Home તાજા સમાચાર gujrati ઓટ્ટોમન ઇતિહાસની સૌથી શક્તિશાળી મહિલા સુલતાન ‘રશિયાની ડાકણ’ હતી?

ઓટ્ટોમન ઇતિહાસની સૌથી શક્તિશાળી મહિલા સુલતાન ‘રશિયાની ડાકણ’ હતી?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઓટોમન સામ્રાજ્ય,

ઇમેજ સ્રોત, Michael Bowles/Getty Images

  • લેેખક, હિલ્કેન ડોગાક બોરાન
  • પદ, બીબીસી ન્યૂઝ ટર્કીશ
  • 18 મે 2025, 18:12 IST

    અપડેટેડ 4 કલાક પહેલા

ઓટ્ટોમન સામ્રાજ્યનાં સૌથી પ્રભાવશાળી મહિલા અને ઇતિહાસનાં સૌથી શક્તિશાળી શાસકોમાંના એક સુલેમાન ધ મેગ્નિફિસિયન્ટનાં પ્રિય પત્ની.

એક રહસ્યમય મહિલા, જેમની વિરાસતને ફરી લખી તેનું અર્થઘટન કરાઈ રહ્યું છે તેવાં હુરૈમ સુલતાન તેમના મૃત્યુની ચાર સદી બાદ પણ ઇતિહાસપ્રેમીઓને એટલાં જ આકર્ષિત કરે છે. તેમનું મૃત્યુ 1558માં થયું હતું.

હુરૈમ સુલતાનને રોક્સેલાના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ ફક્ત ઉપપત્ની કે પત્ની કેવળ નહોતાં. ગુલામીથી શાહી પરીવારના શિખર સુધી તેમની સફર અસાધારણ હતી. તેઓ એક એવી વ્યક્તિ બની કે જેમણે 16મી સદીના ઓટ્ટોમન દરબારની રાજકીય પૃષ્ઠભૂમિને નવો આકાર આપ્યો.

ઓટ્ટોમન સામ્રાજ્ય 14મીથી 20મી સદીની શરૂઆત સુધી દક્ષિણપૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા પર પ્રભુત્વ ધરાવતું હતું. તેને ઇતિહાસના સૌથી મોટા અને લાંબા સમય સુધી ચાલનારાં સામ્રાજ્યોમાંનું એક માનવામાં આવે છે.

ઘણા ઇતિહાસકારોના મતે “સ્ત્રીઓની સલ્તનત” કે એક એવો સમયગાળો જેમાં શાહી મહિલાઓનો ઓટ્ટોમન શાસન પર અભૂતપૂર્વ પ્રભાવ હતો તે હુર્રેમના ઉદય સાથે શરૂ થયો.

ઓટ્ટોમન હુરૈમ મહેલમાં આવેલા ખાનગી નિવાસસ્થાનમાં રહેતાં હતાં. ત્યાં સુલતાનની પત્નીઓ, ઉપપત્નીઓ, મહિલા પરિવારના સભ્યો અને મહિલા નોકરો રહેતાં હતાં. આ જગ્યાનો ઇતિહાસ સારી રીતે દસ્તાવેજીકૃત થયેલો છે.

છતાં સદીઓ પછી તેનાં મૂળ અંગેનું રહસ્ય ચર્ચાને વેગ આપતું રહે છે. શું હુરૈમ આધુનિક યુક્રેનનાં ગુલામ હતાં કે એક રૂઢિચુસ્ત પાદરીનાં પુત્રી હતાં. શું તેઓ ઇટાલિયન કુલીન મહિલા હતાં, જેમનું ચાંચિયાઓએ અપહરણ કર્યું હતું?

કેદથી લઈને દરબાર સુધી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઓટોમન સામ્રાજ્ય,

ઇમેજ સ્રોત, Tims Productions

મોટા ભાગના ઇતિહાસકારો માને છે કે હુર્રેમ સુલતાનનો જન્મ 1500ના દાયકાની શરૂઆતમાં રૂથેનિયામાં થયો હતો. આ એક ઐતિહાસિક પ્રદેશ છે જે આધુનિક યુક્રેન, પોલૅન્ડ અને બેલારુસના ભાગોને આવરી લે છે.

હુરૈમના જન્મ સમયના નામનો કોઈ ચોક્કસ રેકૉર્ડ નથી. કેટલાક યુક્રેનિયન સ્રોતો તેમને એલેક્ઝાન્ડ્રા લિસોવસ્કા અથવા અનાસ્તાસિયા તરીકે ઓળખાવે છે. જ્યારે અન્ય માને છે કે તેઓ પશ્ચિમ યુરોપમાં લા રોસા (લાલ), રોઝાન્ના (ભવ્ય ગુલાબ), રોકસોલન (રુથેનિયન સ્ત્રી), રોક્સાના અથવા રોક્સેલાના જેવાં નામોથી જાણીતાં હતાં.

જોકે, સત્તાવાર ઓટ્ટોમન દસ્તાવેજો તેમને હાસેકી હુરૈમ સુલતાન તરીકે ઓળખાવે છે. ફારસી ભાષામાં “હુરૈમ”નો અર્થ આનંદકારક થાય છે અને “હાસેકી” એ સુલતાનના બાળકની માતા માટેની અનામત માનદ પદવી છે.

કેટલાક સ્રોતો દાવો કરે છે કે હુરૈમ એક રૂઢિચુસ્ત પાદરીનાં પુત્રી હતાં, અન્ય સૂચવે છે કે તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો.

તુર્કીના પ્રોફેસર ફેરીદુન એમેસેન કહે છે કે ક્રિમિયન તાતાર ધાડપાડુઓ દ્વારા તેમને રોહાટિનમાં બંદી બનાવી લેવાયાં હતાં.

પછી, તેમને ગુલામીમાં વેચી દેવાયાં અને કિશોરાવસ્થામાં ઓટ્ટોમન સામ્રાજ્યમાં લાવવામાં આવ્યાં. જેને પછીથી પ્રિન્સ સુલેમાનનાં માતાને ભેટ અપાયાં, જે પાછળથી સુલેમાન ધ મેગ્નિફિસન્ટ તરીકે ઓળખાતાં થયાં. આવું એક ટર્કિશ પ્રોફેસર ઝેનેપ તારીમ કહે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઓટોમન સામ્રાજ્ય,

ઇમેજ સ્રોત, Tims Productions

ઇતિહાસકાર જણાવે છે કે તેઓ 1520 સુધીમાં હેરમમાં રહેવા માંડ્યાં હશે. આ હકીકતના આધારે કે દંપતીના પહેલા બાળક પ્રિન્સ મેહમેદનો જન્મ પછીના વર્ષે થયો હતો.

સદીઓથી ચાલતા રિવાજને તોડીને સુલેમાને પાછળથી તેમની સાથે લગ્ન કર્યાં. એક એવું કૃત્ય જેણે દરબારીઓને આઘાત આપ્યો અને હુરૈમનું સ્થાન તેમનાં પૂર્વવર્તી કરતાં વધુ ઊંચું બન્યું. કેમ કે અગાઉ કોઈ અન્ય ઓટ્ટોમન સુલતાને ઉપપત્ની સાથે લગ્ન કર્યાં ન હતાં.

હુરૈમ સુલતાન ખરેખર કોણ હતાં?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઓટોમન સામ્રાજ્ય,

ઇમેજ સ્રોત, Rinaldo Marmara

તેમના રૂથેનિયન મૂળ અંગે વ્યાપક સંમતિ હોવા છતાં હુરૈમની પૃષ્ઠભૂમિ વિશે વૈકલ્પિક સિદ્ધાંતો ચાલુ છે.

એક ખાસ વિવાદાસ્પદ દાવો સંશોધક ડૉ. રિનાલ્ડો મારમારા તરફથી આવે છે, જે કહે છે કે તેમને વેટિકન આર્કાઇવ્સમાં એક હસ્તપ્રત મળી હતી જે સૂચવે છે કે હુરૈમ ખરેખર સિએનાના માર્સિગલી પરિવારની માર્ગેરિટા નામની ઇટાલિયન કુલીન મહિલા હતી.

આ દસ્તાવેજ મુજબ તેમને અને તેમના ભાઈને ચાંચિયાઓએ પકડી લીધાં હતાં અને ઓટ્ટોમન દરબારમાં ગુલામ તરીકે વેચી દેવાયાં હતાં.

મારમારાએ આગળ કહ્યું કે હસ્તપ્રત હુરૈમના વંશજ સુલતાન મહમદ IV અને પોપ એલેક્ઝાન્ડર VII વચ્ચેના કથિત સગપણને છતું કરે છે અને તેમની રૂથેનિયન ઓળખ પર શંકા કરે છે અને છુપાયેલા કુલીન વંશનું સૂચન કરે છે.

જોકે પ્રોફેસર તારીમ ચેતવણી આપે છે કે આ દાવાની ચોકસાઈ માટે વધુ પુરાવાની જરૂર છે.

તેઓ ખૂબ જ વિગતવાર એવા વેનીસના રાજદૂત રેકૉર્ડમાં તેના કોઈ ઉલ્લેખની ગેરહાજરી તરફ ધ્યાન દોરે છે. આ રેકૉર્ડને તે સમયગાળામાં અંગેની દરબારી ગપસપ અને રાજદ્વારી બાબતોના સૌથી વિશ્વસનીય સ્રોતોમાંનો એક માનવામાં આવે છે.

તેઓ કહે છે, “જો આવી કોઈ વસ્તુ હોત, તો (રેકૉર્ડ્સ) અમને તેના વિશે જરૂર કહેત અને અમે તેના વિશે ખૂબ પહેલાં જાણી શક્યા હોત.”

પ્રોફેસર એમેસેન આ શંકાને સ્વીકારતા કહે છે કે હુરૈમે પૉલિશ શાહી પરિવાર સાથે પત્રવ્યવહાર કર્યો હતો, પરંતુ તે માત્ર ઔપચારિક રાજદ્વારીનો જ ભાગ હતો.

‘રશિયન ડાકણ’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઓટોમન સામ્રાજ્ય,

ઇમેજ સ્રોત, Pictures From History/Universal Images Group

જુદા જુદા સ્રોતમાં હુરૈમ સુલતાનનો ઉલ્લેખ જે રીતે કરવામાં આવ્યો છે તેનાથી મૂંઝવણ વધી જાય છે.

ઓટ્ટોમન યુગના દસ્તાવેજો અને કવિતાઓમાં ક્યારેક તેમને “રશિયન ડાકણ” તરીકે ઓળખાય છે, જે વિવેચકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું અપમાનજનક ઉપનામ હતું.

ખાસ કરીને સુલેમાનના મોટા પુત્ર પ્રિન્સ મુસ્તફાના વધ બાદ. તે બીજી સ્ત્રીથી જન્મેલો હતો અને ઓટ્ટોમન સિંહાસનનો પહેલો દાવેદાર હતો. એવું માનવામાં આવે છે કે હુરૈમે તેના પતનનું આયોજન કર્યું હતું, જેથી તેમના પુત્રો માટે રાજગાદીનો માર્ગ મોકળો થાય.

પ્રોફેસર એમેસેન સ્પષ્ટતા કરે છે કે ઓટ્ટોમન સંદર્ભમાં “રુસ” શબ્દ ફક્ત વંશીય રશિયનો માટે જ નહોતો. તેના બદલે તે ઉત્તરના કોઈ પણ માટેની ભૌગોલિક ઓળખ જેવો હતો જેમાં આધુનિક યુક્રેનિયનો અને બેલારુસિયનોનો પણ સમાવેશ થાય છે.

પશ્ચિમી પ્રવાસીઓ અને તે સમયના વેનેશિયન રાજદ્વારીઓ પણ હુરૈમને રશિયન તરીકે જ ઓળખાવતા હતા. પરંતુ વિદ્વાનો દલીલ કરે છે કે તેની આ ઓળખ વંશીય કરતાં ભૌગોલિક મૂળનું પ્રતિબિંબ વધારે હતી.

પ્રોફેસર એમેસેન કહે છે, “તે સમયે આજની સરહદો પ્રમાણે કોઈ રશિયા નહોતું. (તે સમયગાળાના પત્રવ્યવહારમાં) રશિયન શબ્દનો અર્થ ‘રશિયન ભૂગોળથી’ છે.”

બીબીસી ન્યૂઝ યુક્રેનિયનના વિટાલી ચેર્વોનેન્કો ઉમેરે છે કે “16મી સદીમાં પોલૅન્ડમાં યુક્રેનિયન વસ્તી ધરાવતા પ્રદેશોને ‘રુસ્કે’ પ્રાંત નામ આપવામાં આવ્યું હતું અને રોહાટિન તેનો એક ભાગ હતું.”

તેઓ કહે છે, “તે સમયે યુક્રેનિયનોને ‘રુસિન્સ’ કહેવામાં આવતા હતા પણ તેનો રશિયા સાથે કોઈ સંબંધ નહોતો.”

તાજેતરનાં વર્ષોમાં હુરૈમ સુલતાનની ઓળખે નવેસરથી રાજકીય મહત્ત્વ મેળવ્યું છે, ખાસ કરીને યુક્રેનમાં, જ્યાં તેમની ઓળખને એક રાષ્ટ્રીય હસ્તી તરીકે ઊજવવામાં આવે છે.

તેમના માનમાં તેમના કથિત વતન રોહાટિનમાં પ્રતિમાઓ સ્થાપિત કરાઈ છે અને હાલના રશિયાના કબજા હેઠળના શહેર મારિયુપોલમાં એક મસ્જિદ સુલેમાનના નામની સાથે તેમનું નામ પણ ધરાવે છે.

2019માં અંકારામાં યુક્રેનિયન દૂતાવાસની વિનંતીથી ઇસ્તંબૂલમાં સુલેમાનિયે મસ્જિદ સંકુલમાં તેમની કબર પરના શિલાલેખમાંથી તેમના “રશિયન મૂળ”ના સંદર્ભને દૂર કરવામાં આવ્યો હતો.

અપડેટ કરાયેલા શિલાલેખ હવે તેમના યુક્રેનિયન વારસાને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે આધુનિક ભૌગોલિક રાજનીતિના સંદર્ભમાં તેમનો વારસો કેવી રીતે ચાલુ રહ્યો છે.

હુરૈમ સુલતાનનાં પરોપકારી કાર્યો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઓટોમન સામ્રાજ્ય,

હુરૈમનો પ્રભાવ હેરમની ચાર દીવાલોથી ઘણો આગળ વધ્યો હતો, પરંતુ કદાચ તેમનાં પરોપકારી કાર્યો ઇતિહાસમાં વધુ યાદગાર બન્યાં છે.

તેમણે ઇસ્તંબૂલ અને જેરુસલેમમાં મસ્જિદો, સૂપ કિચન અને સખાવતી ફાઉન્ડેશનો શરૂ કર્યાં હતાં. જે તે સમયે ઓટ્ટોમન સામ્રાજ્યનો ભાગ હતા. ઇસ્તંબૂલમાં હાસેકી જિલ્લો આજે પણ તેમનું નામ ધરાવે છે.

ઐતિહાસિક રેકૉર્ડ અનુસાર હુરૈમ સુલતાનનું મૃત્યુ 15 એપ્રિલ, 1558ના રોજ ઇસ્તંબૂલમાં કુદરતી રીતે થયું હતું. તેમના શરીરને સુલેમાનિયે મસ્જિદમાં દફનાવાયું હતું. બાદમાં સુલતાન સુલેમાનના આદેશથી તેમની કબર જ્યાં છે ત્યાં એક કબર બનાવાઈ હતી.

તેમના મૃત્યુથી એક અસાધારણ જીવનનો અંતે આવ્યો, પરંતુ તેમની આસપાસના પ્રશ્નોનો નહીં.

હુરૈમ ભલે રૂથેનિયન ગુલામ હોય, ઇટાલિયન ઉમરાવ હોય કે સત્તાની ગેરસમજવાળી સ્ત્રી હોય, હુર્રેમ સુલતાન ઓટ્ટોમન અને વૈશ્વિક ઇતિહાસમાં સૌથી મનમોહક અને વિવાદાસ્પદ વ્યક્તિઓમાંની એક બની રહે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS