Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Bhargav Parikh/getty
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
-
10 મે 2025, 20:08 IST
અપડેટેડ 2 કલાક પહેલા
મહેસાણાના કુકરવાડા નજીક આવેલા નાના ગામ આનંદપુરાનો યુવાન પરિવાર સાથે ‘ગેરકાયદે અમેરિકા’ જવા નીકળ્યો હતો. દરિયાઈ માર્ગે અમેરિકામાં જતી વખતે છેક કિનારે પહોંચવા આવ્યાં અને દરિયાઈ તોફાનમાં હોડી ઊંધી વળી જતા 15 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો છે, જ્યારે 10 વર્ષની દીકરી લાપતા છે, તો યુવક અને એમનાં પત્ની જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે.
હાલ પતિ અને પત્નીને સેન્ડિયાગો પાસેની એક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે.
આ દુર્ઘટના 6 મેના રોજ ઘટી હતી અને દીકરાના મોતના સમાચાર પરિવારને સાતમી મેના રોજ મળ્યા હતા.
મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામ પાસે માંડ 50 ઘરનું નાનકડું ગામ આનંદપુરા આવેલું છે. ગામમાં લગભગ બધાં પાકાં મકાનો છે, કારણ કે ગામના મોટા ભાગના યુવાનો પરદેશમાં છે, તો કેટલાક શહેરોમાં કમાવવા ગયા છે.
ગામમાં મોટી ઉંમરના લોકો મજૂરો રાખીને ખેતી સાંભળે છે. અહીં રહેતા ગામના આગેવાન ઈશ્વરભાઈ પટેલનો દીકરો બ્રિજેશ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં હાંસોલ પાસે ખોડલધામ સોસાયટીમાં રહેતો હતો અને સબમર્સિબલ પમ્પનો ધંધો કરતો હતો.
આનંદપુરા ગામના એમ.કે. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે , “ઈશ્વરભાઈ અમારા ગામના મોભી છે. એમના દીકરા બ્રિજેશનાં લગ્ન થયાં અને બાળકો થયાં પછી બ્રિજેશ અને એની પત્ની સુનીતા અમદાવાદ હાંસોલના ખોડિયારનગરમાં રહેવા ગયાં હતાં.”
“ઈશ્વરભાઈ અને એમનાં પત્ની ગામમાં રહેતાં હતાં. એમનો દીકરો બ્રિજેશ દર દિવાળી, નવરાત્રીમાં પરિવાર સાથે અહીં આવતો, અમને અમારા ગામના અમેરિકામાં રહેતા બીજા પટેલ ભાઈઓ તરફથી ખબર પડી કે એ લોકો અમેરિકા જવા જતા હતા અને દરિયામાં એમની બોટ ઊંધી વળી ગઈ એમાં ઈશ્વરભાઈના પૌત્ર પ્રિન્સનું અવસાન થયું છે. એમની દીકરી માહી લાપતા છે, તો બ્રિજેશ અને સુનીતાની હાલત ગંભીર હોવાથી હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે.”
ગુજરાતી પરિવાર બ્રિટનથી અમેરિકા કેવી રીતે જતો હતો?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ઈશ્વરભાઈ એમના પૌત્રના અવસાનના સમાચાર આવતા મકાનને તાળું મારી એમના ભત્રીજાના ઘરે ગાંધીનગર આવ્યા છે, પણ પુત્ર અને પુત્રવધૂની નાજુક હાલત અને પૌત્રના મૃત્યુને કારણે એ આઘાતમાં હોવાથી વાત કરવા તૈયાર નથી.
જોકે બીબીસીએ બ્રિજેશના મામાના દીકરા રવિ પટેલ સાથે વાતચીત કરી.
રવિ પટેલે બીબીસીને કહ્યું, “મારા ભાઈ બ્રિજેશે છ મહિના પહેલાં બ્રિટનના કાયદેસરના વિઝા લીધા હતા અને છ મહિના પહેલાં એ લોકો બ્રિટન જવા રવાના થયાં હતાં. બ્રિજેશને સબમર્સિબલ પમ્પમાં ધંધામાં બે-ત્રણ વર્ષથી મોટી કમાણી ન હોવાથી એ પરદેશ પૈસા કમાવવા જવાની વાત કરતો હતો, પણ અમે એને ભારતમાં રહીને ધંધો કરવા સમજાવતા હતા.”
“અચાનક એક દિવસ બ્રિજેશનો ફોન આવ્યો કે એને બ્રિટનમાં નોકરી મળી ગઈ છે અને એ સુનીતા ભાભી, મારો ભત્રીજો પ્રિન્સ અને ભત્રીજી માહીને લઈ ત્યાં સેટલ થવાનો છે.”
રવિ કહે છે કે “એ જવાનાં હતાં એ પહેલાં અમારા પરિવારનું ગેટ ટૂ ગેધર થયું. એ વખતે મેં એમના નોકરીના ઑફર લેટર અને વિઝા જોયા હતા. બ્રિટનના કાયદેસરના વિઝા હતા, એટલે અમને થયું કે એનું અને એનાં બાળકોનું ભવિષ્ય બનતું હોય, તો વિદેશ જાય છે એમાં ખોટું નથી.”
તેઓ કહે છે, “એ છ મહિના પહેલાં અમદાવાદથી બ્રિટન ગયાં ત્યાંથી અમેરિકા કેવી રીતે, કોના માધ્યમથી ગયાં એની અમને કોઈ ખબર નથી. અમને પહેલી ખબર અમારા બીજા પરિચિત પટેલ સંબંધીઓ દ્વારા થઈ.”
“અમે મારા ફુવા ઈશ્વરભાઈને સમાચાર આપતા અચકાતા હતા, પણ વિદેશ મંત્રાલયથી અમારા પર ફોન આવ્યો પછી અમે એમને જાણ કરી છે.”
‘દરિયામાં બોટ ઊંધી વળી અને 15 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો’

ઇમેજ સ્રોત, Bhargav Parikh
બ્રિજેશ પટેલના કાકાના દીકરા અનિલ પટેલ બ્રિજેશનાં માતાપિતાને લઈ ગાંધીનગર પોતાના કુડાસણના મકાનમાં આવ્યા છે.
બીબીસી સાથેની વાતચીતમાં અનિલ પટેલે કહ્યું કે “મારા ભાઈ બ્રિજેશને સબમર્સિબલ પમ્પના ધંધામાં પહેલાં જેવી કમાણી નહોતી એટલે એ વિદેશ જવાની વાત કરતો હતો, પણ અમે એને અહીં રહેવા સમજાવતા હતા.”
“એણે અમને જ્યારે બ્રિટનમાં નોકરી અને વિઝા મળે છે, મારા ભત્રીજા અને ભત્રીજીને સારું ભણતર મળશે એમ કહ્યું, ત્યારે અમે જવા દીધાં, પણ અમને ખબર નથી કે એમનો કોની સાથે સંપર્ક થયો અને અમેરિકા જવા નીકળ્યા.”
“અમને જ્યારે સત્તાવાર ખબર પડી છે કે એ દરિયાઈ માર્ગે જતાં એમની બોટ ઊંધી વળી ગઈ, મારા ભાઈ બ્રિજેશ અને ભાભી સુનીતાની હાલત ગંભીર છે અને માહીનો કોઈ પત્તો નથી એટલી અમને ખબર છે, ભાઈ સાથે કોઈ સંપર્ક થયો નથી.”
રવિ પટેલ કહે છે કે અમને હજુ ખબર નથી કે બ્રિજેશ ભાઈ કેવી રીતે અને અમેરિકા જવા નીકળ્યા હતા. એમની તબિયત સ્વસ્થ થાય અને અમારી સાથે વાત થશે એ પછી અમે પોલીસ ફરિયાદ પણ નોધાવીશું.
આ પરિવારને હાલ એજન્ટની ખબર ન હોવાથી પોલીસ ફરિયાદ જાણકારી મળ્યા બાદ નોંધાવશે, પણ મહેસાણા અને નડિયાદના બે લોકોએ સીઆઇડી ક્રાઇમ અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ બે ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં ફરિયાદ નોંધાવનારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવનાર મૂળ મહેસાણાના અને હાલ અમદાવાદના નરોડામાં રહેતા વિરલ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “એમને એમની સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ પટેલે એજન્ટ પાર્થ જાની સાથે પરિચય કરાવ્યો હતો અને પાર્થ જાનીએ એક પરિવાર દીઠ 58 લાખ રૂપિયા લઈને ફ્લાઇટની ટિકિટના પૈસા અલગ લેવાની વાત કરી હતી અને કૅનેડા લઈ જવાનું કહ્યું હતું, જેના આધારે મેં અને મારા બનેવી દર્શનભાઈ પટેલે એક કરોડ અને 16 લાખ રૂપિયા પાર્થ જાની નામના ગુજરાતના એજન્ટને આપ્યા હતા.”
“ગુજરાતના એજન્ટે દિલ્હીના એજન્ટ અંશુમાન નેગીએ સાથે પરિચય કરાવીને ખોટી વર્ક પરમિટ અને ફ્લાઇટ ટિકિટ આપી હતી.”
આ કેસના તપાસનીસ અધિકારી જે.ટી. ચાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ અને ગાંધીનગરના એજન્ટની ઑફિસે સર્ચ ઑપરેશન કર્યું છે, આ આંતરરાજ્ય કૌભાંડ છે.”
તેમણે વધુમાં કહ્યું કે “અમે દિલ્હી પોલીસ સાથે સંપર્કમાં છીએ અને ટૂંક સમયમાં આરોપીને પકડી પાડીશું.”

ઇમેજ સ્રોત, Getty Images
તો મહેસાણા દઢિયાળ ગામના મિલ્ટન ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “મારા એક કુટુંબી પ્રકાશ ચૌધરીએ કહ્યું હતું કે અભય રાવલ નામના ગાંધીનગરના એજન્ટ થકી એમનો દીકરો અમેરિકા ગયો છે. એ મને અને મારી પત્નીને કૅનેડાના વિઝા કરાવી આપશે.”
“મારાં માતાપિતાનું અવસાન થયું છે અને મારી બહેનનાં લગ્ન કૅનેડા થયાં છે, એટલે અમે એજન્ટ થકી વિદેશ જવાનું નક્કી કર્યું હતું અને અભય રાવલ સાથે 57 લાખ રૂપિયામાં કૅનેડા જવાનું નક્કી કર્યું હતું.”
તેઓ વધુમાં કહે છે, “અમે એને પૈસા આપી દીધા હતા ત્યાર બાદ એણે મારી પત્નીની વર્ક પરમિટ અને વિઝા કઢાવી આપ્યા હતા, પણ મારી પત્ની ત્યાં પહોંચી ત્યારે ખબર પડી કે વર્ક પરમિટ ખોટી હતી.”
“અમને છેતરાયાનો અહેસાસ થયો અને તપાસ કરી તો ખબર પડી કે અભય રાવલ ભૂતકાળમાં ગેરકાયદે રીતે વિદેશ મોકલવા બદલ જેલ જઈ આવ્યો છે. ત્યાર બાદ મેં મહેસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.”
આ કેસની તપાસ કરી રહેલા મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તપાસકર્તા ઑફિસર એસ.જે. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “અભય રાવલ હાલ નાસતો ફરે છે, પણ અમે અત્યારે ટેકનિકલ વિજિલન્સથી તપાસ કરી રહ્યા છીએ, એના અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક સંપર્ક સુધી પહોંચી ગયા છીએ. ટૂંક સમયમાં અમે એની ધરપકડ કરવામાં આવશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS