Home તાજા સમાચાર gujrati જ્યારે જયંત નાર્ળીકરે કહ્યું હતું, ‘જો બ્રહ્માસ્ત્ર હતું, તો શું રામરાજ્યમાં વીજળી...

જ્યારે જયંત નાર્ળીકરે કહ્યું હતું, ‘જો બ્રહ્માસ્ત્ર હતું, તો શું રામરાજ્યમાં વીજળી પણ હતી?’

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જયંત નાર્ળીકર, મહારાષ્ટ્ર, વિજ્ઞાન

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ ખગોળશાસ્ત્રી જયંત નાર્ળીકરનું (87) અવસાન થયું છે. બીબીસીને તેમના પ્રાઇવેટ સેક્રેટરીએ કહ્યું કે 19 મેની રાત્રે ડૉ. નાર્ળીકરનું ઊંઘમાં જ નિધન થયું હતું.

ડૉ. નાર્ળીકર એ માત્ર ખગોળશાસ્ત્રી જ નહીં, પરંતુ વિજ્ઞાનલેખક પણ હતા. તેમણે નાસિકમાં આયોજિત 94મી ઑલ ઇન્ડિયા મરાઠી સાહિત્ય કૉન્ફરન્સમાં અધ્યક્ષપદ પણ શોભાવ્યું હતું.

પોતાના સામાજિક અભિગમવાળા વૈજ્ઞાનિક મત તેમજ સંશોધન માટે જાણીતા નાર્ળીકરનું સાયન્સ ફિક્શન અને વિજ્ઞાન સંબંધિત લેખન ખૂબ લોકપ્રિય બન્યું છે.

ખગોળશાસ્ત્રને પડકારવામાં તેમની ભૂમિકા હોય કે સરળતાથી વિજ્ઞાનને સમજાવતું તેમનું મરાઠી સાયન્સ ફિક્શન, ડૉ. નાર્ળીકર હંમેશાં સમાજને વિચારવા માટે પ્રેરતું વ્યક્તિત્વ તરીકે જળવાઈ રહ્યા.

માર્ચ 2018માં બીબીસીએ જયંત નાર્ળીકરની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ઘણા બધા મુદ્દે પોતાનો મત ખૂલીને વ્યક્ત કર્યો હતો તેમજ દર્શકો દ્વારા પુછાયેલ પ્રશ્નોના નિખાલસપણે જવાબ આપ્યા હતા. અહીં અમે એમના ઇન્ટરવ્યૂના કેટલાક અંશો પુન:પ્રકાશિત કરી રહ્યા છીએ.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જયંત નાર્ળીકર, મહારાષ્ટ્ર, વિજ્ઞાન

સવાલ : ડૉ. નાર્ળીકર હાલ અમે બધા મૂંઝવણમાં છીએ. અમને હવે અમે ડાર્વિન અને આઇન્સ્ટાઇનની થિયરી જે જાણીએ છીએ તેમજ પાઠ્યપુસ્તકોમાં જે વાંચ્યુ છે, તેના કરતાં વિપરીત વાતો કહેવાઈ રહી છે. આ બધી વાતોને અમારી કેવી રીતે જોવી? શું ડાર્વિન ખોટા હતા? શું આઇન્સ્ટાઇનનું સંશોધન તેમની પહેલાં ભારતમાં થઈ ચૂક્યું હતું?

ડૉ. નાર્ળીકર : હું કદાચ તમારી મૂંઝવણ વધારીશ, પરંતુ તમે મગજ પર ન લેશો. સંસ્કૃતમાં એક કહેવત છે, ‘વાદે વાદે જયતે તત્ત્વબોધ.’

જ્યારે લોકો સંશોધન કરે અથવા વિજ્ઞાનના જુદા પાસા પર ચર્ચા કરે ત્યારે આ પ્રકારની મૂંઝવણ ઊભી થાય એ સ્વાભાવિક છે. આ આપણા માટે સારું છે.

જ્યારે આપણે ડાર્વિનની ‘ઑરિજિન ઑફ સ્પીસિસ’વિશે વાત કરીએ તો આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે પૃથ્વી પર જીવન કેવી રીતે આવ્યું એનો ચોક્કસ જવાબ આપણે નથી જાણતા. આવા સમયે જુદા જુદા વિવાદો થાય એ સામાન્ય છે.

ખુદ ડાર્વિન પણ પૃથ્વી પર જીવન માટે યોગ્ય વાતાવરણ કેવી રીતે આવ્યું તેનો ચોક્કસ જવાબ ન આપી શકે. આપણે માત્ર એટલું જ વિચારવું જોઈએ કે અમે જવાબ શોધતા રહીશું અને એક દિવસ અમને જવાબ મળશે.

દાખલા તરીકે, મારા માર્ગદર્શક ફ્રેડ હોયલ અને તેમના સહકર્મી વિક્રમસિંઘેએ જીવનની ઉત્પત્તિ અંગે નવો વિચાર રજૂ કર્યો હતો. એ એ હતો કે પૃથ્વી પર જીવન બાહ્યાવકાશમાંથી કોઈ ધૂમકેતુ મારફતે આવ્યું હતું. આ વિચાર હતો. આપણને જવાબ ખબર નથી. જ્યારે આપણને જવાબની ખબર ન હોય તો તેવી સ્થિતિમાં દલીલો અને લડાઈઓ પણ થાય.

પ્રશ્ન : જ્યારે વૈજ્ઞાનિક ચર્ચા થાય, સમાજ પ્રેક્ષક બને છે અને કંઈક નવું સંશોધન થાય છે. પરંતુ જ્યારે કોઈ મંત્રી કહે છે કે ડાર્વિનની થિયરીની જેમ વાંદરા આપણા પૂર્વજ નહોતા કે બીજો કોઈ કહે કે આઇન્સ્ટાઇને જે કહ્યું એ પહેલાંથી વેદોમાં હતું જ, તો આવી રાજકીય પૂર્વધારણા સાથે કરાયેલાં આ નિવેદનોને તમારા જેવા વૈજ્ઞાનિકો કઈ રીતે જુએ છે?

ડૉ. નાર્ળીકર : આપણે એ જોવું જોઈએ કે આવાં નિવેદનો કોણ કરી રહ્યું છે. આપણને આવાં નિવેદન કરનારા લોકોના બૅકગ્રાઉન્ડની ખબર હોવી જોઈએ. એના પરથી, આપણે નક્કી કરી શકીએ કે તેમના નિવેદન પર કેટલું ધ્યાન આપવું. હું એવું નથી કહેતો કે આવી વ્યક્તિ પીએચ.ડી. કે ડૉક્ટર હોવી જોઈએ. તેથી હું એવું માનવા તૈયાર નથી કે મારું જ્ઞાન અચાનક વધી ગયું છે.

આપણે હંમેશાં શીખતા રહીએ છીએ. ઘણા લોકોને લાગે છે કે તેમને બધું સમજાય છે અને કેટલાકને વધુ શીખવું જોઈએ એવું લાગે છે. હું એવા લોકો પૈકી એક છું. જ્યાં સુધી રાજકીય સંલિપ્તતાની વાત છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, તેથી તમે મનફાવે એ કહી શકો.

પરંતુ જો તમને એવું લાગતું હોય કે તમારા શબ્દોને વૈજ્ઞાનિક આધારની જરૂર છે, તો તમારે વિજ્ઞાન માટે જરૂરી પુરાવા આપવા પડશે. જો કોઈને આ વૈજ્ઞાનિક જરૂરિયાતોની આવશક્યતા ન હોય તો, તેમને જે કહેવું હોય એ કહેવા દો. તેમના શબ્દોનું કોઈ મૂલ્ય નથી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જયંત નાર્ળીકર, મહારાષ્ટ્ર, વિજ્ઞાન

પ્રશ્ન : આપણને ઘણી વાર એવું સાંભળવા મળે છે કે વિજ્ઞાન ક્ષેત્રે જે સંશોધન થઈ રહ્યાં છે, એ આપણે પહેલાંથી પુરાણો અને વેદો થકી જાણતા હતા. શું આ વાત હકીત છે?

ડૉ. નાર્ળીકર : ‘બ્રહ્માસ્ત્ર’ એ ન્યૂક્લિયર હથિયાર હતું એવા દાવાનો અર્થ એ થાય છે કે આપણા પૂર્વજોને ન્યુક્લિયર ફિઝિક્સનું જ્ઞાન હશે. જો તમે એવું માનો તો, તો તેનો કોઈ આધાર હોવો જોઈએ, કોઈ પણ વ્યક્તિ જે-તે વસ્તુ ન્યુક્લિયર ફિઝિક્સ હોવાનું ન કહી શકે.

તો પછી તમને વીજળી, ચુંબકત્વ અને ઇલેક્ટ્રોમૅગ્નેટિઝમનું પણ જ્ઞાન હોવું જોઈએ. એના વગર ન્યુક્લિયર ફિઝિક્સ સુધી ન જઈ શકાય.

જો તમને ઇલેક્ટ્રોમૅગ્નેટિઝમનું જ્ઞાન હોય તો શું તમારી પાસે એ સમયે ઘરમાં પંખા અને લાઇટ માટે વીજળીની સુવિધા હતી?

આજ દિન સુધી રાજકીય પક્ષો બધાને વીજળી આપવાની વાત કરે છે, ખરું ને? શું આ બધું હસ્તિનાપુર કે રામરાજ્યમાં હતું? મને એવાં કોઈ ઉદાહરણ નથી જોવા મળ્યાં. તેથી હું માત્ર એટલું જ કહેવા માગું છું કે અહીં કંઈક ભૂલ થઈ રહી છે, અહીં ઘણો અવકાશ છે. તેને પૂરો, એ પછી જ આપણે માનશું કે આપણી પાસે આ બધું પહેલાં જ હતું.

પ્રશ્ન : તમે હંમેશાં ખગોળશાસ્ત્ર જેવા વિષયોને પડકાર્યા છે. પરંતુ નવી પેઢી ખગોળશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અથવા અન્ય અંધશ્રદ્ધા પર કેમ વધુ ને વધુ આધારિત બનતી જઈ રહી છે?

ડૉ. નાર્ળીકર : આ વાત ચિંતાજનક છે, તેમાં કોઈ બેમત નથી. એક ઉદાહરણથી સમજીએ. બે વિદ્યાર્થીઓ છે. એક ભણીગણીને અને સંદર્ભો વાંચીને સારી તૈયારી કરે છે. અને બીજો આવું કંઈ નથી કરતો. એ કહે છે કે એ યોગ્ય સમયે તૈયારી કરીને પરીક્ષા આપશે. પરીક્ષા નજીક આવે ત્યારે એને ખબર પડે છે કે એ બિલકુલ તૈયાર નથી. તો એણે શું કરવું જોઈએ?

આવા કિસ્સામાં, બે શક્યતાઓ છે. એ કહેશે કે મારા પિતા પૈસાદાર છે. જો આપણે પરીક્ષકને સાધી લઈએ તો આપણું કામ થઈ જશે. પરંતુ બીજી શક્યતા એ છે કે તમે બાધા રાખી લો. તમને આ બંને કિસ્સામાં સમાનતા નથી દેખાતી? એકમાં પરીક્ષકને પૈસા આપો તો એ સાંભળે છે અને બીજામાં તમે ભગવાનને ઑફર કરો છો. જો ભગવાનને લાગે કે આમાં કંઈક સારું છે, તો એ તમને પાસ કરી દેશે. તો મારો પ્રશ્ન એ છે કે શું તમે ભગવાન અને પરીક્ષકમાં કોઈ તફાવત કરો છો કે કેમ?

તમે એવું માની શકો કે તમે ખૂબ ધાર્મિક છો, પરંતુ શું તમને એ નહીં ખબર પડે કે તમે ભગવાનનું અપમાન કરી રહ્યા છો? અહીં પ્રશ્ન એ નથી કે તમે આસ્તિક છો કે નહીં, પરંતુ પ્રશ્ન તમે કેવી રીતે વિચારો છો એ છે.

પ્રશ્ન : જો તમે વિશ્વયાત્રા કરી રહ્યા હો કે રિસર્ચ, પણ તમે મરાઠીમાં સાયન્સ ફિક્શન લખ્યું. પરંતુ તમારા અને આંગળીના વેઢે ગણી શકાય એટલા અન્ય લોકો સિવાય સાયન્સ ફિક્શન લેખન મરાઠીમાં કેમ વધુ પૉપ્યુલર નથી બની શક્યું?

ડૉ. નાર્ળીકર : હું માત્ર મારા અનુભવ પ્રમાણે વાત કરીશ. મને વાર્તાના વેશમાં વિજ્ઞાનની વાત કરવી ગમે છે. તેથી હું એ કરતો રહ્યો છું. પરંતુ જેઓ સારા લેખકો છે, સારી વાર્તા લખી શકે છે, તેઓ વિજ્ઞાન વિશે કંઈ લખતા નથી. તેઓ કહે છે કે તેમને વિજ્ઞાન સમજાતું નથી, તેથી તેના વિશે નથી લખી શકતા.

મારું પૉઇન્ટ એ છે કે જો આપણા સારા લેખકો વિજ્ઞાનથી આટલા ગભરાતા હોય તો તેમણે વૈજ્ઞાનિકો સાથે વાત કરવી જોઈએ. તેમની પાસેથી સારી માહિતી મેળવવી જોઈએ અને તેના વિશે લખો. હું ગમ્મતમાં કહું છું કે આપણી સાહિત્યની સભાઓમાં પણ સાયન્સ ફિક્શનને બૅકડોર ઍક્ઝિટ મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS