Source : BBC NEWS
અપડેટેડ 9 મિનિટ પહેલા
દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની 8 ડિસેમ્બર, 2021ના રોજ હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો.
આ હેલિકૉપ્ટર ક્રૅશમાં તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત 12 અન્ય લોકોનાં પણ મૃત્યુ થયાં હતાં.
હવે તેમના મોતનાં ત્રણ વર્ષ બાદ, મંગળવારના દિવસે લોકસભામાં સંરક્ષણ મામલાની સ્થાયી સમિતિ તરફથી રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે એમઆઈ-17 દુર્ઘટના ‘માનવીય ભૂલ’ને કારણે થઈ હતી.
આ રિપોર્ટમાં સમિતિએ 13મા સંરક્ષણ યોજના ગાળા દરમિયાન થયેલી ભારતીય વાયુસેનાની વિમાન દુર્ઘટનાઓના આંકડા શૅર કર્યા છે.
આ રિપોર્ટે અગાઉ કરાયેલા દાવાઓની પુષ્ટિ કરી છે, જેમાં પાઇલટની ભૂલને દુર્ઘટનાનું સંભવિત કારણ ગણાવાઈ રહ્યું હતું.
‘એનડીટીવી’ના એક રિપોર્ટ અનુસાર, બાદમાં તપાસ ટીમની પ્રારંભિક તપાસમાં પણ આ જ વાતની ખબર પડી હતી. તપાસ ટીમે કહ્યું હતું, “ખીણમાં મોસમની સ્થિતિમાં અનઅપેક્ષિત બદલાવોને કારણે હેલિકૉપ્ટર વાદળોમાં જતું રહ્યું, જેના કારણે દુર્ઘટના ઘટી.”
‘એનડીટીવી’ અનુસાર ટીમે સંભવિત કારણ અંગે જાણવા માટે ફ્લાઇટ ડેટા રેકૉર્ડર અને કૉકપિટ વૉઇસ રેકૉર્ડરનું વિશ્લેષણ કર્યું.
આ સિવાય સાક્ષીઓની પૂછપરછ બાદ તપાસ ટીમ આ નિષ્કર્ષ પર પહોંચી હતી.
અમેરિકાએ યમનમાં હૂતી વિદ્રોહીઓનાં ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા
બીબીસી ન્યૂઝના સંવાદદાતા થૉમસ મૅકિન્ટોશે આપેલી માહિતી પ્રમાણે અમેરિકન સૈન્ય કહ્યું છે કે તેમણે યમનના પાટનગર સનામાં હૂતી વિદ્રોહીઓનાં ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં એ ઠેકાણાંને નિશાન બનાવાયાં છે, જ્યાંથી કમાન્ડ સુવિધાઓ અપાય છે અને મિસાઇલો રાખવામાં આવે છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેમણે લાલ સાગરમાં હૂતી વિદ્રોહીઓના ઘણાં ડ્રોન્સ અને ઍન્ટિ-શિપ ક્રૂઝ મિસાઇલ પણ નષ્ટ કર્યાં છે.
અમેરિકાએ આ હુમલો ઇઝરાયલ પર હૂતી વિદ્રોહીઓના હુમલા બાદ કર્યો છે. હૂતી વિદ્રોહીઓએ શનિવારે ઇઝરાયલના તેલ અવીવ પર એક બૅલિસ્ટિક મિસાઇલ વડે હુમલો કર્યો છે, જેમાં એક ડઝન કરતાં વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
હૂતી એક ઈરાન સમર્થિત વિદ્રોહી સમૂહ છે, જેનું યમનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં નિયંત્રણ છે.
ઑક્ટોબર 2023માં ગાઝામાં યુદ્ધની શરૂઆત બાદ હૂતીએ આંતરરાષ્ટ્રીય જહાજો પર હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું. હૂતી વિદ્રોહીઓનું કહેવું છે કે તેઓ અને પેલેસ્ટાઇનિયનો એક છે.
જર્મનીમાં ક્રિસમસ માર્કેટ પર થયેલા હુમલા અંગે ભારતે શું કહ્યું?
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જર્મનીના મૅગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટ પર થયેલા હુમલાની નિંદા કરી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, “અમે જર્મનીના મૅગડેબર્ગના ક્રિસમસ માર્કેટ પર થયેલા ભયાનક હુમલાની નિંદા કરીએ છીએ.”
“કેટલાકનાં મૃત્યુ થયાં અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે. અમારી સંવેદનાઓ પીડિતો સાથે છે.”
વિદેશ મંત્રાલયે કહ્યું, “આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીયો અને તેમના પરિવારો સાથે અમે સંપર્કમાં છીએ. અમારું મિશન દરેક સંભવિત મદદ કરી રહ્યું છે.”
શુક્રવારની રાત્રે જર્મનીના મૅગડેબર્ગમાં એક ક્રિસમસ માર્કેટ પર હુમલો થયો, જેમાં એક કારે ઘણા લોકોને કચડી નાખ્યા.
આ હુમલામાં અત્યાર સુધી પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં એક નવ વર્ષનું બાળક પણ સામેલ છે. તેમજ લગભગ 200 લોકો ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ હુમલામાં સાત ભારતીયો ઈજાગ્રસ્ત થયા છે.
પોલીસે બાદમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરાઈ રહી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સંદિગ્ધ વ્યક્તિની ઓળખ તાલેબ અલ-અબ્દુલમોહસેન તરીકે થઈ છે, જે એક મનોચિકિત્સક છે.
તેઓ મૅગડેબર્ગથી લગભગ 40 કિલોમીટર દૂર દક્ષિણમાં બર્નબર્ગમાં રહે છે.
પોલીસનું માનવું છે કે તેમણે આ હુમલો એકલાહાથે જ કર્યો છે.
અબ્દુલમોહસેન મૂળ સાઉદી અરેબિયાના રહેવાસી છે અને વર્ષ 2006માં તેઓ જર્મની પહોંચ્યા હતા. વર્ષ 2016માં તેમને શરણાર્થી તરીકે માન્યતા પ્રાપ્ત થઈ હતી.
ગુજરાત : રાજ્યના 15 જિલ્લામાં બનશે 24 નવાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ઋષિકેશ પટેલે શનિવારે સાંજે રાજ્યના 15 જિલ્લામાં 24 નવાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી અપાયાના સમાચાર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કર્યા હતા.
મંત્રીએ જાહેર કરેલી માહિતી અનુસાર – રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં વસતીના ધોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ ઍનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ 24 નવાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂર આપવામાં આવી છે.
મંત્રીએ ઍક્સ પર જાહેર કરેલા સંદેશમાં દાવો કર્યો હતો કે રાજ્યનાં વિવિધ ગામોમાં સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનાવવા માટે આ ‘જનહિતલક્ષી નિર્ણય’ લેવાયો છે.
નોંધનીય છે કે ભારત સરકારના ધારાધોરણો અનુસાર અને વર્ષ 2011ની ગ્રામ્ય વસતી પ્રમાણે હાલ રાજ્યમાં 1,499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS