Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી, કયા જિલ્લામાં માવઠું થશે?

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી, કયા જિલ્લામાં માવઠું થશે?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ અમદાવાદ સાઈક્લોન તાપમાન ગરમી

ઇમેજ સ્રોત, Getty Images

5 મે 2025, 11:43 IST

અપડેટેડ 2 કલાક પહેલા

ગુજરાતમાં ભરઉનાળામાં ગરમીથી રાહત મળી છે અને કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે. ગયા અઠવાડિયાના અંતભાગમાં બદલાયેલું વાતાવરણ સોમવારે પણ યથાવત્ રહેવા પામ્યું હતું.

ગુજરાતના હવામાનમાં પલટો આવ્યા પછી સોમવારે સાંજે રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ, ધૂળની ડમરીઓ અને પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.

સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા.

હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે ગુજરાતના દરિયાકિનારે અપર ઍર સાઇક્લૉનિક સર્ક્યુલેશન રચાયું છે, જે સમુદ્રની સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ છે.

શુક્રવાર સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે.

રાજ્યમાં બપોર પછી હવામાન પલટાયું

ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ધૂળની ડમરીઓ, કરા પડવા, હવામાન ખાતા દ્વારા આગાહી, ઊભા પાક અને ખેત જણસીને નુકસાન, બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Bipin Tankariya

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ તથા કરા પડવાની ઘટનાઓ નોંધાઈ છે.

ભાવનગરસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભી જણાવે છે કે ભારે વરસાદ અને પવન સાથે પવન ફૂંકાયો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ભાવનગરમાં એસપી ઑફિસ સહિત કેટલાંક સ્થળોએ ઝાડ પડ્યાં હતાં, પરંતુ તેનાથી ઈજાની કોઈ પ્રાથમિક માહિતી નથી.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાને કારણે લાઇટનો એક ટાવર ધરાશાયી થઈ ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ સિવાય કિલોમીટરનું સાઇનબોર્ડ પણ ધરાશાયી થયું હતું. એ સમયે ત્યાંથી એક રીક્ષા પસાર થઈ રહી હતી, પરંતુ થોડા અંતરથી તેનો આબાદ બચાવ થયો હતો.

સુરેન્દ્રનગરસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા જણાવે છે કે સુરેન્દ્રનગર, ચોટિલા, ચુડા, સાયલા અને લીંબડીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઝાડ અને હોર્ડિંગ પડવાથી જિલ્લામાં કેટલાક વટેમાર્ગુઓને ઈજા પહોંચી છે.

પીઠવા જણાવે છે કે આ વરસાદને કારણે તલ અને અજમા સહિતના પાકોને નુકસાન થવાની શક્યતા છે.

રાજકોટથી બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા જણાવે છે કે શહેરમાં બપોરના ભાગે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો.

ખેડાથી બીબીસી ગુજરાતીના સહયોગી નચિકેત મહેતા જણાવે છે કે નડિયાદ શહેરમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. નડિયાદમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

બનાસકાંઠાથી બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર દિયોદર અને ભાભર ઉપરાંત સરહદી વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હોવાનું જણાવે છે.

પંચમહાલથી બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા તથા મોરવા હડફમાં સોમવારે સાંજે વાતાવરણે પલટો લીધો હતો.

અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ધોળકા-ધંધુકામાં કાળા ડિબાંગ વાદળ સાથે કરા પડ્યા હતા. જિલ્લામાં વીજળી પડવાથી એક ખેડૂતનું મૃત્યુ પણ નોંધાયું છે.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ અમદાવાદ સાઈક્લોન તાપમાન ગરમી

ઇમેજ સ્રોત, IMD

પાંચ મે, સોમવારથી 6 મે મંગળવાર સુધીના હવામાનના વર્તારા પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

છ મેથી સાત મેની હવામાનની આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લા – સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS