Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
આંખમાંથી પાણી પડવું કે નાક બંધ થવું કે પછી ગંધ ન આવવી જેવાં સામાન્ય લક્ષણોને અવગણવા જોખમી થઈ શકે છે. સોલા સિવિલ હૉસ્પિટલમાં એક 12 વર્ષીય બાળકીની દૂરબીનથી સર્જરી કરીને તેનાં આંખ, નાક અને મગજના અમુક ભાગમાંથી ફૂગ દૂર કરાઈ હતી.
આ ફૂગ ઇન્ફેક્શનને મેડિકલ ભાષામાં ઍલર્જીક ફંગલ રાયનોસિનસાઇટિસ (Allergic fungal rhinosinusitis) કહેવાય છે.
આ પ્રકારની ફૂગના ઇન્ફકેક્શનની લાંબા સમય સુધી સારવાર કરવામાં ન આવે તો જે ભાગમાં ફૂગનું ઇન્ફેક્શન થયું હોય તે ભાગને તે કોતરી ખાય છે, જેથી આંખની રોશની તેમજ મસ્તિષ્કને ગંભીર નુકસાન થવાની સંભાવના છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના એક ગામમાં રહેતી 12 વર્ષીય બાળકીને છેલ્લા ત્રણ મહિનાથી આંખમાંથી પાણી પડતું હતું, નાક બંધ રહેતું હતું અને ચક્કર આવતા હતા.
સામાન્ય રીતે માતાપિતાને આ લક્ષણો શરદીના હોય તેમ લાગતું હતું. પહેલા બાળકીને સ્થાનિક ડૉક્ટરો પાસેથી સારવાર કરાવવામાં આવી હતી પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો ન હતો. પછી બાળકીને વીસનગર, ડીસા અને અમદાવાદ શહેરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. બાળકીને આંખમાંથી સતત પાણી પડવાની સમસ્યા હતી. આથી આંખના ડૉક્ટરોની પાસે સારવાર કરાવાઈ, પણ કોઈ ફેર પડતો ન હતો.
અંતે એક ડૉક્ટરે તેમને કાન-નાક-ગળાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવવાની સલાહ આપતા બાળકીને અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં લવાઈ હતી.
બાળકીને શું તકલીફ થતી હતી?
બાળકીના પિતા કરસનભાઈ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “મારી દીકરીને સતત આંખમાં પાણી પડતું હતું. શરૂઆતમાં અમને લાગ્યું કે સામાન્ય શરદી છે, પરંતુ સમય જતા આંખમાંથી પાણી આવવાની સમસ્યા વધી રહી હતી. તેમજ તેનું નાક પણ બંધ રહેતું હતું.
“અમને શરદીની સમસ્યા લાગતા અમે તેને ફિઝિશિયન ડૉક્ટર પાસે લઈ ગયા હતા. દવા લીધી છતાં તેને આરામ થતો ન હતો. બાદમાં તો તેને ચક્કર આવવાના પણ શરૂ થઈ ગયા હતા. તેમજ તેને આંખે ડબલ દેખાવાનું શરૂ થઈ ગયું હતું. જેથી અમે તેને આંખના ડૉક્ટર સારવાર કરાવી, પરંતુ તેમ છતાં તેને આરામ થતો ન હતો.”
ત્યાર બાદ બાળકીને આરામ ન થતા તેને અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈને જવાઈ હતી.
કરસનભાઈ ચૌધરી કહે છે કે અમારા ઓળખીતા એક ડૉક્ટરે અમને કહ્યું કે અમારી દીકરીને આંખની તકલીફ નથી, પરંતુ કાન-નાક-ગળાની તકલીફ લાગે છે. પછી અમે તેને કાન-નાક-ગળાના ડૉક્ટર પાસે ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં અમને સારવારનો ખર્ચ ચાર લાખ રૂપિયા કહ્યો હતો. એટલે અમે અમારા એક ઓળખીતાની સલાહથી સોલા સિવિલ હૉસ્પિટલ આવ્યા હતા.”
તેઓ જણાવે છે કે, “અમને સોલા હૉસ્પિટલમાં ડૉક્ટર નીનાબહેને જણાવ્યું કે અમારી દીકરીને નાક, આંખ અને મગજના જોડતા ભાગમાં ફૂગ થઈ ગઈ છે, જેને સર્જરી કરીને દૂર કરવી પડશે. મારી દીકરીને એક અઠવાડિયું સોલા સિવિલ ખાતે દાખલ કરી તેની સર્જરી કરવામાં આવી હતી. હાલ તે સ્વસ્થ્ય છે. તેને ચક્કર આવવાની તેમજ આંખમાંથી પાણી નીકળવાની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. તેની દવા ચાલી રહી છે.”
આ ફૂગ શું હોય છે અને કેવી રીતે થાય છે?
ઇમેજ સ્રોત, Getty Images
બાળકીની સારવાર સોલા સિવિલ હૉસ્પિટલમાં કાન-નાક-ગળા વિભાગનાં વડાં ડૉ. નીના ભાલોડિયાએ કરી હતી.
ડૉ. નીના ભાલોડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આ બાળકીને જ્યારે હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી ત્યારે નાક બંધ હોવાની અને આંખમાંથી પાણી આવવાની સમસ્યા હતી. તેની ડાબી આંખ થોડી ખસી ગયેલી હતી. સ્મેલ આવતી ન હતી. તેનાં લક્ષણોના આધારે બાળકીના એમઆરઆઇ અને સીટી સ્કેન રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં, આંખ, નાક અને મગજના ખૂણામાં ફંગસ દેખાઈ હતી. બાળકીને ઍલર્જીક ફંગલ રાયનોસિનસાઇટિસ હોવાનું નિદાન થયું હતું. આ ફૂગને અમે કોઈ પણ ચીરા વગર દૂરબીનથી તેની સર્જરી કરીને ફૂગને દૂર કરી હતી.”
આ ફૂગ શું હોય છે અને કેવી રીતે થાય છે તે અંગે વાત કરતાં ડૉ. નીના ભાલોડિયાએ જણાવ્યું હતું કે દર્દીઓમાં બે પ્રકારની ઍલર્જિક શરદી જોવા મળે છે.
- પહેલો પ્રકાર એવો છે કે, દર્દીને કોઈ વસ્તુ, સ્મેલ કે પરાગરજ, ધૂળ કે ધુમાડાથી ઍલર્જી હોય છે, જેના કારણે શરદી થાય છે
- જ્યારે બીજા પ્રકારની શરદીમાં દર્દીના શ્વાસમાં વાઇરસ કે બૅક્ટેરિયાના ઇન્ફ્કેશનના કારણે શરદી થાય. આ વાઇરસ કે બૅક્ટેરિયા ઍલર્જીક રિએક્શન આવે છે જેનાથી ફૂગ થાય છે
ઇમેજ સ્રોત, gmersmchsola.com
તેઓ કહે છે, “દરેક પ્રકારની શરદીમાં ફૂગ થાય તેવું હોતું નથી. કેટલાક કિસ્સામાં આ જોવા મળતું હોય છે. શરૂઆતમાં નાકમાં પરુ જેવો ચીકળો પદાર્થ આવતો હોય. જે ફંગસ હોય. જો શરૂઆતમાં ધ્યાન રાખવામાં ન આવે તો આ ફંગસ તમારા સાયનસના ભાગમાં ફેલાય છે. જે સાઇનસની આજુબાજુના સ્ટ્ર્કચરમાં ફૂગ કરે છે. જેમ કે, આંખના ભાગમાં, આગળના કે મધ્ય મગજના ઉપરના ભાગમાં, આંખની નસ હોય, મગજની ધમની હોય, ત્યાં આ ફૂગ થાય. આ ફૂગ જ્યાં થઈ હોય તે ભાગને કોતરી ખાય અથવા તો તે ભાગની ધમનીઓમાં લોહીનો ક્લોટ થઈ જાય છે.”
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “આ ફૂગ પણ બે પ્રકારની હોય છે. કોવિડ-19ના સમયગાળા દરમિયાન એક નામ ચર્ચાતું હતું મ્યુકરમાઇક્રોસિસ. આ મ્યુકરમાઇક્રોસિસ પણ એક પ્રકારની ફૂગ છે. ઇમ્યુનો કૉમ્પ્રોમાઇઝ્ડ દર્દીઓ જેવા કે, કિડનીની બીમારી, હાર્ટની બીમારી કે ડાયબિટીસની બીમારી, બ્લડપ્રેશર કે પછી અન્ય કોઈ ગંભીર બીમારી હોય જેમાં, દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેવા કિસ્સામાં મ્યુકરમાઇક્રોસિસની ફૂગ થતી હોય છે. જ્યારે આ કિસ્સામાં જે ફૂગ જોવા મળી છે કે, તે ઍલર્જીક ફંગલ રાયનોસિનસાઇટિસ નામની ફૂગ છે. જેમાં, દર્દીની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે, પરંતુ આ એક વાઇરસના કારણે થતાં ઍલર્જીક રિએક્શનના લીધે થતી હોય છે.”
આ ફૂગ લાગી જાય તો શું તકલીફ થઈ શકે?

આ ફંગસનું ઇન્ફેક્શન માત્ર આંખ, કાન અને મગજમાં થાય છે?
તેવા સવાલના જવાબમાં ડૉ. ભાલોડિયાએ જણાવ્યું હતું કે, “આ ફૂગનાં ઇન્ફેક્શનની શરૂઆત નાકથી થાય છે. કેમ કે, દર્દી શ્વાસ લે છે તે દરમિયાન હવામાં રહેલા કણો તેના નાકમાં જાય છે, જેથી જો વાઇરસ હોય તો તેવા સંજોગોમાં ઇન્ફેક્શન નાકમાં લાગે છે. જોકે, આ ફૂગનું ઇન્ફેક્શન આંખ, નાક, ગળામાં થાય છે, પણ આ ઇન્ફેક્શન વધુ ફેલાય તો ફેંફસાં કે મગજ સુધી પહોંચી શકે છે.”
આ પ્રકારના ઇન્ફેક્શનની સમયસર સારવાર ન કરાવવામાં આવે કે તો શું ગંભીર પરિણામો થઈ શકે?
ડૉ. ભાલોડિયાએ જણાવ્યું હતું કે, “દર્દીની આંખની રોશની ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. મસ્તિષ્કની દીવાલ ઉપર ફૂગ થાય તો દીવાલ પાતળી થાય છે અને ખવાઈ જાય છે. જેથી મગજનું પાણી નાકમાંથી બહાર નીકળે છે, જે ગંભીર સમસ્યાઓ સર્જે છે.”
તેઓ જણાવે છે કે “લાંબા સમય સુધી એક કે બન્ને નાક બંધ રહેવાં, ગંધ ન આવવી, આંખમાં પાણી આવવું, આંખે ઓછું દેખાવું કે આંખ ખસી જવી જેવાં લક્ષણો દેખાય તો તરત જ કાન-નાક-ગળાના ડૉક્ટર પાસે જવું જોઈએ.”
“આ ફૂગને સર્જરી કરીને દૂર કરવામાં આવે છે. ખાસ તો આંખ નાક અને મગજના ખૂણાઓમાં થયેલી ફૂગને દુર કરવામાં આવે છે. સર્જરી બાદ ત્રણથી છ મહિના સુધી એન્ટિફંગલ સારવાર કરવામાં આવે છે. તેમજ સમયાંતરે તેમને નાકની સફાઈ કરાવવાની હોય છે. સારવાર બાદ આંખોમાં રોશનીમાં સુધારો પણ જોવા મળે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



