Source : BBC NEWS
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
-
22 ડિસેમ્બર 2024, 17:23 IST
અપડેટેડ એક કલાક પહેલા
ગુજરાતમાં તાજેતરમાં મોટા પ્રમાણમાં ચોમાસું ડુંગળીની આવક થતાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયા સંદર્ભની ફરિયાદ ઊઠી રહી છે.
એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો ભાવઘટાડાને કાબૂમાં કરવા માટેનાં પગલાં નહીં લેવાય તો ડુંગળીના ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે.
આ બાબતે ખેડૂત આગેવાનો અને રાજકારણી પણ ‘ખેડૂતોને નુકસાન ન થાય’ એ સુનિશ્ચિત કરવા સરકારને રજૂઆત કરી છે.
ખેડૂત આગેવાનો અને રાજકારણી દ્વારા ડુંગળીની નિકાસ પર વસૂલાતા નિકાસકરને નાબૂદ કરવાની માગ કરાઈ છે.
નોંધનીય છે કે હાલ ડુંગળીની નિકાસ પર 20 ટકા નિકાસકર વસૂલાય છે.
દાવો છે કે આ વર્ષે સર્જાયેલી સ્થિતિને કારણે ડુંગળીના ખેડૂતોને ભારે આર્થિક ખોટ વેઠવી પડી રહી છે.
ડુંગળીના ઓછા ભાવ, ભારે આવકની આ સ્થિતિ તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ડુંગળીની સારી માગ જેવાં પરિબળોને ટાંકીને ખેડૂતો માટે વધુ મુશ્કેલી ન સર્જાય એવો નિર્ણય લેવાની માગ ઊઠી રહી છે.
કેન્દ્ર સરકારને પત્રો અને રજૂઆત થકી કરાઈ માગણી
રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે ઍગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી (એપીએમસી)ના યાર્ડમાં આજકાલ ભારે પ્રમાણમાં ચોમાસું ડુંગળી પહોંચી રહી છે.
આવી જ એક ભાવનગર જિલ્લાની મહુવા તાલુકામાં આવેલી એપીએમસીના પ્રમુખ ગભરુભાઈ કામલિયાએ કેન્દ્ર સરકારને આ પરિસ્થિતિમાં ‘ખેડૂતોને નુકસાનીથી બચાવવા પગલાં લેવાની’ રજૂઆત કરી છે.
તેમણે આ મુદ્દે કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલને ગત ગુરુવારે એક પત્ર લખીને સમગ્ર મામલા અંગે માહિતગાર કર્યા હતા.
પત્રમાં તેમણે લખ્યું છે કે, “ખેડૂતોએ ચોમાસાની ઋતુમાં વાવેલી ડુંગળી ઉતાર્યા પછી રાજ્યના યાર્ડમાં લાવવાનું ચાલુ કર્યું છે. ખેડૂતો જેને ઘવારિયું કહે છે તેવી આ ખરીફ ડુંગળી એપીએમસીમાં આવવા લગતા આ મહિનાની શરૂઆતથી ભાવો ગગડી રહ્યા છે.”
તેમણે ખેડૂતો માટે રાહતની માગણી કરતાં લખ્યું છે કે, “એક તરફ ડુંગળીની આવક વધી છે, આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી નિકાસ પર 20 ટકા કર વસૂલવામાં આવતો હોઈ ડુંગળીની નિકાસ નથી થઈ શકી રહી.”
તેમણે નિકાસકર નાબૂદ કરવાની સૂચક માગણી કરતાં પત્રમાં લખ્યું છે કે, “આવા સંજોગોમાં જો આ નિકાસકર નાબૂદ કરવામાં આવે તો ડુંગળીની નિકાસ વધે અને પરિણામે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ સુધરે.”
તેમણે સમસ્યાને વિગતવાર સમજાવતાં આગળ લખ્યું છે કે, “હાલ યાર્ડમાં ડુંગળીની આવક વધુ હોવાને કારણે ખેડૂતોને પ્રતિ મણ 200થી 300 રૂપિયા જેટલા નીચા ભાવ મળી રહ્યા છે.”
ગભરુભાઈ ખેડૂતોની ‘મુશ્કેલી’ અંગે આગળ પત્રમાં લખે છે કે, “આ વર્ષે અતિવૃષ્ટિને પરિણામે ખેડૂતોને ડુંગળીનું વીઘાદીઠ ઉત્પાદન ખૂબ ઓછું મળ્યું છે. આ વર્ષે વીઘાદીઠ ડુંગળીનું ઉત્પાદન 50થી 100 મણ જેટલું જ રહ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે ખેડૂતોને ઉત્પાદનખર્ચ કરતાં પણ નીચા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. “
તેઓ આગળ લખે છે કે, “આવી સ્થિતિમાં અહીંની ડુંગળીની વિદેશમાં ભારે માગ હોવાને કારણે જો હાલ ડુંગળીની નિકાસ પર લાગતો 20 ટકાનો નિકાસકર હઠાવી દેવાય તો ખેડૂતોને નુકસાનીમાં રાહત મળી શકે છે.”
ગભરુભાઈના પત્રના એક દિવસ બાદ શુક્રવારે રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપના ગુજરાત એકમના કિસાન મોરચાના મહામંત્રી હીરેનભાઈ હીરપરાએ પણ એક નિવેદનમાં જણાવ્યું કે તેમણે પણ કેન્દ્ર સરકારના સહકારમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલને ઇ-મેઇલ કરી ડુંગળી પરનો નિકાસકર પાછી ખેંચી નિકાસનીતિની સમીક્ષા કરવા રજૂઆત કરી છે.
તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ માગના સંદર્ભમાં તર્ક મૂકતાં કહે છે કે, “ઘવારિયાં ખૂબ ઓછા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં રહે છે. બીજી બાજુ આપણા દેશમાં ડુંગળીની જરૂરિયાત છે તે સીમિત છે. જો ડુંગળીની નિકાસ થશે તો જ ભાવ વધશે.”
તેઓ ડુંગળીની વિદેશમાં માગ હોવાનું જણાવી કહે છે કે, “આવા પ્રકારની ડુંગળીની વિયેતનામ અને બાંગ્લાદેશમાં માગ છે, પરંતુ 20 ટકા નિકાસકરના કારણે નિકાસમાં તકલીફ પડી રહી છે. વેપારીઓ અનુસાર બાંગ્લાદેશ સાથેના હાલના રાજદ્વારી સંબંધોના કારણે પણ નિકાસ કરવામાં તકલીફ પડી રહી છે અને જો ભારત સરકાર યોગ્ય પગલાં નહીં લે તો આ વિદેશી બજાર બીજા દેશના હાથમાં જતું રહેશે. તેથી મેં આ રજૂઆત કરી છે.”
ભાવ વધુ ગબડવાની ભીતિ
ગભરુભાઈના જણાવ્યાનુસાર ડુંગળીના અગાઉથી ઓછા ભાવ વધુ ઘટવાની ભીતિ છે.
તેઓ કહે છે કે, “મહુવા યાર્ડમાં ગત 18 ડિસેમ્બરના 3,20,000 ગુણી (પ્રત્યેક ગુણીમાં 50 કિલો) ડુંગળીની અવાક થઈ. મહુવા યાર્ડના ઇતિહાસમાં ડિસેમ્બર મહિનામાં આ સૌથી વધારે ડુંગળીની આવક છે. આવી આવક સામાન્ય રીતે જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરી મહિનામાં થતી હોય છે કે જ્યારે શિયાળુ ડુંગળી બજારમાં આવવા લાગે. પરંતુ અત્યારે તો ડિસેમ્બરમાં જ ફેબ્રુઆરી જેવી સ્થિતિ થઈ ગઈ છે.”
તેઓ ભારે પ્રમાણમાં ડુંગળીની આવક થવા પાછળનું કારણ સ્પષ્ટ કરતાં કહે છે કે, “ડિસેમ્બરમાં આટલી મોટી આવક થવાનું કારણ એ છે કે ચોમાસા દરમિયાન ડુંગળીના ભાવ સારા હોવાથી ખેડૂતોએ મોટા પાયે ડુંગળીનું વાવેતર કર્યું હતું. તેથી ઉત્પાદકતા નીચી રહેવા છતાં કુલ ઉત્પાદન વધ્યું છે અને અમને લાગે છે કે યાર્ડ્સ ડુંગળીથી ભરાયેલા રહેશે અને શિયાળુ ડુંગળી આવતાં તો છલકાઈ જશે. આવા સંજોગોમાં જો ડુંગળીની નિકાસ ન થાય તો ભાવ વધુ ઘટશે.”
વર્ષ 2024ની ખરીફ ઋતુમાં થયેલી ડુંગળીના વાવેતરના આંકડા રાજ્ય સરકારના ખેતી નિયામક અને બાગાયત નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી.
જોકે ખેતી નિયામકની કચેરીના આંકડા પ્રમાણે 2024ની ચોમાસું ઋતુ દરમિયાન શાકભાજીનો વાવેતર વિસ્તાર 2.69 લાખ હેક્ટર (6.25 વીઘાએ એક હેક્ટર થાય) નોંધાયો હતો, જે ગત વર્ષના 2.60 હેક્ટર અને પાછલાં ત્રણ વર્ષની સરેરાશ 2.61 લાખ હેક્ટરથી વધારે હતો.
બાગાયત નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા અનુસાર વર્ષ 2023-24માં ગુજરાતમાં 81,011 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું અને કુલ ઉત્પાદન 21 .20 લાખ મેટ્રિક ટન રહ્યું હતું.
ઉત્પાદકતા પ્રતિ હેક્ટરે 26.17 ટન રહી હતી એટલે કે પ્રતિ વીઘે ખેડૂતોને એકંદરે 209 મણ ડુંગળીનું ઉત્પાદન મળ્યું હતું.
જાણકારો અનુસાર ચોમાસામાં વાવતી ડુંગળીનું ઉત્પાદન શિયાળામાં વાવતી ડુંગળીની સરખામણીએ લગભગ અડધું હોય છે.
ડુંગળીના ભાવ કેવા ચાલી રહ્યા છે?
ડુંગળીના ઉત્પાદન અને નિકાસમાં ભારત અગ્રણી દેશોમાં સ્થાન પામે છે.
કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 20 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે.
ગુજરાતમાં મોટા ભાગની ડુંગળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે અને મહુવા ઉપરાંત રાજકોટ જિલ્લામાં આવેલ ગોંડલ, રાજકોટ જેવા એપીએમસી પણ ડુંગળની મોટા જથ્થાબંધ બજાર ગણાય છે.
પરંતુ, કેન્દ્ર સરકારે દેશમાં છૂટક બજારમાં વધી રહેલ ડુંગળીના ભાવોને કાબૂ કરવાના ઉદ્દેશથી ગત વર્ષે 7 ડિસેમ્બરના રોજ રાતોરાત તાજી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો.
તેના કારણે જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો હતો અને ખેડૂતોએ રસ્તા રોકી નિકાસ પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર તેના નિર્ણય પર મક્કમ રહી હતી.
છેવટે આ વર્ષે મે મહિનામાં સરકારે નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો, પરંતુ એવી શરતો મૂકી કે ડુંગળી 550 અમેરિકન ડૉલર (આશરે 46000 રૂપિયા) પ્રતિ મેટ્રિક ટનના લઘુતમ નિકાસ ભાવથી નીચેની કિંમતે નિકાસ કરી નહીં શકાય.
સાથે જ 40 ટકા નિકાસકર પણ લગાવ્યો હતો.
થોડી વધારે છૂટ આપતાં આ વર્ષે 13 સપ્ટેમ્બરે સરકારે લઘુતમ નિકાસ ભાવની શરત હઠાવી લીધી અને નિકાસકર 40 ટકાથી ઘટાડી 20 ટકા કર્યો.
2024ની ખરીફ ઋતુની ડુંગળી બજારમાં આવવા લાગી છે, પણ છૂટક બજારમાં ભાવો તો અગાઉનાં ત્રણ વર્ષ કરતાં ઊંચા જ છે.
રાજ્યમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલોએ હજુ પણ સરેરાશ રૂ. 20થી વધારે છે. આ સિવાય જથ્થાબંધ બજારમાં પણ ડુંગળીન ભાવ ઊંચા રહ્યા છે અને મહુવામાં ગત નવ નવેમ્બરના એક મણ ડુંગળીના ભાવ 975 રૂપિયા બોલાયા હતા.
ગત 29 નવેમ્બરના રોજ પણ ભાવ 952 રૂપિયા હતો.
પરંતુ, ડિસેમ્બરના બીજા અઠવાડિયાથી આ ભાવ ઘટવા લાગ્યા છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગભરુભાઈએ કહ્યું કે મહુવા યાર્ડમાં ડુંગળીની મૉડલ પ્રાઇસ (જે તે દિવસે વેચાણ થયેલા માલના લૉટની સંખ્યામાંથી જે કિંમતે સૌથી વધારે લૉટનું વેચાણ થાય તે કિંમતને મૉડલ પ્રાઇસ કહેવાય) છેલ્લાં ત્રણેક અઠવાડિયાંમાં 300 રૂપિયા ઘટીને પ્રતિ મણ રૂપિયા 400 એટલે કે કિલો દીઠ 20 રૂપિયા થઈ ગઈ છે.
નિકાસકારોનું આ અંગે શું કહેવું છે?
મહુવામાં 150 જેટલાં કારખાનાંમાં ડુંગળીને ડિહાઇડ્રેટ એટલે કે સૂકવવાની કામગીરી થાય છે અને તેના માલિકો તાજી ડુંગળી અને સૂકી ડુંગળીની નિકાસ કરે છે.
આ માલિકોનું ઑલ ઇન્ડિયા વેજિટેબલ ડિહાઇડ્રેટેડ મૅન્યુફૅક્ચર ડેવલપમેન્ટ ઍસોસિયેશન નામનું એક સંગઠન છે.
આ સંગઠનના ઉપપ્રમુખ સવજીભાઈ ઠંઠ કહે છે કે નિકાસકરના કારણે તાજી ડુંગળીની નિકાસમાં સુસ્તી છે.
સવજીભાઈ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે, “નિકાસકરને કારણે આપણી ડુંગળીના ભાવ અંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા છે અને પરિણામે ડિમાન્ડ ઓછી છે. ભારતની ડુંગળી તેના તીખાશ પડતા સ્વાદ માટે આખી દુનિયામાં જાણીતી છે, પરંતુ તે અત્યારે મોંઘી હોવાથી વિદેશના લોકો મોટે ભાગે ચીન, ઇજિપ્ત અને અમેરિકા પાસેથી ડુંગળી ખરીદી રહ્યા છે. જો નિકાસકર પાછો ખેંચી લેવામાં આવે તો આપણી ડુંગળી આંતરાષ્ટ્રીય બજારમાં હરીફાઈમાં જોડાઈ શકે તેમ છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી ડુંગળીના ભાવ 600 યુએસ ડૉલર પ્રતિ મેટ્રિક ટન બોલાઈ રહ્યા છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS