Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ANI
અપડેટેડ 2 કલાક પહેલા
ભારત સરકારના ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સાતમી મેએ મૉક ડ્રિલ કરવાના નિર્દેશ આપ્યા છે. પહલગામમાં થયેલા હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધતા તણાવ વચ્ચે આ મહત્ત્વનું પગલું ગણાય છે.
બીબીસી પાસે ગૃહ મંત્રાલયે જનરલ ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ ઍન્ડ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ ડાયરેક્ટોરેટ જનરલને પાંચમી મેએ મોકલાયેલા નિર્દેશની નકલ છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવને આ નિર્દેશ મોકલવામાં આવ્યા છે.
તેમાં સરકારે દેશભરમાં 244 લિસ્ટેડ સિવિલ ડિફેન્સ જિલ્લામાં સિવિલ ડિફેન્સના અભ્યાસ અને રિહર્સલ માટે નિર્દેશ આપ્યા છે.
સિવિલ ડિફેન્સના કાયદા પ્રમાણે ગૃહ મંત્રાલય પાસે રાજ્યોને ચોક્કસ પ્રકારની મૉક ડ્રિલ માટે નિર્દેશ આપવાના અધિકાર હોય છે.
ગુજરાતમાં મૉક ડ્રિલની શું તૈયારી છે, ક્યાં-ક્યાં થશે?
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને મૉક ડ્રિલ અંગે તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ બેઠક બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીતમાં સામાન્ય નાગરિકોએ શું કરવું એ બાબતે માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, સામાન્ય નાગરિકોએ સતર્કતા સાથે બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ જેમાં વૉર્નિંગ સિગ્નલ જે સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન હોય છે. અને બીજો ઑલ ક્લિયર સિગ્નલ જે ટૂંકો અને સ્થિર સાયરન હોય છે જે ખતરો પસાર થવાનો સંકેત આપે છે.
હર્ષ સંઘવીએ આપેલી માહિતી અનુસાર નાગરિકોએ આ બાબતો સમજવી જોઈએ :
- ઇમરજન્સી પરિસ્થિતિમાં પ્રતિભાવ આપતા નાગરિકોએ બહારની પ્રવૃત્તિઓ બંધ કરીને વૃદ્ધો, બાળકો અને વિકલાંગ નાગરિકોની મદદ કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
- ગુજરાતમાં સાતમી મેના દિવસે કેટલાક જિલ્લાઓમાં સાંજે સાડા સાતથી સાડા આઠ સુધી બ્લૅકઆઉટ રાખવામાં આવશે. આ બ્લૅક આઉટમાં ઘરો, ઑફિસો અને વાહનોમાં લાઇટો બંધ કરવાની અથવા ઢાંકવાની રહેશે. પ્રકાશનો લીકેજ અટકાવવા માટે બ્લૅકઆઉટ પડદા અખવા ભારે કાપડ વાપરવાનો હોય છે. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લૅશ લાઇટનો ઉપયોગ કરવો નહીં.
- સિવિલ સિક્યૉરિટી અધિકારીઓની સૂચનાઓ અને જાહેરાતોનું પાલન કરવું. અફવાઓ ફેલાવવી નહીં. પ્રક્રિયાથી અજાણ લોકો અને પાડોશીઓની મદદ કરી
હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ મૉક ડ્રિલ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે થશે એટલે કોઈ ભય રાખવાની જરૂર નથી.
ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચિમ (ભુજ, નલીયા), પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, નવસારી, નર્મદા, ડાંગ અને મોરબીમાં મૉકડ્રિલ હાથ ધરવામાં આવશે.
મૉક ડ્રિલમાં શું શું કરવામાં આવશે?

ઇમેજ સ્રોત, ani
સામાન્ય રીતે મૉક ડ્રિલમાં એ જોવામાં આવે છે કે ઇમરજન્સીની સ્થિતિમાં લોકો કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. તેના માટે ચુનંદા લોકો અને વૉલન્ટિયર્સને તાલીમ અપાય છે.
સામાન્ય રીતે કોઈ પણ હુમલો, દુર્ઘટના અથવા આગજની જેવી ઇમરજન્સીની સ્થિતિ માટે કેવી તૈયારી છે તે જાણવા માટે મૉક ડ્રિલ કરવામાં આવે છે.
ગૃહ મંત્રાલયના પત્ર પ્રમાણે 7 મેની મૉક ડ્રિલ શહેરથી લઈને ગ્રામીણ સ્તરે હશે.
આ મૉક ડ્રિલમાં અનેક પ્રકારના અભ્યાસ કરાવવામાં આવશે. તેમાં હવાઈ હુમલાની ચેતવણી કેટલી સાચી છે તે જાણવું, કન્ટ્રોલ રૂમના કામકાજને જોવું, સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને હુમલા દરમિયાન કામની તાલીમ આપવી વગેરે સામેલ છે.
આ દરમિયાન લોકોને કેટલાક સમય માટે ઘર અથવા સંસ્થાની તમામ લાઇટ સંપૂર્ણ બંધ રાખવાના નિર્દેશ આપી શકાય છે.
આ મૉક ડ્રિલમાં એ પણ જોવામાં આવે છે કે લાઇટ સાવ બંધ થઈ જાય તો તેવી સ્થિતિમાં શું કરી શકાય છે.
આ ઉપરાંત ઇમરજન્સીની સ્થિતિમાં સિવિલ ડિફેન્સની પ્રતિક્રિયા, કોઈ ખાસ જગ્યાએથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની તાલીમ વગેરે સામેલ હોય છે.
આ નિર્દેશ પ્રમાણે મૉક ડ્રિલમાં ડિસ્ટ્રિક્ટ કન્ટ્રોલર, જિલ્લાના જુદા-જુદા અધિકારી, સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ, હોમગાર્ડ, એનસીસી, રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ)ના વૉલન્ટિયર્સ, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓની ભાગીદારીની આશા વ્યક્ત કરવામાં આવે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ

ઇમેજ સ્રોત, Getty Images
પહલગામ હુમલામાં 26 લોકોનાં મોત પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન બંને દેશના નેતાઓ સતત નિવેદન આપી રહ્યા છે.
રક્ષામંત્રી રાજનાથસિંહે રવિવાર સાંજે કહ્યું કે તેઓ સેનાની સાથે મળીને દેશ પર આંખ ઉઠાવનારા લોકોને જડબાતોડ જવાબ આપે તે જોવું તેમની જવાબદારી છે.
તેમની સાથે રક્ષામંત્રીએ કોઈ પણ સંકેત આપ્યા વગર એક કાર્યક્રમમાં દર્શકોને જણાવ્યું કે “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમે જે ઇચ્છો છો, એવું થશે.”
દિલ્હીમાં રવિવારે સાંજે સનાતન સંસ્કૃતિ જાગરણ મહોત્સવ દરમિયાન રાજનાથસિંહે ભાષણ આપ્યું હતું. તેમાં તેમણે પાકિસ્તાન કે પહલગામ હુમલાનો કોઈ ઉલ્લેખ કર્યા વગર ઈશારામાં જ વાત કરી હતી.
પાકિસ્તાનના રક્ષામંત્રી સહિત ઘણા નેતાઓ ભારત તરફથી સૈન્યકાર્યવાહીની આશંકા વ્યક્ત કરે છે. ભારતમાં પણ ઘણાં એવાં નિવેદન આવ્યાં છે જેમાં પાકિસ્તાન સામે સખત કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.
ગયા અઠવાડિયે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક ખાનગી સમાચાર ચૅનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, “ભારત પાકિસ્તાનને મળતું પાણી અટકાવે અથવા તેની દિશા બદલવા માટે કોઈ માળખું બનાવશે તો તેને નષ્ટ કરવામાં આવશે.”
આ ઉપરાંત પાકિસ્તાને પણ કાશ્મીરમાં એલઓસી નજીકના વિસ્તારમાં ઘણી મદરેસાઓ ખાલી કરાવી છે.
અત્યાર સુધીમાં ભારતે કેવાં પગલાં લીધાં?

ઇમેજ સ્રોત, ani
પહલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલામાં 26 લોકોનાં મોત પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.
પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા નિર્ણયો લીધા છે. સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી છે તથા ભારતે પાકિસ્તાનમાંથી સામાનની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.
ડાયરેક્ટરેટ જનરલ ઑફ શિપિંગે આદેશ આપ્યો છે કે પાકિસ્તાનનાં જહાજોને ભારતીય બંદરો પર પ્રવેશ નહીં મળે.
ડાયરેક્ટરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (ડીજીએફટી)એ બીજી મેએ એક નોટિફિકેશનમાં જણાવ્યું કે, “પાકિસ્તાનથી તમામ પ્રકારના પ્રત્યક્ષ, પરોક્ષ આયાત પર આગામી આદેશ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”
પાકિસ્તાને પણ ભારત સામે કેટલાંક પગલાં જાહેર કર્યાં છે. જેમ કે, પાકિસ્તાને ભારતની તમામ ઍરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે.
આ ઉપરાંત વાઘા સરહદને પણ બંધ કરવામાં આવી છે.
પાકિસ્તાને શીખ યાત્રાળુઓને બાદ કરીને સાર્ક વિઝામુક્તિ કાર્યક્રમ હેઠળ તમામ ભારતીય નાગરિકોને અપાયેલા બધા વિઝા રદ કરી દીધા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS