Home તાજા સમાચાર gujrati ગુજરાત વિધાનસભાએ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમમાં સુધારો કરતા કોની ખેતીની જમીન ખાલસા થઈ...

ગુજરાત વિધાનસભાએ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમમાં સુધારો કરતા કોની ખેતીની જમીન ખાલસા થઈ શકે છે?

7
0

Source : BBC NEWS

ખેતી, જમીન, સુધારો, ગુજરાત સરકાર, બીબીસી ગુજરાતી, ગુજરાતી, ગુજરાતમાં ખેતી, ખેતની જમીન ગુજરાત વિધાનસભા ભૂપેન્દ્ર પટેલ ગુજરાત સરકાર રાજ્યપાલ ખેતી પાણી પાક ખાતર ખેડ ચોમાસું વરસાદ પાણી શિયાળો ઉનાળો વાતાવરણ હવામાન

ઇમેજ સ્રોત, ANI

  • 4 કલાક પહેલા

  • વાંચવાનો સમય: 6 મિનિટ

ગુજરાત સરકારે મંગળવારે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) વિધેયક, 2026 ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું અને વિધાનસભાએ તેને તે જ દિવસે મંજૂર કર્યું.

આ વિધેયક દ્વારા સરકારે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ,1949ની કલમ 75 અને 75Aમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે.

હવે આ સુધારો મંજૂરી માટે ગુજરાતના રાજ્યપાલને મોકલી આપવામાં આવશે અને જો તેને મંજૂરી મળી જશે તો તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.

ત્યાર બાદ સરકાર આ સુધારાઓનું અમલીકરણ કઈ રીતે કરવું તેના નિયમ ઘડશે અને તેને જાહેર કરશે એટલે રીતે કલમ 75 અને 75Aમાં સુધારા અમલી બનશે.

ગુજરાતમાં માત્ર ખેડૂત જ ખેતીની જમીન ધારણ કરી શકે તેવો કાયદો છે અને આવો ખેડૂત તરીકેનો દરજ્જો વારસાગત રીતે મળે છે.

તેથી, જો કોઈ વ્યક્તિ ખેડૂત ન હોય તેમ છતાં ખેતીની જમીન ખરીદે કે ભેટ, બક્ષિસ કે અન્ય રીતે મેળવે તો સરકાર આવી વ્યક્તિ કે સંસ્થા ખેતીની જમીન ધારણ કરવા માટે પાત્ર નથી તેમ ઠેરવી તેની સામે કાયદાકીય પ્રક્રિયા આરંભી શકે છે.

કાયદાકીય પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમની કલમ 75 હેઠળ મળેલી સત્તાઓ વાપરી જિલ્લા કલેક્ટર આવી વ્યક્તિને તે જમીનમાંથી તાત્કાલિક હાંકી કાઢી શકે છે તેમજ કલમ 75A હેઠળ આવી વ્યક્તિને તે જમીનના જંત્રી રેટના ત્રણ ગણો દંડ પણ કરી શકે છે.

જો કોઈ સંસ્થા આ રીતે ખેતીની જમીન ધારણ કરે તો તેની સામે પણ આ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે.

સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમ શું છે?

ખેતી, જમીન, સુધારો, ગુજરાત સરકાર, બીબીસી ગુજરાતી, ગુજરાતી, ગુજરાતમાં ખેતી, ખેતની જમીન

ઇમેજ સ્રોત, Getty Images

1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે પહેલાં હાલના ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર ત્રણ અલગ-અલગ રાજ્યોમાં વહેંચાયેલો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો અલગ રાજ્યો હતાં જ્યારે મધ્ય ગુજરાત સહિતના બાકીના વિસ્તારો બૉમ્બે રાજ્યનો ભાગ હતા.

વળી, આ ત્રણેય પ્રાંતમાં આઝાદી પહેલાં જમીનોની માલિકી વિવિધ દેશી રજવાડાંના શાસકોની કે તેમના ભાયાતોની અને ગરાસદારોની હતી.

દરેક પ્રાંતમાં જે તે રજવાડાંએ તે જમીનોમાં ખેતી કરતા ખેડૂતોને આપેલા અધિકારો પણ ભિન્ન હતા.

આઝાદી બાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને બૉમ્બે રાજ્યો બન્યાં ત્યારે નાગરિકોમાં જમીનની વહેંચણી કરવા અને ખેડૂતો જે જમીનોમાં ખેતી કરતા તેની માલિકી તે ખેડૂતોને જ સોંપી દેવા માટે રાજ્ય સરકારોએ અલગ-અલગ પ્રકારના જમીન સુધારણા કાયદાઓ ઘડ્યા.

તે રીતે સૌરાષ્ટ્ર રાજ્યમાં ખેડૂતો અને ગણોતિયાઓને જમીનના માલિકી હક્ક આપવા માટે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, 1949 ઘડવામાં આવ્યો હતો અને 1955થી તેનું અમલીકરણ શરૂ થયું હતું.

તે જ રીતે બૉમ્બે રાજ્યના ગુજરાત પ્રાંત માટે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ,1948 ઘડવામાં આવ્યો હતો.

કચ્છ માટે બૉમ્બે ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ (વિદર્ભ અને કચ્છ વિસ્તાર),1958 ઘડવામાં આવ્યો હતો.

હાલનું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ પણ આ ત્રણેય પ્રાંતોના જમીનને લગતા કાયદા અલગ રહ્યા છે અને હજુ પણ અમલમાં છે. જોકે રાજ્ય સરકારે તેમાંથી કેટલાકનાં નામમાં આંશિક ફેરફારો કર્યા છે.

કલમ 75, 75A શું છે?

ખેતી, જમીન, સુધારો, ગુજરાત સરકાર, બીબીસી ગુજરાતી, ગુજરાતી, ગુજરાતમાં ખેતી, ખેતની જમીન

ઇમેજ સ્રોત, Getty Images

મહેસૂલ વિભાગના એક અધિકારીઓ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે “સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમની કલમ 54 હેઠળ, ખેડૂત ન હોય તેવી વ્યક્તિ કે સખાવતી સંસ્થા રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વગર ખેતીની જમીન ખરીદી શકતી નથી કે અન્ય કોઈ રીતે મેળવી તેને ધારણ કરી શકતી નથી.”

“તે જ રીતે સોલાર પાર્ક, પવન ઊર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે પવનચક્કીઓ ઊભી કરતી વિન્ડ ઍનર્જી કંપનીઓ સહિતના માન્ય ઉદ્યોગો આ વટહુકમની 54 હેઠળ સરકારની પૂર્વ મંજૂરી વગર જ ખેડૂતો પાસેથી ખેતીની જમીન ખરીદી શકે છે.”

પરંતુ આવા ઉદ્યોગોએ પછીથી આવી ખરીદીની જાણ સરકારને કરવી પડે છે. તે ઉપરાંત, સરકારને નિયત રકમ ચૂકવી તેમણે એ ખેતીની જમીનનું બિનખેતીની જમીન તરીકે રૂપાંતરણ પણ કરાવવું પડે છે.

ખેતીની જમીનના માલિકી હક્ક તબદીલ કરતી વખતે કલમ 54 કે 55નો ભંગ થાય તો સરકાર કલમ 75 અને 75A હેઠળ જમીનની ખરીદી કે હસ્તાંતરણ અમાન્ય ઠેરવવા કાયદાકીય પ્રક્રિયા આરંભી શકે છે.

સરકાર કલમ 75માં શું સુધારો લાવી છે?

ખેતી, જમીન, સુધારો, ગુજરાત સરકાર, બીબીસી ગુજરાતી, ગુજરાતી, ગુજરાતમાં ખેતી, ખેતની જમીન

ઇમેજ સ્રોત, MLA Sanjaysinh Mahida/fb

હાલ, કલમ 75નું મથાળું સમરી ઍવિક્શન એટલે કે “તાત્કાલિક ધોરણે હઠાવી દેવું” તેવું છે.

રાજ્યકક્ષાના મહેસૂલમંત્રી સંજયસિંહ મહીડાએ મંગળવારે વિધાનસભામાં રજૂ કરેલા સુધારા ખરડામાં એવો પ્રસ્તાવ મૂક્યો કે આ મથાળાંની જગ્યાએ કલમ 75નું મથાળું બદલીને Disposal of land, transfer or acquisition of which is invalid (ડિસ્પોઝલ ઑફ લૅન્ડ, ટ્રાન્સફર ઑફ ઍક્વિઝિશન ઑફ વ્હિચ ઇઝ ઇનવેલિડ) એટલે કે “જે જમીનનું હસ્તાંતરણ અથવા સંપાદન અમાન્ય ઠર્યું હોય તેનો નિકાલ કઈ રીતે કરવો” તેમ કરવામાં આવે.

સાથે જ સરકારે પ્રસ્તાવ મૂક્યો છે ખેતીની જમીનના કોઈ ટુકડા પરથી અપાત્ર વ્યકિત કે સંસ્થાને હાંકી કાઢવા માટે એક ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું.

નવા પ્રસ્તાવિત સુધારા અનુસાર કલેક્ટર જમીન વેચનાર કે સોંપનારને, ખરીદનાર કે મેળવનારને કારણદર્શક નોટિસ આપી ખુલાસો પૂછશે કે સવાલવાળી જમીનનું હસ્તાંતરણ-સંપાદન અમાન્ય શા માટે ન ઠેરાવવું જોઈએ.

સાથે જ કલેક્ટર આ બાબતમાં તપાસ ચલાવી નક્કી કરશે કે જમીનનું વેચાણ-હસ્તાંતરણ માન્ય છે કે અમાન્ય.

જો તપાસને અંતે કલેક્ટર એવા નિર્ણય પર આવે કે હસ્તાંતરણ કે સંપાદન અમાન્ય છે તો કલેક્ટર તે મુજબની જાહેરાત કરશે.

ત્યાર બાદ પક્ષકારોએ કલેક્ટરને લેખિતમાં એવી બાંહેધરી આપવી પડશે કે કલેક્ટર નક્કી કરશે તે તારીખથી ત્રણ મહિનાની અંદર તેઓ જમીનનું વેચાણ-હસ્તાંતરણ-સંપાદન થયું તે પહેલાં જે હક્ક-દવા હતા તેનું પુનઃસ્થાપન કરી જમીન માલિકીની મૂળ સ્થિતિનું પુનઃસ્થાપન કરી દેશે.

પરંતુ જો પક્ષકારો જમીનની માલિકીની બાબતમાં જૂની સ્થિતિનું પુનઃસ્થાપન આપેલ સમયગાળામાં ન કરે તો કલેક્ટરે જે દિવસથી વાદગ્રસ્ત જમીનનું વેચાણ-હસ્તાંતરણ અમાન્ય ઠેરવ્યું હોય તે દિવસથી તે જમીન સરકારની માલિકીની ગણાશે તેવી સ્પષ્ટતા કલમ 75માં ઉમેરવાનો ખરડો ગુજરાત સરકારે વિધાનસભામાં પસાર કરાવી લીધો છે.

વળી, આવી જમીનનો સરકારી જમીન તરીકે નિકાલ પણ કરી શકાશે તેવો ઉમેરો પણ આ કલમમાં કરવામાં આવ્યો છે.

કલમ 75Aમાં દંડની જોગવાઈમાં શું સુધારો કર્યો?

જો ખેતીની જમીન ખરીદનાર કે અન્ય રીતે મેળવવનાર વ્યક્તિ કે સંસ્થા તેવી જમીન ધારણ કરવાની પાત્રતા નથી ધરાવતી તેવું ઠરે તો તે વ્યક્તિ કે સંસ્થા પાસેથી કલમ 75A હેઠળ તે જમીનના જંત્રીના દર એટલે કે સરકારી ચોપડે તે જમીનની કિંમત હોય તેના કરતા ત્રણ ગણી રકમ દંડપેટે વસૂલવી તેવો ઉલ્લેખ આ કલમમાં છે.

પરંતુ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે રાજ્યના મહેસૂલ ખાતાના એક અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “હાલ, આ દંડ કેટલા સમયમાં વસૂલવો તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી. વળી, એ પણ સ્પષ્ટ નથી કે આવો દંડકાર્ય બાદ વાદગ્રસ્ત જમીનનું શું કરવું. પરિણામે કલેક્ટરે ફટકારેલા દંડની વસૂલાત કરવામાં ઢીલ થાય છે અને જમીન વિષે અંતિમ નિર્ણય થવામાં પણ વિલંબ થાય છે.”

સરકારે સુધારા ખરડો લાવીને આ કલમમાં એ મતલબનો સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે કે ખરીદી-સંપાદન અમાન્ય ઠેરવ્યા બાદ કલેક્ટર જમીન ખરીદનાર વ્યક્તિ કે સંસ્થાને દંડ કરવા ઉપરાંત તેને એવી પણ સૂચના આપે કે એક મહિનાની અંદર જમીનની માલિકી અને હક્કો હસ્તાંતરણ-સંપાદન થયું તેની પહેલાંની સ્થિતિએ પુન:સ્થાપિત કરવામાં આવે.

સરકારે ખરડામાં જણાવ્યું છે કે આ બંને કલમોમાં સુધારાથી કલેક્ટરોને જે સત્તા મળશે તેવી સત્તા અન્ય કાયદાઓથી કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કલેક્ટરોને પહેલેથી જ મળેલી છે અને આખા રાજ્યમાં જમીન-મહેસૂલના કાયદામાં સામ્યતા સ્થાપવા માટે પણ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમમાં સુધારો જરૂરી છે.

સુધારા બાબતે નિષ્ણાતો શું કહે છે?

ખેતી, જમીન, સુધારો, ગુજરાત સરકાર, બીબીસી ગુજરાતી, ગુજરાતી, ગુજરાતમાં ખેતી, ખેતની જમીન

ઇમેજ સ્રોત, Getty Images

મહેસૂલ વિભાગના અધિકારીએ કહ્યું કે કલમ 54 અને 55ના ભંગના કિસ્સા એટલે કે જમીનની શરત ભંગના કિસ્સા બનતા રહે છે.

અધિકારીએ ઉમેર્યું કે, “જો કાનૂની પ્રક્રિયાને અંતે જમીનનું હસ્તાંતરણ-સંપાદન અમાન્ય છે તેમ ઠરે તો આવી જમીનનું શું કરવું તે બાબતે કલમ 75માં હાલ સ્પષ્ટતા નથી.”

“અધિકારીઓ મોટે ભાગે આવી જમીનને શ્રી સરકાર જાહેર કરે છે, પરંતુ કાયદામાં સ્પષ્ટતાના અભાવે આવા હુકમને કાનૂની રીતે પડકારાય છે. પરિણામ એ આવે છે કે આવી જમીન નથી તો ખરીદનાર કે સંપાદન કરનારના કબજામાં રહેતી કે નથી વેચનાર નક્કી કરી શકતા કે જમીન તેમને પાછી મળશે કે નહીં. દંડ વસૂલ કરવાના સમય બાબતે પણ સ્પષ્ટતા થતા લોકો હવે જમીન ખરીદતા પહેલાં આ બાબતોનો ખ્યાલ રાખશે.”

રાજકોટમાં મહેસૂલી કાયદાના અગ્રણી વકીલ વિજય તોગડિયા કહે છે આ સુધારાથી ખેડૂત ન હોય તેવી વ્યક્તિઓ ખેતીની જમીનો ખરીદતા ખચકાશે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, “ખેડૂત ન હોય તેવી વ્યક્તિ જો ખેતીની જમીન ખરીદશે તો તેને ન માત્ર દંડ થશે, પરંતુ જમીન પણ મૂળ માલિકને પરત કરવી પડશે અથવા તો શ્રી સરકાર થશે.”

“આમ થવાથી બિન-ખેડૂતો યોગ્ય અભ્યાસ કર્યા પછી જ જમીન ખરીદશે અને જે લોકોએ કાયદાનો ભંગ કરી ખેતીની જમીનો ખરીદી લીધી છે તેમને જમીનો પાછી સોંપવાની ફરજ પડશે.”

“પરંતુ જો આવી જમીનનો કબજો લાંબા સમય સુધી ખરીદનાર કે જમીન મેળવનાર પાસે રહ્યો હોય તો લિમિટેશન ઍક્ટ હેઠળ આવી વ્યક્તિ જમીનની માલિકીનો દાવો કરી શકશે કે કેમ તે તો સરકાર આ સુધારના નિયમો જાહેર કરશે ત્યારે જ ખબર પડશે.”

નિવૃત્ત આઇએએસ અધિકારી એચએસ પટેલે કહ્યું, “કાયદાઓને સરળ બનાવવાના ભાગરૂપે સરકારે આ સુધારા કર્યા હશે. હજુ આ સુધારાના નિયમો હજુ જાહેર નથી થયા. તેથી, આપણને બધી વિગતોની ખબર નથી, પરંતુ પ્રથમ દૃષ્ટિએ મને એમ લાગે છે કે આ સુધારાથી પણ ખાસ સરળતા આવશે નહીં.”

“આ સુધારાનો અમલ પાછલી અસરથી એટલે કે 2015થી થશે તેમ સરકાર કહે છે, પરંતુ તેને કારણે મહેસૂલી અધિકારીઓને ડિસક્રેશનરી પાવર (વિવેકાધીન સત્તાઓ) મળશે જે બહુ આવકાર્ય બાબત ન કહેવાય.”

“પરંતુ સુધારાની ખરેખર શું અસર થશે તેનો સાચો અંદાજ તો આ સુધારા બિલના આધારે સરકાર નિયમો બનાવી તેને જાહેર કરશે ત્યારે જ આવશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS