Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ICRISAT
પશ્ચિમ અને ઉત્તર ભારતના મોટા ભાગના પ્રાંતોમાં રહેતા લોકોના ભોજનમાં તુવેરદાળ ખાસ સ્થાન ધરાવે છે. ભારત દુનિયામાં સૌથી વધારે તુવેરનું ઉત્પાદન કરતો દેશ છે, સાથે જ દુનિયામાં તુવેરની સૌથી વધારે આયાત કરતો દેશ પણ ભારત જ છે.
આમ, તુવેરદાળની બાબતમાં ભારતમાં માગ સામે ઉત્પાદન ઓછું છે અને પરિણામે વિવિધ દેશીમાંથી મોટા જથ્થામાં તુવેર મંગાવવી પડે છે.
પશ્ચિમ ભારતનાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો, દક્ષિણનું કર્ણાટક, પૂર્વ ભારતનું ઓડિશા અને ઉત્તર ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય તુવેરના વાવેતર અને ઉત્પાદનમાં અગ્રણી છે. તુવેર 120થી 140 દિવસમાં પાકતો લાંબા ગાળાનો પાક છે અને તેનું વાવતેર મોટા ભાગે ચોમાસામાં દરમિયાન થાય છે. ભારતમાં આ પાક ઉષ્ણકટિબંધમાં ગરમ અને ભેજવાળા વાતાવરણમાં વધારે સારો થાય છે.
પરંતુ હવે હિમાલયના બરફથી ઢંકાયેલા પર્વતોની વચ્ચે પણ તુવેરનો પાક લહેરાતો નજરે પડી શકે છે. કાશ્મીર ખીણના ઠંડા હવામાનમાં પણ વાવી શકાય તેવી તુવેરની જાતો વિકસાવવા માટે ઇન્ટરનૅશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સેમિ-ઍરિડ ટ્રૉપિક્સ (ઇક્રિસેટ) નામની વૈશ્વિક સંસ્થા અને શ્રીનગરમાં આવેલી શેર-એ-કાશ્મીર કૃષિવિજ્ઞાન અને ટૅક્નૉલૉજી યુનિવર્સિટી સંયુક્ત રીતે સંશોધન કરી રહ્યાં છે. આ સંસ્થાઓ અનુસાર તેમના સંશોધનનાં પ્રાથમિક પરિણામો ખૂબ ઉત્સાહવર્ધક રહ્યાં છે.
કાશ્મીરમાં કેવા પ્રકારની તુવેર ઉગાડવાના પ્રયાસ થઈ રહ્યા છે?
ઇમેજ સ્રોત, Getty Images
શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી પહાડો પર વવાતા પાકો પર સંશોધન કરવા માટે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા સાગામ ગામમાં માઉન્ટેન ક્રૉપ રિસર્ચ સ્ટેશન નામનું એક સંશોધન કેન્દ્ર ચલાવે છે. ભારતના હૈદરાબાદમાં મુખ્ય મથક ધરાવતી ઇક્રિસેટ સંસ્થાએ 17 ડિસેમ્બર, 2025ના રોજ એક અખબારી યાદીમાં જણાવ્યું કે તે સ્ટેશનમાં તુવેરની નવી જાતો વિકસાવવા માટે તુવેરના કેટલાક છોડ વાવવામાં આવ્યા હતા. ટ્રાયલ એટલે મૂલ્યાંકન માટે વાવવામાં આવેલા આ છોડે ખૂબ સારું ઉત્પાદન આપ્યું છે તેમ ઇક્રિસેટ જણાવે છે.
ઇક્રિસેટે તેની અખબારી યાદીમાં જણાવ્યું કે તુવેરનો પાક ઉષ્ણકટિબંધ અને ઉપ-ઉષ્ણકટિબંધમાં જ લઈ શકાય છે, કારણ કે તુવેરના છોડ વધારે ઠંડું હવામાન સહન કરી શકતા નથી, પરંતુ તુવેરની નવી જાતો વિકસાવવામાં માટે સાગામ ખાતે વાવવામાં આવેલી તુવેરની સાઇટોપ્લાઝમિક મેઇલ સ્ટેરાઇલ (ટૂંકમાં, સીએમએસ) લાઇન, મેઇન્ટેનર અને રિસ્ટોરર લાઇનો તેમજ અન્ય ઍડવાન્સ્ડ બ્રીડિંગ મટીરિયલ એટલે કે નવી જાતો વિકસાવવા માટેની જૈવિક સામગ્રી આ આબોહવાની મર્યાદાને ઓળંગી રહ્યા છે.
સીએમએસ પ્રકારના છોડના ફૂલમાં પરાગરજ થતી નથી. આ પ્રકારના છોડમાં એક પ્રકારનું સંમિશ્રણ કરવામાં આવ્યું હોય છે. તેથી, આવા છોડના ફૂલમાં પોતાના જ સ્ત્રીકેસર અને પુંકેસર દ્વારા પરાગનયન થતું નથી. પરિણામે અન્ય ઇચ્છિત છોડમાંથી પરાગરજ લાવીને આવા છોડનાં ફૂલોમાં પરાગનયનની પ્રક્રિયા કરી શકાય છે.
તુવેરનાં બીજ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
ઇમેજ સ્રોત, ICRISAT
હાઇબ્રિડ જાતો વિકસાવવા માટે પ્લાન્ટ બ્રીડિંગ એટલે કે છોડ સંવર્ધનની પ્રક્રિયામાં આવા સીએમએસ પ્રકારના છોડને માતૃછોડ તરીકે પસંદ કરાય છે. મેઇન્ટેનર છોડના ગુણધર્મો માતૃછોડ તરીકે પસંદ કરાયેલા છોડના ગુણધર્મો જેવા જ હોય છે, પરંતુ તેનાં ફૂલમાં પરાગરજ ઉત્પન્ન થતી હોય છે. આવા મેઇન્ટેનર છોડને બી-લાઇન પણ કહેવામાં આવે છે, જ્યારે સીએમએસ એટલે કે માતૃછોડ તરીકે પસંદ થયેલા છોડને એ-લાઇન કહેવામાં આવે છે. બી-લાઇનના છોડમાંથી પરાગરજ લઈ એ-લાઇનના છોડ સાથે પરાગનયન કરી એ-લાઇનના વધારે બીજ તૈયાર કરવામાં આવે છે.
એ-લાઇનનાં પૂરતાં બીજ તૈયાર થઈ ગયાં બાદ તેને ફરી વાવવામાં આવે છે. તેમાં જ્યારે ફૂલ આવે ત્યારે ઇચ્છિત ગુણધર્મો ધરાવતા પિતૃછોડ તરીકે પસંદ થયેલા છોડમાંથી પરાગરજ લઈ પરાગનયન પ્રક્રિયા કરવામાં આવે છે. રિસ્ટોરર છોડને આર-લાઇન કહેવામાં આવે છે.
આ રીતે એ-લાઇનના છોડનું આર-લાઇનના છોડ સાથે પરાગનયનની પ્રક્રિયાથી સંવર્ધન કરતા તૈયાર થતા બીજ હાઇબ્રિડ બિયારણની પ્રથમ પેઢી તરીકે ઓળખાય છે.
ઇક્રિસેટે તેની અખબારી યાદીમાં કહ્યું, “વહેલી પાકતી, સૂર્યપ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા ધરાવતી, ગરમી અને ઠંડી પ્રત્યે અસંવેદનશીલતા ધરાવતી (તુવેરની) જાતો જ્યાં પરંપરાગત રીતે તુવેરની ખેતી નથી થઈ તેવા સમશીતોષ્ણ અને ઠંડી પડવાની શક્યતાવાળા વિસ્તારોમાં કઈ રીતે ઢળે છે તેનું મૂલ્યાંકન કરવા માટે આ ટ્રાયલ્સ કરવામાં આવી રહ્યા છે… આશાસ્પદ તારણોમાંનું એક તારણ છે કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં નીચા તાપમાનવાળી પરિસ્થિતિમાં સીએમએસ લાઇન્સનું ઓઉટસ્ટેન્ડિંગ ફિલ્ડ પર્ફૉર્મન્સ (ખેતરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન) .”
ભારતમાં તુવેરનું કેટલું ઉત્પાદન થાય છે? કેટલી આયાત થાય છે?
ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય કઠોળ સંશોધન સંસ્થા અનુસાર ભારત તુવેરનો સૌથી મોટો ઉત્પાદક અને આયાતકાર દેશ છે. 2022માં ભારતમાં 50 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર નોંધાયું હતું અને 43.4 લાખ મેટ્રિક ટન એટલે કે 4.43 અબજ કિલો તુવેરનું ઉત્પાદન થયું હતું. તે દુનિયામાં તે વર્ષે થયેલા તુવેરના કુલ વૈશ્વિક ઉત્પાદનનું આશરે 78 ટકા હતું. તે જ રીતે ભારત તુવેરનો સૌથી મોટો આયાતકાર દેશ પણ છે.
2021માં ભારતે કુલ 67.44 કરોડ કિલો એટલે કે 6.74 લાખ ટન તુવેરની આયાત કરી હતી જે વિશ્વની કુલ આયાતનું આશરે 93 ટકા હિસ્સો હતો.
કેન્દ્ર સરકારના આંકડા મજબ 2024-25ના વર્ષમાં ભારતમાં 43.36 લાખ હેક્ટર (6.25 વીઘા =1 હેક્ટર)માં તુવેરનું વાવેતર થયું હતું અને ઉત્પાદન 36.24 લાખ ટન થયું હતું.
2025-26ના વર્ષમાં 40.58 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર નોંધાયું છે અને પ્રથમ અંદાજ મુજબ ઉત્પાદન 35.97 લાખ ટન રહેશે. કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર ભારતે 2023-24ના વર્ષમાં 7.71 લાખ ટન અને 2024-25માં 12.23 લાખ ટન તુવેરની આયાત કરી હતી.
બીબીસી સાથે વાત કરતા મધ્ય પ્રદેશના ઇન્દોરમાં વડું મથક ધરાવતા ઑલ ઇન્ડિયા દાળ મિલ ઍસોસિયેશનના પ્રમુખ સુરેશ અગ્રવાલે કહ્યું, “ભારતમાં તુવેરદાળની જેટલી માગ છે તેટલી તુવેરનું ઉત્પાદન થતું નથી. માગની સામે ઉત્પાદનમાં સરેરાશ 25 ટકા જેટલું ઓછું રહે છે. તેથી, દર વર્ષે ભારતે બર્મા (મ્યાનમાર), કેન્યા, ઝિમ્બાબ્વે, મલાવી વગેરે દેશોમાં સરેરાશ 10 લાખ ટન તુવેરની આયાત કરે છે, પરંતુ તુવેરની મોટા પાયે આયાત કરવાથી ભારતના ખેડૂતોને વિકાસ કરવાની તકો નથી.”
“આમેય ભારતના ખેડૂતોને એક કિલો તુવેરનું ઉત્પાદન કરવા માટે સરેરાશ રૂપિયા 60થી 70 જેટલો ખર્ચ થાય છે અને તુવેર વેચવા જતા ભાવ 75થી 80 રૂપિયા મળે છે. તેથી, ખેડૂતોને તુવેરની ખેતીમાં બહુ મોટો નફો નથી. પરિણામે ખેડૂતો તુવેરનો વાવેતર વિસ્તાર વધારતા નથી.”
કાશ્મીરમાં તુવેરની ખેતી શરૂ થાય તો તુવેર દાળની કિંમત ઘટે?
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સાથે વાત કરતા શેર-એ-પંજાબ યુનિવર્સિટીના વિસ્તરણ વિભાગના ડાયરેક્ટર, પ્રોફેસર રૈહાના હબીબ કાંથે જણાવ્યું કે કાશ્મીરમાં તુવેર પ્રત્યે લોકોનો અભિગમ બદલાઈ રહ્યો છે.
તેમણે કહ્યું, “અમે તુવેર બહુ ખાતા નથી. અહીં, લોકો પ્રોટીન માટે માંસ વધારે ખાય છે. હવે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી રહી છે અને લોકો એવી વાતો કરતા થયા છે કે માંસની બદલે આ ખાઓ. વળી, પહેલા એવી ગેરમાન્યતા પ્રવર્તતી કે કઠોળ માત્ર શિયાળામાં જ ખાઈ શકાય, પરંતુ હવે આ ગેરમાન્યતા નથી રહી. તેથી, જો તુવેરની ખેતી શક્ય બને તો ખેડૂતોને એક વધારે પ્રકારનો પાક લેવાનો વિકલ્પ મળી રહે.”
પરંતુ સુરેશ અગ્રવાલ કહે છે કે જો કાશ્મીર જેવાં રાજ્યોમાં તુવેરનું વાવેતર થવા લાગે તો દેશનો કુલ વાવેતર વિસ્તાર વધે.
અગ્રવાલ ઉમેરે છે, “પરંતુ મને શંકા છે કે કાશ્મીરમાં આ પાક બહુ સારો નહીં થાય. ત્યાં તુવેરની શીંગોમાં દાણા બહુ ઓછા થશે.”
અગ્રવાલે કહ્યું કે હાલ છૂટક બજારમાં તુવેરદાળના ભાવ પ્રતિ કિલોએ 115થી 120 રૂપિયા છે અને જો કાશ્મીરમાં નાના પાયે તુવેરની ખેતી થવા લાગે તો પણ આખા દેશના બજારભાવ પર અસર કરી શકે તેટલો વધારો ઉત્પાદનમાં થશે નહીં.
તો કાશ્મીરમાં પ્રયોગોનું શું મહત્ત્વ છે?
ઇમેજ સ્રોત, ICRISAT
ઇક્રિસેટે તેની અખબારી યાદીમાં જણાવ્યું કે કાશ્મીરમાં આબોહવા પરિવર્તનની વિપરીત અસરો દેખાઈ રહી છે અને તુવેરના પાકના પ્રયોગો તે સંદર્ભમાં મહત્ત્વના છે.
અખબારી યાદીમાં ઇક્રિસેટે જણાવ્યું, “ભારતના હિમાલય પ્રદેશના રાજ્ય તેવા કાશ્મીરમાં આબોહવા પરિવર્તન વધારે ને વધારે વર્તાઈ રહ્યું છે. ત્યાં ઉનાળાઓ દરમિયાન તાપમાનમાં નોંધાઈ રહેલો વધારો અને વધી રહેલી પાણીની તંગી ખેતી માટે નવા પડકારો બની રહ્યા છે.”
ઇક્રિસેટ આમ તો ભારત સહિત પૃથ્વીના ઉષ્ણકટિબંધમાં આવેલા અર્ધશુષ્ક પ્રદેશો માટેના પાકો પર સંશોધન કરતી સંસ્થા છે, પરંતુ 17 ડિસેમ્બરની અખબારી યાદીમાં ઇક્રિસેટે ઉમેર્યું કે તુવેરના પાકના ટ્રાયલ કાશ્મીરમાં આબોહવા પરિવર્તનની અસરો સામે ટકી રહે તેવી પાકોની જાતો વિકસાવવાના સંશોધનનો એક ભાગ છે. આ સંશોધનના ભાગરૂપે કાશ્મીર ખીણમાં વિવિધ ઊંચી જગ્યાઓએ તુવેરની નવી જાતોના ટ્રાયલ 2025ની શરૂઆતથી કરવામાં આવી રહ્યા છે.
ઇક્રિસેટના ડાઇરેક્ટર જનરલ ડૉ. હિમાંશુ પાઠકને ટાંકીને અખબારી યાદીમાં ઉમેરવામાં આવ્યું, “SKUAST-K (શેર-એ-પંજાબ યુનિવર્સિટી) સાથે અમારી ભાગીદારી, જેને કુલપતિ નાઝિર અહમદ ગનાઈના નેતૃત્વનું સમર્થ છે, આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવા કઠોળ પાકોનો પરિચય કાશ્મીરના ખેડૂતોને કરાવવાની નવી સંભાવનાઓના રસ્તા ખોલી આપે છે. જે વિસ્તારમાં ભવિષ્યની અન્ન સુરક્ષાનો આધાર પડકારો ઝીલી બેઠા થવાની ક્ષમતા પર ટકેલો છે ત્યાં નફાકારક પાકોનો વિકલ્પ આપવાની દિશામાં આ ટ્રાયલ્સ એક મહત્ત્વનું પગલું છે.”
ઇક્રિસેટે તેના રિસર્ચ ઍન્ડ ઇનોવેશન એટલે કે સંશોધન અને નવોત્થાનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. સ્ટેનફોર્ડ બ્લાડને ટાંકીને અખબારી યાદીમાં જણાવ્યું કે પ્રાથમિક અવલોકનો દરમિયાન ટ્રાયલ દરમિયાન સંશોધન માટેના તુવેરના કેટલાય છોડમાં વૃદ્ધિનું જોમ, રાતના ઠંડા તાપમાનને સહન કરવાની ક્ષમતા અને સ્થિર ફૂલ અવસ્થા જોવાં મળ્યાં હતાં.
અખબારી યાદી અનુસાર આ જાતો વિષે વાત કરતા ડૉ. બ્લાડે કહ્યું, “જો વધારાની સિઝન દરમિયાન આની પુષ્ટિ થાય તો આ પરિણામો ભવિષ્યમાં કાશ્મીર ખીણમાં તુવેરને એક વાયેબલ ક્રૉપ (અહીં, નફાકારક પાક) તરીકે લઈ આવવાનો રસ્તો તો ખોલશે જ, તેની સાથે સાથે પાકોમાં વૈવિધ્ય લાવશે, અન્ન અને પોષણ સુરક્ષા અને આબોહવામાં ફેરફાર સામે ટકી રહેવાની ક્ષમતા પણ આપશે.”
અખબારી યાદીમાં ઇક્રિસેટે જણાવ્યું કે જો કાશ્મીરમાં તુવેરની ખેતી શરૂ થશે તો ખેડૂતોને એક નાના, પરંતુ ઉચ્ચ મૂલ્યના બજારમાં તુવેર વેચવાની તક મળી રહે તેમ છે.
યાદીમાં એમ પણ ઉમેરવામાં આવ્યું કે આ પ્રગતિથી ઑફ-સિઝન દરમિયાન પણ તુવેરનું ઉત્પાદન કરવાની તકો તેમજ રોગ-જીવાતોના ઓછા ઉપદ્રવ અને લાંબી ફૂલ અવસ્થાને કારણે કાશ્મીર ખીણમાં હાઇબ્રિડ બિયારણો તૈયાર કરવાનું તંત્ર ઊભું કરવાની તકો પણ ઉપલબ્ધ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



