Source : BBC NEWS
ઇમેજ સ્રોત, gujarat bjp
અપડેટેડ એક કલાક પહેલા
વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણી સમયે છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં રહેલા રાજુ કરપડા આજે ગાંધીનગર કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.
આ સમયે ભાજપના ગોરધન ઝડફિયા, ભરત બોઘરા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કરપડા સાથે અન્ય આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા.
ઑક્ટોબર 2025માં બોટાદના ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના કૉટન યાર્ડમાં કડદાપ્રથા સામે ખેડૂતોના વિરોધ બાદ આમ આદમી પાર્ટીએ યોજેલી જાહેર સભામાં બોટાદ શહેર નજીક આવેલા હડદડ ગામે હિંસા થઈ હતી, જેને લઈને રાજુ કરપડા સહિત ઘણા લોકોને જેલમાં જવું પડ્યું હતું.
આ ઘટના બાદ રાજુ કરપડા ચર્ચામાં આવ્યા હતા. જેલમુક્ત થયા બાદ તેમણે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
હવે ભાજપમાં જોડાયા બાદ તેઓ પક્ષમાં રહીને ખેડૂતોનાં કામ કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
રાજુ કરપડાએ ભાજપમાં જોડાયા બાદ શું કહ્યું?
ઇમેજ સ્રોત, pavan jayaswal/bbc
રાજુ કરપડાએ ભાજપમાં જોડાયા બાદ મીડિયાના કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા હતા.
તેમણે કહ્યું કે 2017-18થી ખેડૂતો મુદ્દે સક્રિય રહ્યો છું, 2021માં ખેડૂત હિત માટે એક રાજકીય પાર્ટીમાં જોડાયો હતો.
“હડદડની ઘટના બાદ જેલમાં ગયો ત્યારે બહુ મંથન કર્યું અને બાદ સમજાયું કે ખેડૂતોનું હિત સત્તા પક્ષની સામે આંદોલન કરી સતત સરકારનો વિરોધ કરવા કરતાં સરકાર સાથે રહીને ખેડૂતનાં કામ કરવા જરૂરી છે.”
ભાજપમાં જવા અંગે તેમણે કહ્યું કે “આ સરકારના પરિણામ થકી જ ગુજરાતમાંથી કડદાપ્રથા નાબૂદ કરવામાં આવી છે અને ખેડૂતોના હિતનો કાયમી ઉકેલ ભાજપમાં રહીને જ થઈ શકશે.”
“આવનાર દિવસોમાં ખેડૂતનાં કામ થાય એ અપેક્ષા સાથે ભાજપમાં જોડાયો છું. વિપક્ષમાં રહીને ચહેરો ચમકાવી શકાય, પણ ખેડૂતોના પ્રશ્નોનું ખરેખર નિરાકરણ લાવવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું.”
તેમણે વધુમાં કહ્યું કે “જેલમાંથી છૂટ્યા પછી હિતેચ્છુ સાથે ચર્ચા કર્યા પછી જૂની પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું, કૉંગ્રેસના મિત્રોને હું મારા પર્સનલ સબંધોને કારણે મળ્યો હતો.”
ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા અને સ્થિતિ અંગે તેમણે કહ્યું કે “ખેડૂતોની સ્થિતિ 100 ટકા સારી નથી થઈ ગઈ, પણ ગયા કમોસમી વરસાદ બાદ સરકારે જાહેર કરેલું 10 હજાર કરોડનું રાહત પૅકેજ ઐતિહાસિક હતું. જે ભૂતકાળમાં ક્યારેય કોઈ સરકારે આપ્યું નથી.”
ચૂંટણી લડવા અંગે મીડિયા કરેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે “જ્યારથી જાહેર જીવનમાં હતો ત્યારથી ટિકિટની લાઇનમાં ન હતો, એક ‘વફાદાર’ સૈનિક તરીકે ભાજપમાં રહીને કામ કરીશ, ચૂંટણી લડાવવી તે પાર્ટીનો નિર્ણય છે.”
રાજુ કરપડાના ભાજપમાં સામેલ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતો વીડિયો મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “મારા પરમ મિત્રે કેસરિયો ધારણ કર્યો છે, અમે તો પહેલાંથી જ કહેતા હતા કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો હતો. એમણે અનેક આક્ષેપો કર્યા, પરંતુ આજે એમના ભાજપમાં જોડાવાની સાથે જ એમણે કરેલા આક્ષેપો પાયાવિહોણા સાબિત થઈ ગયા છે.”
“ગુજરાતના ખેડૂતો સામે એ વાત સાબિત થશે કે રાજુ કરપડા દ્વારા આપ વિરુદ્ધ કરાયેલા આક્ષેપો ખોટા હતા. આશા છે કે તેઓ ભાજપમાં જઈને ખેડૂતો માટે લડત લડશે અને ન્યાય અપાવશે.”
રાજુ કરપડા કોણ છે?
ઇમેજ સ્રોત, pavan jayaswal/bbc
રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે. ચૂંટણીપંચના રેકૉર્ડ મુજબ, તેમનું નામ 63-ચોટીલા વિધાનસભાના (ગુજરાત) મતદાર વિભાગમાં છે.
બીબીસી ગુજરાતીએ અગાઉ તેમના કાકા રામકુભાઈ કરપડા સાથે વાતચીત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, “તેમણે (રાજુભાઈએ) ધોરણ 12 પછી કૉલેજના અભ્યાસ સાથે દૂધ ડેરીના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમણે 2011-12 દરમિયાન કૉલેજમાં અભ્યાસની સાથે દૂધની ડેરીનો વ્યવસાય ચાલુ રાખ્યો હતો.”
તેમના પરિવારના જણાવ્યા અનુસાર, હજુ પણ રાજુ કરપડાનો મુખ્ય વ્યવસાય ખેતી જ છે,અને તેમને બે દીકરા છે.
રામકુભાઈ કરપડા અનુસાર, રાજુ કરપડા સૌપ્રથમ ત્યારે લાઇમલાઇટમાં આવ્યા, જ્યારે તેમણે પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
રાજુ કરપડાની સક્રિયતા અને રાજકીય સફર
ઇમેજ સ્રોત, Raju karpada/FB
2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી.
રામકુભાઈ કરપડાએ બીબીસીને જણાવ્યું હતું, “તે વખતે પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને થઈ રહેલા આંદોલનમાં મૂળી તેમજ ધ્રાંગધ્રા તાલુકાના વિવિધ દસ્તાવેજો ભેગા કરીને હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. ફસલ વીમા યોજનાના માપદંડ હેઠળ ખેડૂતોને મળવાપાત્ર રકમ 67 હજાર હતી, પરંતુ વીમા કંપનીએ માત્ર એક હજાર જ ચૂકવ્યા હતા, જેના કારણે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં ન્યાયિક લડાઈના અંતે વીમા કંપનીને આઠ ટકાના દરે રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો અને 2021માં ખેડૂતોને પાછા પૈસા ચૂકવાયા હતા.”
રામકુભાઈ અનુસાર, “તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતાં. તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા સીમિત હતાં.”
2022માં રાજુ કરપડાને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45,937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા.
2021થી રાજીનામું આપ્યું, ત્યાર સુધી તેઓ આમ આદમી પાર્ટીમાં કિસાન પાંખના વડા રહ્યા હતા.
રાજુ કરપડા કચ્છના નખત્રાણા જણોદર, ઘેડ પંથકમાં ખેડૂતો સાથે સંકળાયેલાં આંદોલનોમાં સક્રિય રહ્યા હતા.
એ પહેલાં અતિવૃષ્ટિમાં મળતી સરકારી એસડીઆરએફ (SDRF) અને એનડીઆરએફ (NDRF)ની સહાય માટેનાં આંદોલનો સહિત ખેડૂતોને લગતા આંદોલનમાં તેઓ સક્રિય રહ્યા છે.
રાજુ કરપડા પર કેસ અને વિવાદો
ઇમેજ સ્રોત, Raju Karpada/FB
ચૂંટણીપંચ સમક્ષ તેમણે 2022માં દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ તેમની સામેના ત્રણ ફોજદારી કેસો પૅન્ડિંગ છે. આ ત્રણેય કેસોનું ટૂંકું વર્ણન ‘કૌટુંબિક ઝઘડો’ તરીકે કરવામાં આવ્યું છે. પ્રથમ બે કેસ મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને ત્રીજો કેસ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કેસમાં તેમને ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી.
તેમના કાકા રામકુભાઈ કરપડા અનુસાર “રાજુ કરપડા પર હાલમાં બે કેસ ચાલુ છે. પ્રથમ કેસ ચોટીલામાં થયો હતો, જે ફાયરિંગનો કેસ છે (આઇપીસી કલમ 307 – હત્યાના પ્રયાસ અને મારપીટનો કેસ). કુલ ત્રણ કેસમાંથી એક કેસ પૂરો થયો છે અને બે કેસ હજુ પણ પેન્ડિંગ છે, જેમાં ફાયરિંગનો કેસ પૅન્ડિંગ છે. પ્રથમ કેસમાં તેમની સાથે દેવાયત ખાવડ સહ-આરોપી રહેલા અને ચોટીલા એફઆઇઆરમાં તેમનું નામ હતું.
તાજેતરમાં બોટાદમાં થયેલી હિંસા મામલે પણ એફઆઇઆરમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



