Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે ભારતનાં જંગલોમાં રહેતા આદિવાસીઓ, આદિમ જૂથો અને પરંપરાગત રીતે જંગલમાં રહેતા અન્ય લોકોને તેમના જીવનનિર્વાહ માટે જંગલ વિસ્તારની જે જમીનો અને અન્ય કુદરતી સંપદાઓનો ઉપયોગ કરે છે તેના પર તેમને કાયદાકીય હક આપવાના હેતુથી વર્ષ 2007માં ‘અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોના (અધિકારોને માન્યતા) અધિનિયમ, 2006’ નામનો કાયદો ઘડાયો હતો. આ કાયદાને ટૂંકમાં વન અધિકાર કાયદો પણ કહેવાય છે.
આ કાયદાની પૂર્વભૂમિકામાં કહેવાયું છે: “વનોનું અસ્તિત્વ અને સાતત્ય આદિવાસીઓ અને અન્ય પરંપરાગત રીતે વનમાં રહેતા લોકો પર નિર્ભર છે, પરંતુ તેમના પૂર્વજોની જમીન અને રહેણાકો પરના તેમના અધિકારોને અંગ્રેજોના શાસન દરમિયાન અને સ્વતંત્રતા પછીના સમયમાં વનવિસ્તારો સરકારના નિયંત્રણ હેઠળ મૂકતી વખતે પૂરતી માન્યતા આપવામાં આવી ન હતી.”
“પરિણામે તેમને ઐતિહાસિક અન્યાય થયો હતો. સરકારની વિકાસ યોજનાઓને કારણે જેમને અન્યત્રે વસવાટ કરવો પડેલો તે સહિતના આદિવાસીઓ અને અન્ય પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોના જમીન પરના અને અન્ય સંપદાઓ પરના અધિકારો બાબતે લાંબા સમયથી ચાલી આવતી આ અસલામતીનું નિરાકરણ કરવું જરૂરી છે.”
આ કાયદા અંતર્ગત આદિવાસીઓને વ્યક્તિગત ધોરણે મહત્તમ ચાર હેક્ટર જમીન આપવાની જોગવાઈ છે. પરંપરાગત રીતે વનમાં રહેતા અન્ય લોકો જો વનમાં રહેતા હોય અને ત્રણ પેઢી (દરેક પેઢી દીઠ 25 વર્ષ ગણવાં અને તે રીતે પાછલાં 75 વર્ષ)થી જમીન પર ખેતી કરી ગુજરાન ચલાવતા હોય તો તે પણ આ કાયદા હેઠળ તેવી જમીન પરના તેમના હક કાયદેસર કરાવી શકે છે. શરત એટલી છે કે આદિવાસીઓ અને પરંપરાગત રીતે વનમાં રહેતી અન્ય વ્યક્તિઓ 13 ડિસેમ્બર 2005ની સ્થિતિએ આ રીતે વનમાં રહી ખેતી વગેરે કરતા હોવા જોઈએ અને 31 ડિસેમ્બર 2007ની સ્થિતિએ એવી જમીનનો કબજો તેમની પાસે હોવો જોઈએ. આ ઉપરાંત, આદિવાસીઓ અને પરંપરાગત રીતે વનમાં રહેતા અન્ય લોકોને સામુદાયિક ધોરણે જમીનો આપવાની સાથે વનસંપદાઓ પર વન્ય જીવો અને જૈવવિવિધતાને નુકસાન ન થાય તે રીતે સામુદાયિક અધિકારો આપવાની પણ જોગવાઈ કરાઈ છે.
કાયદામાં આદિવાસીઓને વનવિસ્તારમાં આવેલ તેમની જમીનોમાં ખેતી કરવાનો, પાકને પિયત આપવાની વ્યવસ્થા કરવાનો, વનમાં આવેલ તળાવ-નદીઓમાં જીવનનિર્વાહ માટે માછીમારી કરવાનો, પોતાનાં પશુઓને વનવિસ્તારમાં ચારવાનો, નાની વનપેદાશો એકઠી કરી તેને વેચવાનો વગેરે અધિકારો આપતી જોગવાઈ પણ કરવામાં આવી.
એ ઉપરાંત એવી પણ પણ જોગવાઈ કરવામાં આવી કે વન, વન્ય જીવો અને જૈવવિવિધતાના રક્ષણ અને જતન માટે ગ્રામસભાઓ સમિતિ નીમે અને તેવી સમિતિઓ વ્યક્તિગત અને સામુદાયિક અધિકાર અપાયેલી જમીનો પર આ જવાબદારી નિભાવે.
આ કાયદાએ દેશના આદિવાસીઓમાં ખાસા પ્રમાણમાં ઉત્સાહનો સંચાર કરેલો, કારણ કે આ કાયદાને કારણે કેટલાંય રાજ્યોના વનવિસ્તારોમાં રહેતા આદિવાસીઓ માટે તેમની પરંપરાગત જીવનશૈલી અને સરકારી કાયદાઓ વચ્ચે ચાલ્યા આવતા ઘર્ષણનો અંત આવશે તેવો આશાવાદ જનમ્યો હતો.
કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી, 2008ના રોજ આ કાયદાના નિયમો ઘડ્યા અને એ બાદ વિવિધ રાજ્ય સરકારોએ આ કાયદાનું અમલીકરણ ચાલુ કર્યું. પરંતુ, સુપ્રીમ કોર્ટમાં 2008થી ચાલી રહેલ એક જાહેર હિતની અરજીથી આદિવાસીઓમાં ઉચાટ છે. આ અરજી અંતિમ તબક્કાની સુનાવણી 2 એપ્રિલ, 2025ના રોજ થવાની હતી.
કેટલાક આદિવાસી આગેવાનો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસને પગલે ‘આદિવાસીઓના જંગલની જમીન અને સંસાધનો સંબંધિત અધિકારો પર તરાપ પડવાની’ ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે સામેની બાજુએ સરકાર આ આશંકાને રદિયો આપતાં પોતે ‘આદિવાસીઓને અધિકારો આપવાની તરફેણ’માં હોવાની વાત કરે છે.
આ દાવાની સામે વિપક્ષનો આરોપ છે કે ગુજરાતમાં રાજ્ય સરકારે આ કાયદાના અમલીકરણ માટે ‘દેખાડા પૂરતી કામગીરી’ કરી છે.
નોંધનીય છે કે રાજ્યની પૂર્વ પટ્ટીના 14 જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસીઓની વસ્તી છે.
ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 18 ટકા ક્ષેત્રમાં 89.17 લાખ આદિવાસીઓ રહે છે. આ સંખ્યા રાજ્યની કુલ વસ્તીના 14.75 ટકા જેટલી થાય.
સુપ્રીમ કોર્ટમાં આ કાયદાના અમલીકરણ સામે થઈ અરજી

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારે વન અધિકાર અધિનિયમના નિયમો જાહેર કર્યા એટલે વાઇલ્ડલાઇફ ફર્સ્ટ નામની એક પર્યાવરણવાદી સંસ્થાએ 2008માં સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી આ કાયદાની બંધારણીય માન્યતાને પડકારી અને દલીલ કરી કે આદિવાસીઓને જમીન અને અન્ય સંપદા પર અધિકાર આપવાથી દેશનાં વનો, વન્ય જીવો અને જૈવવિવિધતા પર અવળી અસર પડશે.
અન્ય કેટલીક સંસ્થાઓ અને ભારતીય વન સેવા (ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ)ના નિવૃત અધિકારીઓએ પણ અરજીઓ દાખલ કરી. સુપ્રીમ કોર્ટે આ બધી અરજીઓને એક સાથે સાંભળવાનો નિર્ણય કર્યો અને 2016માં રાજ્યો પાસેથી આદિવાસીઓએ જમીનો માટે કરેલ કુલ દાવાઓની સંખ્યા, તેમાંથી કેટલા મંજૂર અને કેટલા નામંજૂર થયા, એ વિશે માહિતી માંગી.
પરંતુ કર્ણાટક, કેરળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ, ઓડિશા અને તેલંગાણા રાજ્યોએ સોગંદનામા સ્વરૂપે આવી માહિતી સમયમર્યાદામાં પૂરી ન પાડતાં 2018માં સુપ્રીમ કોર્ટે આ રાજ્યોને 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો.
13 ફેબ્રુઆરી 2019ના રોજ સુપ્રીમ કોર્ટે જે આદિવાસીઓ અને પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોના જમીનોના દાવા અમાન્ય રહ્યા હોય તેમને વનવિસ્તારોમાંથી બહાર ખસેડવાનો હુકમ કર્યો.
આદિવાસી કલ્યાણ અને માનવાધિકારો માટે લડતી સંસ્થાઓ અને સમાજસેવકોએ આ મુદ્દે ભારે વિરોધ કર્યો હતો.
જોકે ત્યાર બાદ કોર્ટમાં દલીલ કરવામાં આવી કે દાવાઓ રદ કરવા માટે શું પ્રક્રિયા અનુસરાઈ હતી અને કાયદાની કઈ જોગવાઈ હેઠળ કયા અધિકારી આદિવાસી અને પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોને હાંકી કાઢવા સક્ષમ છે તે બાબતે સ્પષ્ટતા નથી. તેથી, સુપ્રીમ કોર્ટે 28 ફેબ્રુઆરી 2019ના રોજ જેના દાવા નામંજૂર થયા હોય તેવા આદિવાસી અને પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોને દૂર કરવાનો તેનો હુકમ સ્થગિત રાખ્યો.
આદિવાસી સમાજ અને સમાજસેવકોમાં ચિંતા કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે બહાર ખદેડવાના હુકમને સ્થગિત રાખ્યો હોવા છતાં આદિવાસી સમાજ અને આદિવાસીઓના અધિકારો માટે લડતા સમાજસેવકોમાં આ મુદ્દે ચિંતા છે.
તેમને ભય છે કે જો કોર્ટ વન અધિકાર કાનૂનને ગેરબંધારણીય જાહેર કરશે તો આદિવાસીઓની જમીનો ‘ઝૂંટવી’ લેવામાં આવશે અને તેમને જંગલ બહાર ‘હાંકી કાઢવામાં’ આવશે.
આદિવાસી મહાસભા, ગુજરાત નામના સંગઠનના મંત્રી ગોવાભાઈ રાઠોડે સુપ્રીમ કોર્ટમાં કરાયેલ અરજીઓ અને અરજદારોની મંશા સામે સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, “દુનિયાભરના રિપોર્ટ્સ કહે છે કે જ્યાં આદિવાસીઓ નથી રહ્યા ત્યાં જંગલ નથી રહ્યાં. તેનો સીધો મતલબ એ થયો કે આદિવાસીઓ જંગલનું મૅનેજમેન્ટ કરી શકે છે. તેમની સંસ્કૃતિ, તેમની જીવશૈલીના આધારે જ જંગલ ટકી રહ્યું છે અને એ જ કાનૂનમાં આવ્યું. 2005 પહેલાં જેને જંગલમાં દબાણકારો તરીકે જોવાતા હતા તેને અધિકારો આપવાની વાત આવી.”
કેમ્પેન ફૉર સર્વાઇવલ ઍન્ડ ડિગ્નિટી નામનું સંગઠન પણ આ બાબતે લડત આપી રહ્યું છે. 100થી પણ વધારે આદિવાસી સંસ્થાઓના આ સંગઠને 28 માર્ચ, 2025ના રોજ એક નિવેદન જાહેર કરી કેન્દ્ર અને રાજ્ય સરકારોને વન અધિકાર અધિનિયમની તરફેણમાં સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી તેમની બંધારણીય ફરજો નિભાવી આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવા વિનંતી કરી.
સંગઠને પોતાના નિવેદનમાં કહ્યું અને 2019ના હાંકી કાઢવાના હુકમનો હવાલો આપી ઉમેર્યું કે રદ થયેલા દાવા સામે અપીલની સુપ્રીમ કોર્ટે કરેલી ટકોરને સરકારે ગંભીરતાથી લીધી નથી.
“સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી બાદ લાખો લોકોને હાંકી કાઠવાનો ફરી હુકમ થઈ શકે છે. આ એવા લોકો છે જેમને તેમના હકોથી ગેરકાયેદેસર રીતે વંચિત રાખવામાં આવ્યા છે. અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વિનંતી કરીએ છીએ કે તેઓ ભારતના આદિવાસીઓ અને પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોના હકોનું રક્ષણ કરે અને આપણા દેશના સૌથી વધારે વંચિત વર્ગ સામે કોર્ટના હુકમો, આંતરિક ભાંગફોડો અને ખુલ્લી ગેરકાયેદેસરતાના ઉપયોગને રોકવાના પ્રયાસ કરે.”
રાજ્યમાં વિપક્ષનો આક્ષેપ છે કે સરકાર જંગલની જમીન અને સંસાધનો પર આદિવાસીઓને હક આપવા મામલે માત્ર દેખાડા પૂરતી કામગીરી કરે છે.
એસટી વર્ગ માટે અનામત નવસારી જિલ્લાની વાંસદા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતાં જણાવ્યું :
“જો આદિવાસીઓ બે એકર (2.47 એકરે એક હેક્ટર થાય) જમીનનો દાવો કરે, તો સરકાર બે ગુંઠા (40 ગુંઠા એટલે એક એકર) જમીન આપે છે. જો કોઈ સંસ્થા જમીન માંગે, તો તેને માટે મોટી જમીનો મંજૂર કરે છે; પરંતુ આદિવાસીવાળી ગ્રામપંચાયત દાવો કરે તો તેને નામંજૂર કરાય છે.”
“વળી, વિસ્તરતા પરિવારોના સભ્યોના દાવા પણ મંજૂર થતા નથી. હકીકતે, વનબંધુઓને અધિકાર આપતો આ કાયદો યુપીએ સરકારે ઘડેલ હોવાથી ભાજપની સરકારો તેનું અમલીકરણ કરી આદિવાસીઓને તેમના હકની જમીન આપવા માંગતી નથી.”
સરકારનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે સરકારની શિથિલતા અને કાયદાના અમલીકરણમાં અનિયમિતતાના દાવાને ફગાવી દીધા છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું :
“જેના દાવા શરૂઆતના તબક્કે નામંજૂર થયા છે તેવા એક પણ આદિવાસી કે વનવાસીને અમે આજ સુધી વનની બહાર કાઢી મૂક્યા નથી. નિયમ મુજબ એક પરિવારને જમીન મળવાપાત્ર હોય, તે પરિવારના પાંચ સભ્યો અલગઅલગ જમીનો પર દાવો કરે છે. તેને કારણે ઘણા કિસ્સામાં ઘાટ એવો થાય છે કે ઉપલબ્ધ જંગલની જમીન કરતાં દાવા દ્વારા મંગાવામાં આવેલી જમીનનું ક્ષેત્રફળ વધી જાય છે.”
“તેથી, અમે ગીર ફાઉન્ડેશનની કહ્યું છે કે ટેકનૉલૉજીની મદદથી આવા દાવાઓ કરાયા છે, તેમાં 2005 પહેલાં ખેતી થતી હતી કે નહીં તેની ચકાસણી કરવામાં અમને મદદ કરે. રહી વાત એક ગુંઠા કે બે ગુંઠા જમીન આપવાની તો હકીકત એ છે કે કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો વન વિસ્તારમાં કોઈનું મકાન હોય તો તે જે જમીન પર એ ઊભું છે તે જમીનના હક તેના માલિકને આપવા.”
“આવી જમીનોના ટુકડા સ્વાભાવિક રીતે નાના હોવાના અને તેથી એક કે બે ગુંઠા જમીન પરના હક મંજૂર કરાય છે. આ પ્રક્રિયા એકદમ પારદર્શક છે અને કાયદાનું પાલન બધાને કરવું પડે. અમે 1.03 લાખ આદિવાસીઓને અધિકારો આપ્યા છે અને બીજાને પણ આપવા માંગીએ છીએ.”
મંત્રીએ વિપક્ષ અને સામાજિક કાર્યકરોના આક્ષેપોનો જવાબ આપતાં કહ્યું હતું કે કાયદાના અમલીકરણ સામે પ્રશ્નો ઉઠાવનારા ધારાસભ્યો અને ચળવળકારો “અભ્યાસ નથી કરતા અને નિવેદનો આપે છે.”
ગુજરાતમાં કેટલા આદિવાસીઓને જંગલની જમીન પર અધિકાર મળ્યા?

કેન્દ્ર સરકારના આદિવાસી બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર ગુજરાતમાં 1,82,869 આદિવાસીઓ સહિત વનમાં રહેતા લોકોએ જમીનો પર વ્યક્તિગત માલિકીના દાવા રજૂ કર્યાં છે. તે જ રીતે 7,187 સમુદાયોએ જમીનો પર સામુદાયિક માલિકીના દાવા રજૂ કર્યા.
આમ, રાજ્યના આદિવાસીઓ, આદિમ જૂથો અને અન્ય પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોએ કુલ 1,90,056 દાવા રજૂ કર્યા. રાજ્ય સરકારે 31 જાન્યુઆરી, 2025 સુધીમાં તેમાંથી કુલ 1, 03,080 દાવા માન્ય રાખ્યા છે. મંજૂર રખાયેલા દાવામાં 98,289 વ્યક્તિગત દાવા અને 4,791 સામુદાયિક દાવાનો સમાવેશ થાય છે.
આમ, કુલ વ્યક્તિગત દાવામાંથી લગભગ 54% દાવા રાજ્ય સરકારે મંજૂર રાખ્યા છે અને તેની સનદો દાવા કરનાર અરજદારોને સોંપી દેવાઈ છે. તે જ રીતે કુલ સામુદાયિક દાવાઓમાંથી લગભગ 67% દાવા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે.
સત્તાવાર આંકડા અનુસાર હજુ સુધી કોઈ વ્યક્તિગત દાવાને નામંજૂર નથી કરાયો, તેથી 84,580 દાવાઓ પર અંતિમ નિર્ણય હજુ બાકી છે. જોકે, 2,332 જેટલા સામુદાયિક દાવા નામંજૂર કરી દેવાયા છે.
સરકારે વ્યક્તિગત દાવા મંજૂર કરી કુલ 67,789 હેક્ટર જમીન પર આદિવાસીઓની માલિકી મંજૂર કરી છે. તે જ રીતે 4,791 સામુદાયિક દાવા મંજૂર રાખી સરકારે 5,02,086 હેક્ટર જમીન પર આદિવાસીઓની સામુદાયિક માલિકી મંજૂર કરી છે.
આ રીતે કુલ 5,69,875 હેક્ટર જેટલા વનવિસ્તાર પર આદિવાસીઓ, આદિમ જૂથો અને અન્ય પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોની માલિકી હોવાનું મંજૂર રખાયું છે. આ વિસ્તાર સમગ્ર ભારતમાં ચોથો સૌથી મોટો છે.
“વળી, વિસ્તરતા પરિવારોના સભ્યોના દાવા પણ મંજૂર થતા નથી. હકીકતે, વનબંધુઓને અધિકાર આપતો આ કાયદો યુપીએ સરકારે ઘડેલ હોવાથી ભાજપની સરકારો તેનું અમલીકરણ કરી આદિવાસીઓને તેમના હકની જમીન આપવા માંગતી નથી.”
ભારતભરમાં કેટલા આદિવાસીઓને જમીન અધિકાર મળ્યા?

ગુજરાત સહિત કુલ 21 રાજ્યો (જેમાં જમ્મુ અને કાશ્મીરનો પણ સમાવેશ થાય છે) વન અધિકાર અધિનિયમનો અમલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર ફૉરેસ્ટની જમીન માટે કુલ 51 લાખ દાવા કરાયા હતા. તેમાં 49 લાખ વ્યક્તિગત દાવા અને બે લાખથી વધારે સામુદાયિક દાવાનો સમાવેશ થતો હતો.
31 જાન્યુઆરી, 2025ની સ્થિતિએ તેમાંથી 23.80 લાખ વ્યક્તિગત દાવા અને 1.17 લાખ સામુદાયિક દાવાઓ મંજૂર રાખવામાં આવ્યા છે. સૌથી વધારે દાવા છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં મંજૂર કરવામાં આવ્યા છે.
આ યાદીમાં ગુજરાતનો નંબર આઠમો આવે છે. દેશમાં કુલ મંજૂર થયેલ વ્યક્તિગત અને સામુદાયિક દાવામાંથી લગભગ ચાર ટકા દાવા ગુજરાતમાં મંજૂર થયા છે. જમીન પર માલિકી હક આપવાની બાબતમાં પણ છત્તીસગઢ (24.66 લાખ હેક્ટર) સૌથી આગળ છે અને ત્યાર પછી મહારાષ્ટ્ર (15.51 લાખ હેક્ટર) અને મધ્યપ્રદેશ (9.57 લાખ હેક્ટર)નો ક્રમ આવે છે. ગુજરાત આ યાદીમાં ચોથા ક્રમે છે.
ગુજરાતના આદિવાસીઓ અને તેના વિસ્તારો

ગુજરાતમાં મુખ્યતવે ‘પૂર્વ પટ્ટી’ તરીકે ઓળખાતા રાજ્યના પૂર્વ ભાગના 14 જિલ્લાઓમાં આદિવાસીઓ એટલે કે અનુસૂચિત જનજાતિના લોકો વસે છે. આ ભાગ ઉત્તરે રાજસ્થાન રાજ્યની સરહદથી ચાલુ કરીને મધ્યમાં મધ્યપ્રદેશ રાજ્યને અડકીને દક્ષિણે મહારાષ્ટ્ર સરહદે પૂરો થાય છે.
તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તાર ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 18 ટકા જેટલો થાય છે અને તેમાં 5,884 ગામો આવેલાં છે.
રાજ્ય સરકારના આંકડા અનુસાર રાજ્યમાં આદિવાસીઓની વસ્તી 89.17 લાખ છે જે રાજ્યની કુલ વસ્તીના 14.75 ટકા થાય અને ભારતની આદિવાસીઓની કુલ વસ્તીના 8.1 ટકા થાય.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આદિવાસીઓની 26 જાતિના લોકો વસવાટ કરે છે. તેમાં ભીલ, હળપતિ, ઘોડિયા, રાઠવા, નાયકડા, ગામિત, કોંકણા, ચૌધરી, વારલી, ધાણકા અને પટેલિયા તરીકે ઓળખાતી અગિયાર જાતિ મુખ્ય છે. તેમાં પણ ભીલ જાતિની વસ્તી સૌથી વધુ, આશરે 47.89 ટકા છે.
રાજ્યમાં પાંચ ‘પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રૂપ’ના લોકો પણ વસે છે. આ જૂથના લોકો કોટવાળિયા, કોલઘા, કાથોડી, સિદ્દી અને પઢાર નામે ઓળખાય છે.
આ ઉપરાંત, સૌરાષ્ટ્ર પ્રાંતમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ફેલાયેલ ગીર જંગલમાં વસતા અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા કેટલાક માલધારી સમાજના લોકોને પણ રાજ્ય સરકારે આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલા છે. જૂનાગઢ નજીક આવેલ પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ફેલાયેલા બરડા અને આલેચના વનવિસ્તારમાં રહેતા માલધારીઓ તેમને આદિવાસી અને પરંપરાગત રીતે વનમાં વસતા લોકો તરીકે ઓળખવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS