Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
18 માર્ચ 2026, 11:43 IST
વાંચવાનો સમય: 3 મિનિટ
ગુજરાતમાં ઉનાળો જમાવટ કરી રહ્યો છે, પરંતુ તેની વચ્ચે લગભગ ત્રણ દિવસ માટે બ્રેક પડવાનો છે. તેનું કારણ છે કે રાજ્યના કેટલાક જિલ્લામાં આજથી હવામાનમાં પલટો આવશે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગની અમદાવાદ કચેરીના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે 18 માર્ચથી લઈને 20 માર્ચ સુધી અમુક ભાગોમાં વરસાદ પડશે. તેમાં ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાત તથા ઉત્તર ગુજરાતનો કેટલોક ભાગ આવરી લેવાય છે, જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદની અસર જોવા નહીં મળે.
હાલમાં દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 0.9 કિમીની ઉંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે.
કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?
ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18 માર્ચ, બુધવારે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે.
સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લામાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી છે.
19 માર્ચ, ગુરુવારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદ પડશે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જે દરમિયાન પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે.
ગુજરાતમાં તાપમાન પર અસર
ઇમેજ સ્રોત, IMD
બુલેટિન મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. સાઉથ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. સાઉથ ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચે હતું. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઉપર નોંધાયું છે.
સૌરાષ્ટ્રના કિનારાવર્તી વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે અને કચ્છમાં લઘુતમ તાપમાન વધ્યું છે.
અમદાવાદમાં 18 માર્ચે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની અને લઘુતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની આગાહી છે.
દેશના અમુક ભાગમાં હિમવર્ષા
ઇમેજ સ્રોત, IMD
ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાક ભાગમાં હિમવર્ષા થવાની પણ આગાહી કરી છે. અત્યારે ઉત્તરપશ્ચિમ અને સેન્ટ્રલ વિસ્તારમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે. તેના કારણે હીટવેવની કોઈ આગાહી નથી, પરંતુ સામાન્ય કરતાં તાપમાન થોડું નીચું રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન એજન્સીએ જણાવ્યું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં 19 અને 20 માર્ચ દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
હિમાચલ પ્રદેશમાં 18 અને 19 માર્ચે હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાનમાં પણ કેટલાક ભાગોમાં 18 અને 20 માર્ચે હિમવર્ષાની આગાહી છે.
મધ્ય ભારતની વાત કરીએ તો 21મીએ પવનની ઝડપ વધારે રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 20 અને 21 માર્ચે પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને ઓડિશામાં વરસાદની આગાહી છે.
શિમલામાં પણ કરા પડશે
પ્રાદેશિક હવામાન વિભાગની આગાહી પ્રમાણે શિમલામાં બુધવાર અને ગુરુવારે કેટલાક ભાગોમાં કરા પડવાની આગાહી છે. શુક્રવાર, 20 માર્ચે શિમલામાં વરસાદ અને બરફ પડવાનો હોવાથી યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
આ દરમિયાન શિમલા અને સોલાનમાં બુધવારથી લઈને શુક્રવાર સુધી 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી આગાહી છે. હિમાચલ પ્રદેશના બીજા બે જિલ્લા કુલ્લુ અને મંડીમાં પણ છુટાછવાયાં સ્થળો પર ભારે વરસાદ અને બરફ પડવાની આગાહી કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



