Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Alamy
જાણીતા ફિલ્મ નિર્માતા અને અભિનેતા ગુરુ દત્તનું મૃત્યુ માત્ર 39 વર્ષની ઉંમરે 1964માં થયું હતું, પરંતુ તેઓ પોતાની પાછળ સિનેમાનો એવો સંસાર મૂકી ગયા, જે આજે પણ દર્શકોનાં દિલને સ્પર્શી જાય છે.
9 જુલાઈ 1925એ કર્ણાટકમાં ગુરુ દત્તનો જન્મ થયો હતો.
કૅમેરાની પાછળ હાજર રહેનાર આ સંવેદનશીલ કલાકારનો ભાવનાત્મક અને માનસિક સંઘર્ષ હજુ પણ મહદંશે વણસ્પર્શ્યો રહી ગયો છે.
(આ લેખમાંનાં કેટલાંક વર્ણન વાચકને વિચલિત કરી શકે છે.)
‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’
ઇમેજ સ્રોત, Simon & Schuster
‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ જેવી ક્લાસિક હિન્દી ફિલ્મો બનાવનાર ગુરુ દત્તે ફિલ્મ બનાવવાની પોતાની ‘આત્મવિશ્લેષણાત્મક શૈલી’ વિકસાવી હતી, જે આઝાદી પછીના સમયમાં ખૂબ જ નવી હતી.
ગુરુ દત્તની ફિલ્મોનાં પાત્રો જટિલ રહેતાં હતાં. તેમાં ઘણી વાર તેમના અંગત જીવનના સંઘર્ષોની ઝાંખી જોવા મળતી હતી.
તેમની ફિલ્મોની પટકથાઓ સર્વવ્યાપક વિષયોને સ્પર્શતી હતી અને દર્શકોને ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરી દેતી હતી.
ગુરુ દત્તનું બાળપણ આર્થિક તંગી અને પારિવારિક ઊથલપાથલભર્યું રહ્યું.
તેમનો પરિવાર કામની શોધમાં બંગાળ જતો રહ્યો હતો. તે સમયે કિશોર વયના દત્તના મન પર એ પ્રદેશની ઊંડી અસર પડી અને તેઓ ત્યાંની સંસ્કૃતિથી ઘણા પ્રભાવિત થયા.
પછીથી તેની અસર તેમની ફિલ્મો પર પણ થઈ.
1940ના દાયકામાં જ્યારે ગુરુ દત્તે બૉમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમણે પોતાની સરનેમ ‘પાદુકોણ’ છોડી દીધી.
તેમણે પોતાની કૅરિયરની શરૂઆત દિગ્દર્શક તરીકે નહીં, પરંતુ એક કૉરિઑગ્રાફર તરીકે કરી હતી.
ઘર ચલાવવા માટે તેઓ ટેલિવિઝન ઑપરેટરની નોકરી પણ કરતા હતા. ભારતનું સ્વતંત્રતા સંગ્રામનું આંદોલન તે સમયે ચરમ પર હતું. આ ઊથલપાથલ અને અનિશ્ચિતતાનું વાતાવરણ એક ઊભરતા ફિલ્મનિર્માતાના ભવિષ્ય પર પણ ઊંડી અસર કરી રહ્યું હતું.
આ દરમિયાન તેમણે એક કહાની ‘કશ્મકશ’ લખી, જેમાં એક કલાકારની નિરાશા અને સામાજિક મોહભંગ વિશે લખવામાં આવ્યું હતું.
ગુરુ દત્તની માસ્ટરપીસ ગણાતી ‘પ્યાસા’માં આ જ સામાજિક મોહભંગને પડદા પર ઉતારવામાં આવ્યો છે.
દેવાનંદ અને ગુરુ દત્ત દોસ્ત હતા. દેવાનંદ પણ તે સમયે ફિલ્મી દુનિયામાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ કરતા હતા.
દેવાનંદ સાથેની દોસ્તીએ તેમને પહેલી વાર દિગ્દર્શનની તક અપાવી. એ ફિલ્મ 1951માં આવેલી ‘બાઝી’ હતી. આ ફિલ્મે ગુરુ દત્તને સ્પૉટલાઇટમાં લાવી દીધા. ત્યાર પછી ગુરુ દત્તના જીવનમાં લોકપ્રિય ગાયિકા ગીતા રૉય આવ્યાં અને કેટલાક લોકો અનુસાર તેમના જીવનનાં શરૂઆતનાં આ વર્ષો સૌથી વધુ સુખદ હતાં.
જ્યારે ગુરુ દત્તે પોતાની ફિલ્મ કંપની બનાવી ત્યારે તેમણે ‘આર-પાર’ અને ‘મિસ્ટર ઍન્ડ મિસેઝ 55’ જેવી હિટ રોમૅન્ટિક કૉમેડી ફિલ્મો આપી, જેમાં તેઓ પોતે મુખ્ય ભૂમિકામાં પણ જોવા મળ્યા. પરંતુ એક કલાકારની કહાનીઓમાં ઊંડાણ સુધી જવાની ઇચ્છાથી તેમણે ‘પ્યાસા’ જેવી ફિલ્મ બનાવી.
આ ફિલ્મમાં એક એવા કલાકારના સંઘર્ષની કહાની છે, જે ભૌતિક સુખ-સુવિધાઓની પાછળ દોડનારી આ સ્વાર્થી દુનિયામાં સંઘર્ષ કરી રહ્યો છે. દાયકાઓ પછી આ ફિલ્મ ‘ટાઇમ’ મૅગેઝીનની 20મી સદીની 100 મહાન ફિલ્મોમાં સ્થાન મેળવનાર એકમાત્ર હિન્દી ફિલ્મ બની.
એક એવી ફિલ્મ, જે ગુરુ દત્તની ઓળખ બની ગઈ
ઇમેજ સ્રોત, Simon & Schuster
જ્યારે હું ગુરુ દત્તનું જીવનચરિત્ર લખી રહ્યો હતો, ત્યારે તેમનાં નાનાં બહેન લલિતા લાજમીએ તેમાં ફાળો આપ્યો હતો. હવે તેઓ આ દુનિયામાં નથી.
તેમણે જણાવ્યું હતું કે ‘પ્યાસા’ તેમના ભાઈનો ‘ડ્રીમ પ્રોજેક્ટ’ હતો અને તેઓ તેને બિલકુલ પરફેક્ટ બનાવવા માગતા હતા.
ગુરુ દત્ત એવા દિગ્દર્શક હતા, જેમને સેટ પર જ ફિલ્મોનું માળખું તૈયાર કરવાનું પસંદ હતું. તેઓ ઘણી વાર સ્ક્રિપ્ટ અને સંવાદોમાં ફેરફાર કરતા રહેતા હતા અને કૅમેરા ટૅક્નિકની સાથે પણ ભરપૂર પ્રયોગ કરતા હતા.
તેઓ પોતાનાં દૃશ્યોને વારંવાર કાઢી નાખીને ફરીથી શૂટ કરવા માટે જાણીતા હતા, પરંતુ ‘પ્યાસા’ દરમિયાન આ ટેવ કંઈક અંશે ચિંતાજનક રૂપ લઈ ચૂકી હતી. ઉદાહરણ તરીકે, ફિલ્મના પ્રસિદ્ધ ક્લાઇમૅક્સ સીનને તેમણે 104 વખત શૂટ કર્યો હતો.
લાજમીએ જણાવ્યું હતું કે જ્યારે તેમની ઇચ્છા પ્રમાણેની વસ્તુઓ ન હોય ત્યારે ગુરુ દત્ત બૂમો પાડવા લાગતા અને ચીડિયા થઈ જતા હતા.
તેમનું કહેવું હતું, “તેમને ઊંઘ નહોતી આવતી. તેમણે દારૂનો આશરો લેવાનું શરૂ કરી દીધું હતું અને સૌથી ખરાબ એ થયું કે તેમણે ઊંઘની ગોળીઓ પણ લેવાનું શરૂ કરી દીધું, જેને તેઓ ઘણી વાર વ્હિસ્કીમાં ભેળવીને પીતા હતા.”
“ગુરુ દત્તે ‘પ્યાસા’ બનાવવામાં પોતાનું બધું જ હોમી દીધું. પોતાની ઊંઘ, પોતાનાં સપનાં અને પોતાની યાદો… બધું જ ‘પ્યાસા’ માટે કુરબાન કરી દીધું.”
વર્ષ 1956માં, જ્યારે તેમના સપનાનો પ્રોજેક્ટ ‘પ્યાસા’ તેના અંતિમ ચરણમાં હતો, ત્યારે માત્ર 31 વર્ષની ઉંમરે તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
લાજમીએ જણાવ્યું હતું, “જ્યારે સમાચાર મળ્યા ત્યારે અમે પાલી હિલ ગયાં, જ્યાં તેઓ રહેતા હતા. મને ખબર હતી કે તેઓ પરેશાન છે, તેઓ ઘણી વાર કૉલ કરીને એવું કહેતા કે આવો ને, વાત કરવી છે; પરંતુ જ્યારે હું ત્યાં જાઉં ત્યારે તેઓ તે વિશે એક પણ શબ્દની વાત નહોતા કરતા.” પરંતુ જ્યારે ગુરુ દત્ત હૉસ્પિટલમાંથી પાછા આવ્યા ત્યારે પણ પરિવારે કોઈ પણ પ્રકારની વ્યાવસાયિક મદદ ન લીધી.
લાજમી જણાવે છે કે પરિવારે વ્યાવસાયિક મદદ લેવાની જગ્યાએ બધું સામાન્ય માની લીધું, કેમ કે માનસિક સ્વાસ્થ્ય પર વાત કરવી તે સમયે વર્જિત હતું, અને એમ પણ ‘પ્યાસા’માં ઘણા પૈસા દાવ પર લાગેલા હતા.
‘પ્યાસા’ 1957માં રિલીઝ થઈ અને ફિલ્મ સમીક્ષકોએ તેનાં વખાણ કર્યાં. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર પણ સફળ રહી.
આ ફિલ્મની સાથે ગુરુ દત્તને ખૂબ પ્રતિષ્ઠા મળી, પરંતુ, આમ છતાં ગુરુ દત્ત એક આંતરિક સંઘર્ષ સાથે ઝઝૂમતા રહ્યા હતા. તેમની અંદર એક ખાલીપો હતો.
‘પ્યાસા’ના મુખ્ય સિનેમેટૉગ્રાફર વી કે મૂર્તિ ગુરુ દત્તના આ શબ્દ યાદ કરે છે, “હું એક દિગ્દર્શક બનવા માગતો હતો, એક અભિનેતા, સારી ફિલ્મો બનાવવા માગતો હતો. મેં આ બધું મેળવી લીધું. મારી પાસે પૈસા પણ છે, મારી પાસે બધું જ છે, છતાં પણ એવું લાગે છે કે મારી પાસે કશું જ નથી.”
વિરોધાભાસથી ભરેલું જીવન
ઇમેજ સ્રોત, Simon & Schuster
ગુરુ દત્તમાં—તેમની ફિલ્મી દુનિયા અને અંગત જીવનમાં—એક વિચિત્ર વિરોધાભાસ જોવા મળે છે.
પડદા પર તેઓ એક સ્વતંત્ર અને મજબૂત મહિલાનું પાત્ર રચતા હતા, જ્યારે લાજમીનું કહેવું છે કે અંગત જીવનમાં તેઓ ઇચ્છતા હતા કે તેમનાં પત્ની પારંપરિક રીતે રહે. તેઓ ઇચ્છતા હતા કે ગીતા દત્ત માત્ર તેમની કંપનીની ફિલ્મો માટે જ ગાય.
પોતાની ફિલ્મ કંપની ચાલતી રહે તે માટે ગુરુ દત્તનો એક સાદો નિયમ હતો, દરેક કલાત્મક જોખમ પછી એક વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મ જરૂર હોવી જોઈએ. પરંતુ ‘પ્યાસા’ની સફળતાથી ઉત્સાહિત થઈને તેમણે પોતાના જ એ નિયમની અવગણના કરી. તેમણે પોતાને સીધા પોતાની સૌથી અંગત અને મોઘી ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ના નિર્માણમાં જોતરી દીધા.
આ ફિલ્મ એક એવા ફિલ્મ દિગ્દર્શકની કહાની કહે છે, જેમનું દાંપત્યજીવન સારું નથી, અસંતોષથી ભરેલું હોય છે અને તેઓ પોતાના પ્રેરણાસ્રોત (મ્યૂઝ)ની સાથે ગૂંચવાયેલા સંબંધમાં જીવી રહ્યા છે.
એવો સંબંધ જે પ્રેમ, સમર્પણ અને અંતરની વચ્ચે ઝોલાં ખાતો રહે છે.
કહાનીનો અંત એક ઊંડી ટ્રૅજેડીમાં આવે છે. દિગ્દર્શક પોતાની અંદર એક ભયાવહ એકલતા, તૂટેલા સંબંધો અને સમાજ દ્વારા નકારાયાની પીડાને સ્વીકારી કે સમજી નથી શકતા.
આ ફિલ્મ ફિલ્મ ડાયરેક્ટરના મૃત્યુ સાથે પૂરી થાય છે અને હવે ક્લાસિકની શ્રેણીમાં છે; પરંતુ તે બૉક્સ ઑફિસ પર ન ચાલી અને ગુરુ દત્ત માટે આ એક ઝટકો હતો, જેમાંથી તેઓ બહાર ન નીકળી શક્યા.
ગુરુ દત્તની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં વહીદા રહમાને કહેલું કે ગુરુ દત્ત ઘણી વાર કહેતા હતા, “લાઇફમાં બે જ વસ્તુ છે – સફળતા અને અસફળતા. તેની વચ્ચે કશું જ નથી.”
‘કાગઝ કે ફૂલ’ પછી તેમણે એક પણ ફિલ્મનું દિગ્દર્શન ન કર્યું, પરંતુ તેમની ફિલ્મ કંપની સમયની સાથે ઊભરી અને એક પ્રોડ્યૂસર તરીકે ગુરુ દત્તે ‘ચૌદહવીં કા ચાંદ’ની સાથે કમબૅક કર્યું. આ તેમની કારકિર્દીની બૉક્સ ઑફિસ પરની સૌથી સફળ ફિલ્મ રહી.
ત્યાર પછી તેમણે પોતાના વિશ્વાસુ પટકથા લેખક અબરાર અલ્વીની સાથે ‘સાહિબ, બીવી ઔર ગુલામ’ શરૂ કરી, પરંતુ તેમનાં બહેન લાજમી અનુસાર, ત્યાં સુધીમાં તેમનું અંગત જીવન ઘણી મુશ્કેલીઓથી ભરાઈ ગયું.
આ ફિલ્મ એક ભવ્ય પરંતુ સામંતી દુનિયામાં એક સ્ત્રીની એકલતાને દર્શાવે છે. તે પોતાના જમીનદાર પતિની સાથે પ્રેમ વગરનાં લગ્નબંધનમાં ફસાયેલી છે.
ઇમેજ સ્રોત, Getty Images/BBC
લેખક બિમલ મિત્રા યાદ કરે છે કે એ સમયે ગુરુ દત્તે તેમને ઊંઘ નહીં આવવા અને તેના માટે તેઓ કેટલી હદે ઊંઘની ગોળીઓ પર નિર્ભર હતા, તે વિશે જણાવેલું.
તેમનું કહેવું છે કે ત્યાં સુધીમાં તેમનાં લગ્ન તૂટી ગયાં હતાં અને માનસિક સ્વાસ્થ્ય બગડી ગયું હતું.
મિત્રાએ ઘણી વાતચીતને યાદ કરતાં કહ્યું કે ગુરુ દત્ત વારંવાર એક જ વાત વારે-વારે કરતા હતા, “મને લાગે છે, હું પાગલ થઈ જઈશ.”
લાજમીએ જણાવ્યું કે ત્યાર પછી એક ડૉક્ટરની સલાહથી તેમના પરિવારે કોઈ મનોચિકિત્સક સાથે વાત કરી, પરંતુ એ વાત સારવાર સુધી ન પહોંચી.
લાજમીએ અફસોસ સાથે જણાવ્યું, “અમે ફરી ક્યારેય મનોચિકિત્સક સાથે વાત ન કરી.”
તેમણે જણાવ્યું હતું, “મારો ભાઈ ચૂપચાપ મદદની વિનંતી કરી રહ્યો હતો, કદાચ તે કોઈ ઊંડી અંધારી ગલીમાં ફસાઈ ગયો હતો અને તે એટલી ઊંડી અને અંધારી હતી કે તેને બહાર નીકળવાનો દરવાજો જ ન મળ્યો.”
ગુરુ દત્તને હૉસ્પિટલમાંથી રજા મળતાં જ ‘સાહિબ, બીવી ઔર ગુલામ’નું શૂટિંગ શરૂ થઈ ગયું, જાણે ક્યારેય કંઈ બન્યું જ નહોતું.
જ્યારે મિત્રાએ ગુરુ દત્તને આ ઘટના વિશે પૂછ્યું ત્યારે તેમનું કહેવું હતું, “આજકાલ હું ઘણી વાર વિચારું છું કે એ કઈ બેચેની હતી, કયા પ્રકારની અશાંતિ હતી કે હું આત્મહત્યા કરવા તૈયાર હતો? જ્યારે હું આ વિશે વિચારું છું તો ડરી જાઉં છું, પરંતુ એ દિવસે ઊંઘની ગોળીઓ ગળી જવામાં મને સહેજે અંતર્દ્વન્દ્વ ન અનુભવાયો.”
આ ફિલ્મ સફળ રહી અને 1963ના બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતની સત્તાવાર ઍન્ટ્રી પણ બની અને તેને રાષ્ટ્રીય એવૉર્ડ પણ મળ્યો. પરંતુ, ગુરુ દત્તની અંગત સમસ્યાઓ સતત વધતી રહી. તેઓ તેમનાં પત્નીથી અલગ થઈ ગયા અને ભલે તેમણે ફિલ્મોમાં અભિનય કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેઓ ભયંકર એકલતા સામે ઝઝૂમતા રહ્યા.
આવી સ્થિતિમાં ઘણી વાર તેઓ પોતાના દુઃખમાંથી રાહત મેળવવા માટે દારૂ અને ઊંઘની ગોળીઓનો સહારો લેવા લાગ્યા.
10 ઑક્ટોબર 1964એ 39 વર્ષની ઉંમરે દત્ત તેમના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવ્યા.
તેમનાં સાથી કલાકાર વહીદા રહમાને ‘જર્નલ ઑફ ફિલ્મ ઇન્ડસ્ટ્રી’ (1967)માં લખ્યું, “મને ખબર છે કે તેઓ હંમેશાં આ જ (મૃત્યુ) ઇચ્છતા હતા, એની જ તમન્ના હતી અને તેમને તે મળી ગયું.”
જે રીતે ‘પ્યાસા’ના નાયકને મૃત્યુ પછી જ ખરી ઓળખ મળી, એ રીતે જ ગુરુ દત્તની પણ તેમના ગયા પછી જ સાચી પ્રશંસા થઈ.
સિનેમાપ્રેમી આજે પણ એવું વિચારે છે કે જો તેઓ થોડાંક વધુ વરસો સુધી જીવતા રહ્યા હોત, તો કદાચ તેઓ પોતાની દીર્ઘદૃષ્ટિ અને સિનેમાના જાદુથી ભારતીય સિનેમાને વધુ ઊંચા મુકામે લઈ ગયા હોત.
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330ની મદદ લઈ શકો છો. તમારે તમારા દોસ્તો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



