Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
25 મિનિટ પહેલા
કૅનેડાના વેનકુવર શહેરમાં 27 એપ્રિલે લાપુ લાપુ દિવસના સમારોહ દરમિયાન એક કાર ટોળા પર ધસી ગઈ હતી, જેમાં 11 લોકોનાં મોત થયાં છે. આ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
કાર ચલાવનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શંકમંદની ઓળખ 30 વર્ષીય કાઈ-ડી એડમ લો તરીકે થઈ છે. શંકાસ્પદ વ્યક્તિ વેનકુવરની રહેવાસી છે.
પોલીસે શકમંદને અદાલતમાં રજૂ કર્યો હતો. કાઈ-જી પર અનેક હત્યાઓનો કેસ ચલાવાશે.
વેનકુવર પોલીસના કહેવા પ્રમાણે આ ઘટનામાં મૃતકોની ઉંમર પાંચ વર્ષથી 65 વર્ષ વચ્ચે છે. કેટલાક પીડિતોની હજુ ઓળખ નથી થઈ શકી.
ભારતીય સમય પ્રમાણે રવિવારે સવારે સાડા આઠ વાગ્યે લાપુ દિવસના ઉત્સવ દરમિયાન ઘટના બની હતી.
વેનકુવર પોલીસના કાર્યવાહક પોલીસવડા સ્ટીવ રાયે જણાવ્યું કે આ ઘટનામાં મૃતકોમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. રાયે જણાવ્યું કે 100થી વધુ પોલીસ અધિકારી ઘટનાની તપાસ કરે છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં સૈનિક મોકલવા અંગે ઉત્તર કોરિયાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Reuters
ઉત્તર કોરિયાએ પહેલી વખત પુષ્ટિ કરી છે કે તેણે યુક્રેન-રશિયા યુદ્ધમાં રશિયા તરફથી લડવા માટે પોતાની સેના મોકલી છે.
ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ એક રિપોર્ટમાં આ માહિતી આપી છે.
ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયાની સેનાએ દાવો કર્યો છે કે તેમના સૈનિકોએ નેતા કિમ જોંગ ઉનના આદેશને અનુસરીને કુર્સ્ક સીમા ક્ષેત્રને ‘સંપૂર્ણપણે મુક્ત કરાવવા’માં રશિયન સેનાની મદદ કરી હતી.
દક્ષિણ કોરિયા અને પશ્ચિમી દેશોની જાસૂસી એજન્સીઓ ઘણા સમયથી કહેતી આવી છે કે ઉત્તર કોરિયાએ ગયા વર્ષે કુર્સ્કમાં હજારો સૈનિકો મોકલ્યા હતા.
કેસીએનએએ જણાવ્યું કે સૈનિકોને ગોઠવવાનો નિર્ણય ઉત્તર કોરિયા અને રશિયાની વચ્ચે પરસ્પર સંરક્ષણ સંધિ મુજબ લેવાયો હતો.
તાજેતરમાં રશિયાના ચીફ ઑફ સ્ટાફ વાલેરી ગેરાસિમોવે ઉત્તર કોરિયાના સૈનિકોની બહાદુરીને બિરદાવી હતી.
તેમણે દાવો કર્યો કે રશિયાએ દેશના પશ્ચિમી કુર્સ્ક ક્ષેત્ર પર સંપૂર્ણ નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે. બીજી તરફ યુક્રેને આ દાવો ફગાવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS