Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
2 કલાક પહેલા
ગુજરાત સહિત દેશભરમાં હાલમાં તાપમાન ધીમેધીમે ઘટી રહ્યું છે. અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે.
હવામાનમાં આવેલો આ ફેરફાર આવનારા અઠવાડિયામાં પણ યથાવત રહે તેવી સંભાવના છે.
કારણ કે હવામાન વિભાગે જાહેર કરેલી નવી આગાહી અનુસાર આગામી 9મી મે સુધી દેશના અલગ-અલગ રાજ્યોમાં વરસાદ, આંધી-તોફાનની પ્રબળ સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં તેલંગાણામાં 70-100 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને તોફાન જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
એ સિવાય દક્ષિણના મોટાભાગના રાજ્યોથી લઈને છેક દિલ્હી અને ચંડીગઢ સુધી છૂટોછવાયો વરસાદ, તો ક્યાંક 40થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.
ઉત્તરાખંડ, કર્ણાટક અને કેરળમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તથા તાપમાનમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડશે અને ક્યાં આંધી-તોફાન આવશે એ જાણીએ આ અહેવાલમાં.
ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદ-આંધીની આગાહી

ઇમેજ સ્રોત, IMD
4મે સુધી બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં તથા 6ઠ્ઠીમે સુધી મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં વીજળી પડવાની તથા 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
એ સિવાય આજથી 9મે સુધી જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તર પ્રદેશ, અને પશ્ચિમ દિશામાં રાજસ્થાન સુધીના રાજ્યોમાં પણ વીજળી સાથે 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની તથા રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
પાંચ અને છમેના રોજ ગુજરાતમાં અને સાતમી મેના રોજ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં કરા પડવાની સંભાવના છે.
છઠ્ઠી અને સાતમી મેના રોજ ગુજરાતમાં 50-60 કિમીની ઝડપે આંધી અને તોફાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ત્રીજીથી પાંચમી મે સુધી રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ધૂળભરી આંધીની સંભાવના છે. રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ 6-7મેના રોજ ભારે વરસાદની પણ શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, સાતમી અને આઠમી મેના રોજ ગુજરાતમાં છૂટોછવાયો પરંતુ ભારે વરસાદ પણ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાને પશ્ચિમ ભારત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ, ગુજરાતમાં આગામી નવ મે સુધી શુષ્ક હવામાન અને કેટલાક સ્થળોએ છૂટાછવાયો વરસાદ પડી શકે છે.
આગાહી અનુસાર શનિવારે એટલે કે 3 મેના રોજ સમગ્ર રાજ્યમાં મોટા ભાગે શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાંની આગાહી છે.
આ સિવાય વાત કરીએ તો 4 મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી છે.
ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ સહિત કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાંની આગાહી છે.
આગાહી અનુસાર આગામી 6થી 9 મે સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે.
આગામી નવ મે સુધી જુદા-જુદા જિલ્લાઓમાં 30થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે.
માવઠાંથી ખેડૂતો સાવધાન

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખેડૂતો શિયાળુ પાક ઉતારી રહ્યા છે, જે માર્કેટિંગ યાર્ડમાં વેચાઈ રહ્યો છે.
ત્યારે માવઠાંની આગાહીને પગલે ખેડૂતો તેમનું ઉત્પાદન પલળી ન જાય તે માટે વિશેષ કાળજી રાખી રહ્યા છે.
આ સિવાય માર્કેટિંગ યાર્ડો દ્વારા પણ માલ વેચવા આવવા માગતા ખેડૂતોને ઑનલાઇન બુકિંગ કરીને જ આવવા માટે જણાવવામાં આવ્યું છે.
આ સિવાય યાર્ડમાં પણ ખેતઉત્પાદન બગડે નહીં, તે માટે માર્કેટિંગ યાર્ડો દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS