Home તાજા સમાચાર gujrati કેરીની ખેતી આધુનિક કેવી રીતે બનાવવી, તેનાથી કેટલો લાભ થાય છે?

કેરીની ખેતી આધુનિક કેવી રીતે બનાવવી, તેનાથી કેટલો લાભ થાય છે?

13
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત મેંગો કેરી ઉત્પાદન ખેતી ખેડૂત ક્લાઇમેટ ચેન્જ

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

સાનૂકૂળ આબોહવામાં પણ કેરીના પાકની ગણના ફળોની સૌથી મુશ્કેલ ખેતીમાં થાય છે.

તેનો આધાર હવામાન, વૃક્ષની સંરચના તથા ખેતીની તકનીકના નાજુક સંતુલન પર રહે છે.

વિશ્વમાં કેરીના સૌથી મોટા ઉત્પાદક દેશ ભારત માટે તે સંતુલન યોગ્ય રીતે જાળવી રાખવું અગત્યનું છે.

ભારતમાં દર વર્ષે કેરીનો 23 મિલિયન ટન પાક લેવાય છે, જે પ્રમાણ ભારતમાં ફળોના કુલ ઉત્પાદનના લગભગ પાંચમા ભાગનું છે.

પરંતુ, તાજેતરનાં વર્ષોમાં ઘણા ખેડૂતો માટે કેરીની ખેતી પડકારરૂપ બની છે.

ઉત્તર પ્રદેશના મલિહાબાદમાં 16 એકર જમીન પર ખેતી કરનારા ઉપેન્દ્ર સિંહ જણાવે છે, “કેરીની ખેતીમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે.”

તેમના પરિવારમાં કેરીની ખેતી કરનારી આ ચોથી પેઢી છે. તેઓ 12 વર્ષના હતા, ત્યારથી તેમણે ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

62 વર્ષના સિંહ કહે છે, “ઋતુઓની હવે એક નિશ્ચિત પેટર્ન નથી રહી. ક્લાઇમેટ ચેન્જને કારણે ફૂલ લાગવાનો, ફળ બેસવાનો અને લણણીનો સમય દર વર્ષે બદલાતો રહે છે.”

તેઓ ઉમેરે છે, ” જંતુનાશકો, મજૂરી, સિંચાઈ, વગેરે પાછળનો આગત ખર્ચ વધી ગયો છે. પણ તેની સામે ઊપજ ઓછી થઈ ગઈ છે. ખેડૂતો કેરીની વાડીઓ પાછળ વધુ પૈસા ખર્ચી રહ્યા છે, પણ સામે છેડે તેમને આવક ઓછી થાય છે.”

બીબીસી ગુજરાતી ભારત મેંગો કેરી ઉત્પાદન ખેતી ખેડૂત ક્લાઇમેટ ચેન્જ

ઇમેજ સ્રોત, Upendra Singh

દેશભરમાં લગભગ 700 જાતની કેરીઓ ઉગાડવામાં આવે છે અને દરેક પ્રદેશ તેની આગવી વેરાયટી ધરાવે છે. જેમકે, ઉત્તર ભારતમાં દશેરી કેરી સૌથી સામાન્ય છે, જ્યારે મહારાષ્ટ્રમાં હાફૂસનો દબદબો છે. વળી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં લંગડો અને માલ્દા જેવી વેરાયટી વધુ જોવા મળે છે અને ગુજરાતની કેસર કેરી વખણાય છે.

પરંતુ, કેટલાક ખેડૂતો ક્લાઇમેટ ચેન્જની અસર ખાળી શક્યા છે.

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સબટ્રૉપિકલ હૉર્ટિકલ્ચર (આઇસીએઆર)ના વિજ્ઞાની ડૉક્ટર હરિ શંકર જણાવે છે, “આબોહવામાં અનિયમિતતાની પેટર્ન હવે સામાન્ય થઈ ગઈ છે, જેના કારણે કેરીની ખેતી પર દબાણ વધી રહ્યું છે.”

તેમણે સમજાવ્યું હતું કે, “કેરીનો પાક તાપમાન પર નભે છે.”

“ગયા વર્ષે ફૂલો વહેલાં બેસી ગયાં હતાં, વેગીલા પવનને કારણે ફળના વિકાસ પર માઠી અસર પડી હતી. ફળ વહેલાં પાકી ગયાં, જેના કારણે ઘણો-ખરો પાક વેડફાઈ ગયો.”

સિંહ કહે છે, “આ વર્ષે ઉત્તર ભારતમાં તાપમાન લાંબા સમય સુધી નીચું રહેવાને કારણે ફૂલો બેસવામાં વિલંબ થયો છે.”

ખેડૂતોને વધુ સ્થિતિસ્થાપક બનવામાં મદદ પૂરી પાડવા માટે સંશોધકો તાપમાનની વ્યાપક રેન્જ સહન કરી શકે તથા જંતુઓ અને બીમારીઓનો પ્રતિકાર કરી શકે, તેવી કેરીની નવી વેરાયટીઝ વિકસાવી રહ્યા છે.

પણ તે ધીમું કાર્ય છે. કેરીનાં વૃક્ષોમાં બ્રીડિંગ પછી ફૂલ બેસતાં પાંચથી દસ વર્ષ જેટલો સમય લાગે છે.

વધુમાં, કેરીનાં વૃક્ષો વધુ એક અસુવિધાજનક જૈવિક લાક્ષણિકતા ધરાવે છેઃ તે વિષમયુગ્મી હોય છે અર્થાત્ સંતાન ભાગ્યે જ તેનાં માતા-પિતાને મળતું આવે છે.

હરિ સિંહ કહે છે, “કેરીનું બ્રીડિંગ કોઈ ઝડપી નવીનતા નથી, બલ્કે તે એક કરતાં વધુ દાયકાની વૈજ્ઞાનિક કટિબદ્ધતા છે.”

આનુવંશિક વિજ્ઞાન તે પ્રક્રિયાને ઝડપી બનાવવામાં સહાય પૂરી પાડી રહ્યું છે. આઈસીએઆરે 2016માં કેરીના જિનોમના સિક્વન્સિંગની જાહેરાત કરનારા વિજ્ઞાનીઓના જૂથની આગેવાની કરી હતી.

તેમનું કાર્ય હાફૂસ કેરી પર કેન્દ્રિત છે.

બીબીસી ગુજરાતી ભારત મેંગો કેરી ઉત્પાદન ખેતી ખેડૂત ક્લાઇમેટ ચેન્જ

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

હરિ સિંહ કહે છે, “કેરીના જીનોમ સિક્વન્સિંગને કારણે સંશોધકોને ફળના રંગ, સોડમ, મીઠાશ, ફૂલ બેસવાને લગતી પેટર્ન, આબોહવા સામે સ્થિતિસ્થાપકતા તથા રોગપ્રતિકારક ક્ષમતા સાથે સંબંધિત જનીન (જીન્સ)ની ઓળખ કરવામાં મદદ મળી શકે છે.”

તેમના જણાવ્યા પ્રમાણે, તેના કારણે કેરીની વેરાયટીને વિકસાવવા માટે પરંપરાગત રીતે આવશ્યક 10થી 20 વર્ષોની સમય અવધિમાં સારો એવો ઘટાડો થયો છે.

આ ક્ષેત્રમાં કોઈ નવતર પહેલ થાય, ત્યારે તેને અપનાવવા માટે ખેડૂતો તૈયાર હોય છે.

ઉપેન્દ્ર સિંહે તેમના ખેતરમાં કેરીની નવી, રંગીન જાત આંબાના જૂના બગીચા કરતાં વધુ ગીચતામાં રોપી છે.

ઉપેન્દ્ર સિંહ કહે છે, “રંગબેરંગી જાતની કેરીઓની વેરાયટીનો સૌથી મોટો લાભ એ છે કે, તે દર વર્ષે ફળ આપે છે. જ્યારે, દશેરી અને લંગડો જેવી પરંપરાગત કેરીઓમાં ઘણી વખત અમુક વર્ષે ફળ બેસતાં નથી.”

આધુનિક કૃષિ તકનીકો પણ મદદરૂપ બને છે.

તેઓ કહે છે, “વૃક્ષોના કદને નિયંત્રિત કરવા, મંજરી (ફૂલો) લાવવા માટે અને વહેલી અથવા એકસમાન લણણીના વ્યવસ્થાપન માટે વૈજ્ઞાનિક ઢબે કાપ-કૂપ, કેનોપી (વૃક્ષના ઘેરાવા)નું વ્યવસ્થાપન અને વૃદ્ધિ નિયામકોનો ઉપયોગ કરવામાં આવે છે.”

આઈસીએઆર ખેડૂતોને તેમના પાકમાં સુધારો લાવવા માટે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.

“બેગિંગ” એક સરળ નવતર પહેલ છે, જેમાં દરેક ફળને તેના વિકાસના પ્રારંભિક તબક્કા દરમિયાન હવાની અવર-જવર રહે, તેવા રક્ષણાત્મક આવરણમાં બંધ કરવામાં આવે છે.

બીબીસી ગુજરાતી ભારત મેંગો કેરી ઉત્પાદન ખેતી ખેડૂત ક્લાઇમેટ ચેન્જ

ઇમેજ સ્રોત, Upendra Singh

આઇસીએઆરના ડિરેક્ટર ડૉક્ટર ટી દામોદરન જણાવે છે, “આ પદ્ધતિ ફળની આસપાસ એક નિયંત્રિત સૂક્ષ્મ-વાતાવરણ સર્જે છે, જેના કારણે ફળને જીવાત, ફૂગજન્ય સૂક્ષ્મજીવો, યાંત્રિક નુકસાન તથા વધુ પડતા સૌર વિકિરણ સામે રક્ષણ મળે છે.”

તેમનું સંગઠન આ ઉપરાંત “ગર્ડલિંગ” તરીકે ઓળખાતી અન્ય એક તકનીકની પણ ભલામણ કરે છે.

તેમાં આંબાની પસંદગીયુક્ત શાખાઓ પર એક સાંકડો અને નિયંત્રિત ગોળાકાર કાપો મૂકવામાં આવે છે.

તેના કારણે આંબા પર જે તણાવ ઊભો થાય છે, તે તેની ઊર્જાને ફૂલો અને ફળના વિકાસ તરફ વાળે છે.

જૂના આંબાઓની ઊંચાઈ ઘટાડીને 14થી 18 ફૂટ કરીને તેમનું નાવિન્યીકરણ કરી શકાય છે.

“એક વખત નાવિન્યીકરણ થઈ ગયા બાદ, મંજરીમાં આપમેળે સુધારો થાય છે, ફળનું કદ વધી જાય છે અને મોટાભાગનાં ફળો બી કે સી ગ્રેડને બદલે એ ગ્રેડનાં થઈ જાય છે,” એમ હરિ સિંહે જણાવ્યું હતું.

નીતિ ગોયલે શોખ તરીકે કેરીની ખેતી શરૂ કરી હતી. દસ વર્ષ પહેલાં તેમણે ઉત્સુકતાથી પ્રેરાઈને કેટલાક આંબા રોપ્યા હતા.

આજે તેઓ મહારાષ્ટ્રના અલીબાગમાં 27 એકર જમીન પર 1,100 કરતાં વધુ આંબા ધરાવે છે.

તેઓ જણાવે છે, “પરંપરાગત પ્રાયોગિક ખેતીને બદલે અમે કેરીની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીએ છીએ.”

“અમે દરેક સિઝનની શરૂઆતમાં માટી અને પાંદડાનું વિશ્લેષણ કરીએ છીએ. તે વિના ખાતરનો ઉપયોગ ખેતી પર નહીં, બલ્કે ધારણા પર આધારિત રહેશે.”

“બોરોન અને ઝિન્ક જેવાં સૂક્ષ્મ પોષક તત્ત્વો ફળના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવતાં હોવાથી તેમની અવગણના કરવાથી ઊપજ પર માઠી અસર પડે છે.”

આગામી સમયમાં તેઓ વૃક્ષોને ઘરની અંદર લઈ જવા અંગે વિચારી શકે છે.

“અમે ગ્રીનહાઉસ બનાવી રહ્યાં છીએ, જેથી તાપમાનને નિયંત્રિત રાખી શકાય. જો નવતર પદ્ધતિઓને અપનાવવામાં નહીં આવે, તો વિનાશ નિશ્ચિત છે.”

સર્વાનન અચારીનું પણ માનવું છે કે, વૃક્ષોને ઢાંકી દેવા, એ આગળ વધવાનો યોગ્ય માર્ગ છે.

બીબીસી ગુજરાતી ભારત મેંગો કેરી ઉત્પાદન ખેતી ખેડૂત ક્લાઇમેટ ચેન્જ

ઇમેજ સ્રોત, Getty Images

અચારી 13 દેશોમાં ભારતીય કેરીની નિકાસ કરતા બેરીડેલ ફૂડ્ઝના સ્થાપક છે.

કેરીના પાકમાં જીવાતની વ્યાપક સમસ્યા પ્રવર્તતી હોય છે.

તેઓ કહે છે, “નિકાસનાં બજારોમાં કીટકો પ્રત્યે સ્હેજ પણ સહિષ્ણુતા દાખવવામાં આવતી નથી. જો ઇન્સ્પેક્ટરને નાની અમથી ફળ પર બેસનારી માખી જોવા મળી જાય, તો પણ સમગ્ર કન્સાઇનમેન્ટ રદ કરી દેવાય છે, જેના કારણે મોટું નુકસાન જાય છે.”

ક્લાઇમેટ ચેન્જના કારણે કીટકોનું વ્યવસ્થાપન કરવું વધુ મુશ્કેલ બન્યું છે. ફળ માખી વરસાદ પછી દેખા દે છે, પણ ક્લાઇમેટ ચેન્જને કારણે ચોમાસું અનિશ્ચિત બન્યું હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન જુદા-જુદા સમયે કીટકો ત્રાટકે છે.

અચારી કહે છે, “ક્લાઇમેટ ચેન્જ અત્યારે કેરીની નિકાસ માટેનું સૌથી મોટું જોખમી પરિબળ બન્યું છે.”

આથી, તેઓ બેરીડેલના ફાર્મ પર ગ્રીનહાઉસનો પ્રયોગ કરી રહ્યા છે.

“જાપાન અને ઇઝરાયેલ જેવા દેશો ગ્રીનહાઉસ તથા સંરક્ષિત ખેતીનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે, તેઓ પણ ક્લાઇમેટ ચેન્જના આવા જ પડકારોનો સામનો કરી રહ્યા છે.”

“જો આપણે એકધારી ગુણવત્તા અને ભરોસાપાત્ર નિકાસ મેળવવા માગતાં હોઈએ, તો ભારતીય ખેડૂતોએ પણ આ દિશામાં કામ કરવું પડશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન

SOURCE : BBC NEWS