Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં ફરી પલટાશે હવામાન, ભરઉનાળે હવે ક્યાં પડશે વરસાદ?

ગુજરાતમાં ફરી પલટાશે હવામાન, ભરઉનાળે હવે ક્યાં પડશે વરસાદ?

2
0

Source : BBC NEWS

ગુજરાત, હવામાન, વરસાદ, ઉનાળો, માવઠું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

4 કલાક પહેલા

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે અને અમુક જિલ્લાઓમાં તો હીટવેવની પરિસ્થિતિ છે.

અનેક જિલ્લાઓમાં તાપમાન 43 ડિગ્રીને પાર ચાલ્યું ગયું છે.

પરંતુ આ જ અઠવાડિયાના અંતે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં આગામી બીજી મે સુધી વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા નથી અને રાજ્યમાં સૂકું હવામાન રહેશે.

પરંતુ ત્યારબાદ વાતાવરણમાં પલટો આવશે અને ત્રીજી મેથી સાતમી મે સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે એવી આગાહી હવામાન વિભાગે કરી છે.

ભરઉનાળે કેમ પડશે વરસાદ?

ગુજરાત, હવામાન, વરસાદ, ઉનાળો, માવઠું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, IMD

ભારતીય હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે અને ટર્ફ લાઇન કેરળ સુધી વિસ્તરેલી છે.

આ સિવાય ઉત્તર બાંગ્લાદેશ તરફ પણ એક સાયક્લૉનિક સર્કયુલેશન સર્જાયેલું છે.

આવી પરિસ્થિતિને કારણે પૂર્વ અને મધ્ય ભારતમાં 4થી મે સુધી વાદળોની ગર્જના, કરાં પડવા, વીજળી પડવી, તથા ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.

એ સિવાય ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ પહેલી મેથી 5મે સુધી ધૂળભરી આંધી તથા ભારે પવન સાથે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

આ પરિસ્થિતિની અસર ગુજરાતમાં પણ વર્તાશે અને ત્રીજી મેથી જ રાજ્યમાં તેની અસર જોવા મળશે. જેના કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળશે તેવી સ્થિતિ છે.

ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ?

ગુજરાત, હવામાન, વરસાદ, ઉનાળો, માવઠું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં 3મેથી વરસાદની સંભાવના છે.

3મે ના રોજ ઉત્તર ગુજરાતમાં હવામાન પલટાશે અને તેની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે.

ત્રીજી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

4થી મેના રોજ બનાસરકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદથી લઈને છેક દક્ષિણ ગુજરાતમાં ડાંગ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ ચોથી તારીખે વરસાદ પડી શકે છે.

પાંચમી તારીખે પણ કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના પટ્ટામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર, ગીર-સોમનાથમાં પણ આવી જ આગાહી છે. પરંતુ મધ્ય ગુજરાતમાં અમદાવાદથી લઈને પશ્ચિમકાંઠે દ્વારકા સુધી સૂકું હવામાન રહેશે.

6ઠ્ઠી મેના રોજ પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠાથી લઈને દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ સુધી તમામ જિલ્લાઓમાં આ દિવસે વરસાદની આગાહી છે.

આ દિવસોમાં આ જિલ્લાઓમાં 30થી 40ની ગતિએ પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી છે.

ગુજરાતમાં આ વખતે પણ ઉનાળાની શરૂઆતે વરસાદ પડી ચૂક્યો છે જેનાથી ખેડૂતોને નુકસાન થયું છે.

એવામાં ફરીવાર વરસાદની સંભાવનાને કારણે તેમને વધુ નુકસાનની ભીતિ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS