Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Hitesh Thakrar
ઇઝરાયલમાં કામ કરતાં એક મહિલાએ તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી પોરબંદરના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાનાં પત્ની હિરલબા જાડેજા અને તેમના માણસો ઉપર પરિવારજનોનું અપહરણ કરીને ખંડણી વસૂલી કરવાનો આરોપ મૂક્યો હતો.
આ સિવાય અપહૃત પરિવારજનોને હિરલબા જાડેજાના બંગલામાં ગોંધી રાખીને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે એવી રજૂઆત કરી હતી, જેથી પોરબંદર પોલીસ દોડતી થઈ ગઈ હતી.
વીડિયોના પગલે પોલીસે જેમનું કથિત રીતે અપહરણ કરાયું હતું, તે પરિવારજનોની શોધખોળ શરૂ કરી એટલે, પોલીસના દાવા મુજબ કલાકોની અંદર જ અપહરણકારોએ ગોંધી રખાયેલાં મહિલાનાં પરિવારજનોને મુક્ત કર્યાં હતાં.
છેવટે વિધિસરની ફરિયાદ નોંધાતા પોલીસે મંગળવારે હિરલબા અને એક શખ્સની ધરપકડ કરી હતી અને બુધવારે પોરબંદરની કોર્ટે બંનેના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કાંધલ જાડેજાનાં કાકી હિરલબા

ઇમેજ સ્રોત, Hitesh Thakrar
હિરલબાના પતિ ભૂરા મુંજા જાડેજા વર્ષ 1995માં હાલમાં પોરબંદર જિલ્લમાં આવેલી કુતિયાણા વિધાનસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ભૂરા મુંજાનું 2011 માં અવસાન થયું હતું.
હિરલબાની ધરપકડ થતાં જાડેજા પરિવાર ફરી ચર્ચામાં છે.
ભૂરા મુંજા પહેલાં 1990માં ગૉડમધર તરીકે ઓળખાતાં સંતોકબહેન જાડેજા તે સીટ પરથી ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યાં હતાં. સંતોકબહેન એક જમાનામાં પોરબંદરમાં જેમની ધાક હતી, તેવા ગૅંગસ્ટર સરમણ મુંજા જાડેજાનાં પત્ની હતાં.
ભૂરા મુંજા જાડેજા સરમણ મુંજા જાડેજાના નાના ભાઈ હતા. આમ, હિરલબા સંતોકબહેનનાં દેરાણી છે.
સંતોકબહેનના દીકરા કાંધલ જાડેજા કુતિયાણા સીટ પરથી 2012 થી સળંગ ત્રણ વાર ચૂંટણી જીત્યા છે.
હિરલબા પર શું આરોપ છે?

ઇમેજ સ્રોત, Hitesh Thakrar
ઇઝરાયલ રહેતાં લીલુબહેન કુછડિયાએ શનિવારે વીડિયો વાઇરલ કરી આક્ષેપ કર્યો કે હિરલબહેનના માણસોએ પોરબંદર નજીક આવેલા કુછડી ગામેથી ભનાભાઈ ઓડેદરા, ભનુભાઈ કુછડિયા અને ગીગીબહેન કાઠિવારાનું 11મી એપ્રિલે રાત્રે સાવ બારેક વાગ્યે ભનુભાઈના ઘરેથી અપહરણ કર્યું હતું. તેમને હિરલબાના પોરબંદરસ્થિત સુરજ પૅલેસ બંગલામાં લઈ જવાયાં હતાં.
અપહરણકર્તાઓએ ગીગીબહેનને બીજી સવારે જવા દીધાં, પરંતુ ત્રીજા કે ચોથા દિવસે આરોપીઓએ ભનુભાઈના 17 વર્ષના દીકરા રણજીતનું પણ પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરમાં એક સબંધીના ઘરેથી અપહરણ કરી લીધું. રણજીતને પણ કથિત રીતે હિરલબાના બંગલે લાવીને ગોંધી રખાયા હતા.
આરોપ છે કે આરોપીઓએ અપહૃતો પાસેથી સિત્તેર લાખ રૂપિયા માગ્યા અને ભનુભાઈનાં દીકરી રાનીના સોનાના દાગીના પણ પડાવી લીધા. રાનીનું સાતેક મહિના પહેલાં અક્સમાતમાં મૃત્યુ થયું હતું.
પોરબંદરના હાર્બર મરિન પોલીસ સ્ટેશનમાં 30મી એપ્રિલે નોંધાયેલી એફ.આઈ.આર.માં (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) ટાંકવામાં આવેલી વિગોત પ્રમાણે:
આરોપીઓએ અપહૃતો પાસેથી તેમનાં જમીન, મકાન, પ્લૉટ વગેરેના દસ્તાવેજ પણ પડાવવા ધાક-ધમકી આપ્યા અને ભનાભાઈ પાસે બૅન્કના કોરા અગિયાર ચેકમાં બળજબરીપૂર્વક સહીઓ કરાવી લીધી.
એફ. આઈ. આર.માં નોંધવામાં આવ્યું છે આ રીતે સહીઓ કરાવી લીધા બાદ સત્તર દિવસ પછી તા. 27મી એપ્રિલે આરોપીઓએ ભનુભાઈ, ભનાભાઈ અને રણજીતને છોડી મૂક્યા હતા.
એફ. આઈ. આર અનુસાર જયારે આ ત્રણેયને ગોંધી રખાયા હતા, ત્યારે આરોપીઓએ લીલુબહેનને વીડિયો કૉલ કરી હિરલબાએ તેને આપેલ સિત્તેર લાખ રૂપિયા પાછા આપવા પડશે તેવી માંગણી કરી. જવાબમાં લીલુબહેને તેમને રૂ. ત્રીસ લાખ આપી દીધા હોવાનું જણાવ્યું હતું.
ઇઝરાયલમાં રહેતાં લીલુબહેન કોણ છે?

ઇમેજ સ્રોત, Hitesh Thakrar
એફ.આઈ.આર.ની વિગતો પ્રમાણે લીલુબહેન ભનુભાઈનાં પત્ની અને ભનાભાઈનાં દીકરી છે. તે કુછડી ગામનાં વતની છે અને છએક મહિના અગાઉ ઇઝરાયલમાં કામ કરવાં ગયાં છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે લીલુબહેન ઇઝરાયલમાં ઘરડા માણસોની સંભાળ રાખવાની નોકરી કરી રહ્યાં છે. ગીગીબહેન લીલુબેનનાં માસી છે.
પોતાનાં પત્નીનું આઠેક વર્ષ અગાઉ અવસાન થતાં ભનાભાઈ તેમનાં દીકરી લીલુ સાથે રહેતા હતા. ચોસઠ વર્ષના ભનાભાઈ કુછડી ગામ નજીક જાવર ગામમાં આવેલી ફેકટરીમાં માળી તરીકે નોકરી કરે છે.
ભનાભાઈને ત્રણ દીકરીઓ છે જેમાં સૌથી મોટાં લીલુબહેન છે અને સૌથી નાનાં દીકરી તેમના પરિવાર સાથે ન્યૂઝીલૅન્ડમાં રહી નોકરી કરે છે.
અપહૃતોનો છુટકારો કેવી રીતે થયો?

ઇમેજ સ્રોત, Social Media
બીબીસી ગુજરાતી સાથે ગુરુવારે વાત કરતા પોરબંદરના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એસ. પી.) ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું: “ગત શનિવારે ઇઝરાયલ રહેતાં લીલુબહેને વીડિયો દ્વારા તેમના પતિ, દીકરા અને પિતાનું અપહરણ થયાની ફરિયાદ કરી એટલે અમે કથિત રીતે અપહરણ કરાયેલા લોકોને શોધવા ટીમોને કામે લગાડી.”
“પોલીસ અપહૃતોને શોધવા માટે નીકળી છે, તેની જાણ કદાચ આરોપીઓને થઈ ગઈ, તેથી તેમણે ત્રણેય લોકોને અમારી ટીમ ત્યાં પહોંચે, તે પહેલાં જ છોડી મૂક્યા.”
“અપહૃતોના છુટકારા બાદ પોલીસે તેમનાં નિવેદનો નોંધ્યાં હતાં. તેમનાં શરૂઆતનાં નિવેદનોમાં તેમણે તેમનું અપહરણ થયાની વાતને રદિયો આપ્યો. પરંતુ, આ નિવેદનો શંકાસ્પદ લગતા પોલીસે ઝીણવટથી તાપસ ચાલુ રાખેલી.”
એસ.પી જાડેજાએ ઉમેર્યુ હતું, “બાદમાં લીલુબહેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા, હિતેષ ઓડેદરા, વિજય ઓડેદરા તથા અન્ય ચાર-પાંચ લોકોએ પોતાનું અને તેમના જમાઈ ભનુભાઈનું કુછડી ગામેથી 11 એપ્રિલના રોજ અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું.”
“હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ 17 દિવસ સુધી ગોંધી રાખી, માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને તેમની પાસેથી પૈસાની ઉઘરાણી કરી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ આપતા હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.”
ભનાભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (બીએનએસ) કલમો 308 (5) (હત્યા કે ગંભીર ઈજા કરવાની ધમકી આપી ખંડણી ઉઘરાવવી), 104(3) (ગોંધી રાખવાના ઇરાદાથી અપહરણ), 142 (અપહરણ કરાયેલી વ્યક્તિને ગોંધી રાખવી), 115(2) (ઇરાદાપૂર્વક ઈજા પહોંચાડવી) 351(3) (મારી નાખવાની ધમકી આપવી), 120(1) (કબૂલાત કરાવવાના ઇરાદાથી ધમકી આપવી), 127(4) (દસ દિવસ કરતાં વધારે સમય સુધી કોઈને ગોંધી રાખવું) 329(3) (ઘરમાં અપપ્રવેશ), 61(2) (બ) (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે જણાવ્યું કે હિતેશ અને વિજય પણ કુછડી ગામના જ રહીશ છે અને બંને સગા ભાઈઓ છે.
એસપી જાડેજાએ કહ્યું કે હિરલબા અને હિતેશ ઓડેદરાની ધરપકડ કરી લેવાઈ છે જયારે વિજય ઓડેદરા ફરાર છે.
‘પૈસાની લેવડ-દેવડ કારણભૂત’

ઇમેજ સ્રોત, Hitesh Thakrar
પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ બીબીસીને જણાવ્યું કે અપહરણ પાછળ પ્રાથમિક દૃષ્ટિએ પૈસાની લેતી-દેતી હોવાનું જણાય છે.
તેમણે કહ્યું, “પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી છે કે લીલુબહેનના પરિવાર અને હિરલબા વચ્ચે પૈસાની લેવડ-દેવડ થઈ હતી. તે કેટલા રૂપિયાની હતી અને શું વિવાદ છે તે તપાસનો વિષય છે.”
ગુરુવારે બીબીસી સાથે વાત કરતા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. બી. સાળુંકેએ જણાવ્યું કે હિરલબા અને હિતેશ ઓડેદરાને કોર્ટમાં રજૂ કરી તેમના દસ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું, “કોર્ટે હિરલબાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તે જ રીતે હિતેશ ઓડેદરાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.”
પોરબંદરસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી હિતેષ ઠકરાર જણાવે છે કે રિમાન્ડ મંજૂર થયા બાદ ગુરુવારે હિરલબાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તેમને પોરબંદરની ભાવસિંહજી હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં ખસેડ્યાં હતાં, જ્યાં રાત્રે પોણા બાર વાગ્યા આસપાસ તેમને રજા આપવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS