Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 30 માર્ચ 2026, 11:10 IST
વાંચવાનો સમય: 3 મિનિટ
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સાથે સાથે કચ્છમાં પણ મહત્તમ તાપમાન ઘટ્યું છે. ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના ભાગોમાં લઘુતમ તાપમાનમાં વધારો થયો છે.
હવામાન વિભાગે શું આગાહી કરી?
ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન બદલાયું છે અને તેની અસર આગામી ત્રણ દિવસ સુધી જોવા મળશે.
ઉત્તર ઈરાન અને નજીકના કાસ્પિયન સમુદ્ર પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જેનાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પેદા થયું છે. સમુદ્રની સપાટીથી તે 3.1 કિલોમીટરની ઊંચાઈ પર છે.
ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને પડોશના વિસ્તારમાં એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે.
બીજી એપ્રિલ, 2026થી ઉત્તરપશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પેદા થઈ શકે એવું હવામાન વિભાગની આગાહી કહે છે.
ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે?
ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના ડેટા પ્રમાણે આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ક્રમિક ઘટાડો થવાની શક્યતા છે. જ્યારે આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે.
30 માર્ચ, સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર તથા કચ્છ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી છે.
ત્યાર પછી બીજી એપ્રિલે પણ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
આ સાથે દમણ, દાદરા નગરહવેલી અને કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાં વરસાદી ઝાપટાં પડી શકે છે અને પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
ત્રીજી એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં અમુક સ્થળે ઝાપટાં પડી શકે છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સોમવારે (30 માર્ચ) મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે લઘુતમ તાપમાન ઘટીને 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.
વરસાદ અને હિમવર્ષાની પણ આગાહી
ઇમેજ સ્રોત, IMD
ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધી કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે, પરંતુ દેશના અમુક ભાગોમાં વરસાદ અને હિમવર્ષાને લઈને ઍલર્ટ આપવામાં આવ્યું છે.
ખાસ કરીને દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કાશ્મીરમાં બરફવર્ષા થઈ શકે છે.
સમાચાર સંસ્થા એએનઆઈને ટાંકીને લાઇવ મિન્ટનો અહેવાલ જણાવે છે કે દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન માટે વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થવાની આગાહી છે.
ઉનાળાની ઋતુ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડવાનો છે, જેના માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે એવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
સોમવારે દિલ્હીમાં યલો ઍલર્ટ છે અને બપોર પછી તથા સાંજે હળવો વરસાદ પડી શકે છે. તેની સાથે ઝડપી પવન પણ ફૂંકાશે.
પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 31 માર્ચ સુધી 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાઈ શકે છે. કાશ્મીર ખીણમાં સોમવારે હિમવર્ષાની આગાહી છે.
આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં સોમવારથી લઈને બુધવાર સુધી વરસાદ પડી શકે. નાગાલૅન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં સોમવારે વરસાદની આગાહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



