Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કરતા ફાટી નીકળેલા યુદ્ધના કારણે ઈરાને પર્શિયન ગલ્ફનું ગળું કહી શકાય તેવી હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવરને નિયંત્રિત કરી છે.
પરિણામે ઈરાનના અખાતના કિનારે આવેલાં ઇરાક, કુવૈત, બહેરીન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન જેવા ખાડી દેશોનાં બંદરોએથી ક્રૂડઑઇલ અને લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (એલએનજી) ભરી હોર્મુઝની સામુદ્રધુની વાટે દુનિયાના વિવિધ દેશો સુધી પહોંચાડતાં જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ છે.
ભારતમાં દૈનિક ધોરણે 55 લાખ બૅરલ (પીપ) જેટલા ક્રૂડઑઇલની જરૂર રહે છે અને તેમાંથી લગભગ 90 ટકા જેટલું ક્રૂડઑઇલ વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.
યુદ્ધ ચાલુ થયું તે પહેલાં ભારતમાં આયાત કરાતા ક્રૂડઑઇલમાંથી લગભગ અડધોઅડધ આ ખાડી દેશોમાંથી હોર્મુઝની સામુદ્રધુની વાટે આવતું હતું.
યુદ્ધ ફાટી નીકળતા પેટ્રોલ-ડીઝલના પુરવઠા પર અસર થશે તેવા ભયથી આ મહિનાની સાતમી અને આઠમી તારીખે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ ડીઝલના પીપ ભરી લેવા પેટ્રોલ પમ્પો પર લાઇનો લગાવી હતી, જેથી કેટલીક જગ્યાએ થોડા સમય માટે ડીઝલ ખૂટી ગયું હતું.
પરંતુ તે ચિંતા આધારવિહોણી સાબિત થઈ હતી, કારણ કે બે-એક દિવસમાં જ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.
ફરી એક વાર આવા જ ભયથી ગુજરાતનાં મોટાં શહેરોમાં પેટ્રોલ લેવા માટે લોકો 23મી માર્ચથી પેટ્રોલ પમ્પો પર લાઇનો લગાવી રહ્યા છે.
સોમવારે ગુજરાત સરકાર તેમ જ ભારતની સૌથી મોટી ઑઇલ માર્કેટિંગ કંપની (ઓએમસી) ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડના (આઇઓસીએલ) અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું હતું કે પેટ્રોલની કોઈ તંગી નથી. તેમણે લોકોને જથ્થો ખૂટી જશે તેવા ડરથી વધારાની ખરીદી (પૅનિક બાઇંગ) નહીં કરવા પણ અપીલ કરી છે.
સાથે જ ગુજરાતના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી હતી કે આ વિષયમાં જે લોકો અફવાઓ ફેલાવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. બુધવારથી પેટ્રોલ પમ્પો પર લાઇનો ઘટતી જોવા મળી હતી.
રાજકોટમાં પેટ્રોલિયમ ડીલર ઍસોસિયેશન પ્રમુખ સામે કયા આધારે કેસ નોંધાયો?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઍસેન્શિયલ કૉમોડિટીઝ ઍક્ટ (ઍસ્મા, આવશ્યક ચીજ-વસ્તુ ધારા) હેઠળ પેટ્રોલ-ડીઝલને જરૂરી ચીજ-વસ્તુઓની યાદીમાં સમાવેયલાં છે અને આવી ચીજ-વસ્તુ વિશે ખોટી માહિતી ફેલાવવી એક ગુનો છે.
પેટ્રોલ પમ્પો પર લાઇનો વચ્ચે મંગળવારે આઇઓસીએલના સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટક વેચાણ માટેના વિભાગીય વડા અમિત જયસ્વાલે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને ફરિયાદ કરાવી છે કે રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર ઍસોસિયેશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા બાબતે અફવા ફેલાવે છે.
ફરિયાદના આધારે રાજકોટ શહેર પોલીસે મંગળવારે સાંજે ગોપાલ ચુડાસમા સામે ભારતીય ન્યાયસંહિતા (બીએનએસ) અને ઍસ્મા હેઠળ ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.
કથિત અફવા ફેલાવવાના કેસમાં શું સજા થઈ શકે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગોપાલ ચુડાસમા સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ 353 (1) (બ) તેમ જ ઍસ્માની કલમ 3, 7, 9 (ii) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જાહેર શાંતિનો ભંગ કરવાના અથવા લોકો સરકાર સામે અપરાધ કરવા પ્રેરાય તેવા ઇરાદાથી જો કોઈ વ્યક્તિ ખોટું નિવેદન, ભાષણ કે માહિતી આપે કે અફવા ફેલાવે તો તેને બીએનએસની કમલ 353 (1) (બ) હેઠળ ત્રણ વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે.
ઍસ્માની કલમ ત્રણ હેઠળ સરકારને જરૂરી ચીજવસ્તુના ઉત્પાદન, પુરવઠા, વિતરણ વગેરે પર નિયંત્રણો લાદવાની સત્તા મળેલી છે અને તેના ભંગને કલમ સાત હેઠળ અપરાધ માનવામાં આવે છે અને તેના માટે કલમ 9(ii) હેઠળ પાંચ વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે.
આ કેસની તપાસ રાજકોટ શહેરના સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજય ધ્રાંગુને સોંપવામાં આવી છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે આ કેસમાં તપાસ ચાલુ કરી છે. જોકે હાલ કોઈની ધરપકડ કરી નથી.
આ બાબતે બીબીસીએ ફોન કૉલ અને મૅસેજ દ્વારા ગોપાલ ચુડાસમાનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. તેમનો પ્રતિસાદ મળ્યે આ અહેવાલમાં અપડેટ કરવામાં આવશે.
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની તંગી છે ખરી?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વારંવાર ખાતરી આપી રહી છે કે ડીઝલ-પેટ્રોલની હાલ કોઈ તંગી નથી.
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે અમેરિકા-ઇરાનના યુદ્ધના કારણે ભારતમાં આગામી ઉનાળાનો સમય ‘કપરો’ રહેશે.
મોદીએ કહ્યું, “આ યુદ્ધને કારણે ભારત સામે અભૂતપૂર્વ સમસ્યાઓ ઊભી થઈ છે, જે આર્થિક, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તથા માનવીય પણ છે.”
“ભારતમાં મોટા પાયે ક્રૂડઑઇલ, ગૅસ તથા ખાતર જેવી અનેક જરૂરી ચીજવસ્તુઓ હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે આવે છે.”
“યુદ્ધ પછી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવર-જવર પડકારજનક બની રહી છે. આમ છતાં, અમારી સરકાર પ્રયાસ કરી રહી છે કે પેટ્રોલ-ડીઝલ તથા ગૅસના સપ્લાયને ખાસ અસર ન થાય.”
ગુજરાતના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું, “હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે, સોશિયલ મીડિયા કે વૉટ્સઍપ ઉપર આવેલી અફવાથી દોરવાઈને કોઈ પણ પ્રકારની ભાગદોડ કરવાની જરૂર નથી.”
“રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા સપ્લાયનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવે છે.”
“રાજ્યના તમામ પેટ્રોલ પમ્પો ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ મળી રહે તે માટે પૂરતી તૈયારી પણ છે.”
આઇઓસીએલના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા ગુજરાતના હેડ, સંજીબ બહેરાએ પણ એક નિવેદનમાં કહ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના જથ્થાની કોઈ તંગી નથી.
2004થી 2009 સુધી ભારતના આયોજન પંચના સભ્યપદે રહી ચૂકેલા કિરીટ પરીખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, “હું ઓએમસીના દાવામાં સૂર પુરાવું છું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે.”
“લોકો ખોટા ડરના માર્યા પેટ્રોલ ખરીદવા પેટ્રોલ પમ્પ પર કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને તેમનો સમય બગાડી રહ્યા છે.”
“ટાંકી ફૂલ કરાવવાથી આખરે તેમનું વાહન કેટલા કિલોમીટર સુધી ચાલશે? ગુજરાતી લોકો સારો નિર્ણય નથી કરી રહ્યા તે અચરજ પમાડે તેવું છે.”
ગુજરાતમાં ત્રણ ઑઇલ રિફાઇનરીઓ આવેલી છે તેનો ઉલ્લેખ કરતા કિરીટ પરીખે ઉમેર્યું, “આપણાં જહોજો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈને આવી જ રહ્યાં છે. તેમાં થોડું મોડું થતું હશે તે અલગ બાબત છે.”
“તેના કારણે પેટ્રોલ-ડીઝલની વિતરણ વ્યવસ્થામાં થોડી ત્રુટીઓ સર્જાઈ શકે છે.”
“પરંતુ પૅનિક બાઇંગ કરવાની કોઈ જરૂર નથી. વળી, ગુજરાતમાં તો ત્રણ રિફાઇનરીઓ આવેલી છે, તેથી પુરવઠો જળવાઈ રહેશે.”
“જો ક્યાંક પેટ્રોલ-ડીઝલ ખૂટી ગયા હોય, તો તે માત્ર અમુક કલાક સુધી જ રહેશે.”
ગુજરાતમાં ઑઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે?
ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં 23 ઑઇલ રિફાઇનરીઓ આવેલી છે. તેમાંથી, ત્રણ રિફાઇનરીઓ ગુજરાતમાં—વડોદરા શહેર નજીક કોયલીમાં આવેલી આઇઓસીએલની, જામનગરના મોટી ખાવડી ખાતે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની (બે એકમ) અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે નાયરા ઍનર્જી લિમિટેડની રિફાઇનરી આવેલી છે.
23 રિફાઇનરીઓની વાર્ષિક ધોરણે 25.81 કરોડ મેટ્રિક ટન ક્રૂડઑઇલને રિફાઇન કરવાની સંયુક્ત ક્ષમતા છે.
ગુજરાતની ત્રણ રિફાઇનરીઓની સંયુકત ક્ષમતા 10.19 કરોડ મેટ્રિક ટન છે. આમ, દેશની કુલ રિફાઇનિંગ ક્ષમતામાંથી લગભગ 40 ટકા ક્ષમતા ગુજરાત પાસે છે.
એક મેટ્રિક ટન ક્રૂડઑઇલમાં સરેરાશ 1164 લિટર ક્રૂડઑઇલ હોય છે. એક બૅરલમાં 159 લિટર ક્રૂડઑઇલ ભરેલું હોય છે. તેથી એક મેટ્રિક ટન ક્રૂડઑઇલથી સરેરાશ 7.33 બૅરલ ભરી શકાય છે.
આમ, ભારત પાસે આશરે 190 કરોડ બૅરલ ક્રૂડને રિફાઇન કરવાની ક્ષમતા છે અને ગુજરાતમાં તે ક્ષમતા લગભગ 75 કરોડ બૅરલ છે.
વિવિધ દેશોમાંથી મળતા ક્રૂડઑઇલમાં રહેલાં ઘટકોની માત્રામાં થોડોઘણો તફાવત હોય છે અને તેથી તેનું રિફાઇનિંગ કરતા તેમાંથી મળતા પેટ્રોલ, ડીઝલ વગેરેના જથ્થામાં પણ થોડોઘણો તફાવત આવે છે.
અમેરિકામાં ઑઇલ રિફાઇનારીઓમાં 159 લિટર ક્રૂડને રિફાઇન કરાતા તેમાંથી સરેરારાશ 71થી 75 લિટર પેટ્રોલ, 41થી 49 લિટર ડીઝલ, 11થી 15 લિટર વિમાનો માટેનું ઇંધણ (ઍવિએશન ટર્બાઇન ફ્યૂઅલ, એટીએફ) અને 22 લિટર જેટલી અન્ય પેદાશો મળે છે.
રિફાઇનરીઓમાંથી પેટ્રોલ પમ્પ સુધી પેટ્રોલ-ડીઝલ કઈ રીતે પહોંચે છે?
ઇમેજ સ્રોત, Getty Images
ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ મેહુલભાઈ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ગુજરાતમાં આશરે 6000 પેટ્રોલ પમ્પો આવેલા છે અને તેમાંથી મોટા ભાગના આઇઓસીએલના છે.
ગુજરાતમાં આઇઓસીએલ ઉપરાંત ભારત સરકારની માલિકીની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ), ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) તેમ જ રિલાયન્સ, નાયરા અને શૅલ ઍનર્જી નામની ખાનગી કંપનીઓના પણ પેટ્રોલ પમ્પો આવેલા છે.
ઑઇલ રિફાઇનરીઓ ક્રૂડઑઇલમાંથી પેટ્રોલ અને ડીઝલ છૂટા પાડી નજીકના સ્ટોરેજ ટૅન્ક ફાર્મ એટલે કે સંગ્રહ માટેના ટાંકાના ફાર્મમાં પાઇપલાઇન દ્વારા પહોંચાડે છે.
ત્યાંથી મુખ્યત્વે પાઇપલાઇન દ્વારા પેટ્રોલ ડીઝલને પ્રાદેશિક ડેપોમાં મોકલવામાં આવે છે.
ગુજરાતમાં વડોદરા, હજીરા, અમદાવાદ, પાલનપુર, કંડલા, મોટી ખાવડી, વાડીનાર વગેરે જગ્યાએ આવા પ્રાદેશિક ડેપો આવેલા છે.
મેહુલભાઈએ જણાવ્યું કે ઑઇલ કંપનીઓ આ ડેપોમાંથી પેટ્રોલ ડીઝલના ટૅન્કર ભરીને રોડ માર્ગે પેટ્રોલ પમ્પો સુધી પહોંચાડે છે.
તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં આઇઓસીએલ તેના ડેપોમાંથી બીપીસીએલ અને એચપીસીએલના પેટ્રોલ પમ્પોને પણ પેટ્રોલ-ડીઝલ પૂરાં પાડે છે, જ્યારે અન્ય કેટલાંક રાજ્યોમાં આનાથી ઊલટું થાય છે. આમ, ઑઇલ કંપનીઓ સાટાપાટાથી વ્યવહાર ચલાવે છે.
તેમણે કહ્યું, “તે જ રીતે રિલાયન્સ અને નયારા પણ ઇન્ડિયન ઑઇલના પેટ્રોલ પમ્પોને પેટ્રોલ-ડીઝલ આપે છે.”
“પરંતુ આ બંને કંપનીઓ ખાનગી હોવાથી તેમને કોઈ સબસીડી મળતી નથી અને તેથી પોત-પોતાના પેટ્રોલ પમ્પો પર પોતાની રિફાઇનરીના પેટ્રોલ-ડીઝલ વેચવાનો આગ્રહ રાખે છે, કારણ કે પેટ્રોલ પમ્પો પર તેમના પેટ્રોલ-ડીઝલના ભાવ સરકારી કંપનીઓના ભાવ કરતાં સામાન્ય રીતે થોડા ઊંચા હોય છે.”
મેહુલભાઈએ કહ્યું કે ગુજરાતમાં 80 ટકા પેટ્રોલ પમ્પ માલિકો પાસે પોતાનાં ટૅન્કર એટલે કે ટાંકા છે જે ડેપોમાંથી પેટ્રોલ-ડીઝલ ભરીને પોતાના પેટ્રોલ પમ્પ સુધી પહોંચાડે છે.
તેમણે કહ્યું કે જે પેટ્રોલ પમ્પો પાસે પોતાના ટૅન્કર નથી તેમને પેટ્રોલ-ડીઝલ પહોંચાડવા માટે સંબંધિત ઓએમસી દ્વારા કૉન્ટ્રાકટ પર રાખેલ ટૅન્કર પર આધાર રાખવો પડે છે.
પેટ્રોલ પમ્પોને જથ્થો કેટલા સમયમાં મળી જાય છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS



