Home તાજા સમાચાર gujrati ગુજરાત સમાચાર અખબારના કાર્યાલય પર ઈડી-ઇનકમ ટૅક્સ વિભાગના દરોડા, અત્યાર સુધી શું...

ગુજરાત સમાચાર અખબારના કાર્યાલય પર ઈડી-ઇનકમ ટૅક્સ વિભાગના દરોડા, અત્યાર સુધી શું થયું?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાત સમાચાર, બીબીસી, ઇડી,

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
  • પદ, બીબીસી સંવાદદાતા
  • Twitter,
  • 16 મે 2025, 20:47 IST

    અપડેટેડ 2 કલાક પહેલા

જાણીતા ગુજરાતી અખબાર ગુજરાત સમાચારના કાર્યાલયમાં બુધવારે સવારે પ્રવર્તન નિદેશાલય (ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના દરોડા બાદ અખબારના મૅનેજિંગ ડિરેક્ટર બાહુબલિ શાહની ધરપકડ કરાઈ હતી.

લગભગ દોઢ દિવસ સુધી ચાલેલા આ દરોડામાં ગુજરાત સમાચારનાં અલગ અલગ કાર્યાલયો તેમજ માલિકોનાં ઘરો પર ઇન્કમટૅક્સ અને પ્રવર્તન નિદેશાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુરુવારે ધરપકડ સમયે 73 વર્ષીય બાહુબલિભાઈની તબિયત ખરાબ થતાં તેમને પહેલાં વીએસ હૉસ્પિટલ અને ત્યાર બાદ ઝાયડસ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે બાહુબલિ શાહના નિકટનાં સૂત્રો પ્રમાણે તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર 31 મે સુધી જામીન મળ્યા છે. જોકે બીબીસી ગુજરાતી સ્વતંત્રપણે આ બાબતની પુષ્ટિ નથી કરી શક્યું.

બાહુબલિભાઈ લોક પ્રકાશન ટ્રસ્ટના એક ડિરેક્ટર છે. આ ટ્રસ્ટના નેજા હેઠળ ગુજરાત સમાચાર અને ન્યૂઝ ચેનલ જીએસટીવી પણ ચલાવવામાં આવે છે.

આ દરોડાની નોંધ અનેક રાજકીય નેતાઓએ લીધી છે અને તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ ગણાવીને તરીકે વખોડી કાઢી છે.

બાહુબલિ શાહના મોટા ભાઈ અને ગુજરાત સમાચારના મૅનેજિંગ તંત્રી શ્રેયાંશભાઈ શાહે આ કાર્યવાહી ’25 વર્ષ જૂના કેસ અંગે’ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

તેમણે આ કાર્યવાહી અંગે કહ્યું હતું કે, “કદાચ સરકારને અમારું પત્રકારત્વ ગમતો નહીં હોય.”

ગુજરાત સમાચારના શ્રેયાંશ શાહે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાત સમાચાર, બીબીસી, ઇડી,

ઇમેજ સ્રોત, https://epaper.gujaratsamachar.com/

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે આ કાર્યવાહી અંગે કહ્યું હતું કે, “મને લાગે છે કે આ 25 વર્ષ જૂના એક કેસની કાર્યવાહી છે. આ કેસમાં અમને સેબીએ ક્લીન ચિટ આપી દીધી છે. મેં તેમને કહ્યું છે કે જો અમે કંઈ ખોટું કર્યું છે, તો અમારી ઉપર કોર્ટમાં કાર્યવાહી કરો, અમને આવી રીતે વારંવાર હેરાન ન કરો.”

આ કેસ વિશે વધુ વાત કરતાં તેઓ કહે છે કે, “અમુક વર્ષો પહેલાં અમે ઑથૉરાઇઝ્ડ શૅરબ્રોકર મારફતે, બૅન્ક દ્વારા શૅરબજારમાં રોકાણ કર્યું હતું. આ રોકાણને અંગે આજ સુધી અનેક તપાસો કરી છે, પરંતુ આજ સુધી આ કેસનો નિકાલ થયો નથી.”

જોકે, હજી સુધી ઇનકમટૅક્સ વિભાગ કે ઇડી તરફથી આ રેડ કે તેના પછીની કોઈ પણ પ્રક્રિયા અંગે કોઈ મહિતી આપવામાં આવી નથી.

બીબીસી ગુજરાતીએ ઇડીને લખેલા એક ઇમેલનો જવાબ પણ આ લખાય છે ત્યાં સુધી મળ્યો નથી. જવાબ મળતાં જ અહેવાલ અપડેટ કરાશે.

રાજકારણીઓએ કેવી પ્રતિક્રિયા આપી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાત સમાચાર, બીબીસી, ઇડી,

ઇમેજ સ્રોત, Getty Images

લોકસભામાં વિપક્ષના નેતા અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ટ્વીટ કરતાં આ દરોડાને ‘લોકશાહીનો અવાજ દબાવનાર’ ગણાવ્યો.

તેમણે લખ્યું હતું કે, “ગુજરાત સમાચારને ચૂપ કરાવવાનો પ્રયાસ માત્ર એક અખબારને નહીં, પણ સમગ્ર લોકશાહીના અવાજને દબાવવાનો વધુ એક ષડ્યંત્ર છે. જ્યારે સત્તાને અરિસો બતાવનારા અખબારો પર તાળાં મારવામાં આવે છે, ત્યારે સમજી લેવું જોઈએ કે લોકશાહી ખતરામાં છે. બાહુબલિ શાહની ધરપકડ એ જ ડરના રાજકારણનો ભાગ છે, જે હવે મોદી સરકારની ઓળખ બની ગઈ છે. દેશ ડંડાથી નહીં ચાલે, કે ન ડરથી. ભારત સત્ય અને બંધારણથી ચાલશે.”

આવી જ રીતે ગુજરાત કૉંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ પોતાના ઍક્સ ઍકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે, “છેલ્લાં 25 વર્ષોથી ગુજરાત સમાચાર અખબાર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આરએસેસને ગાંઠતું નથી, જેની ખુન્નસ આવી રીતે તેમને હેરાન કરીને સત્તાપક્ષ કાઢી રહ્યું છે.”

તો સામેના પક્ષે ભાજપના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવેએ આ દરોડા માત્ર ગુજરાત સમાચાર પર જ ન થયા હોવાની અને તેને એક સતત ચાલતી પ્રક્રિયા ગણાવી હતી.

તેમણે કહ્યું કે, “આ રેડ માત્ર ગુજરાત સમાચાર પર નથી થઈ, પરંતુ તેની સાથોસાથ બિલ્ડર, કેમિકલના વેપારીઓ, શૅરબજાર સાથે જોડાયેલા લોકો વગેરેને ત્યાં પણ થઈ છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. ગુજરાત સમાચારે કંઈ ખોટું કર્યું જ નથી, તો તેમને કંઈ જ નહીં થાય.”

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આ વિશે ઍક્સ પર પોસ્ટ કરતાં કહ્યું છે કે, “આ રેડ અને ધરપકડ કોઈ સંજોગ નથી. આ ભાજપનો ગભરાટ સૂચવે છે, જે સાચું બોલનારા અવાજને દબાવવા માંગે છે. દેશ અને ભારતની જનતા જલદી આ તાનાશાહીનો જવાબ આપશે.”

ગુજરાત સમચાર પર રેડ પડી ત્યારે શું થયું?

ગુજરાત સમાચારના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને દરોડા સમયે શું થયું હતું એ અંગે વિગતવાર જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, “લગભગ 40 જેટલા લોકો રેડમાં સામેલ હતા, તેઓ દરેક ઑફિસ પર હતા. રેડ પત્યા બાદ જ્યારે જીએસટીવીના કૅમેરા પર તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો તો તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.”

બીજી તરફ ઘણા સિનિયર પત્રકારો માને છે કે, “ગુજરાત સમાચારનું પત્રકારત્વ સરકારને ગમતું નથી. છેલ્લા અમુક મહિનાથી કોઈ પણ પ્રકારની સરકારી જાહેરાત પણ છાપામાં જોવા મળતી નહોતી.”

અન્ય એક કર્મચારીએ કહ્યું કે, “સંસ્થાના ઍડમિન સ્ટાફને ફોન કરીને તાત્કાલિક ઘરેથી બોલાવવામાં આવ્યા હતા અને રેડ સમયે દરેક વ્યક્તિની વિગતો લીધા બાદ જ તેમને અંદર પ્રવેશ અપાઈ રહ્યો હતો.”

“ઍડમિન સ્ટાફના અમુક કર્મચારીઓ ઑફિસે જલદી ન પહોંચતાં તેમના ઘરે જવાની પણ તૈયારી અધિકારીઓ બતાવી રહ્યા હતા.”

કેમ કહેવાય છે ગુજરાત સમાચાર સત્તાવિરોધી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાત સમાચાર, બીબીસી, ઇડી,

ઇમેજ સ્રોત, Getty Images

લોક પ્રકાશન લિમિટેડ વર્ષ 1940માં પબ્લિક લિમિટેડ કંપની તરીકે રજિસ્ટર થયું હતું. લોક પ્રકાશન લિમિટેડના નેજા હેઠળ અખબાર સહિત ડિજિટલ મીડિયા અને ટીવી મીડિયા સંસ્થાનો પણ કાર્યરત છે.

જોકે, આ પ્રથમ વખત નથી કે જ્યારે ગુજરાત સમાચાર અને સરકારી તંત્ર આમને સામને આવી ગયા હોય.

નોંધનીય છે કે આ અગાઉ 1985માં ગુજરાતમાં અનામતવિરોધી આંદોલન સમયે પણ ગુજરાત સમાચારની ખાનપુરસ્થિત ઑફિસે આગ ચાંપી દેવાઈ હતી.

આ ઘટના વિશેના જાણકાર અને સિનિયર પત્રકાર પ્રશાંત દયાળે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “તે સમયે કૉર્પોરેશનની એક ગાડીમાં આવીને અમુક લોકોએ ગુજરાત સમાચારની બિલ્ડિંગને આગ ચાંપી દીધી હતી. અનામત આંદોલન ધીરે ધીરે કોમી સ્વરૂપ ધારણ કરવા લાગ્યું હતું અને પોલીસ પણ તે સમયે હડતાળ પર હતી. તેવા સમયમાં ફાયર બ્રિગેડની ટીમના એક અધિકારીએ ફાયરિંગ કરીને તોફાની તત્ત્વોને ત્યાંથી ખસેડ્યા હતા.”

આ ઘટનાના એક સાક્ષી રહેલા એક સિનિયર પત્રકારે પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “તે સમયના મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકી ખૂબ જ શક્તિશાળી હતા, તેમની KHAM થિયરી કામ કરી ગઈ હતી, ગુજરાત સમાચારનું પત્રકારત્વ આ થિયરીની ટીકા કરતું હતું.”

દયાળનું માનવું છે કે લગભગ દરેક મુખ્ય મંત્રીનું ગુજરાત સમાચાર સાથે બનતું નહોતું. જેનું મુખ્ય કારણ તેનું સત્તાવિરોધી પત્રકારત્વ હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS