Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અમદાવાદ, મહેસાણા અને સુરત સહિત અલગ-અલગ શહેરોમાં રેડ દરમિયાન એનાલૉગ પનીરનો જથ્થો પકડાયો હતો. એ પછી ગુજરાત સરકારે દરેક રેસ્ટોરાં તથા ફૂડ જોઈન્ટને આદેશ કર્યો છે કે, ત્યાં વપરાતા પનીર વિશે ગ્રાહકને ફરજિયાતપણે માહિતી આપવામાં આવે.
પનીરના નામે ઊતરતી ગુણવત્તાવાળું પનીર વાપરનારા રેસ્ટોરાં માલિકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પનીર તથા એનાલૉગ પનીર કેવી રીતે અલગ છે, તે શરીર ઉપર કેવી રીતે અસર કરે છે તથા તે શરીરના કયા-કયા અંગોને કેવી રીતે નુકસાન કરી શકે છે, તેના વિશે જાણીએ.
શું છે પનીરનો વિવાદ?
ઇમેજ સ્રોત, Bhargav Parikh/BBC
વર્ષ 2023-24 દરમિયાન યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા હતા, ત્યારે ગુજરાતના તત્કાલીન ફૂડ ઍન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયાએ આના પર તપાસ કરતાં એવું કારણ જાણવા મળ્યું હતું કે કેટલાક રેસ્ટોરાં તથા કેટરર્સવાળા વધુ નફો મેળવવા માટે સસ્તું પનીર વાપરે છે.
કેટલાક દ્વારા મિલ્ક પનીરના બદલે એનાલૉગ પનીર વાપરવામાં આવતું હતું, તો કેટલાક દ્વારા નકલી પનીરની વાનગીઓ વેચવામાં આવતી હતી. આથી, ઉત્પાદકે પનીરના પેકેટ ઉપર ‘મિલ્ક પનીર’ તથા ‘એનાલૉગ પનીર’ એવી સ્પષ્ટતા કરવી તેવો નિર્દેશ આપતો પરિપત્ર કાઢવામાં આવ્યો હતો.
એચ.જી. કોશિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુનું વધતું પ્રમાણ જોઈને અમે ગુજરાતમાં સંખ્યાબંધ રેસ્ટોરાં, કેટરર્સ તથા ફૂડ ઑપરેટર્સને ત્યાં દરોડા પાડ્યા હતા અને તેમને ત્યાં વપરાતી ખાદ્યસામગ્રી ચકાસી હતી.”
“જેમાં અમને ત્રીસેક ટકા સ્થળોએ નકલી તથા આરોગ્ય માટે હાનિકારક પનીર વપરાતું હોવાનું જાણવા મળ્યું હતું. જેમની પાસેથી ગુણવત્તા વગરનું નકલી પનીર મળ્યું હતું, તેમની તપાસ કરતાં માહિતી મળી હતી કે વધુ નફો કમાવવા કેટલાક લેભાગુ લોકો સિન્થેટિક પનીર બનાવતા હતા, જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.”
એચ.જી. કોશિયા ફૂડ ઍન્ડ ડ્રગ્સ કમિશનર હતા, ત્યારે જ પનીર તથા એનાલૉગ પનીર વિશે ગ્રાહકોને માહિતી મળે, તે માટેનો પરિપત્ર વિભાગ દ્વારા કાઢવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા તેઓ કહે છે:
“પનીર તથા એનાલૉગ પનીરમાં ખાસ્સો તફાવત છે. પનીર દૂધમાંથી બને છે તથા તેમાં બહારથી ફેટ ઉમેરવામાં આવતી નથી. લગભગ 5 લિટર દૂધમાંથી 1 કિલો પનીર બને છે. જેમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે.”
“જ્યારે એનાલૉગ પનીર બનાવવા માટે દૂધમાંથી ફેટ કાઢી લેવામાં આવે તથા વનસ્પતિ તેલની ફેટ ઉમેરવામાં આવે છે. આ પનીર ખાવાલાયક હોય છે, પરંતુ તે અસલી પનીર નથી.”
એચ.જી. કોશિયા આ માટે ‘આઈસક્રીમ’ તથા ‘ફ્રોઝન ડેઝર્ટ’નું ઉદાહરણ આપતા બંને પ્રકારના પનીર વચ્ચેનો તફાવત સમજાવે છે. તેઓ કહે છે, “આઈસક્રીમમાં દૂધની ફેટ કાઢીને વનસ્પતિની ફેટ ઉમેરવામાં આવે, તો તેની ઉપર ‘ફ્રોઝન ડેઝર્ટ’ લખવું ફરજિયાત છે. એમ એનાલૉગ પનીર પર ‘ડેરી એનાલૉગ પનીર’ લખવું એવો ફરજિયાત આદેશ કર્યો હતો. આ સિવાય નકલી પનીર વેચનાર સામે દંડ અને જેલની સજા સુધીની જોગવાઈ કરી હતી.”
લોકો શા માટે એનાલૉગ પનીર ખાય છે?
ઇમેજ સ્રોત, Dr Atul Soni
અમદાવાદમાં ફૂડ ટેસ્ટિંગ માટેની પબ્લિક હેલ્થ લેબોરેટરીના ભૂતપૂર્વ ઇન્ચાર્જ ડૉ. અતુલ સોનીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું, “એનાલૉગ તથા મિલ્ક પનીરમાં ઘણો તફાવત છે, કેલરી કોન્શિયસ લોકો એનાલૉગ પનીરનો ઉપયોગ કરે છે, તે મિલ્ક પનીર કરતાં સસ્તું હોય છે. અમદાવાદમાં 15 હજાર કરતાં વધુ ફૂડ બિઝનેસ ઑપરેટર છે. આ સિવાય લારીવાળા અને ફૂડ જોઈન્ટ અલગ છે.”
“એમના ઉપર દરોડા પાડ્યા, ત્યારે લગભગ 35 ટકા પનીરના સેમ્પલમાં મિલ્ક કે એનાલૉગ પનીર નહીં, પરંતુ સિન્થેટિક પનીર જોવા મળ્યું હતું. આ પનીરમાં જરા પણ દૂધ નથી હોતું. કેટલાકમાં યુરિયા, ડિટર્જન્ટ પાવડર, કોસ્ટિક સોડા કે સસ્તું વનસ્પતિ તેલ હતું.”
ડૉ. અતુલ સોની ઉમેરે છે, “આવું પનીર ચાવવામાં સોફ્ટ નથી હોતું. એનાથી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા તો રહે જ છે, સાથે જ તે શરીરના વાઈટલ ઓર્ગન્સને ડેમેજ કરી શકે છે. આવું પનીર મોટા ભાગે પેકિંગમાં નથી હોતું અને લૂઝ વેચાય છે. પનીરની સાથે મસાલા નાખવાને કારણે લોકો તેનો સ્વાદ પારખી નથી શકતા.”
શું કહે છે તબીબો?
ઇમેજ સ્રોત, Dr Tejas Patel
હૃદયરોગના નિષ્ણાત ડૉ. તેજસ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “એનાલૉગ પનીરમાં મિલ્કફેટ કાઢીને વનસ્પતિની ફેટ ઉમેરવામાં આવે છે. તેમાં રહેલા પદાર્થોથી લોહી જાડું થાય છે, જેથી લાંબા ગાળે હૃદયને લોહી પહોંચાડતી કોરોનરી આર્ટરી બ્લોક થઈ જાય છે. એટલે એનાલૉગ પનીરથી દૂર રહેવું જોઈએ.”
ફિઝિશિયન ડૉ. રાજેશ શાહ કહે છે, “એનાલૉગ પનીરથી વાનગીમાં સ્વાદ મેળવવા માટે લોકો સોડિયમનો ઉપયોગ કરે છે, એટલે બ્લડપ્રેશરની બીમારી વધે છે.”
તેઓ કહે છે કે, “ઘણા લોકો ઓછી કેલરી હોવાથી એનાલૉગ પનીર વધુ ખાય છે, પરંતુ તેના કારણે હૃદયરોગની સમસ્યા વધે છે. અમારી પાસે નકલી પનીર ખાવાથી વાઈટલ ઓર્ગન્સને નુકસાન થયું હોય તેવા કેસ પણ આવ્યા છે.”
શું કહે છે સરકાર?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS


