મેદાન પર જ ફિઝિયૉથૅરપિસ્ટની મદદ લીધી હતી. એ બાદ પાકિસ્તાન તરફથી સઈમ અયૂબ નવમી ઓવર ફેંકવા આવ્યા. તેમના પ્રથમ બે બૉલ પર ઈશાન અને તિલક વર્માએ સિંગલ લીધા, પરંતુ ત્રીજા બૉલમાં ઈશાન કિશને સ્ટાન્સ સ્વિચ કરીને બૉલને બાઉન્ડરી બહાર ધકેલી દીધો.

જોકે, અયૂબના ચોથા બૉલમાં સેટ દેખાતા ઈશાન કિશન સ્પિનથી માત ખાઈ ગયા અને બોલ્ડ થઈ ગયા. તેઓ 40 બૉલમાં 77 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા.

સૂર્યકુમારની સંતુલિત અને શિવમ દુબેની આક્રમક ઇનિંગ

પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, શ્રીલંકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Manan VATSYAYANA / AFP via Getty Images

ભારતીય ટીમે 88 રનના સ્કોરે ઈશાન કિશનને ગુમાવ્યા બાદ તિલક વર્મા અને કપ્તાન સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી, પરંતુ ઇનિંગની 15મી ઓવરમાં સઈમ અયૂબે પહેલાં ક્રીઝ પર સેટ દેખાતા તિલક વર્માને 25 રનના સ્કોરે એલબીડબ્લ્યૂ આઉટ કર્યા અને તેના બીજા જ બૉલે ક્રીઝ પર નવા આવેલા હાર્દિક પંડ્યા મોટો શૉટ રમવા જતા શૂન્ય રને આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા.

આ તબક્કા સુધી ભારતીય ટીમનો સ્કોર ચાર વિકેટના નુકસાને 126 રનનો હતો.

એક છેડેથી સૂર્યકુમાર યાદવ સતત સિંગલ-ડબલ લેતા જઈ રહ્યા હતા, જ્યારે શિવમ દુબે આક્રમક રમી રહ્યા હતા.

જોકે, આ પાર્ટનરશિપ તોડી પાછલા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલા પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકે.

ઉસ્માન તારિકે પોતાના અંતિમ ઓવરના પાંચમા બૉલમાં સેટ દેખાઈ રહેલા સૂર્યકુમાર યાદવને બાઉન્ડરી પર કૅચઆઉટ કરાવી પાકિસ્તાનને પાંચમી સફળતા અપાવી. તેઓ 29 બૉલમાં 32 રન બનાવી શક્યા. તેમણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા.

ભારત પાછલી બે ઓવરમાં હીટિંગ કરવાના ઇરાદા સાથે રમી રહ્યું હતું. જેમાં ટીમ ઘણી ખરી હદે સફળ પણ રહી હતી. જોકે, ટીમ એક તરફથી વિકેટો પણ ગુમાવતી રહી.

પાકિસ્તાન તરફથી છેલ્લી ઓવર શાહીનશાહ આફ્રિદી ફેંકી રહ્યા હતા. જોકે, તેમની ઓવરમાં ભારતના રિંકુસિંહ અને શિવમ દુબેએ જબરદસ્ત બેટિંગ કરી અને છેલ્લી ઓવરમાં 16 રન બનાવ્યા, પરંતુ ઝડપથી રન બનાવવાની પ્રયાસમાં શિવમ દુબે રનઆઉટ થઈ ગયા, તેમણે 17 બૉલમાં 27 રન બનાવ્યા. તેમણે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

ક્રીઝ પર અંતિમ બૉલ રમવા આવેલા અક્ષર પટેલ પણ મોટો શૉટ રમવા જતા સઈમ અયૂબને કૅચ દઈ બેઠા હતા અને ભારતીય ટીમ પોતાની ઇનિંગના અંતે સાત વિકેટના નુકસાને 175 રન બનાવી શકી હતી.

પાકિસ્તાનના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો ટીમે આજે કુલ સાત બૉલરોનો ઉપયોગ કર્યો હતો. જેમાં છ સ્પિનર અને એક જ ફાસ્ટ બૉલરે બૉલિંગ કરી હતી.

પાકિસ્તાની ટીમનો આ દાવ સફળ પણ થતો દેખાયો હતો, કારણ કે સ્પિનર સઈમ અયૂબે સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે મૅચ પહેલાં જેમની સૌથી વધુ ચર્ચા હતી એવા ઉસ્માન તારિક માત્ર એક વિકેટ જ લઈ શક્યા, પરંતુ ચાર ઓવર ફેંકીને માત્ર 24 જ રન આપ્યા હતા.

પાકિસ્તાન તરફથી સલમાન અલી આગા અને શાહીન આફ્રિદીએ પણ એકેક વિકેટ લીધી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS