Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
2 કલાક પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ થયું, જે ભારતમાં પણ જોવા મળ્યું હતું. તાજેતરમાં ફેબ્રુઆરીમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આવ્યું હતું જે ભારતમાં જોઈ શકાયું ન હતું.
ભારતમાં ચંદ્રગ્રહણનો કેટલોક અંશ જોવા મળ્યો હતો.
આમ તો ચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ સાવધાની રાખવાની જરૂર હોતી નથી અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં આગામી ચંદ્રગ્રહણ 6 જુલાઈ, 2028માં થશે, જે આંશિક ચંદ્રગ્રહણ હશે. ભારતમાં છેલ્લે 7, 8 સપ્ટેમ્બર, 2025માં ચંદ્રગ્રહણ થયું હતું,જે પૂર્ણ ગ્રહણ હતું.
ચંદ્રગ્રહણ શું છે, આ વખતનું ગ્રહણ કેમ ખાસ રહ્યું તેના વિશે જાણીએ.
ભારતમાં ચંદ્રગ્રહણ
ભારતીય સમય પ્રમાણે ચંદ્રગ્રહણનો સમય આજે બપોરે 3.20 વાગ્યાથી અને 6.47 વાગ્યા સુધીનો હતો. અનેક લોકોએ ચંદ્રગ્રહણનો નજારો માણ્યો હતો.
દેશના દૂરના પશ્ચિમ ભાગોનાં કેટલાંક સ્થળોને બાદ કરતાં મોટાં ભાગનાં સ્થળોએ આ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.
સમગ્ર ભારતમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બૅંગલુરુ સહિતનાં શહેરોમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. જોકે, દરેક શહેરમાં ગ્રહણ દેખાવાની શરૂઆત અને અંતનો સમય અમુક મિનિટ અલગ હોઈ શકે છે.
ભારતમાં ગ્રહણનો અંતિમ ભાગ સાંજના સમયે 6.33 વાગ્યાથી 6.40 વાગ્યા દરમિયાન જોવા મળ્યો.
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, આજે ચંદ્રગ્રહણ હોવાથી દેશભરમાં મંદિરો બંધ રહ્યાં હતાં. ગ્રહણ હોવાથી ભક્તો વહેલા દર્શન માટે ઊમટી પડ્યા હતા.
ચંદ્રગ્રહણ દિવસે પણ દેખાયાનું કારણ શું?
આ વખતનું ભારતમાં દેખાયેલું ચંદ્રગ્રહણ ખગોળશાસ્ત્રીઓ માટે ખાસ રહ્યું, કેમ કે એ દિવસે જોવા મળ્યું હતું.
એક જ સમયે જ્યાં સૂરજ પણ હોય અને ચંદ્ર પણ દેખાય. પણ આવું કેમ થયું એ પણ જાણવું રસપ્રદ છે.
ધ વેધર ચૅનલ અનુસાર, સેલેનેલિયન એક દુર્લભ ઘટના ગણાય છે. આ ત્યારે થાય જ્યારે એક જ સમયે આકાશમાં ચંદ્રગ્રહણ અને સૂર્ય બંને સાથે જોઈ શકો છો.
પૂર્ણ ચંદ્રગ્રહણ સમયે પૃથ્વી સીધા સૂરજ અને ચંદ્ર વચ્ચે હોય છે. તાર્કિક રીતે જોઈએ તો આનો અર્થ એ હોવો જોઈએ કે જ્યારે ગ્રહણવાળો ચંદ્ર ઊગે છે, ત્યારે સૂરજ અગાઉ જ ડૂબી ગોય હોય છે. જોકે સેલેનેલિયન સમયે જોનારા લોકો થોડા સમય માટે સૂરજને હૉરાઇઝન પર નીચે જોઈ શકે છે. એટલે કે દિવસ દરમિયાન.
જ્યારે ગ્રહણવાળો ચંદ્ર બીજી હૉરાઇઝનની ઉપર લટકેલો જોવા મળે છે.
સેલેનેલિયન શબ્દ ફ્રેન્ચ ભાષામાં (જે જૂના ગ્રીક શબ્દોથી) બનેલો છે, જેમાં સેલેન (ચંદ્ર) અને હીલિયન (સૂરજ) બંને સામેલ છે.
આ દુર્લભ ગણાતો નજારો ધરતીના વાતાવરણને કારણે થાય છે. વાતાવરણ સૂરજના પ્રકાશને વાળે કે રિફ્રેક્ટ કરે છે. આ સમયની અસરને કારણે સૂરજ અને ગ્રહણવાળો ચંદ્ર બંને એક જ સમયે હૉરાઇઝન પર દેખાય છે.
સેલેનિલિયન બહુ ઓછું જોવા મળે છે અને કેટલીક ખાસ જગ્યાએ જ દેખાય છે. એટલે કે ચંદ્ર નીકળવાનો હોય કે ડૂબવાનો હોય એ સમયે ચંદ્રગ્રહણ સંપૂર્ણ રીતે મેચ થાય છે. આ બહુ દુલર્ભ ઘટના છે અને આકાશામાં જોનારા માટે એક શાનદાર નજારો હોય છે.
ચંદ્રગ્રહણ એટલે શું?
ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારનાં હોય છે – પૂર્ણ ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ અને પેનુમબ્રલ ચંદ્રગ્રહણ.
આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે. એ તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે.
તેમાં ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.
ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.
ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.
ગ્રહણ અંગેની માન્યતા
ઇમેજ સ્રોત, ANI
ભારતીય સમાજમાં ચંદ્રગ્રહણ સાથે કેટલીક માન્યતા-ગેરમાન્યતાઓ વણાયેલી છે. અનેક માન્યતાઓ અનેક લોકો માટે શ્રદ્ધાનો વિષય હોય છે અને તેનું પાલન પણ કરાતું હોય છે.
કેટલાક લોકો માને છે કે ગ્રહણ દરમિયાન ઊંઘવું ના જોઈએ. આ સમય દરમિયાન નકારાત્મક ઊર્જા ચોતરફ ફેલાયેલી હોય છે અને એટલે આ વખતે સમાગમ પણ ન ટાળવો જોઈએ.
પરંતુ આમાં કંઈ સત્ય નથી. લોકોની રોજિંદી પ્રવૃતિઓ સાથે ગ્રહણને કંઈ લેવાદેવા નથી. આ વખતે લોકો ઇચ્છે એ કરી શકે છે. તમે ઊંઘી શકો, તમે તમારા રોજિંદા કામ કરી શકો, તમે કંઈ પણ કરી શકો.
આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ સમય દરમિયાન કોઈ કામ કરવું એ દુર્ભાગ્યને નોતરું આપવા જેવું છે.
વાસ્તવમાં આવું કંઈ હોતું નથી. ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે તો એનો જે પડછાયો પડે એ જ તો ગ્રહણ છે.
ભારતમાં ઘણી જગ્યાએ એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન ચોખા ના રાંધવા જોઈએ કે જમવું પણ ન જોઈએ અને ગ્રહણના એકાદ-બે કલાક પહેલાં જ જમી લેવું જોઈએ.
નિષ્ણાતો કહે છે કે આમાં કંઈ જ સત્ય નથી. તમે રાંધી શકો છો. ખાઈ અને પી શકો છો. ગ્રહણ વખતે ન કરી શકાય એવું કંઈ જ નથી.
આ ઉપરાંત એવું કહેવાય છે કે ગ્રહણ સમયે બહાર ન નીકળવું જોઈએ, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ઘરમાં જ રહેવું જોઈએ. આ પણ એક ખોટી માન્યતા છે. ગર્ભવતીઓના બહાર નીકળવાથી ગર્ભમાં રહેલા બાળકને કોઈ નુકસાન થતું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



