Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images/BBC/Anselmo Cunha
ચેતવણીઃ આ લેખમાં જાતીય દૃશ્યોનું વર્ણન છે.
ગ્લૌસિયા ફેકેટે સવાલ કરે છે કે, “જો હું મારી માતાની સલાહને અવગણીને ન્યૂયૉર્ક ગઈ હોત, તો મારી શું હાલત થઈ હોત?”
2004માં 16 વર્ષની વયે તેઓ બ્રાઝિલનાં ગ્રામીણ વિસ્તારમાં રહેતાં હતાં અને મૉડલિંગની દુનિયામાં કદમ માંડી રહ્યાં હતાં.
તેમનો દાવો છે કે, ફ્રેન્ચ મૉડલિંગ એજન્ટ જીન-લ્યુક બ્રુનેલ તેમના ઘરે ગયા હતા અને ગ્લૌસિયાનાં માતાને મળીને તેમને ઇક્વાડોરમાં યોજાઈ રહેલી મૉડલિંગ સ્પર્ધામાં ભાગ લેવા દેવા મનાવ્યાં હતાં.
રેપ, જાતીય હુમલા તથા અમેરિકન ફાઇનાન્સર અને યૌન અપરાધી જેફ્રી ઍપસ્ટીન માટે છોકરીઓની ભરતી કરવાના આરોપોનો સામનો કરી રહેલા બ્રુનેલે પાછળથી જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
તે સમયે તેઓ બ્રુનેલને નહોતાં જાણતાં, એક પ્રસિદ્ધ બ્રાઝીલિયન ટેલેન્ટ સ્કાઉટે તેમની ઓળખાણ કરાવી હતી.
બીબીસી ન્યૂઝ બ્રાઝીલની તપાસમાં એવા પુરાવા મળ્યા હતા કે, બ્રુનેલ તે સમયે જે મૉડલિંગ એજન્સીઓ સાથે સંકળાયેલો હતો, તે એજન્સીઓનો ઉપયોગ ઍપસ્ટીન માટે દક્ષિણ અમેરિકાથી સક્રિયપણે યુવતીઓ અને છોકરીઓ શોધવા માટે તથા તે છોકરીઓના અમેરિકા પ્રવાસ માટે વિઝાની વ્યવસ્થા કરવા માટે કરતો હતો.
ઍપસ્ટીન સાથે સંબંધ હોવાનો દાવો કરનારાં અન્ય એક બ્રાઝીલિયન મહિલાએ બીબીસીને તેમના અમેરિકન વિઝા બતાવ્યા હતા.
તેમણે બ્રુનેલની એક એજન્સીને તેમની સ્પોન્સર ગણાવી હતી. જોકે, તેમણે કહ્યું હતું કે, તેમણે કદી બ્રુનેલ માટે મૉડલ તરીકે કામ કર્યું ન હતું અને પ્રવાસના દસ્તાવેજો તૈયાર કરવાનો એકમાત્ર આશય ઍપસ્ટીન સાથે તેમની મુલાકાત ગોઠવવાનો જ હતો.
ઇમેજ સ્રોત, U.S. Department of Justice
ગ્લૌસિયાનાં માતાને બ્રુનેલ ઉપર વિશ્વાસ નહોતો, પણ તેમને બ્રુનેલ “ઘણો દેખાવડો” લાગ્યો હતો. આખરે તેઓ તેમની પુત્રીને ઇક્વાડોર મોકલવા માટે સંમત થયાં.
સગીર ગ્લૌસિયા ન્યૂ જનરેશન મૉડલ્સ કૉમ્પિટિશન માટે બ્રુનેલની ટીમ સાથે ગુઆયાક્વિલ ગયાં હતાં. તે સમયે સ્થાનિક અખબારોએ અહેવાલ છાપ્યા હતા કે, સ્પર્ધક સગીરાઓ 15 અને 19 વર્ષની વચ્ચેની વયની હતી.
ગ્લૌસિયા કહે છે કે, સ્પર્ધા સુચારુ ઢબે સંપન્ન થઈ હતી, પણ ગ્લૌસિયાને જ્યારે પરિવાર સાથે સંપર્ક કરવાની ના પાડી દેવાઈ, ત્યારે તેમના મનમાં કંઈક ગરબડ હોવાની શંકા જાગી.
પશ્ચિમ યૂરોપનાં અન્ય એક સ્પર્ધક યુવતી લૌરા (નામ બદલ્યું છે) તે સમયે 16 વર્ષનાં હતાં. તેમણે પોતાની ઓળખ પ્રગટ ન કરતાં કહ્યું હતું કે, તેમને બ્રુનેલનું વર્તન વિચિત્ર લાગ્યું હતું.
તેમણે કહ્યું, “તેની વર્તણૂક અજીબ હતી, તે હંમેશાં યુવાન બ્રાઝીલિયન સ્ત્રીઓથી ઘેરાયેલો રહેતો હતો… તે મશ્કરાની માફક વર્તતો હતો અને માત્ર નાની વયની છોકરીઓ સાથે જ ફરતો હતો.”
લૌરાનું માનવું છે કે એ હરીફાઈ “માન્યતાપ્રાપ્ત” અને સુવ્યવસ્થિત હતી, છતાં “તે (બ્રુનેલ) સારી રીતે જાણતો હતો કે, કઈ કઈ છોકરીઓ કમજોર હતી.”
લૌરા આગળ કહે છે, “તે તેના પૈસા ઉપર પૂરું નિયંત્રણ રાખતો હોય, એમ લાગતું હતું. બ્રાઝીલ અને પૂર્વ યૂરોપના દેશોની છોકરીઓ તેના નિશાના પર હોય, એમ જણાતું હતું.”
ગ્લૌસિયા જણાવે છે કે, પ્રવાસના અંતે, બ્રુનેલે “શોમાં ભાગ લેવા માટે તેમને ન્યૂયૉર્ક લઈ જવાની ઑફર કરી”, જેનો તમામ ખર્ચ પણ બ્રુનેલ ઉઠાવવાનો હતો. તે સમયે, તેમણે પરવાનગી લેવા માટે ગ્લૌસિયાનાં માતા બાર્બરાનો સંપર્ક સાધવો પડ્યો.
ઇમેજ સ્રોત, Fekete family archive /BBC / Anselmo Cunha
બાર્બરાનો જવાબ હતોઃ “ના, બિલકુલ નહીં.”
“તે લોકો માત્ર છોકરીઓ, સગીરાઓને જ શોધી રહ્યા હતા. દુર્ભાગ્યે તેમને મારી પુત્રી મળી ગઈ.”
તેમણે ગ્લૌસિયાને મૉડલિંગમાં ભાગ લેવાનું ચાલુ રાખવાની મનાઈ ફરમાવી દીધી અને બ્રુનેલના નેટવર્ક સાથેનાં જોડાણો કાપી નાંખ્યાં.
ગ્લૌસિયા કહે છે, “હું ફસાતાં ફસાતાં બચી ગઈ.”
અમેરિકન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ફાઇલ્સમાંથી બીબીસી ન્યૂઝ બ્રાઝીલને એવું દર્શાવતા રેકૉર્ડ્ઝ મળી આવ્યા હતા કે, 24 અને 25 ઑગસ્ટ, 2004ના રોજ ઍપસ્ટીન ગુઆક્વીલમાં હતો, જે સમય મૉડલિંગ સ્પર્ધાની ફાઇનલ સાથે મેળ ખાય છે.
અમને એવા દસ્તાવેજો પણ મળ્યા હતા, જેના આધારે માલૂમ પડે છે કે તે સ્પર્ધામાં સામેલ 16 વર્ષ કરતાં ઓછી વયની એક મૉડલે તે જ વર્ષે ઓછામાં ઓછું બે વખત ઍપસ્ટીનના પ્લેનમાં પ્રવાસ કર્યો હતો.
ગ્લૌસિયા કહે છે કે, ભૂતકાળ તરફ નજર કરતાં, “મને ખબર નહોતી કે હું તે વાવાઝોડાની વચ્ચોવચ હતી.”
“મારાં માતાએ મને બચાવી લીધી.”
‘એણે મને પસંદ કરી’
ઇમેજ સ્રોત, Fekete Family Archive
બ્રાઝીલનાં જ અન્ય મહિલા ઍના (નામ બદલ્યું છે) દાવો કરે છે કે, ઍપસ્ટીન સાથે તેમના સંબંધો પ્રસ્થાપિત કરવામાં બ્રુનેલ અને તેના મૉડલિંગના વ્યવાસયે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
2000ના દાયકાના પ્રારંભમાં સાઓ પાઉલોનાં એક બ્રાઝિલિયન મહિલાએ ઍનાની ભરતી કરી હતી.
બીબીસીએ સમીક્ષા કરેલા દસ્તાવેજો તથા અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના રેકૉર્ડ સાથે સરખામણી કરતાં ઍનાના નિવેદનની પુષ્ટિ થાય છે, જેના પરથી માલૂમ પડે છે કે, બ્રુનેલે બ્રાઝીલના નાગરિકો માટે અમેરિકન વિઝાની ગોઠવણ કરવામાં કેવી રીતે મદદ કરી હતી.
ઍના કહે છે કે, દક્ષિણ બ્રાઝીલમાં આવેલા તેમના વતનમાં રહેતાં એક મહિલાએ તેમને સાઓ પાઉલોમાં મૉડલિંગની તક આપવાનું વચન આપ્યા બાદ તેમણે તેમનું વતન છોડ્યું હતું.
ઍનાનો દાવો છે કે, સાઓ પાઉલો પહોંચ્યા બાદ તે મહિલાએ તેમના તમામ દસ્તાવેજો લઈ લીધા હતા અને યાત્રા તથા તસવીરોના પૈસા માગ્યા હતા. ઍનાને થોડા જ સમયમાં સમજાઈ ગયું હતું કે, મૉડલિંગનું કોઈ કામ ઉપલબ્ધ નહોતું.
“તે મહિલા મૅડમ હતી. મને ખબર સુધ્ધાં ન પડી અને હું સ્વયંને વેશ્યાવૃત્તિમાં ધકેલી રહી હતી.”
ઍના કહે છે કે, ગ્રાહકોમાં જેફ્રી ઍપસ્ટીનનો પણ સમાવેશ થતો હતો.
ઍના જણાવે છે કે, તેઓ 18 વર્ષનાં થયાં, તેનાં થોડાં સપ્તાહો બાદ, તે મહિલા તેમને સાઓ પાઉલોમાં એક અગ્રણી બિઝનેસમૅનના ઘરે લઈ ગયાં હતાં. ત્યાં તેમણે તે વ્યવસાયીને ઍપસ્ટીનનું વર્ણન “વિશ્વના બાદશાહ” તરીકે કરતાં સાંભળ્યા હતા. વળી, તેમણે કહ્યું હતું, “તેને નાની વયની છોકરીઓ ગમે છે.”
થોડા દિવસો પછી, ઍનાને અને અન્ય બે મહિલાઓને સાઓ પાઉલોની એક વૈભવી હોટલમાં મોકલવામાં આવ્યાં, જ્યાં ઍપસ્ટીને તેમાંથી કોઈ એક સ્ત્રીને પસંદ કરવાની હતી. તેમણે જણાવ્યું, “તેણે મને પસંદ કરી.”
ઇમેજ સ્રોત, U.S. Department of Justice
ઍના જણાવે છે કે, તેઓ ઍપસ્ટીન સાથે રૂમમાં ગયાં, જ્યાં ઍપસ્ટીને તેમને વસ્ત્રો ઉતારી દેવા જણાવ્યું. ઍનાએ કહ્યું, “મને જોતાં જોતાં ખુદને સ્પર્શવાનું તેને ગમતું હતું. તે ઘૃણાસ્પદ હતું, પણ તમામ ખરાબીઓમાં, આ સૌથી ઓછી હતી.”
ઇમેઇલ્સ તથા ફ્લાઇટના રેકૉર્ડ્ઝ સહિતની અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસની ફાઇલ્સમાં તે સમયે ઍપસ્ટીન બ્રાઝીલમાં હોવાની પુષ્ટિ થાય છે.
ઍના નોંધે છે કે, ઍપસ્ટીને થોડા દિવસો પછી શહેરની એક પાર્ટીમાં તેમને આમંત્રિત કર્યાં હતાં, જ્યાં ઍનાની મુલાકાત બ્રુનેલ સાથે થઈ હતી અને મૉડલિંગ એજન્ટે તેમના અમેરિકન વિઝાની વ્યવસ્થા કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
ઍના ઉમેરે છે કે, પાર્ટી દરમિયાન ઍપસ્ટીને તેમને કહ્યું હતું કે, તે બીજા દિવસે પેરિસ જવાનો છે અને તેણે ઍના સાથે તેના પ્રવાસની વ્યવસ્થા પણ કરી લીધી હતી.
વિઝા રૂટ
ફ્રાન્સના પ્રવાસનું વર્ણન કરતાં ઍના કહે છે, “ઍપસ્ટીન મને 300 ડૉલર આપતો હતો. હું લટાર મારવા નીકળતી અને બાકીના પૈસા તેને આપી દેતી હતી, પણ તે મને પૈસા રાખી લેવા કહેતો. તે મારા રૂમમાં પૈસા છોડી જઈને મારી કસોટી કરતો. હું તે પૈસા તેને પાછા આપી દેતી, ત્યારે તે મને કહેતો કે, હું તે પૈસા રાખી શકું છું.”
ઍનાનો દાવો છે કે, તે પછી ઍપસ્ટીને તેમને કહ્યું હતું કે, તેણે ન્યૂયૉર્ક ખાતે બ્રુનેલની મૉડલિંગ એજન્સીમાં ઍનાને કામ પર રાખવાની વ્યવસ્થા કરી હતી અને મૅડમે તેને ઍનાના દસ્તાવેજો આપ્યા હતા.
ઍનાએ બીબીસીને તેમનો પાસપોર્ટ બતાવ્યો હતો, જેમાં બ્રુનેલે અમેરિકામાં સ્થાપેલી એજન્સી – કેરિન મૉડલ્સ ઑફ અમેરિકાના નામની નોંધ સાથેનો અમેરિકન બિઝનેસ વિઝા હતો.
ઍના દાવો કરે છે કે, તેમણે કદીય કેરિન મૉડલ્સ ઑફ અમેરિકા માટે કામ કર્યું ન હતું, પણ તેમને જણાવવામાં આવ્યું હતું કે, ડોક્યુમેન્ટેશનથી તેઓ અમેરિકામાં પ્રવાસ ખેડી શકશે અને તેમના વિઝાનો એકમાત્ર આશય ઍપસ્ટીનને મળવાનો હતો.
ઇમેજ સ્રોત, AFP via Getty Images
ઍનાનું નિવેદન અન્ય દસ્તાવેજો સાથે મેળ ખાય છે. કોર્ટના રેકૉર્ડ્ઝ તથા અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસની ફાઇલો પરથી માલૂમ પડે છે કે, બ્રુનેલે તેની એજન્સી – જે પહેલાં અમેરિકામાં કેરિન મૉડલ્સ ઑફ અમેરિકા અને પછીથી એમસી2 તરીકે ઓળખાતી હતી, તેનો ઉપયોગ વિવિધ દેશોની સગીરાઓ અને યુવતીઓને લલચાવવા માટે કર્યો હતો.
તે સમાન રેકૉર્ડ્ઝમાં અમેરિકામાં એમસી2ના ભૂતપૂર્વ કર્મચારીની જુબાનીનો પણ સમાવેશ થાય છે, જેણે દાવો કર્યો હતો કે, અમેરિકામાં બ્રુનેલની એજન્સી જે વિઝાની પ્રક્રિયા કરતી હતી, તેની ચુકવણી ઍપસ્ટીન કરતો હતો.
બ્રુનેલે જ્યારે અમેરિકામાં એમસી2ની સ્થાપના કરી, ત્યારે ઍપસ્ટીને તેને નાણાકીય સહાય પૂરી પાડી હતી.
અમેરિકામાં બ્રુનેલ દ્વારા સંચાલિત અને નિયંત્રિત હોય, તે સિવાયની કોઈ પણ એજન્સી કોઈ અપરાધમાં સામેલ હોવાનું માલૂમ પડ્યું નથી.
બ્રુનેલે પોતે કંઈ ખોટું કર્યાનો ઇનકાર કર્યો હતો. તેના વકીલોએ દાવો કર્યો હતો કે, તેના ઉપર થયેલા આક્ષેપોથી તે “ભાંગી પડ્યો હતો” અને તેણે “મીડિયા-ન્યાયપ્રણાલી”ને દોષિત ઠેરવી હતી.
ઍના કહે છે કે, લગભગ ચાર મહિના સુધી તેમણે ઍપસ્ટીન સાથે અમેરિકા અને ફ્રાન્સનો પ્રવાસ કર્યો હતો અને ઍપસ્ટીનને ઍના પ્રત્યે “સ્નેહ” હતો.
આ દરમિયાન ઍપસ્ટીને ઍનાના કેટલાક ઇંગ્લિશ ક્લાસનો ખર્ચ ઉઠાવ્યો હતો.
તેઓ ઉમેરે છે કે, અમેરિકન અધિકારીઓએ તેમને પૂછ્યું કે, તેમના કામ બદલ ચુકવણી કોણ કરી રહ્યું હતું અને તેમને અમેરિકામાં નાણાં મળી રહ્યાં હતાં કે કેમ? તે પછી તેમના વિઝા રદ થઈ ગયા.
ઍના દાવો કરે છે કે, તેમના વિઝા રદ થયા, તે પહેલાં ઍપસ્ટીન સાથે સમય પસાર કરવા માટે તેમણે ઓછામાં ઓછા છ વખત પ્રવાસ ખેડ્યા હતા.
સાથે જ ઍના કહે છે કે, તેઓ અમેરિકાના વર્જીન દ્વીપસમૂહમાં આવેલા ઍપસ્ટીનના પ્રાઇવેટ ટાપુ પર પણ ગયાં હતાં. ઍનાને લાગતું હતું કે, તેઓ ઍપસ્ટીનનાં ગર્લફ્રેન્ડ છે, પણ એક દિવસ તેમણે ઍપસ્ટીનને અન્ય કોઈ યુવતી સાથે અંતરંગ પળો માણતા જોઈ લીધો, તે સાથે તેમનો ભ્રમ ભાંગી ગયો હતો. ઍના કહે છે, “ત્યાં સુધી મને ખબર નહોતી કે, તે બીજી ઘણી છોકરીઓ સાથે આવું કરી ચૂક્યો હતો.”
“ઘણી વખત તે મને બહારનું કોઈ કામ સોંપી દેતોઃ મ્યૂઝિયમ જવાનું, ક્લાસિસમાં જવાનું. હું નથી જાણતી કે, કશુંક એવું થતું હતું, જે તે મને દેખાડવા નહોતો ઇચ્છતો… તેને નાની વયની છોકરીઓ ગમતી હતી અને તેમનાથી ઘેરાયેલા રહેવું ગમતું હતું.”
ઍના કહે છે કે, તેમણે ઍપસ્ટીન સાથે એક વખત જાતીય સંબંધ બાંધ્યો હતો અને “ઍપસ્ટીનને સૂવાનું, ગળે લગાવવાનું અને તેના પગની માલિશ કરાવવાનું ગમતું હતું.”
ઇમેજ સ્રોત, U.S. Department of Justice
ઍના કહે છે કે, ઍપસ્ટીને એક વખત તેમને કહ્યું હતું કે, બ્રુનેલે ઍપસ્ટીન સમક્ષ ઍના સાથે જાતીય સંબંધ બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ ઍપસ્ટીને એમ કહીને ઇનકાર કરી દીધો હતો, “મેં તેને તેમ કરવા ન દીધું, કારણ કે, તું મારી છે.”
ઍનાના જણાવ્યા પ્રમાણે, તેમને સમજાતું નહોતું કે, “કૃતજ્ઞતા અનુભવવી કે ડર અનુભવવો”. તે પછી તેમને લાગ્યું કે, બ્રુનેલ “જાણે લાલચુ નજરે ઘેટાંને તાકી રહેલા વરુ જેવો હતો, ભલે તે બીજી છોકરીઓ સાથે હોય કે પછી મારી સાથે.”
ઍના આગળ કહે છે કે, હોટલમાં થયેલી પ્રથમ મુલાકાત અને પેરિસના પહેલા પ્રવાસમાં એવું નક્કી થયું હતું કે ઍપસ્ટીન બ્રાઝીલની મૅડમને દસ હજાર ડૉલર રોકડા આપશે, પણ ઍપસ્ટીને તે રકમનો અમુક ભાગ જ આપ્યો હતો અને ઍનાએ ફોન કૉલ્સ સાંભળ્યા હતા, જેમાં તે મૅડમ ઍપસ્ટીનને બાકીની રકમ ચૂકવવા દબાણ કરી રહી હતી.
આ વર્ણનો અમેરિકામાં એમસી2 (બ્રુનેલની મૉડલિંગ એજન્સી) માટે કામ કરનારા એક ભૂતપૂર્વ એકાઉન્ટન્ટે 2010માં ફ્લોરિડા કોર્ટ સમક્ષ આપેલી તથા ઍપસ્ટીન ફાઇલ્સમાં ટાંકવામાં આવેલી જુબાની સાથે મેળ ખાય છે.
એકાઉન્ટન્ટે કહ્યું હતું કે, બ્રાઝીલનાં એક મહિલા બ્રાઝીલમાં ઍપસ્ટીન તથા બ્રુનેલ માટે છોકરીઓ મેળવતાં હતાં અને રકમ ન ચૂકવાતાં તે રોષે ભરાયાં હતાં.
ઍનાના જણાવ્યા પ્રમાણે, ઍનાની ભરતી કરનારી બ્રાઝીલના મહિલા સાથેનો સંપર્ક દસ્તાવેજો સોંપ્યા પછી તૂટી ગયો હતો, પણ ઍના ઍપસ્ટીનને મળતાં રહ્યાં.
ઍના જણાવે છે કે, વિઝા રદ થઈ ગયા પછી ઍપસ્ટીને અમેરિકામાં વસી જવા માટે ઍનાને પર્મેનન્ટ રેસિડેન્સી કાર્ડ ઑફર કર્યું હતું, પણ ઍના બ્રાઝીલમાં પોતાના પરિવાર સાથે રહેવા ઇચ્છતાં હોઈ તેમણે એ ઑફર ઠુકરાવી દીધી હતી.
ભરતી નેટવર્કની તપાસ
દેશમાં ઍપસ્ટીન સાથે સંકળાયેલું કોઈ ભરતીનું નેટવર્ક મોજૂદ હતું કે કેમ, તે નક્કી કરવા માટે ફેબ્રુઆરીમાં બ્રાઝીલની ફેડરલ પબ્લિક પ્રૉસિક્યૂટર્સ ઑફિસ (એમપીએફ) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
નૅશનલ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનાં ફેડરલ પ્રૉસિક્યૂટર સિન્થિયા ગેબ્રિએલા બોર્ગેસે બીબીસીને જણાવ્યું હતું કે, આ આખી ચેઇન કેવી રીતે કામ કરતી હતી, તે સમજવા માટે તેઓ ઍપસ્ટીનના સંપર્કમાં આવેલાં મહિલાઓ સાથે વાત કરવા માગતાં હતાં. તે મહિલાઓ તપાસનો વિષય નથી.
લેબર ઇન્સ્પેક્ટર તથા તપાસકર્તા મૌરિસિયો ક્રેપ્સ્કીના મતે, ઍના અને અન્ય યુવતીઓ સાથે જે કંઈ થયું, તેને જાતીય શોષણ માટેની માનવતસ્કરી ગણી શકાય. તેઓ કહે છે કે, આ પ્રકારના અપરાધ માટે કોઈ સમય સીમા નથી હોતી, આથી, તેમાં સંડોવાયેલા બ્રાઝીલિયનોને હજુય જવાબદાર ઠેરવી શકાય છે.
ગ્લૌસિયા એ યાદ કરી કરીને કૃતજ્ઞતા અનુભવે છે કે, તેમનાં માતાએ તેમને ના પાડી. આ તરફ, પોતાની સાથે શું થયું હતું, તે સમજવાની વર્ષો સુધી કોશિશ કર્યા પછી ઍના પોતાને સદ્ભાગી માને છે કે, તેમણે ઍપસ્ટીનનું સર્કલ છોડી દીધું અને નવેસરથી જીવનનું નિર્માણ કર્યું.
તેઓ કહે છે, “મને લાગે છે કે, હું ભાગ્યશાળી હતી, પણ અન્ય મહિલાઓ માટે મને દુઃખ થાય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



