Home તાજા સમાચાર gujrati કૉફી જમતી વખતે કે પછી પીવાથી શરીરને શું નુકસાન થાય, ક્યારે પીવી...

કૉફી જમતી વખતે કે પછી પીવાથી શરીરને શું નુકસાન થાય, ક્યારે પીવી જોઈએ?

4
0

Source : BBC NEWS

કૉફી, પોષકતત્ત્વો, હૅલ્થ, ચા, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઑફિસમાં કામ કરતી વખતે કે ઘણી વાર કૉલેજમાં મિત્રો સાથે આપણે ગમે ત્યારે બ્રૅક લઈને કૉફી પી લેતાં હોઈએ છીએ.

ઘણી વાર આપણને સમયનો ખ્યાલ રહેતો નથી. ઘણી વાર તો ભોજન સાથે જ અમુક લોકોને કૉફી પીવાની આદત હોય છે, તો કોઈને જમ્યા પછી તરત જ કૉફી પીવી ગમે છે. પણ જો તમે આમ કરો છો તો તમારે ચેતી જવાની જરૂર છે.

આ રીતે કૉફી પીવાની આદત ભોજનનાં પોષકતત્ત્વોને શરીરમાં અવશોષિત થવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી શકે છે.

કૉફી, પોષકતત્ત્વો, હૅલ્થ, ચા, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

કૉફીમાં એક હજાર કૅમિકલ કમ્પાઉન્ડ હોય છે અને તેમાંથી કૅફિન, પૉલિફેનલ્સ અને ટૅનિન્સ જેવા કેટલાક કૅમિકલ કમ્પાઉન્ડ પોષકતત્ત્વોને શરીરમાં અવશોષિત થવા દેતા નથી.

જોકે, સારી વાત એ છે કે મોટા ભાગના લોકો પર તેની ઓછી અસર થાય છે, અને આ અસર એટલી વધારે નથી હોતી કે તેનાથી શરીરમાં કોઈ ખામી સર્જાય.

કૉફી પીવાનો યોગ્ય સમય શું છે, અને કૉફી પીતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

કૉફી, પોષકતત્ત્વો, હૅલ્થ, ચા, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

પોષકતત્ત્વો (પોષણ) એ એવા પદાર્થો છે જે આપણી ખાણીપીણીમાં જોવા મળે છે અને શરીર માટે ઘણાં મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે. સ્વસ્થ રહેવા માટે આપણને વિવિધ પોષકતત્ત્વોની જરૂર પડે છે.

યુનિવર્સિટી કૉલેજ લંડન ખાતે ન્યુટ્રિશન સાયન્સમાં ડૉક્ટરલ રિસર્ચર અને હેલ્થ સાયન્સિસ ઍકેડેમીના મુખ્ય સાયન્સ ઍજ્યુકેટર ઍલેક્સ રુઆનીનું કહેવું છે કે, “એવું નથી કે શરીર દ્વારા પોષકતત્ત્વોનું શોષણ સંપૂર્ણપણે ‘બંધ’ થઈ જાય છે, પરંતુ તેમાં ફક્ત થોડી ખામી સર્જાઈ શકે છે.”

આ અસર કૉફીની શક્તિ, પોષકતત્ત્વોની માત્રા, વ્યક્તિની ઉંમર, ચયાપચય, સ્વાસ્થ્ય સ્થિતિ અને આનુવંશિકતા પર આધાર રાખે છે.

જે પોષકતત્ત્વો વિશે વાત કરવામાં આવી રહી છે તેમાં કૅલ્શિયમ, આયર્ન અને વિટામિન્સનો સમાવેશ થાય છે.

લાઇનસ પૉલિંગ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને ઑરેગોન સ્ટેટ યુનિવર્સિટીના કૉલેજ ઑફ હેલ્થના પ્રોફેસર એમિલી હો કહે છે, “જો તમારા શરીરમાં પોષકતત્ત્વોનું પૂરતું પ્રમાણ હોય, તો કોઈ વાંધો આવતો નથી. પરંતુ જો તમારા શરીરમાં તેનું સ્તર ઓછું અથવા ઊણપવાળું હોય, તો વધુ કૉફી પીવાથી પોષકતત્ત્વોનું સ્તર વધુ ઘટી શકે છે.”

કૉફી, પોષકતત્ત્વો, હૅલ્થ, ચા, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

1980ની સાલથી થયેલા અભ્યાસો દર્શાવે છે કે કૉફી પીવા અને શરીરમાં આયર્નના ઓછા શોષણ થવા વચ્ચે સીધો સંબંધ છે.

એમિલી હો કહે છે, “જ્યારે તમે ભોજન સાથે કૉફી પીઓ છો, ત્યારે તેમાં રહેલા પૉલિફેલન્સ તમારા પાચનતંત્રમાં ચોક્કસ મિનરલ્સ સાથે જોડાઈ શકે છે.”

તેઓ સમજાવે છે કે, “આ પ્રક્રિયા શરીર માટે આયર્ન શોષવાનું મુશ્કેલ બનાવી શકે છે, કારણ કે શરીરમાં હાજર મિનરલ્સને લોહી સુધી પહોંચવા માટે આંતરડાના કોષોમાંથી પસાર થવું પડે છે.”

“જો તેઓ પોલિફેનોલ્સ સાથે ચોંટી જાય છે, તો તે શરીરમાંથી પસાર થઈ જાય છે અને તેનું ઉત્સર્જન થઈ જાય છે.”

આયર્નના કિસ્સામાં આ ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે. વનસ્પતિ આધારિત ખોરાકમાંથી મળતા આયર્નને ‘નોન-હીમ આયર્ન’ કહેવામાં આવે છે. ફળો અને શાકભાજી જેવા ખોરાકમાંથી મેળવેલ નોન-હીમ આયર્ન શરીર દ્વારા શોષવું મુશ્કેલ છે.

કૉફી, પોષકતત્ત્વો, હૅલ્થ, ચા, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે કૉફીમાં જોવા મળતા પૉલિફેનલ્સ મુખ્યત્વે ક્લોરોજેનિક ઍસિડ હોય છે જે નોન-હીમ આયર્ન સાથે જોડાઈ શકે છે. તે આવા પ્રકારના નોન-હીમ આયર્નને લોહીમાં પહોંચતા અટકાવે છે.

તેથી, પાચનતંત્રમાંથી પસાર થતી વખતે આયર્ન આ સંયોજનોમાં અટવાઈ જાય છે. તેનો ઉપયોગ કરવાને બદલે, શરીર તેમને પેશાબ મારફત બહાર કાઢી નાખે છે.

એલેક્સ રુઆની કહે છે, “ભોજનના એક કલાક પહેલાં અથવા આયર્નયુક્ત ભોજન ખાધાના થોડા કલાકો પછી કૉફી પીવી જોઈએ જેથી કરીને તે પેટમાં એકબીજા સાથે ભળી ન જાય. આ કૉફી પીવાની શ્રેષ્ઠ રીત છે. “

જે સ્ત્રીઓ પીરિયડ્સમાં હોય અથવા તો ગર્ભવતી હોય તેમણે તેમના શરીરમાં આયર્નના સ્તર પર નજર રાખવી જરૂરી છે.

તેમને વધુ આયર્નની જરૂર હોય છે અને આયર્નની ઊણપને કારણે તેમને એનિમિયા પણ થઈ શકે છે. તેથી, આવી સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ કેટલી કૉફી પી રહી છે.

કૉફી, પોષકતત્ત્વો, હૅલ્થ, ચા, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

કૅલ્શિયમ આપણાં હાડકાં માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ યુનાઇટેડ કિંગ્ડમ જેવા દેશોમાં પણ 16થી 49 વર્ષની વયના લોકો તેમના આહાર દ્વારા નિર્ધારિત લોએસ્ટ રેફરન્સ ન્યુટ્રીઅન્ટ ઇન્ટેક (LRNI) કરતાં ઓછું કૅલ્શિયમ લે છે. તેનાથી તેમનાં હાડકાં નબળાં પડવાનું જોખમ રહે છે.

આપણી કિડની શરીરમાં રસાયણો (જેમ કે સોડિયમ, પોટેશિયમ અને કૅલ્શિયમ)નું સંતુલન જાળવી રાખે છે અને આપણા લોહી (અને પેશાબ)માંથી વધારાનો કચરો અને વધારાનું પાણી દૂર કરે છે. તે શરીરમાં હોર્મોન્સ પણ ઉત્પન્ન કરે છે.

અભ્યાસો દર્શાવે છે કે કૅફીન તમારા શરીર માટે કૅલ્શિયમ જાળવી રાખવાનું મુશ્કેલ બનાવી શકે છે, કારણ કે કિડનીમાં તે કૅલ્શિયમની પ્રોસેસિંગ અને આંતરડામાં અવશોષણની રીતમાં ખલેલ ઊભી કરે છે.

જોકે, તેની અસર લઘુતમ છે. આનાથી એવા લોકો પર નકારાત્મક અસર પડી શકે છે જેઓ પહેલેથી જ ઓછા કૅલ્શિયમવાળા ખોરાક લે છે અને હાડકાં સંબંધિત રોગોનું જોખમ ધરાવે છે.

એલેક્સ રુઆની કહે છે, “ઑસ્ટિયોપોરોસિસ ઇન્ટરનૅશનલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે કૅફીન હાડકાંને નબળાં બનાવી શકે છે, કારણ કે તે હાડકાંના ચયાપચયમાં દખલ કરે છે. જોકે, ઑસ્ટિયોપોરોસિસના જોખમ પર કૅફીનની અસર દર્શાવવા માટે વધુ અભ્યાસની જરૂર છે.”

કૅલ્શિયમ તમારા શરીરમાં સંગ્રહિત થઈ શકે છે, તેથી તમારે દરરોજ એક નિશ્ચિત માત્રામાં તેને લેવાની જરૂર નથી. પરંતુ 19થી 64 વર્ષની વયના પુખ્ત વયના લોકોએ થોડા મહિનાઓ સુધી દરરોજ સરેરાશ 700 મિલીગ્રામ કૅલ્શિયમ લેવું જોઈએ.

જોકે, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કૅફીનથી વારંવાર પેશાબ જવું પડે તેવી સમસ્યા પણ થઈ શકે છે.

એમિલી હો કહે છે, “આનાથી શરીરમાંથી પાણીમાં દ્રાવ્ય વિટામિન અને ખનિજો (જેમ કે વિટામિન બી) બહાર નીકળી શકે છે. જોકે, પેશાબ દ્વારા તેમનું સંતુલિત વિસર્જન શરીરમાં તેમની માત્રાને સંતુલિત કરે છે.”

કૉફી, પોષકતત્ત્વો, હૅલ્થ, ચા, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

એલેક્સ રુઆની કહે છે, “કૉફી એ કિડનીનાં કાર્ય અને પોષકતત્ત્વોના ચયાપચયને અસર કરે છે, તેથી વધુ પડતું સેવન (દિવસમાં ચાર કે તેથી વધુ કપ) વારંવાર પેશાબ તરફ દોરી શકે છે અને આ શરીરમાંથી વિટામિન બી સહિત અન્ય પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ દૂર કરી શકે છે.”

વિટામિન બી પાણીમાં દ્રાવ્ય છે. તેથી તે શરીરમાં સંગ્રહિત થતું નથી. જોકે, જો શરીરમાં વધુ માત્રા હોય, તો તે પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

કૉફી, પોષકતત્ત્વો, હૅલ્થ, ચા, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

પ્રોબાયોટિક્સ એ જીવંત બૅક્ટેરિયા અને યીસ્ટ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે.

એનએચએસ વેબસાઇટ અનુસાર, કેટલાક કિસ્સાઓમાં તેઓ તમારા આંતરડામાં તે કુદરતી બૅક્ટેરિયાને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. જોકે, આ દાવાને સમર્થન આપવા માટે બહુ ઓછા પુરાવા છે.

પછી જો તમે પ્રોબાયોટિક સપ્લિમેન્ટ્સ લો છો અથવા દહીં, યૉગર્ટ અને કિમચી જેવા પ્રોબાયોટિકથી ભરપૂર ખોરાક ખાઓ છો, તો તેને કૉફી જેવાં ગરમ પીણાં સાથે લેવાનું ટાળો.

રુઆની કહે છે, “ખરેખર જીવંત બૅક્ટેરિયા ગરમી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેના કારણે આ બૅક્ટેરિયા તમારા પેટમાં ટકી શકતા નથી અને પછી પ્રોબાયોટિકની અસર ઓછી થાય છે.”

ઍન્ટિબાયોટિક્સના કારણે થતા ઝાડાને દૂર કરવા માટે ડૉક્ટરો ક્યારેક પ્રોબાયોટિક્સનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

પ્રોબાયોટિક્સનો મહત્તમ લાભ મેળવવા માટે, કૉફી પીધાના ઓછામાં ઓછા અડધા કે એક કલાક પછી જ તેને લેવું જોઈએ.

જો તમે એક કપ કૉફી પીધી હોય તો પ્રોબાયોટિક્સનો મહત્તમ લાભ શરીરને મળી શકે તેના માટે તમારે અડધાથી એક કલાક રાહ જોવી જોઈએ.

કૉફી, પોષકતત્ત્વો, હૅલ્થ, ચા, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

જો તમે કૉફી છોડીને ચા પીવા માગતા હોવ, તો એ જાણવું જરૂરી છે કે બંનેને લઈને ચિંતાઓ તો એકસમાન જ છે.

એમિલી હો કહે છે, “વાસ્તવમાં ચામાં હાજર પોલિફેનોલ્સ પોષકતત્ત્વોની જૈવઉપલબ્ધતા પર સમાન અસર કરે છે. તેથી જો તમે ઇચ્છો છો કે તમારું શરીર પોષકતત્ત્વોને યોગ્ય રીતે શોષી લે, તો ચા પીવાના સમય પર પણ ધ્યાન આપો.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન

SOURCE : BBC NEWS