Source : BBC NEWS

ઇમેજ સ્રોત, FB/AlpeshKathiriya, FB/Ganesh-Gondal, Hanif Khokhar
અપડેટેડ 4 મિનિટ પહેલા
સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો 42 ડિગ્રી આસપાસ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ ગોંડલ પહોંચી ગયા છે. તેઓ જ્યારે ગોંડલમાં પ્રવેશ્યા ત્યારે તેમનો કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો.
વિવાદને પગલે ગોંડલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજકોટ ખાતેના બીબીસી ગુજરાતી સહયોગી બિપીન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ જ્યારે ગોંડલમાં આવ્યા ત્યારે કેટલાક યુવાનોએ તેમનો હાથમાં પોસ્ટર્સ અને બૅનર્સ સાથે વિરોધ કર્યો હતો.
બિપીન ટંકારિયાના જણાવ્યા અનુસાર ગોંડલ તાલુકાના રિબડા, ભરૂડી, ભુણાવા, બિલયાળા સહિતનાં ગામોમાં મોટી સંખ્યામાં લોકોએ અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલનો સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
બિપીન ટંકારિયા જણાવે છે, “અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલના સમર્થકો સામસામે આવી ગયા હતા અને અલ્પેશ કથીરિયાના સહયોગી ધાર્મિક માલવિયાની ગાડીનો કાચ તોડવામાં આવ્યો હતો.”

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
હડમતાડા અને ભુણાવા ગામે લોકોનું ટોળું ભેગું થયું હતું અને તેમણે કાળા વાવટા પણ દેખાડ્યા હતા.
જેના પગલે ‘પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિય રાજકારણ માટે લોહિયાળ પૃષ્ઠભૂમિ’ ધરાવતા ગોંડલમાં તણાવ ઊભો થવા પામ્યો છે.
તો સામે પક્ષે અલ્પેશ કથીરિયાના સમર્થકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા, તેમણે પણ તેમના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા.
તાજેતરના વિવાદ પાછળ ગોંડલમાં બંને સમાજના યુવાનો વચ્ચે થયેલી માથાકૂટ તથા સુરતમાં મળેલી પાટીદાર આગેવાનોની બેઠકને જવાબદાર માનવામાં આવે છે.
આ વિવાદના કેન્દ્રમાં ગોંડલમાં બે સમાજના યુવાનો વચ્ચે થયેલી માથાકૂટથી શરૂઆત થઈ હતી.
જોકે, થોડા દિવસ પહેલાં સુરતમાં પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી, જે ‘ટ્રિગર’ બની ગઈ હતી.
ગણેશ ‘ગોંડલ’નો પડકાર

ઇમેજ સ્રોત, FB/Ganesh-Gondal
મંગળવારની રાત્રે ગોંડલના સુલતાનપુર ગામ ખાતે ‘આક્રોશ રેલી‘ને સંબોધિત કરી હતી, જેમાં તેમણે અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ તથા મેહુલ બોઘરાની સામે નામજોગ અને વ્યક્તિગત પ્રહાર કર્યા હતા. ગણેશ ગોંડલે કહ્યું હતું કે કેટલાક લોકો 20-500 કિલોમીટર દૂર બેસીને ગોંડલની શાંતિને ભંગ કરવાની મંછા ધરાવે છે.
ગણેશ જાડેજાએ કહ્યું હતું, ‘અલ્પેશ કથીરિયાએ 14-14 પાટીદાર દીકરાના મૃત્યુના આરોપોના પાપ ધોઈને સારાં કર્મો કરવાં જોઈએ.’
આ સિવાય પાટીદાર આગેવાન જિગીષા પટેલની ઉપર વ્યક્તિગત પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, ‘તું તારું ઘર સાચવી નથી શકી. તારા ઘરના વડીલ કે ભાઈને મોકલ, એમને જવાબ દેવાની મારી તૈયારી છે.’
આ સિવાય મેહુલ બોઘરા અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે ‘એનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ ફેલાવાનું છે.’
આક્રોશ રેલીમાં ગણેશ ગોંડલે ઉપસ્થિત જનમુદાય પાસે કથીરિયા, પટેલ તથા બોઘરાની ‘હાય, હાય’ના નારા લગાવડાવ્યા હતા. સાથે જ જો ‘માનું દૂધ પીધું હોય તો ગોંડલ આવવાની ચીમકી’ ઉચારી હતી.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
ગણેશ જાડેજાએ આક્રોશ રેલીને સંબોધિત કરતી વેળાએ વિવાદનું મૂળ જણાવ્યું હતું. સુલતાનપુર ખાતે પોતાના સમર્થકોને સંબોધિત કરતી વેળાએ કહ્યું હતું કે એકાદ મહિના પહેલાં ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી. એ પછી અમુક લોકોએ સ્થિતિને બગાડવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ અમે બંને યુવાનોના પરિવારોને સાથે બેસાડીને સમાધાન કરાવ્યું હતું. એ સમયે અલ્પેશ ઢોલરિયાએ જે કંઈ કહ્યું હતું, તેના કારણે કેટલાક લોકોના પેટમાં તેલ રડાયું છે.
એ બેઠકમાં ઢોલરિયાએ કહ્યું હતું કે ‘પાટીદાર સમાજ ગણેશ જાડેજાને ખભા ઉપર બેસાડીને ધારાસભ્ય બનાવશે. કોઈ આ બેઠક ઉપર નજર ન નાખશો.’

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
ઉલ્લેખનીય છે કે માર્ચ-2025માં ગોંડલના જયરાજસિંહ જાડેજા પરિવાર ઉપર રાજસ્થાની મૂળના યુવાન સાથે મારામારી તથા હત્યામાં સંડોવણીના આરોપ લાગ્યા હતા. પાછળથી પોલીસે આ કેસને માર્ગઅકસ્માત ગણાવ્યો હતો.
ગત વર્ષે દલિત યુવક સાથે મારઝૂડ કરવાના આરોપ સબબ ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને જામીન મળ્યા હતા.
જોકે, આ ‘આક્રોશ રેલી’ માટે થોડા સમય પહેલાં ગોંડલમાં મળેલી પાટીદાર આગેવાનોની બેઠકને ‘ટ્રિગરરુપ’ માનવામાં આવે છે.
સુરતની બેઠકથી ‘ટ્રિગર’ થયું?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
થોડા સમય પહેલાં સૌરાષ્ટ્ર ભાજપના નેતા વિનુભાઈ શિંગાળાની પુણ્યતિથિના અનુસંધાને સુરતમાં એક બેઠક મળી હતી. જેને કથીરિયા, જિગીષા પટેલ સહિતનાં નેતાઓએ સંબોધિત કરી હતી.
આ બેઠકમાં ગોંડલ ખાતે પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ ગોંડલમાં વિનુભાઈ શિંગાળાની પ્રતિમા મૂકવાની વાત કરવામાં આવી હતી. જેને ગણેશ ગોંડલ માટે ‘ટ્રિગરરુપ’ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગણેશ ગોંડલનું વાસ્તવિક નામ ગણેશ જાડેજા છે. તેમનાં માતા ગીતાબા જાડેજા ભાજપની ટિકિટ ઉપર ધારાસભ્ય છે. તેમના પિતા જયરાજસિંહ જાડેજા પણ ધારાસભ્યપદે રહ્યા છે.
માર્ચ-2004માં વિનુભાઈ શિંગાળા રાજકોટ ખાતેના તેમના નિવાસસ્થાને હતા, ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
આ કેસમાં તપાસનો રેલો જયરાજસિંહ સુધી પહોંચ્યો હતો અને તેમણે ભાડૂતી હત્યારાઓને સોપારી આપી હોવાના આરોપો લાગ્યા હતા. નીચલી અદાલતે તેમને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા. ઉચ્ચ અદાલતે પણ પુરાવાના અભાવે જયરાજસિંહને છોડી મૂક્યા હતા.
રવિવારે રણસંગ્રામ થશે?

ઇમેજ સ્રોત, FB/Jayrajsinh Jadeja
ગણેશ ગોંડલના પડકાર પછી અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને રવિવારે ગોંડલમાં જવાની જાહેરાત કરી હતી.
એ પછી મીડિયાને આપેલાં ઇન્ટરવ્યૂમાં તેમણે લોકોને જોડાવા આહ્વન કર્યું હતું. સાથે જ ઉમેર્યું હતું કે સોરઠિયા કે શિંગાળા પરિવારને મળવાની યોજના નથી ધરાવતા.
કથીરિયાના કહેવા પ્રમાણે, ‘માતાના દૂધ’ની વાત કરવામાં આવી, એટલે તેઓ કોઈપણ જાતની સુરક્ષા વગર ગોંડલ જશે. જિગીષા પટેલે પણ તેમની સાથે જોડાવાની વાત કહી છે.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યા અનિરુદ્ધસિંહ જાડેજાએ કરી હતી, જેને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધના કૅમ્પના માનવામાં આવે છે.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
જિગીષા પટેલે સોશિયલ મીડિયા ઉપર વીડિયો નિવેદન બહાર પાડીને ગણેશ જાડેજાને જવાબ આપતાં કહ્યું હતું કે ‘તમે ‘ગૉલ્ડન સ્પૂનબૉય’ છો. પહેલાં તમે તમારાં માતાના પાલવમાંથી અને પિતાની ઓથમાંથી બહાર નીકળો. તમે જન્મથી ગૉલ્ડન સ્પૂનબૉય છો, એટલે તમને સંઘર્ષની વ્યાખ્યા ખબર ન હોય. તમે અને તમારા પિતા બૉડીગાર્ડની છત્રછાયામાં જીવો છો.’
ઍડ્વોકેટ મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે 24 કલાક બૉડીગાર્ડ સાથે લઈને ફરે છે. તેમણે ‘માતાના ધાવણ’ જેવા શબ્દ ન વાપરવા જોઈએ. સાથે જ ‘ગુંજશે ગોંડલ‘ હૈશટૅગનો ઉપયોગ કર્યો હતો.
ત્યારે રવિવારે ‘ક્ષત્રિય વિરુદ્ધ પાટીદાર’ હિંસાની પૃષ્ઠભૂમિનો ઇતિહાસ ધરાવતી ગોંડલની બેઠકના ઇતિહાસમાં નવું કોઈ પ્રકરણ લખાશે કે કેમ તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS