Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
14 ફેબ્રુઆરી 2019એ આખી દુનિયાએ જમ્મુ-શ્રીનગર રાજમાર્ગ પર પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર એક જબરજસ્ત આત્મઘાતી હુમલાના સમાચાર સાંભળ્યા, જેમાં 40થી વધુ ભારતીય સુરક્ષાકર્મીઓ માર્યા ગયા.
આ હુમલા માટે ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદને જવાબદાર ઠરાવવામાં આવ્યું. જેના વિશે ભારતનું માનવું છે કે તેનું મુખ્ય મથક પાકિસ્તાનમાં છે, પરંતુ પાકિસ્તાન હંમેશાં તેનો ઇનકાર કરતું રહ્યું છે.
આ હુમલાની તપાસ માટે મોકલવામાં આવેલા 12 સભ્યની એન.આઈ.એ.ની (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ટીમે પુષ્ટિ કરી કે આ હુમલામાં 300 કિલો વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો, જેમાં 80 કિલો હાઇક્લાસ આરડીએક્સ પણ હતું.
આ હુમલાના 12 દિવસ પછી ભારતે બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો, જેને તેનો જવાબ ગણાવવામાં આવ્યો. ભારતનું કહેવું હતું કે, તેણે જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કૅમ્પને નિશાન બનાવ્યો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ દરમિયાન ફરી એક વાર મૌલાના મસૂદ અઝહર અને જૈશ-એ-મોહમ્મદ ચર્ચાના કેન્દ્રમાં આવ્યાં છે.
ભારતે જૈશ-એ-મોહમ્મદના મુખ્ય કાર્યાલયને પણ ટાર્ગેટ કરવાની કોશિશ કરી, જેમાં મસૂદ અઝહરના કેટલાક અંગત સંબંધીઓનાં મૃત્યુ થયાં.
હૂજી, હરકત-ઉલ-અંસારથી જૈશ-એ-મોહમ્મદ સુધી

ઇમેજ સ્રોત, Getty Images
જૈશ-એ-મોહમ્મદની સ્થાપના સન 2000માં થઈ હતી, પરંતુ તેના ઇતિહાસને સમજવા માટે થોડા વધુ પાછળ જવું પડશે.
સન 1979માં કરાચી બિનોરિયા ટાઉન મસ્જિદના વિદ્યાર્થી ઇર્શાદ અહમદે અફઘાનિસ્તાનમાં રશિયનો વિરુદ્ધ સશસ્ત્ર જેહાદ માટે હરકત-ઉલ-જેહાદ-અલ-ઇસ્લામી (હૂજી)ની સ્થાપના કરી હતી.
સન 1984માં હૂજીના ભાગલા પડી ગયા અને પશ્તૂન કમાન્ડર ફજલુર્રહમાન ખલીલે હરકત-ઉલ-મુજાહિદ્દીનની સ્થાપના કરી. પરંતુ નવ વર્ષ પછી 1993માં હૂજી અને હરકત-ઉલ-મુજાહિદ્દીન ફરીથી એક થઈ ગયાં અને આ સંગઠનનું નામ હરકત-ઉલ-અંસાર રાખવામાં આવ્યું.
આ એકીકરણમાં મસૂદ અઝહરે અગત્યની ભૂમિકા ભજવી. આ સંગાથ ચાર વર્ષ સુધી ચાલ્યો.
હરકત-ઉલ-અંસારના અરબ–અફઘાન સાથેના સંપર્કના કારણે અમેરિકાએ સન 1997માં તેના પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ, એક વર્ષ પછી આ પ્રતિબંધને ભ્રમમાં નાખીને તેનો જમાત-ઉલ-અંસાર રૂપે ફરીથી ઉદય થયો, જેના પર પાકિસ્તાનના સૈન્યશાસક પરવેઝ મુશર્રફે ફરીથી પ્રતિબંધ મૂકી દીધો.
જ્યારે 1994માં મસૂદ અઝહરની કાશ્મીરમાં ધરપકડ કરવામાં આવી, ત્યારે તે હિઝબુલ મુજાહિદ્દીનનો સભ્ય હતો.
સન 2000માં જૈશ-એ-મોહમ્મદની સ્થાપના થઈ

ઇમેજ સ્રોત, Getty Images
ડિસેમ્બર 1999માં કંધહારમાં ભારતીય મુસાફર વિમાન હાઈજેકની ઘટના પછી, ભારતીય ઇન્ટેલિજન્સ અધિકારીઓ માને છે કે ભારતીય જેલમાંથી છૂટીને મસૂદે અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો. જ્યાં મુલ્લા ઉમર અને ઓસામા બિન લાદેન સાથે મુલાકાત પણ થઈ. જોકે, આ વાતની પુષ્ટિ નથી થઈ શકી.
સ્ટેનફર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફૉર સિક્યૉરિટી ઍન્ડ કો-ઑપરેશનના લેખ ‘જૈશ-એ-મોહમ્મદ મૅપિંગ મિલિટેન્ટ્સ પ્રોફાઇલ’માં લખવામાં આવ્યું છે, “પોતે છૂટી ગયા પછી મસૂદ અઝહર હિઝબુલ મુજાહિદ્દીનમાં ચાલી રહેલા આંતરિક વિવાદથી ખુશ નહોતો. અંતે તેણે 4 ફેબ્રુઆરી 2000એ કરાચીની મસ્જિદ-એ-ફલાહમાં એક જુદું સંગઠન જૈશ-એ-મોહમ્મદ બનાવવાની જાહેરાત કરી દીધી; જેનો શાબ્દિક અર્થ થાય છે, ‘પયગંબર મોહમ્મદની સેના’. કાશ્મીર જેહાદના મુદ્દે તેનો હિઝબુલ મુજાહિદ્દીનના પ્રમુખ મૌલાના ફજલુર્રહમાન ખલીલ સાથે વૈચારિક મતભેદ તેનું મુખ્ય કારણ હતું.”
આ ઘોષણા પછી હિઝબુલ મુજાહિદ્દીનના લગભગ ત્રણ ચતુર્થાંશ સભ્યો જૈશ-એ-મોહમ્મદના સભ્ય બની ગયા.
લશ્કરને કાઉન્ટર કરવા માટે જૈશ બનાવાયું

ઇમેજ સ્રોત, Harper Collins
‘કાશ્મીર હેરાલ્ડ’માં 12 એપ્રિલ, 2022એ છપાયેલા એક લેખમાં જણાવવામાં આવ્યું કે, “ભારતની જેલમાંથી છૂટ્યા પછી મસૂદને આઈ.એસ.આઈ.એ (પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા, ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ) નવા સંગઠન માટે ભંડોળ એકઠું કરવાના ઇરાદાથી એક ‘પ્રતિષ્ઠિત વ્યક્તિ’ તરીકે આખા પાકિસ્તાનમાં ફેરવ્યો.”
મસૂદે આખા પાકિસ્તાનમાં ફરીને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યાં. કરાચીમાં સન 2000માં આપેલા એક ભાષણમાં મસૂદે કહ્યું, “જેહાદ માટે શાદી કરો. જેહાદ માટે બાળકો પેદા કરો અને જેહાદ માટે ત્યાં સુધી પૈસા કમાવ જ્યાં સુધી અમેરિકા અને ભારતના અત્યાચાર સમાપ્ત ન થઈ જાય.”
અમેરિકન સુરક્ષા વિશ્લેષક બ્રૂસ રાઇડલે ‘ડેલી બિસ્ટ’ના 5 જાન્યુઆરી 2016ના અંકમાં લખ્યું, “જેલમાંથી છૂટ્યા પછી યોજાયેલી જનસભાઓમાં મસૂદને એક ‘હીરો’ તરીકે રજૂ કરવામાં આવ્યો.”
કહેવાય છે કે, થોડાક જ દિવસોમાં સંગઠન એટલું મજબૂત થઈ ગયું કે તેના સભ્ય બનવા માટે ઉચ્ચ સ્તરની ભલામણની જરૂર પડવા લાગી.
ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓનું કહેવું છે કે, જૈશ-એ-મોહમ્મદમાં યુવાન છોકરાઓની ભરતી માટે આઈ.એસ.આઈ.એ પોતે જ ઝુંબેશ ચલાવી.
ભારતના ઇન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ જોઇન્ટ ડાયરેક્ટર અવિનાશ મોહાનેએ ‘ઇન્ડિયા ટુડે’ના 22 ફેબ્રુઆરી 2019માં છપાયેલા લેખ ‘જૈશ ઇઝ આઇએસઆઇઝ સ્ટાર્ટઅપ’માં લખ્યું હતું, “જૈશની સ્થાપના લશ્કર-એ-તૈયબાને કાઉન્ટર કરવા માટે કરવામાં આવી હતી.”
આતંકવાદ અને ભારતની વિદેશનીતિ પર ઘણાં પુસ્તકો લખનાર અભિનવ પંડ્યા પોતાના પુસ્તક ‘ઇનસાઇડ ધ ટેરિફાઇંગ વર્લ્ડ ઑફ જૈશ-એ-મોહમ્મદ’માં લખે છે, “આઈ.એસ.આઈ.ની રણનીતિ હંમેશા એ રહી છે કે કાશ્મીરમાં નિયંત્રણ અને સંતુલન જાળવી રાખવા માટે ઘણા ટેરર ફ્રન્ટ બનાવવામાં આવે અને એ પ્રકારનું વાતાવરણ તૈયાર કરવામાં આવે કે કોઈ ખાસ સંગઠનનો એકછત્ર પ્રભાવ ઊભો ન થઈ જાય અને એક સંગઠન પર તેની ઓછામાં ઓછી નિર્ભરતા રહે, જેથી જુદાંજુદાં ઉગ્રવાદી સંગઠનો પર તેનું નિયંત્રણ જળવાઈ રહે.”
કાશ્મીરમાં મસૂદ અઝહરની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
મસૂદ અઝહરનો જન્મ 10 જુલાઈ, 1968એ બહાવલપુર, પાકિસ્તાનમાં થયો હતો.
હરિન્દર બાવેજાએ ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના 15 માર્ચ 2019ના અંકમાં ‘મસૂદ અઝહર ઇનસાઇટ ધ માઇન્ડ ઑફ ગ્લોબલ ટૅરર મર્ચન્ટ’ લેખમાં લખ્યું છે કે, “29 જાન્યુઆરી 1994એ અઝહર મસૂદ ઢાકાના રસ્તે દિલ્હી પહોંચ્યો હતો. ભારત આવવા માટે તેણે પૉર્ટુગીઝ પાસપૉર્ટનો ઉપયોગ કર્યો હતો, જેમાં તેનું નામ વલી આદમ ઈસા લખેલું હતું.”
9 ફેબ્રુઆરીએ જ્યારે મસૂદ શ્રીનગરથી અનંતનાગ જતો હતો, ત્યારે તેની કાર ખરાબ થઈ ગઈ. તેણે એક ઑટો-રિક્ષા કરી, જેને સુરક્ષા દળોને તપાસ માટે રોકી લીધી.
હરિન્દર બાવેજા લખે છે, “મસૂદની સાથે રહેલા હરકત-ઉલ-અંસારના સેક્શન કમાન્ડર ફારૂખે ગોળી છોડી અને ભાગી ગયો, પરંતુ સજ્જાદ અફઘાની સાથે મસૂદની ધરપકડ થઈ.”
સુરંગમાંથી ભાગવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો

ઇમેજ સ્રોત, Getty Images
મસૂદને કાશ્મીરની ઘણી જેલોમાં રાખવામાં આવ્યો. એક વાર, તેને છોડાવવા માટે જેલમાં સુરંગ ખોદવામાં આવી, પરંતુ એવો દાવો કરાય છે કે, તે સુરંગની વચમાં જ ફસાઈ ગયો હતો.
પ્રવીણ સ્વામીએ ‘ફ્રન્ટ લાઇન’ના 5 ડિસેમ્બર, 2003માં છપાયેલા પોતાના લેખ ‘ધ કંધહાર પ્લૉટ’માં લખ્યું, “જ્યારે મસૂદ અઝહરને સુરંગમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યો, ત્યારે સુરક્ષાકર્મીઓએ તેના શરીરની મજાક ઉડાવતાં કહ્યું કે, આ પ્રકારનાં કમાન્ડો ટાઇપ ઑપરેશન તેના માટે નથી. બીજી વાર વધુ પહોળી સુરંગ ખોદજે અથવા વજન ઓછું કરી લેજે. મસૂદ અઝહરે આના જવાબમાં કહેલું, મારે ફરીથી સુરંગ ખોદવાની જરૂર નહીં પડે.”
આઈ.એસ.આઈ. માટે ‘વ્યૂહાત્મક સંપત્તિ’

ઇમેજ સ્રોત, Getty Images
મસૂદને થોડા સમય માટે તિહાડ જેલમાં પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં જાણીતા અપરાધી ચાર્લ્સ શોભરાજ સાથે પણ તેની ઓળખાણ થઈ ગઈ હતી.
જોકે, આઈ.એસ.આઈ. માટે મસૂદ અનિવાર્ય બની ગયો હતો. અભિનવ પંડ્યા લખે છે, “રાષ્ટ્રીય તપાસ એજન્સી (એન.આઈ.એ.)ના સંસ્થાપક આર.વી. રાજુએ મને જણાવ્યું હતું કે અઝહર પાકિસ્તાનના આઈ.એસ.આઈ. માટે એક ‘સ્ટ્રેટેજિક ઍસેટ’ હતો. તે કોઈ પણ આતંકવાદીનું મૃત્યુ સહન કરી શકે, પરંતુ મસૂદનું નહીં.”
“તેને (આઈ.એસ.આઈ.ને) એક એવી વ્યક્તિની જરૂર હતી, જે યુવાનોને બંદૂક ઉઠાવવા, મારવા અને મરી જવા માટે ઉશ્કેરી શકે. બાકીના લોકો તેના માટે ‘કૅનન ફૉલ્ડર’ હતા, પરંતુ મસૂદ એક પ્રચારક હતો. બીજા આતંકવાદીઓ અને મસૂદમાં આ જ ફરક હતો.”
મસૂદ પર ભારતમાં મોટો હુમલો કરવાનું દબાણ હતું

ઇમેજ સ્રોત, PRAKASH MATHEMA/Getty Images
જૈશનું ગઠન થયાના થોડા જ દિવસ પછી ભારતના સંસદ ભવન પર હુમલો થયો હતો, જેના માટે તેને જવાબદાર માનવામાં આવ્યો હતો.
આ હુમલામાં નવ સુરક્ષાકર્મી મૃત્યુ પામ્યા હતા, પરંતુ તેનાં ટાઇમિંગ, લક્ષ્ય અને પરિણામે તેને ખૂબ મોટો હુમલો બનાવી દીધો હતો. ભારતે તેને ‘લોકશાહી પરના હુમલા’ તરીકે જોયો હતો.
રૉના પૂર્વ પ્રમુખ અમરજિતસિંહ દુલત તેનું વિશ્લેષણ કરતાં કહે છે, “સંસદ પરના હુમલાને એ પરિપ્રેક્ષ્યમાં જોવો જોઈએ કે, આઇએસઆઇએ મસૂદને જેલમાંથી છોડાવ્યો; આખા પાકિસ્તાનમાં તેને વિજેતાની જેમ ફેરવવામાં આવ્યો; જૈશને બનાવવામાં પૈસા, માણસો, ટ્રેનિંગ, હથિયાર જે કંઈ પણ મદદ થઈ શકતી હતી, તેમણે તેને આપી; હવે તેમને પણ આશા જાગી છે કે મસૂદ પરિણામ આપશે, જેની તેમને તે સમયે ખૂબ જરૂર હતી.”
જમ્મુ-કાશ્મીરમાં અનેક હુમલામાં જૈશનો હાથ

આની પહેલાં 20 એપ્રિલ, 2000એ જૈશના એક આત્મઘાતી બૉમ્બરે વિસ્ફોટકોથી ભરેલી કાર બાદામી બાગમાં ખીણના મુખ્ય સૈનિક એકમ ચિનાર કૉર હેડક્વાર્ટર્સ સાથે અથડાવી દીધી હતી, જેમાં ચાર સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
ત્યાર પછી, ઑક્ટોબર 2001માં જૈશ ફિદાયીન બ્રિટિશ નાગરિક મોહમ્મદ બિલાલે જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો હતો, જેમાં 38 લોકો ઘાયલ થયા હતા.
‘ધ ડિપ્લોમેટ’માં છપાયેલા ‘જૈશ-એ-મોહમ્મદ અંડર ધ હુડ’ લેખમાં આયશા સિદ્દીકી લખે છે, “મસૂદે (પાકિસ્તાનના સૈન્યશાસક) મુશર્રફની હત્યાના પ્રયાસ માટે પોતાના માણસો જરૂર મોકલ્યા હતા, પરંતુ ત્યાર પછી તે સરકાર સામે બાથ ભીડવાથી બચતો રહ્યો.”
“લાલ મસ્જિદ કેસમાં પણ તેણે પોતાને દૂર રાખ્યો. બીજાં જેહાદી સંગઠનો લોકોને આડેધડ પસંદ કરીને મિલિટરી ટ્રેનિંગ માટે મોકલતા હતા. જૈશે આ રીતમાં ફેરફાર કર્યો છે. તે પહેલાં વ્યક્તિને સખત વૈચારિક પ્રશિક્ષણ આપે છે અને પછી સૈનિક તાલીમ અને લડાઈનો નંબર આવે છે.”
ભારતવિરોધી વાતાવરણ તૈયાર કરવા મસૂદની જેલમુક્તિ

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રએ એક પ્રસ્તાવ હેઠળ જૈશને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ઘોષિત કરી દીધું હતું. ભારે આંતરરાષ્ટ્રીય દબાણોના કારણે પાકિસ્તાને પણ જાન્યુઆરી 2002માં જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ મૂકવો પડ્યો.
રોહન ગુનારત્ના અને સ્ટેફાનિયા કામે પોતાના પુસ્તક ‘હૅન્ડબુક ઑફ ટેર્રિઝમ ઇન ધ એશિયાપેસિફિક’માં લખ્યું, “તેમ છતાં પાકિસ્તાની સરકારે જૈશને અલગ નામ, જેમ કે, ‘ખુદ્દામ-ઉલ-ઇસ્લામ’ હેઠળ કામ કરવા દીધું.” પછીથી અનેક આત્મઘાતી હુમલામાં આ સંગઠનનું નામ આવ્યા પછી પાકિસ્તાનને પણ નવેમ્બર 2003માં ‘ખુદ્દામ-ઉલ-ઇસ્લામ’ પર બૅન મૂકી દીધો.
રામાનંદ ગાર્ગે અને સી.ડી. સહાયે પોતાના લેખ ‘રાઇઝ ઑફ જૈશ-એ-મોહમ્મદ ઇન કાશ્મીર વેલી’માં લખ્યું, “જૈશના ટોચના કેટલાક કમાન્ડરો, જેવા કે, અબ્દુલ જબ્બાર, ઉમર ફારૂખ અને અબ્દુલ્લાશાહ મંજરે વિચારધારા અને નેતૃત્વના મુદ્દે મસૂદ સાથેના મતભેદના લીધે 2002માં જૈશ છોડીને એક નવું સંગઠન ‘જમાત-ઉલ-ફુરકાન’ બનાવી લીધું.”
“જૈશમાંથી નીકળી ગયેલા લોકોએ 14 અને 25 ડિસેમ્બર 2003એ જનરલ મુશર્રફની હત્યાનો પ્રયાસ કર્યો. પહેલા હુમલામાં એક પણ મૃત્યુ ન થયું, પરંતુ બીજા હુમલામાં 14 લોકો માર્યા ગયા. મુશર્રફની હત્યાના વધુ બે પ્રયાસ કરવામાં આવ્યા.”
મુશર્રફે પોતાની આત્મકથા ‘ઇન ધ લાઇન ઑફ ફાયર’માં આનો ઉલ્લેખ કર્યો છે.
જ્યારે ભારતીય નેતૃત્વ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે મસૂદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પાકિસ્તાન પર દબાણ કર્યું, ત્યારે પાકિસ્તાને મસૂદને ઘરમાં નજરકેદ કરી લીધો.
પરંતુ, 2014માં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયે પાકિસ્તાને મસૂદ અઝહરના પ્રવાસ પર મૂકેલો પ્રતિબંધ હઠાવીને મુઝફ્ફરાબાદમાં હજારો લોકોની ભીડને સંબોધવાની પરવાનગી આપી દીધી.
ખાલિદ અહમદે પોતાના પુસ્તક ‘સ્લીપ વૉકિંગ ટૂ સરેન્ડર ડીલિંગ વિધ ટેર્રિઝમ ઇન પાકિસ્તાન’માં લખ્યું, “મસૂદનું કામ હતું, અફઝલ ગુરુને ફાંસી અપાઈ તેના માટે ભારતને આરોપી સાબિત કરવું.” અફઝલ ગુરુને સંસદ પર હુમલો કરવામાં જૈશની મદદ કરવા બદલ ફાંસી આપવામાં આવી હતી.
મસૂદે મુશર્રફને માફ કર્યા વગર કહ્યું, “મુશર્રફે પાકિસ્તાનને અમેરિકાની કઠપૂતળી બનાવી દીધું છે, જેણે અફઘાનિસ્તાનના માસૂમ લોકોના નરસંહાર માટે પોતાનાં બધાં સંસાધન ઉપલબ્ધ કરી દીધાં છે.”
જૈશ પર મસૂદના પરિવારની અસર

ઇમેજ સ્રોત, Getty Images
ઘણી જગ્યાએ એ વાતનો ઉલ્લેખ છે કે, જૈશ-એ-મોહમ્મદ પર મસૂદના પરિવારનો ખૂબ પ્રભાવ છે. મીડિયા રિપોર્ટ્સમાં મસૂદના ભાઈ અને બનેવી અંગે સતત દાવો કરવામાં આવે છે કે તે બધા જુદીજુદી જવાબદારીઓ સંભાળે છે.
મસૂદ અઝહર તરફથી અપાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, સાત મેની રાત્રે થયેલા ભારતીય હુમલામાં તેના પરિવારના ઘણા સભ્યો મૃત્યુ પામ્યા છે. પરંતુ ખાતરી સાથે ન કહી શકાય કે તેના પરિવારના કયા-કયા વ્યક્તિઓ માર્યા ગયા છે.
‘સાઉથ એશિયન ટૅર્રિઝમ પૉર્ટલ’માં છપાયેલા જમ્મુ-કાશ્મીર ડેટાશીટ અનુસાર, સન 2000થી 2019 દરમિયાન આ પ્રદેશમાં કુલ 87 આત્મઘાતી હુમલા થયા; જેમાં 130 નાગરિક, 239 સુરક્ષાકર્મી અને 143 આતંકવાદી મરણ પામ્યાં.
આ 87 હુમલામાં જૈશ-એ-મોહમ્મદે 12 હુમલા કર્યા. આ 12 હુમલામાં તેણે 31 સામાન્ય નાગરિકો અને 99 સૈનિકોનાં મૃત્યુ થયાં, જ્યારે તેના ફક્ત 30 આતંકવાદી માર્યા ગયા.
ચારથી છ મહિનાની સખત ટ્રેનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
જૈશની કામ કરવાની પદ્ધતિ પર નજર ફેરવતાં અભિનવ પંડ્યા લખે છે, “કાશ્મીરમાં કાર્યરત બીજાં ઉગ્રવાદી સંગઠનોની સરખામણીએ જૈશ પોતાની કૅડર ખૂબ લો-પ્રોફાઇલ રાખે છે. ગોપનીયતા જાળવી રાખવા તે પોતાના કૅડરની સંખ્યા ઓછી રાખે છે. લશ્કર અને હિઝબુલ મુજાહિદ્દીનની સરખામણીએ દરેક જિલ્લામાં જૈશની કૅડર સંખ્યા ખૂબ ઓછી છે.”
ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓ અનુસાર, 2016માં ધરપકડ કરાયેલા જૈશ ચરમપંથી અબ્દુલ રહમાન મુગલે તપાસ અધિકારીઓને કેટલીક માહિતી આપી હતી. તે અનુસાર, “તેમને કાશ્મીરી ભાષા બોલવાની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગ પૂરી થયા પછી તેમને એકે-47ના 10 રાઉન્ડ, પીકા ગનના પાંચ રાઉન્ડ, પિસ્ટલના સાત રાઉન્ડ અને બે ગ્રૅનેડ અભ્યાસ કરવા માટે આપવામાં આવે છે.”
ઇન્ટેલિજન્સ એજન્સીઓનું સંરક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા અત્યાર સુધી થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, સામાન્ય રીતે જૈશના લોકો 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોની ભરતી કરે છે, જે વધુ ભણેલા ન હોય.
અભિનવ પંડ્યા લખે છે, “તેમને તેમનાં માતા-પિતાના ઘરથી ચાર કે છ કલાકના અંતરે મદરેસામાં ભરતી કરવામાં આવે છે. મદરેસામાં ભણનાર બાળકોને પોતાનાં માતાપિતા અને બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની છૂટ નથી હોતી. તેમને બાળપણથી જ જેહાદ માટે પ્રેરિત કરવામાં આવે છે.”
આ સંગઠને પ્રતિબંધો વચ્ચે પણ પોતાને અત્યાર સુધી ટકાવી રાખ્યું છે. તેનાં કારણોનો ઉલ્લેખ કરતાં આયશા સિદ્દીકીએ ‘ધ ડિપ્લૉમેટ’ના 13 માર્ચ 2019ના અંકમાં લખ્યું હતું, “ઇન્ટેલિજન્સ એજન્સીઓના સંરક્ષણના કારણે પાકિસ્તાનની લગભગ દરેક સરકાર જૈશ પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ રહી છે.”
પાકિસ્તાનના ગૃહમંત્રી રહેલા રાના સનાઉલ્લાહે કહ્યું હતું, “આપણે આ સંગઠનોને અડી પણ ન શકીએ, કેમ કે, તેનું નિયંત્રણ બીજી જગ્યાએથી થાય છે. પાકિસ્તાની ઇન્ટેલિજન્સ તંત્ર સાથેના મસૂદ અઝહરના સંબંધોને કારણે, તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી એ કોઈના પણ માટે હંમેશા મુશ્કેલ કામ રહ્યું છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS