Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Penguin
‘ગંગા જમુના’ પ્રોડ્યૂસર તરીકે દિલીપકુમારની પહેલી ફિલ્મ હતી, પરંતુ આ ફિલ્મને બનાવ્યા પછી તેમનો અનુભવ એટલો ખરાબ રહ્યો કે તેમણે ફરીથી ફિલ્મ બનાવવાનો વિચાર જ છોડી દીધો.
એ જમાનામાં બીવી કેસકર માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેમની હેઠળ કામ કરનાર સેન્સર બોર્ડને જ્યારે ‘ગંગા જમુના’ ફિલ્મ બતાવવામાં આવી ત્યારે તેણે ફિલ્મમાં 250 કટ કરવાની ભલામણ કરી. તેમનું કહેવું હતું કે ફિલ્મમાં જરૂર કરતાં વધારે અશ્લીલતા અને હિંસા બતાવવામાં આવી છે. દિલીપકુમારે સેન્સર બોર્ડને અનેકો સ્પષ્ટીકરણ આપ્યાં, પરંતુ તેઓ પોતાનો નિર્ણય બદલવા માટે તૈયાર ન થયા.
તેમણે સેન્સર બોર્ડને 120 પાનાંનું આવેદન પણ આપ્યું; પરંતુ તેણે તેને જોવાની તસ્દી સુધ્ધાં ન લીધી.
મેઘનાદ દેસાઈ દિલીપકુમારના જીવનચરિત્રમાં લખે છે, “સેન્સર બોર્ડને ફિલ્મના ડેથ સીન સામે વાંધો હતો, જેમાં એક ડાકુને એ જ અંતિમ શબ્દ કહેતો બતાવવામાં આવ્યો હતો જે મહાત્મા ગાંધીએ નાથુરામ ગોડસેની ગોળી વાગ્યા પછી કહ્યા હતા. જ્યારે કોઈ વિકલ્પ ન બચ્યો ત્યારે તેમણે વડા પ્રધાન જવાહરલાલ નહેરુની મદદ લેવાનો નિર્ણય કર્યો.”
કેસકરને નહેરુ મંત્રીમંડળમાંથી હટાવવામાં આવ્યા
ઇમેજ સ્રોત, Bloomsbury
તેમને ઇન્દિરા ગાંધીએ નહેરુ સાથે દિલીપકુમારની 15 મિનિટની મુલાકાત નક્કી કરાવી. આ બેઠકમાં દિલીપકુમારે નહેરુને માત્ર પોતાની મુશ્કેલી જ ન જણાવી, પરંતુ સેન્સર બોર્ડની કાર્યપદ્ધતિ સામે ઘણા સવાલ પણ ઉઠાવ્યા.
તેમણે નહેરુને જણાવ્યું કે સેન્સર બોર્ડ બિલકુલ એક સરમુખત્યારની જેમ કામ કરતું હતું અને પોતાની વિચારસરણીથી જુદા કોઈ પણ તર્ક સાંભળવા તૈયાર નહોતું.
નહેરુ સાથે જે બેઠક 15 મિનિટ ચાલવાની હતી, તે દોઢ કલાક સુધી ચાલી. નહેરુના હસ્તક્ષેપથી સેન્સર બોર્ડે ફિલ્મને પાસ કરી. તેના થોડા સમય પછી બીવી કેસકરને મંત્રીમંડળમાંથી હટાવી દેવામાં આવ્યા અને તેમની રાજકીય કારકિર્દી એક રીતે સમાપ્ત થઈ ગઈ.
કેસકરનાં એ બાબતે વખાણ થતાં હતાં કે તેમણે સામાન્ય જનતાને શાસ્ત્રીય સંગીતનો પરિચય કરાવ્યો અને આકાશવાણી પર સંગીતના અખિલ ભારતીય સંગીત કાર્યક્રમની શરૂઆત કરાવી. પરંતુ આ જ કેસકરે આકાશવાણી પર ફિલ્મ સંગીત અને ક્રિકેટ કોમેન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેઓ પદ પરથી ઊતરી ગયાની સાથે જ આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા.
‘મધર ઇન્ડિયા’નો જવાબ હતી ‘ગંગા જમુના’
ઇમેજ સ્રોત, Bloomsbury
હકીકતમાં, દિલીપકુમાર ઇચ્છતા હતા કે મહેબૂબખાં તેમના ભાઈ નાસિરખાંને પોતાની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં એ રોલ આપે જે રાજેન્દ્રકુમારે કર્યો હતો. નાસિરખાં કેટલીક પાકિસ્તાની ફિલ્મોમાં પોતાનો હાથ અજમાવ્યા પછી મુંબઈમાં સ્થિર થવાની કોશિશ કરતા હતા.
દિલીપકુમારની આ વિનંતી મહેબૂબખાંએ માન્ય ન રાખી અને તે કારણે બંનેના સંબંધ બગડી ગયા. આ બધું થયું તે પહેલાં દિલીપકુમારના મનમાં ‘ગંગા જમુના’ બનાવવાનો વિચાર આવવા લાગ્યો હતો. આખરે, દિલીપકુમારે પોતાની જ ફિલ્મ ‘ગંગા જમુના’માં પોતાના ભાઈ નાસિરખાંને મોટો રોલ આપ્યો.
ત્રિનેત્ર અને અંશુલા બાજપેઈ દિલીપકુમારના જીવનચરિત્ર ‘દિલીપ કુમાર – પિયરલેસ આઇકૉન ઇન્સ્પાયરિંગ જનરેશન્સ’માં લખે છે, “દિલીપકુમારે જ અમને જણાવ્યું હતું કે તેમને ‘ગંગા જમુના’ બનાવવાની પ્રેરણા એક જૂની વૅલેસ બિયરીની વેસ્ટર્નમાંથી મળી હતી.
“આ ફિલ્મના અંતમાં પિતા પોતાના જ પુત્રને મારી નાખવા મજબૂર થઈ જાય છે. ‘ગંગા જમુના’માં પિતા અને પુત્રની જગ્યાએ નાના અને મોટાભાઈને બતાવવામાં આવ્યા છે. જેમાં નાસિરખાં એક સારા ભાઈ (પોલીસ ઇન્સ્પેક્ટર) અને દિલીપકુમાર એક ખરાબ ભાઈ (ડાકુ)નો રોલ ભજવે છે. કહાની પ્રખ્યાત છે કે ‘ગંગા જમુના’ ફિલ્મ મહેબૂબખાંને તેમની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નો જવાબ હતી.”
શાપૂરજી મિસ્ત્રીએ દિલીપકુમારને બ્લૅન્ક ચેક આપ્યા
ઇમેજ સ્રોત, Bloomsbury
‘ગંગા જમુના’માં જાણીતા ઉદ્યોગપતિ શાપૂરજી મિસ્ત્રી અને પાલોનજી મિસ્ત્રીએ પૈસા રોક્યા હતા.
ત્રિનેત્ર અને અંશુલા બાજપેઈ લખે છે, “આ ફિલ્મ બન્યા પહેલાં શાપૂરજીએ દિલીપકુમારને બે ચેક બુક્સ આપી. તેમણે કહ્યું કે એક ચેક બુક ફિલ્મના પ્રોડક્શન સાથે સંકળાયેલા ખર્ચ માટે છે અને બીજી ચેક બુક ફિલ્મમાં તમારા મહેનતાણા માટે છે. તેના દરેક ચેકમાં તમે જે પણ ઇચ્છો તે રકમ ભરી શકો છો.
“આ બધા ચેક કોરા છે અને દરેક ચેક પર મારી સહી છે. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ અને સુપર હિટ થઈ ગઈ ત્યારે દિલીપકુમારે શાપૂરજીને તેમના દ્વારા આપવામાં આવેલી બંને ચેક બુક પાછી સોંપી દીધી. તેમણે પ્રોડક્શન કામો માટે આપવામાં આવેલી પહેલી ચેક બુકમાંથી થોડાક ચેકનો જ ઉપયોગ કર્યો હતો અને બીજી ચેક બુકને હાથ પણ નહોતો લગાડ્યો. આ જોતાં જ શાપૂરજી લાગણીશીલ થઈ ગયા અને તેઓ દિલીપકુમારને ભેટી પડ્યા.”
દિલીપના ભાઈ નહોતા ઇચ્છતા કે તેઓ ડાકુની ભૂમિકા કરે
ઇમેજ સ્રોત, Bloomsbury
દિલીપકુમાર પોતાની આત્મકથા ‘ધ સબ્સટેન્સ ઍન્ડ ધ શૅડો – ઍન ઑટોબાયૉગ્રાફી’માં લખે છે, “જ્યારે શાપૂરજીએ મારી પાસેથી ‘ગંગા જમુના’ની કહાની સાંભળી, તરત જ તેમણે કહી દીધું હતું કે આ ફિલ્મની સફળતા વિશે તેમને કશી શંકા નથી. પરંતુ મારા ભાઈ નાસિરના મનમાં હતું કે મારો ડાકુની ભૂમિકા ભજવવાનો વિચાર સારો નથી.
“તેમણે એ વાત પર ભાર મૂક્યો કે દર્શકને એ વાત નહીં ગમે કે મેં દુષ્ટ જમીનદાર સામે બદલો લેવા ડાકુઓના સાથનો સહારો લીધો. આ ફિલ્મ હું મારા ભાઈ નાસિરના કમબૅક માટે બનાવી રહ્યો હતો. તેમણે મને વારંવાર કહ્યું કે હું મારા માટે આ રોલ લખીને ભૂલ કરી રહ્યો છું, પરંતુ મેં મારી સ્ક્રિપ્ટમાં કશો ફેરફાર ન કર્યો.
“મેં નક્કી કર્યું કે ફિલ્મમાં હું ડાકુનો રોલ જ કરીશ, કેમ કે શાપૂરજી આ ફિલ્મની સફળતા માટે સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા. આખરે જ્યારે પિક્ચર રિલીઝ થયું, ત્યારે તેને જોવા માટે દર્શકો ઊમટી પડ્યા.”
ફિલ્મના નિર્દેશન માટે નીતિન બોઝને પસંદ કરાયા
ઇમેજ સ્રોત, Bloomsbury
દિલીપકુમારે આ ફિલ્મના નિર્દેશન માટે નીતિન બોઝને પસંદ કર્યા, જેઓ પહેલાં તેમને ‘મિલન’ અને ‘દીદાર’ ફિલ્મોમાં નિર્દેશિત કરી ચૂક્યા હતા. એ વિશે ઘણી અફવાઓ ફેલાઈ કે નીતિન બોઝની જગ્યાએ દિલીપકુમારે પોતે જ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. પછીથી નીતિન બોઝે તેનું ખંડન કરતાં કહ્યું, “દિલીપ માત્ર એક શિસ્તબદ્ધ અભિનેતા જ નથી, પરંતુ ખૂબ ઉત્સાહી માણસ પણ છે.
“અમે બંને શૂટિંગના એક દિવસ પહેલાં જ ફિલ્માંકનની બધી યોજના બનાવી લેતા હતા. જવાનો અને ડાકુઓની વચ્ચેની અથડામણના શૂટિંગ દરમિયાન એક જૂનિયર આર્ટિસ્ટ બંદૂકથી નિશાન તાકતા સમયે પોતાની ખોટી આંખ બંધ કરતો હતો. મારા સહાયક નિર્દેશક જાવેદ હુસૈન તેનાથી નારાજ થઈ ગયા અને તેમણે બંદૂકની નાળ પકડીને કહ્યું, ‘આ રીતે નહીં, આ રીતે બંદૂક પકડો.’
“આર્ટિસ્ટની આંગળી બંદૂકના ઘોડા પર હતી અને ભૂલથી એ ઘોડો દબાઈ ગયો. ગોળી જાવેદની છાતીની આરપાર નીકળી ગઈ અને ત્યાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. જ્યારે મને એ અહેસાસ થયો કે શું થઈ ગયું છે, ત્યારે મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું. ત્યારે મેં દિલીપકુમારને મારું કામ સંભાળવા માટે કહ્યું.”
નૌશાદની સલાહથી દિલીપ આખી ફિલ્મમાં પુરબિયા બોલી બોલ્યા
ઇમેજ સ્રોત, Bloomsbury
‘ગંગા જમુના’ના સંગીત નિર્દેશનની જવાબદારી નૌશાદને આપવામાં આવી. તેમણે જ દિલીપકુમારને સલાહ આપી કે ફિલ્મમાં વાસ્તવિકતા લાવવા માટે પુરબિયામાં જ બધા ડાયલૉગ બોલવામાં આવે.
તેના માટે દિલીપ તરત સંમત થઈ ગયા. ગંગાનો રોલ કરતાં અને સમજતાં પહેલાં દિલીપકુમારે ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી.
આ બોલીમાં તેમણે પોતાના બિહારી માળી અને તેમનાં પત્નીને બોલતાં, ઝઘડતાં અને એકબીજાંને મનાવતાં સાંભળ્યાં હતાં અને ત્યારથી આ બોલી તેમનાં દિલદિમાગમાં ઘર કરી ગઈ હતી.
દિલીપકુમાર લખે છે, “તે સમયે મને એટલી પણ ખબર નહોતી કે આ બોલી ઉત્તર પ્રદેશની છે કે બિહારની. પરંતુ હું આ બોલી માટે પાગલ હતો. લાગણીઓની અભિવ્યક્તિની તેની ક્ષમતા અદ્ભુત હતી. જે રીતે અમારા બિહારી માળી અને તેમનાં પત્ની એકબીજાં સાથે વાતો કરતાં અને ઝઘડતાં હતાં, તે ખૂબ જ રસપ્રદ હતું. ‘ગંગા જમુના’ના રોલમાં હું તે વાતાવરણમાં જીવવા માગતો હતો જેમાં ગંગા અને જમુના મોટા થયા હતા.
“હું એ ખેડૂતોની મુશ્કેલીઓ પણ બતાવવા માગતો હતો જે બધા પ્રકારની મુસીબતો સહન કરતા રહીને ક્રૂર જમીનદારોનાં ખેતરો ખેડતા રહેતા હતા. ગંગાની ભૂમિકા કરતાં જે વસ્તુ મને સૌથી વધુ આશ્ચર્યજનક લાગતી હતી તે એ કે મારા માટે કહાનીનું ભાવનાત્મક કન્ટેન્ટ સમજવું બિલકુલ પણ મુશ્કેલ નહોતું. તેથી એક પાત્ર તરીકે ગંગા મારા માટે અજાણી ભૂમિકા નહોતી.”
પુરબિયા બોલવા અંગે મતભેદ
ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ જ્યારે દિલીપે ‘ગંગા જમુના’માં પુરબિયા બોલવાની પોતાની ઇચ્છા મહેબૂબખાં અને આસિફને જણાવી ત્યારે તેમણે તેને બિલકુલ નકારી દીધી હતી. ફક્ત બિમલ રૉય, તેમના મિત્ર હિતેન ચૌધરી, લખનઉના રહેવાસી નૌશાદ અને સીતાપુરના નિવાસી વજાહત મિર્ઝાએ તેનું સમર્થન કર્યું હતું.
ચરિત્ર અભિનેતા કનૈયાલાલે પણ; જેઓ બનારસના નિવાસી હતા અને જેમણે ફિલ્મમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, બધા કલાકારોને સાચા ઉચ્ચાર સાથે પુરબિયા બોલતાં શીખવ્યું હતું.
કવિ રામમૂર્તિ ચતુર્વેદીએ પણ ફિલ્મના મુખ્ય કલાકારોને પુરબિયા બોલવાની રીતસરની ટ્રેનિંગ આપી હતી. પરિણામ એ આવ્યું કે વૈજયંતી માલાએ પણ, જેઓ પોતાના ડાયલૉગ ‘રોમન’માં લખતાં હતાં, ગજબની પુરબિયા બોલ્યાં અને ધન્નોના પોતાના રોલમાં ઓતપ્રોત થઈ ગયાં.
ટેપ રેકૉર્ડરમાં ટેપ કરીને વૈજયંતી માલાને ડાયલૉગ આપ્યા
ઇમેજ સ્રોત, Bloomsbury
‘પરફેક્શન’ માટે દિલીપકુમારને એટલી હદે જુનૂન હતું કે તેઓ પોતાના સાથી કલાકારોના અભિનયની પણ જવાબદારી લેતા હતા. ‘ગંગા જમુના’માં તેમની હીરોઇન વૈજયંતી માલાએ એક વાર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “દિલીપસાહેબની સાથે મારી સૌથી સારી ફિલ્મ ‘ગંગા જમુના’ હતી.
“આ ફિલ્મમાં મેં તેમની પત્ની ધન્નોનો રોલ કર્યો હતો. તેમણે મારા ડાયલૉગ પોતાના અવાજમાં એક ટેપ રેકૉર્ડરમાં રેકૉર્ડ કરીને મને આપ્યા હતા, જેથી હું સમજી શકું કે મારે કઈ રીતે પુરબિયા ડાયલૉગ બોલવાના છે.”
”તેમને ખબર હતી કે દક્ષિણ ભારતીય હોવાથી મને ડાયલૉગ બોલવામાં કેટલી તકલીફ પડતી હશે. તેથી તેમણે મારા માટે એ ડાયલૉગ રેકૉર્ડ કરાવ્યા જેથી હું એકેએક શબ્દ સમજી શકું અને સાથે યોગ્ય ફેશિયલ એક્સ્પ્રેશન આપી શકું. તેનાથી મને ઘણી મદદ મળી.”
અમિતાભ બચ્ચન પણ શિષ્ય બની ગયા
ઇમેજ સ્રોત, Bloomsbury
થોડાં વર્ષો પહેલાં અમિતાભ બચ્ચને પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમણે ઇલાહાબાદમાં પોતાના વિદ્યાર્થીકાળમાં એ સમજવા માટે ‘ગંગા જમુના’ વારંવાર જોઈ કે કઈ રીતે એક પઠાણ કશી મહેનત વગર ઉત્તર પ્રદેશનું એક ગ્રામીણ પાત્ર ભજવી રહ્યા છે અને તેની બોલીને કેટલી સહજતાથી બોલી રહ્યા છે.
દિલીપકુમારે પોતાની આત્મકથામાં લખ્યું, “હું સમજું છું કે અમિતાભ બચ્ચનની વાતોમાં દમ છે. કોઈ પણ પઠાણ માટે ગંગાના વ્યક્તિત્વ અને ભાષાની સાથે સુમેળ સાધવો ખરેખર મુશ્કેલ કામ હતું. પરંતુ જે પઠાણની કહાની તમે વાંચી રહ્યા છો તેણે સતત અધ્યયન, અથાક અભ્યાસ અને જે કામો તેના માટે નવાં હતાં તેમાં સફળ થવાની તીવ્ર ઇચ્છાના કારણે એવું કરી બતાવ્યું.”
મહારાષ્ટ્રના એક ગામમાં શૂટિંગ થયું
ઇમેજ સ્રોત, Bloomsbury
‘ગંગા જમુના’ના શૂટિંગ માટેનું લોકેશન પસંદ કરવામાં દિલીપકુમારને લગભગ એક મહિના લાગ્યો. તેમણે મુંબઈથી 120 કિલોમીટર દૂર ઇગતપુરીમાં જાવર ગામને પોતાની ફિલ્મના શૂટિંગ માટે પસંદ કર્યું. આ જગ્યાએ તેઓ સંયોગે પહોંચ્યા હતા. તેઓ પોતાના દોસ્ત જૉની વૉકરની સાથે ફરવા નીકળ્યા હતા, ને તેમને આ જગ્યા ગમી ગઈ.
એ વખતે દિલીપકુમારને એવો કશો ખ્યાલ નહોતો કે પછીથી ઘણી હિંદી ફિલ્મોના શૂટિંગ માટે આ લોકેશનનો ઉપયોગ કરાશે. તેમણે જમીનદારની હવેલી બતાવવા માટે એ ગામમાં એક કામચલાઉ માળખું ઊભું કર્યું હતું. ‘ગંગા જમુના’નું કેટલુંક ઇનડોર શૂટિંગ મહબૂબ અને ફિલ્માલય સ્ટુડિયોમાં પણ કરવામાં આવ્યું હતું.
બધાં પાત્રોએ યાદગાર રોલ ભજવ્યો
ઇમેજ સ્રોત, Bloomsbury
મુખ્ય અભિનેતાઓ ઉપરાંત, ‘ગંગા જમુના’ના બધા ચરિત્ર અભિનેતાઓએ પણ પોતાની કારકિર્દીનો સૌથી શ્રેષ્ઠ અભિનય કર્યો, ભલે તે જમીનદારના રોલમાં પ્રવીણ પૉલ હોય, પોલીસ સુપરિન્ટેન્ડન્ટના રોલમાં નાસિર હુસૈન હોય કે હરિરામના રોલમાં કનૈયાલાલ કે માના રોલમાં લીલા ચિટનીસ હોય, બધાંએ પોતાના સો ટકા આપ્યા.
હા, જમુનાના મોટા રોલમાં નાસિરખાં કોઈ ખાસ અસર ઊભી ન કરી શક્યા. ફિલ્મના કબડ્ડીના સીનની દરેક જગ્યાએ ચર્ચા થઈ. તેમાં ધન્નો ગંગાને વિરોધી ટીમ સામે જીતવાનો પડકાર ફેંકે છે. તે કહે છે, “મૈં તો કહૂં, ઇસ બાર ભી ટનકપુર વાલે જીતેંગે. દેખો ન કૈસે કૈસે ગબરૂ જવાન આયે હૈં.”
ત્યારે ગંગા તરત જવાબ આપે છે, “તો જા બેશરમ પકડ લે કીસી કા હાથ.” આખરે ગંગા જીતી જાય છે. આખું ગામ ખુશીથી પાગલ થઈ જાય છે અને નવાઈ પામેલો ગંગા જુએ છે કે ખુશખુશાલ ધન્નો નાચી રહી છે.
એક જ શૉટમાં ક્લાઇમેક્સ ફિલ્માવાયો
ઇમેજ સ્રોત, Bloomsbury
ફિલ્મના ક્લાઇમેક્સમાં પોતાના ભાઈ જમુના દ્વારા છોડવામાં આવેલી ગોળીથી ઘાયલ ગંગા કોઈક રીતે એ ઘરમાં પહોંચે છે જ્યાં તેનો જન્મ થયો છે અને પોતાના ભાઈની બાથમાં પડતાં કહે છે, “હમ ઘર આ ગયે મુન્ના.” મરતા સમયે તેના અંતિમ શબ્દ હોય છે, “હે રામ.” આ દૃશ્ય સાંજના સમયે ફિલ્મ સ્ટુડિયોમાં ફિલ્માવાયું હતું.
દિલીપકુમારે કૅમેરામૅન વી. બાબાસાહબને કહ્યું કે દરેક વસ્તુ તૈયાર રાખે, કેમ કે, ન તો કોઈ શૉટનું રિહર્સલ થશે અને ન તો કોઈ બીજો ટેક. દિલીપકુમાર લખે છે, “મેં સ્ટુડિયોનાં ઘણાં ચક્કર માર્યાં, પહેલાં ઝડપથી ચાલતાં અને પછી દોડતાં. જ્યારે મારો શ્વાસ બરાબર ફુલાઈ ગયો અને જ્યારે મને લાગ્યું કે હવે હું પડી જ જઈશ, ત્યારે હું સેટ પર દાખલ થયો જ્યાં બાબાસાહબ પોતાના કૅમેરા સાથે પહેલાંથી તૈયાર હતા.”
ખૂબ જ સારા અભિનય છતાં દિલીપકુમાર ફિલ્મફેર એવૉર્ડથી વંચિત રહ્યા
ઇમેજ સ્રોત, Bloomsbury
જ્યારે ફિલ્મજગતના દિગ્ગજોએ આ ફિલ્મ જોઈ ત્યારે સૌના મોંએથી એક સ્વર નીકળ્યો – ‘વાહ’. સૌનો મત હતો કે દિલીપકુમારે એક ક્લાસિક ફિલ્મ બનાવી છે. પરંતુ ફિલ્મફેરે દિલીપના અભિનયને સર્વશ્રેષ્ઠ અભિનય પુરસ્કારને લાયક ન સમજ્યો.
તે વર્ષે સર્વશ્રેષ્ઠ અભિનયનો પુરસ્કાર રાજ કપૂરને તેમની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ માટે અપાયો. દિલીપકુમાર ટેક્નિકલર પ્રોસેસિંગ માટે ‘ગંગા જમુના’ને જ્યારે બ્રિટનના પાઇનવુડ સ્ટુડિયો લઈ ગયા ત્યારે ત્યાંની લૅબના ટેક્નિશિયન ફિલ્મને જોઈને ખૂબ જ પ્રભાવિત થયા.
તેમણે સલાહ આપી કે તેઓ આ ફિલ્મને ઑસ્કર માટે મોકલે; કેમ કે, તેમાં આઝાદ ભારતમાં સામંતી જમીનદારોની આપખુદશાહી અને દબાયેલા–કચડાયેલા ખેડૂતોની ઈમાનદારીને બતાવવામાં આવી છે.
જ્યારે ‘ગંગા જમુના’ને ચેકોસ્લોવાકિયામાં કાર્લોવી વારી, બોસ્ટન અને કૈરોના ફિલ્મ સમારંભોમાં બતાવવામાં આવી ત્યારે બધાએ એક સ્વરે ફિલ્મનાં વખાણ કર્યાં.
દિલીપકુમાર લખે છે, “મારી ફિલ્મના સમીક્ષકોને એવું કુતૂહલ હતું કે હું આ પ્રકારનો અભિયન કઈ રીતે કરી શક્યો. તેમને એ જાણવાની જિજ્ઞાસા હતી કે તેની પાછળ કેટલું સંશોધન કરવામાં આવ્યું છે; કેમ કે, ‘ગંગા જમુના’ જેવી ફિલ્મો તેમના દેશમાં ઘણા અભ્યાસ અને વિચારવિમર્શ પછી જ બનાવવામાં આવતી. મેં તેમને જણાવ્યું કે મેં કઈ રીતે સ્ક્રિપ્ટ, ફિલ્મનાં પાત્રો અને પુરબિયા બોલી પર કામ કર્યું છે.”
1962માં કારલોવીમાં યાદગાર અભિનય માટે દિલીપકુમારને ઑનરરી ડિપ્લોમા આપવામાં આવ્યો, જ્યારે 1963ના બોસ્ટન ફિલ્મ સમારંભમાં ‘ગંગા જમુના’ને ‘સિલ્વર બૉલ’નો પુરસ્કાર મળ્યો.
‘ગંગા જમુના’માં દિલીપકુમારના કામને અભિનયનું પાઠ્યપુસ્તક કહેવામાં આવે છે. આ ફિલ્મ માત્ર ગોલ્ડન જ્યુબિલી સાબિત થઈ એટલું જ નહીં, પરંતુ તેને ક્લાસિક ફિલ્મનો દરજ્જો મળ્યો અને સર્વકાલીન ઉત્તમ ફિલ્મોમાં તેની ગણતરી થઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS


