Home તાજા સમાચાર gujrati કચ્છ: પવનચક્કીઓ અને સોલાર પાર્ક્સના માળખાના પગપેસારા વચ્ચે ગુજરાતમાં બચેલાં છેલ્લાં ચાર...

કચ્છ: પવનચક્કીઓ અને સોલાર પાર્ક્સના માળખાના પગપેસારા વચ્ચે ગુજરાતમાં બચેલાં છેલ્લાં ચાર માદા ઘોરાડ પક્ષીનું શું થશે?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઘોરાડ, કચ્છ, નલિયા, પ્રકૃતિ, પવનચક્કી

ઇમેજ સ્રોત, The Corbett Foundation

  • લેેખક, ગોપાલ કટેશિયા
  • પદ, બીબીસી સંવાદદાતા
  • દ્વારા રિપોર્ટિંગ ખાવડા અને નલિયા(કચ્છ)થી
  • 24 મે 2025, 19:27 IST

    અપડેટેડ 3 કલાક પહેલા

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલ ખાવડા ગામ પાસે ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ ઍનર્જી પાર્કના નિર્માણ માટે હજારો કારીગરો અને મજૂરો યુદ્ધના ધોરણ સોલાર પેનલ્સ, પવનચક્કીઓ અને વીજળીના વહન માટે ટ્રાન્સમિશન લાઇનના થાંભલા અને તાર ફિટ કરી રહ્યા છે.

કચ્છના છેલ્લા ગામ એવા ધ્રોબાણા અને ભારત-પાકિસ્તાન સરહદ પર શકુર સરોવર વચ્ચે આવેલી 720 ચોરસ કિલોમીટર “સરકારી પડતર જમીન”માં ભારત 30 ગીગાવૉટ (GW) વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા Renewable energy-RE (રિન્યુએબલ એનર્જી) એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જાનો પ્લાન્ટ બનાવી રહ્યું છે.

સરકાર કહે છે કે ખાવડા RE પાર્ક તેના પ્રકારનો દુનિયાનો સૌથી મોટો પાર્ક હશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ત્યાર બાદ કચ્છના મોટા રણના કિનારે ભુજ તાલુકામાં આ અલ્ટ્રા મેગા પાર્કનું કામ શરૂ થયું હતું અને 2026ના મધ્ય સુધીમાં પાર્ક પૂર્ણ થવાની ધારણા છે.

ઘોરાડના નિવાસસ્થાન સુધી વિસ્તાર

ગુજરાતમાં દેખાયલું માદા ઘોરાડ પક્ષી (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

કચ્છના જિલ્લા મથક ભુજથી ખાવડા સુધીનો હાઇવે 2020 સુધી તો ભેંકાર લાગતો. પરંતુ 2020માં RE પાર્કનું કામ શરૂ થયું ત્યારથી આ હાઇવે પર સોલાર પેનલ્સ, પવનચક્કીના ભાગો, તાર, થાંભલા બનાવવા માટે લોખંડની પટ્ટીઓ, બાંધકામ માટે રેતી, કપચી, સિમેન્ટ વગેરે લઈ જતા ખટારાઓના ભારે ટ્રાફિકથી ધમધમી રહ્યો છે.

આર.ઈ. પાર્કથી નૈઋત્ય દિશામાં 100 કિમી દૂર અબડાસા તાલુકાના નલિયા નજીક કચ્છ ઘોરાડ અભયારણ્ય આવેલું છે.

આ અભયારણ્ય બે ચોરસ કિમીના ઘાસના મેદાનમાં ફેલાયેલું છે. ઘોરાડ પક્ષી માટેનું ગુજરાતમાં કાયદાથી રક્ષિત આ છેલ્લું ઘર છે.

એક સમયે ઘોરાડ પક્ષી આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક જેવા દક્ષિણ ભારતનાં રાજ્યો, મધ્ય પ્રદેશ જેવા મધ્ય ભારતના રાજ્ય, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવાં પશ્ચિમ ભારતનાં રાજ્યો તેમ જ રાજસ્થાન-ગુજરાતને અડીને આવેલા પાકિસ્તાનમાં જોવા મળતાં હતાં.

પરંતુ, છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન તેની વસ્તી ઘટી ગઈ છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ભારતીય વન્યપ્રાણી સંસ્થા)ના અંદાજ મુજબ દુનિયામાં માત્ર દોઢસો જેટલાં જ ઘોરાડ બચ્યાં છે. આ પક્ષીઓ હાલ માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં જ બચ્યાં છે તેવું ભારતીય વન્યપ્રાણી સંસ્થાનો અંદાજ છે.

વસ્તીમાં આટલી તીવ્ર ઝડપે ઘટાડાને કારણે 2011માં ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર (આઈયુસીએન) નામની વૈશ્વિક સંસ્થાએ ઘોરાડને “વિલુપ્તીના આરે” પહોંચી ગયેલી પ્રજાતિઓની યાદીમાં મૂક્યાં હતાં.

પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ઘોરાડના છેલ્લા એવા આ રહેઠાણ સુધી પવનચક્કીઓ અને સોલાર પાર્કથી ઉત્પન્ન થતી વીજળીના વહન માટે ઊભી કરાયેલી તારની જાળનું ઝડપથી વિસ્તરણ થઈ ગયું છે.

ભારતે 2030 સુધીમાં 500 ગીગાવૉટ જેટલી વીજળી પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતોમાંથી ઉત્પન્ન કરવાની ક્ષમતા મેળવી લેવાનું લક્ષ્ય રાખ્યું છે અને તે માટે ખાવડા જેવાં સોલાર અને વિન્ડ પાર્ક્સ બનાવી રહ્યું છે.

પરંતુ આ લક્ષ્યને સિદ્ધ કરવાની દોડમાં ખૂબ જ દુર્લભ ગણાતા અને ગણ્યાગાંઠ્યા જ વધેલાં ઘોરાડ પક્ષીઓના કચડાઈ જવાની ભૂતિ વનજીવનાં સંરક્ષણ માટે કામ કરતા કર્મશીલોએ વ્યક્ત કરી રહ્યા છે.

ઘોરાડ તેની નબળી દૃષ્ટિને કારણે મુશ્કેલીમાં મૂકાયાં છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઘોરાડ, કચ્છ, નલિયા, પ્રકૃતિ, પવનચક્કી

ઇમેજ સ્રોત, The Corbett Foundation

કોઈ પુખ્ત ઘોરાડ પક્ષીનું વજન 18 કિલો જેટલું હોઈ શકે છે અને તે રીતે ઘોરાડ આજે વિશ્વમાં ઊડી શકતાં સૌથી વજનદાર પક્ષીઓની યાદીમાં સ્થાન પામે છે.

પરંતુ ઘોરાડ પક્ષીઓ ઘાસનાં મેદાનોમાં મોટા ભાગનો સમય જમીન પર જ વિતાવવા માટે ઘડાયેલાં હોવાથી તેમની આંખો આજુબાજુ ધ્યાન રાખવા વધારે ટેવાયેલી હોય છે જેથી તે શિકારીઓથી બચી શકે.

આમ આ જ આંખોની ક્ષમતા સીધી દિશામાં બહુ આગળ તરફ જોવા માટે બહુ સારી હોતી નથી. તેના કારણે ઊડતી વખતે ઘોરાડ પક્ષીઓ વીજળીના તાર એટલે કે પાવરલાઇનને દૂરથી જોઈ શકતાં નથી. તેમના શરીરના વજનને કારણે ઘોરાડ માટે પાવરલાઇન નજીક આવી જાય ત્યારે ઉડ્ડયનની દિશા એકદમ બદલવી મુશ્કેલ બને છે.

વન્યજીવો પર સંશોધન કરવામાં ભારતની અગ્રિમ હરોળની સંસ્થા એવી વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ 2020માં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે, “ઘોરાડના ઓછી ઊંચાઈએ મહેનતવાળા ઉડ્ડયન અને સીધી દિશામાં જોવાની નબળી દૃષ્ટિના કારણે વિદ્યુત લાઇનો વૈશ્વિક સ્તરે ઘોરાડ માટે ગંભીર ખતરો બની છે.”

અહેવાલમાં ઉમેરાયું છે કે રાજસ્થાનમાં પાવરલાઇન સાથે અથડાયા પછી દર વર્ષે 18 ઘોરાડ મૃત્યુ પામી રહ્યાં હતાં.

WII એ બીજા એક અહેવાલમાં ચેતવણી આપી હતી કે, “આટલો ઊંચો મૃત્યુદર આ પ્રજાતિ સહન કરી શકે તેમ નથી અને તેની વિલુપ્તીનું નિશ્ચિત કારણ બનશે. જો પાવરલાઇન સાથે અથડાવાથી મૃત્યુ અટકાવવામાં નહીં આવે તો ઘોરાડનું લુપ્ત થવું નિશ્ચિત છે.”

ઘોરાડ માટે જગ્યા ઓછી બચી છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઘોરાડ, કચ્છ, નલિયા, પ્રકૃતિ, પવનચક્કી

ઇમેજ સ્રોત, The Corbett Foundation

કચ્છ ઘોરાડ અભયારણ્ય ગુજરાતનાં સૌથી નાનાં અભયારણ્યોમાંનું એક છે.

2020નો WIIનો રિપોર્ટ સૂચવે છે કે એક ઘોરાડનો વિચરણ વિસ્તાર સાડ 30 ચોરસ કિમીથી 1037 ચોરસ કિમી સુધીનો હોઈ શકે છે.

પરંતુ કચ્છમાં ઘોરાડ પક્ષીઓ માટે બહુ નાનો વિસ્તાર બચ્યો છે. નલિયા નજીક લાલા-બુડિયા ગામોની વચ્ચે આવેલું કચ્છ ઘોરાડ અભયારણ્ય માત્ર બે ચોરસ કિમીમાં ફેલાયેલું છે. સરકારે તેની આજુબાજુનાં ગામોમાં આવેલાં ઘાસિયા મેદાનોને ઘોરાડ પક્ષીઓ માટે સમયાંતરે અનામત કર્યાં છે.

કચ્છ (પશ્ચિમ) વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા કહે છે કે હાલ ગુજરાત વન વિભાગ 125 ચોરસ કિમીને ઘોરાડના નિવાસસ્થાન તરીકે મૅનેજ કરી રહ્યો છે.

ગુજરાતમાં ઘોરાડ પક્ષીના સંવર્ધન અને સંરક્ષણ માટે લેવામાં આવેલાં પગલાંથી આ પક્ષીની વસ્તી જે 1992માં 30 હતી તે 2004માં વધીને 45 થઈ હતી. સતત પ્રયાસોના ફળસ્વરૂપે આ પક્ષીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો.

અબડાસા અને બાજુના માંડવી તાલુકામાં મેદાનોમાં 2007માં ઘોરાડની વસ્તી 48 હોવાનો અંદાજ રાજ્ય સરકારે બાંધ્યો હતો. જોકે તે પછી વસ્તી ઘટવા લાગી. વન વિભાગે 2024માં કરેલી ગણતરીમાં જાણવા મળ્યું કે ફક્ત ચાર ઘોરાડ જ બચ્યાં છે. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે ચારેય પક્ષી માદા હતાં.

છેલ્લી ચાર માદા બચવાથી આ પક્ષીઓને કેવો ખતરો છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઘોરાડ, કચ્છ, નલિયા, પ્રકૃતિ, પવનચક્કી

ઇમેજ સ્રોત, The Corbett Foundation

બીબીસીએ ફેબ્રુઆરી 2025ની શરૂઆતમાં અબડાસામાં આવેલા ઘોરાડ વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું કે કચ્છમાં જીવિત ચાર માદા ઘોરાડ તે વિસ્તારના લોકોની નજરે પાડવાનું ઘટી રહ્યું છે.

ફૉરેસ્ટ ગાર્ડ દુર્ગા વસાવા ગયા ડિસેમ્બરથી આ જાજરમાન પક્ષીઓની ઝલક મેળવવા માટે નિરર્થક પ્રયાસ કરી રહ્યાં છે.

દુર્ગા વસાવાએ બીબીસીને જણાવ્યું, “સુપ્રીમ કોર્ટે (ઘોરાડના સંવર્ધન અને પાવરલાઇનના ભયનું નિવારણ કરવા માટે) નિયુક્ત કરેલી નિષ્ણાત સમિતિની મુલાકાતની પૂર્વસંધ્યાએ અમને અહીં એક ઘોરાડ જોવા મળ્યું હતું. પરંતુ તારીખ બે ડિસેમ્બર (2024)ના રોજ સમિતિ અહીં મુલાકાતે આવી તે દિવસે અહીં કોઈ ઘોરાડ દેખાયું નહીં. તે ખૂબ જ હતાશાજનક હતું.”

દુર્ગા વસાવા 2017થી લાલા-બુડિયામાં આવેલા બે ચોરસ કિમીના અભયારણ્યમાં ફૉરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

સ્થાનિક રહેવાસીઓ પણ દુર્ગાની વાતની પુષ્ટિ કરે છે. લાલા-બુડિયા નજીક પ્રજાઉ ગ્રાસલૅન્ડ તરીકે ઓળખાતા ઘાસનાં મેદાનમાં ગાયો અને ભેંસો ચરાવતા અનવર નોતિયારે જણાવ્યું, “બે મહિના પહેલાં મેં આ ઘાસના મેદાનમાં તલાવડી પાસે એક ઘોરાડ જોયું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘોરાડ દેખાવાના બનાવો ખૂબ જ દુર્લભ બની ગયા છે.”

ઘોરાડ બસ્ટર્ડ કહેવાતી જાતનાં પક્ષીઓની પ્રજાતિ છે.

આઈયુસીએનના બસ્ટર્ડ સ્પેશિયાલિસ્ટ ગ્રૂપના સભ્ય ડૉ. દેવેશ ગઢવી કહે છે કે કચ્છમાં વીજળીને લગતું માળખું ઊભું થયા પછી ઘોરાડની સંખ્યામાં ઘટાડો થયો છે.

તેઓ કહે છે, “ઘોરાડના રહેઠાણના ભાગલા પડી જતાં આ અત્યંત શરમાળ પક્ષીઓને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પહોંચવા માટે ઊડવાની ફરજ પડી. પરંતુ, આ રીતે ઊડતી વખતે તેઓ વીજળીના તાર સાથે ભટકાવવાં લાગ્યાં અને મૃત્યુ પામવાં લાગ્યાં. “

તેઓ આગળ જણાવે છે કે, “2010 પછી કચ્છમાં ઘોરાડની વસ્તીમાં ઝડપથી ઘટાડો થયો છે. બીજું, ઘોરાડની પ્રજોત્પત્તિ કરવાની ગતિ ધીમી છે. માદા મોટે ભાગે દર વર્ષે એક જ ઈંડું મૂકે છે. જ્યારે પુખ્ત વયના લોકો આ રીતે મૃત્યુ પામે છે ત્યારે પ્રજનન દ્વારા વસ્તીમાં નવા સભ્યોની ઉમેરવાની ધીમી ગતિ વધુ ને વધુ ધીમી પડી જાય છે. આ પરિબળોના સંયોજનથી કચ્છમાં ઘોરાડની વસ્તી કડાકાભેર ઘટી ગઈ છે.”

ડીસીએફ ઝાલા કહે છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો છેલ્લી ચાર માદાઓના કોઈ વારસદાર થવાની આશા ઓછી છે.

તેઓ કહે છે, “2018થી કચ્છમાં કોઈ નર ઘોરાડ પક્ષી દેખાયું નથી અને તેથી આવા સંજોગોમા ઘોરાડ પક્ષીઓની વસ્તીમાં કુદરતી રીતે વધારો થાય તેવી કોઈ શક્યતા નથી.”

ભારતની RE મહત્ત્વાકાંક્ષાઓ અને ઘોરાડનું અસ્તિત્વ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઘોરાડ, કચ્છ, નલિયા, પ્રકૃતિ, પવનચક્કી

ઇમેજ સ્રોત, The Corbett Foundation

2015માં પેરિસમાં યોજાયેલી યુએન ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સ (COP21)માં, ભારતે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે 2030 સુધીમાં ભારત તેની 40 ટકા વીજળી બિન-અશ્મિભૂત ઈંધણમાંથી ઉત્પન્ન કરતો દેશ બની જશે. ત્યારથી, દેશ દર વર્ષે સોલાર અને પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં ગીગાવૉટના હિસાબે વધારો કરી રહ્યો છે.

2014માં ભારતની સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા 2.82 ગીગાવૉટ હતી. જાન્યુઆરી 2025 સુધીમાં તે વધીને સો ગીગાવૉટ થઈ ગઈ કારણ કે ગુજરાત અને રાજસ્થાનમાં મોટાભાગે “પડતર” તરીકે વર્ગીકૃત કરાયેલી શુષ્ક જમીન પર વિશાળ સોલાર પાર્ક્સના નિર્માણ કરવામાં આવ્યા.

આ સમયગાળા દરમ્યાન, ભારતની પવન ઊર્જા ક્ષમતા 21 ગીગાવૉટથી વધીને 48 ગીગાવૉટ થઈ ગઈ.

આ 48 ગિગાવૉટમાંથી ત્રીજા ભાગની એટલે કે 16 ગીગાવૉટ જેટલી ઇન્સ્ટૉલ્ડ કૅપેસિટી (ઊભી કરાયેલ ક્ષમતા) તો ગુજરાત અને રાજસ્થાન એમ બે રાજ્યોમાં જ સંયુક્ત રીતે આવેલી છે.

2024ના અંતમાં ભારતની વીજળી ઉત્પન્ન કરવાની કુલ સ્થાપિત ક્ષમતા 462 ગીગાવૉટ હતી. તેમાંથી, RE નો હિસ્સો 209 ગીગાવૉટ એટલે કે 45.3 ટકા હતો. આમ, ભારતે પેરિસ ઍગ્રીમેન્ટમાં પોતાને માટે નક્કી કરેલા લક્ષ્યને ચોક્કસ સમયમર્યાદાથી પાંચ વર્ષ પહેલાં જ સિદ્ધ કરી બતાવ્યું.

ભારતે હવે 2030 સુધીમાં તેની બિન-અશ્મિભૂત ઈંધણ ઊર્જા ઉત્પાદન ક્ષમતાને લગભગ ત્રણ ગણી વધારીને 500 ગીગાવૉટ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

પુનઃપ્રાપ્ય ઊર્જા ઘોરાડને દઝાડશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઘોરાડ, કચ્છ, નલિયા, પ્રકૃતિ, પવનચક્કી

ઇમેજ સ્રોત, The Corbett Foundation

સ્વચ્છ ઊર્જા સ્ત્રોતો માટેની આ દોડ ઘોરાડના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઊભા કરી રહી છે. પ્રદૂષણ ન ફેલાવે તેવા સ્ત્રોતોમાંથી મળતી ઊર્જા એટલે કે ગ્રીન ઍનર્જીની જરૂરિયાત ઘોરાડ પક્ષીઓના સંવર્ધનની અવશ્ક્યતાનો છેદ ન ઉડાડી દે તે વિષયે ભારતની સુપ્રીમ કોર્ટમાં 2019થી એક જાહેરહિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે.

સરકારે કોર્ટને જણાવ્યું છે કે રાજસ્થાનમાં આવેલા થારના રણ અને ગુજરાતના કચ્છમાં સૌર અને પવન ઊર્જાની ક્ષમતા સૌથી વધુ છે કારણ કે ત્યાં જમીન, સૂર્યપ્રકાશ અને પવન વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. પરંતુ સંયોગથી આ જ વિસ્તારો હવે વિશ્વમાં ઘોરાડ પક્ષીનાં છેલ્લાં આશ્રયસ્થાન પણ છે.

લાલા-બુડિયામાં બે ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા કચ્છ ઘોરાડ અભયારણ્ય આજે ત્રણ બાજુએ પવનચક્કીઓથી અને ચોથી બાજુએ વીજળીના તારોથી ઘેરાયેલું છે.

સ્થાનિક લોકો કહે છે કે 2005થી એ વિસ્તારમાં પવનચક્કીઓ અને વીજળીના વહન માટેની હાઈટેંશન પાવરલાઇનો બનવાનું શરૂ થયું હતું. અબડાસામાં હવે લગભગ છસો પવનચક્કીઓ છે અને બીજી ઊભી કરાઈ રહી છે. 2012માં અભયારણ્ય નજીક 40 મેગાવૉટનો સોલાર પાર્ક પણ બનાવવામાં આવ્યો હતો.

સ્થાનિકો અનુસાર કચ્છમાં ઘોરાડનાં નિવાસસ્થાનો છે તેવાં લગભગ બે ડઝન જેટલાં ઘાસનાં મેદાનો આજે પાક્કા રસ્તાઓ, ખેતરો અને એક રેલ્વે લાઇન દ્વારા ભૌતિક રીતે વિભાજિત થવાથી અલગ અલગ ટુકડા બની ગયા છે. આ ઘાસનાં મેદાનોમાં અથવા તેની આસપાસ આશરે 2,000 કિમી જેટલી લાંબી વીજળીની લાઇનોની ઘાટી જાળ આ પક્ષીઓ માટે આકાશમાં અવરોધરૂપ છે.

ઘોરાડની વસ્તી કેવી રીતે ઘટી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઘોરાડ, કચ્છ, નલિયા, પ્રકૃતિ, પવનચક્કી

ઇમેજ સ્રોત, The Corbett Foundation

WIIનાં વૈજ્ઞાનિક ડૉ. સુતીર્થા દત્તા અને અન્ય લોકો દ્વારા લેખિત 2010ના એક રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે છેલ્લાં 30 વર્ષોમાં ઘોરાડ પક્ષીઓની રેન્જમાં 75 ટકાનો ઘટાડો થયો છે. એક ઘોરાડ પક્ષીનું સરેરાશ આયુષ્ય સામાન્ય રીતે 15 વર્ષ હોય છે. તે રીતે જોતા ફક્ત બે-ત્રણ પેઢીઓમાં જ ઘોરાડ પક્ષીઓ તેમની 75 ટકા રેન્જમાંથી અદૃશ્ય થઈ ગયાં.

તેમણે નોંધ્યું કે 1978માં વસ્તી ઘટીને 745 થઈ ગઈ, 2000 સુધીમાં તે 600 થઈ ગઈ અને પછી 2006 સુધીમાં તો અડધી થઈને માત્ર 300 રહી ગઈ. 2018 સુધીમાં તે ફરી વાર અડધી થઈને લગભગ 150 થઈ ગઈ.

22 જુલાઈ, 2022ના રોજ મધ્ય પ્રદેશ રાજ્યની સરકારે કારેરા વન્યજીવ અભયારણ્યના 202 ચોરસ કિમી વિસ્તારને ડિનોટિફાય કર્યો એટલે કે તેનો અભયારણ્ય તરીકેનો દરજ્જો સમાપ્ત કર્યો. કારણ? રાજ્ય સરકારે કહ્યું કે તે અભયારણ્યમાં કોઈ ઘોરાડ બચ્યાં ન હતાં.

2020ના WII રિપોર્ટમાં જણાવાયું છે કે “માનવો દ્વારા આ પક્ષીના ધીમા જીવનચક્રનું સીધી કે આડકતરી રીતે શોષણ કરવાથી ઊભા થયેલાં પરિબળોના સંયોજનને કારણે” ઘોરાડની વસ્તીમાં કડાકો થયો છે.

આ રિપોર્ટ પ્રમાણે, “ભૂતકાળમાં શિકાર અને ઈંડાં ઉપાડી લેવાની પ્રવૃત્તિના કારણે ઘોરાડની વસ્તી 1969માં આશરે 1260 થઈ ગઈ હતી.”

અન્ય કારણોનો પણ આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમકે સૂકા પ્રદેશોના ઘાસનાં મેદાનોને ” બિનઉપજાઉ ખરાબા” તરીકે નકારી દેવામાં આવે છે અને તેમને અન્ય પ્રકારના ઉપયોગ માટે ફાળવી દેવામાં આવે છે અને તે રીતે ઘોરાડનાં નિવાસ્થાનોનો નાશ ચાલુ છે.

તાજેતરમાં સિંચાઈ અને ખેતી કરવાની ટેકનૉલૉજીમાં થયેલાં સંશોધનોને કારણે ખેતી પાકો હવે ઋતુગત ન રહેતાં આખું વર્ષ લેવાતા ઇનઑર્ગેનિક (બિનસજીવ) પાકો થઈ ગયા છે.

પાવર પ્રોજેક્ટ્સ અને રસ્તાઓ જેવા માળખાગત વિકાસને કારણે તેમના નિવાસસ્થાનોની ગંભીર અધોગતિ થઈ છે…”

ઘોરાડને બચાવવા માટે બહુ મોડું થઈ ગયું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઘોરાડ, કચ્છ, નલિયા, પ્રકૃતિ, પવનચક્કી

ઇમેજ સ્રોત, The Corbett Foundation

2021માં સુપ્રીમ કોર્ટે ઘોરાડ માટે રાજસ્થાન અને ગુજરાતના જે વિસ્તારોને પ્રાયોરિટી એરિયા એટલે કે પ્રાથમિકતા ધરાવતાં નિવાસસ્થાનો તરીકે સ્વીકાર કર્યાં હતાં, તે વિસ્તારોમાં આવેલી તમામ વીજલાઇનોના તારને ઉતારીને જમીનમાં દાટી તે રીતે વીજળીનું વહન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ગુજરાતમાં વીજળીના વહનનું કામ કરતી સરકારી કંપનીઓના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કચ્છમાં ઘોરાડનાં રહેઠાણોમાં આવેલ લગભગ દસ કિલોમીટર લાંબી વીજલાઇનો ભૂગર્ભિત કરવામાં આવી અને બાકીની વીજલાઇનો પર સવા બે લાખ જેટલા બર્ડ ફ્લાઇટ ડાયવર્ટર લગાવવામાં આવ્યા જેથી ઊડતી વખતે ઘોરાડ પક્ષીઓ આવા તાર જોઈ શકે અને તેનાથી દૂર રહીને ઊડે.

નાયબ વનસંરક્ષક યુવરાજસિંહ ઝાલા એવો આશાવાદ વ્યક્ત કરે છે કે કચ્છમાંથી ઘોરાડ પક્ષીઓ વિલુપ્ત નહીં થાય.

તેઓ કહે છે કે, “કચ્છમાં માદા ઘોરાડ પક્ષીઓ હજુ પણ તેમની પ્રજનનની ઉંમરમાં છે. તેઓ બિનફળદ્રુપ ઈંડાં આપી રહ્યાં છે. બીજી બાજુ, રાજસ્થાનમાં ઘોરાડ સંવર્ધનના ભાગરૂપે ચાલુ કરાયેલા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટરમાં ઘોરાડ પક્ષીઓના ઉચ્છેરનો કાર્યક્રમ સફળ રહ્યો છે અને ત્યાં કૃત્રિમ રીતે સેવેલાં ઈંડાંમાંથી ઘોરાડનાં બચ્ચાંના જન્મ થઈ રહ્યાં છે.”

તેઓ ઉમેરે છે કે, “તે ઉપરાંત, ત્યાં પિંજરાંમાં રાખેલાં ઘોરાડ પક્ષીઓ ઈંડાં પણ મૂકી રહ્યાં છે. કચ્છમાં માદાઓએ મુકેલાં બિનફળદ્રુપ ઈંડાંને ખસેડી તેમની જગ્યાએ રાજસ્થાનના કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટરમાંથી લાવેલાં ફળદ્રુપ ઈંડાં મૂકવામાં આવે તો કચ્છમાં ઘોરાડની વસ્તીમાં જમ્પ-સ્ટાર્ટ (કુદકાભેર શરૂઆત) થઈ શકે તેમ છે અને આ માટેની પ્રક્રિયા અમે આરંભી પણ દીધી છે.”

તેઓ કહે છે કે, “રાજ્ય સરકાર કચ્છમાં ઘોરાડનાં નિવાસસ્થાનોનું રક્ષણ કરશે જેથી રાજસ્થાનના કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટરમાં ઊછરી રહેલાં ઘોરાડ પક્ષીઓને જયારે તેમનાં નૈસર્ગિક રહેઠાંણોમાં મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવે ત્યારે આપણા વિસ્તારો તેના માટે તૈયાર હોય.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS