Source : BBC NEWS

ગળામાં જુદા-જુદા રંગનાં મોતીની માળાઓ પહેરેલાં મહિલાનું નામ છેઃ લોટકોય એબે.
એક સમયે તેમની પાસે 50 બકરાં હતાં, પણ હવે માત્ર પાંચ બકરી બચી છે.
ઉત્તર કેન્યામાં આવેલા દુષ્કાળે આ વિસ્તારને પાયમાલ કરી નાખ્યો છે. ઘાસ સૂકાઈ રહ્યું છે, એવા વખતે લોટકોય લાચાર થઈને તેમના પશુધનને એક પછી એક તેમની નજર સામે મોતને ભેટતાં જોઈ રહ્યાં છે.
તેઓ જ્યાં રહે છે, તે તુર્કાના પ્રદેશની સંસ્કૃતિમાં પશુધન કેવળ આવકનો સ્રોત નહીં, બલ્કે જીવનનો સ્રોત ગણાય છે.
આ સ્થિતિમાં ઢોર-ઢાંખર ગુમાવવાં, એ મોટી આફત સમાન છે અને સ્થાનિકો કહે છે કે, આ નુકસાનમાંથી બહાર આવવું અત્યંત કઠિન છે.
દેશના અમુક ભાગોમાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલાંક સ્થળોએ તો પૂર પણ આવ્યાં છે. જોકે, અધિકારીઓ ચેતવણી આપે છે કે, તુર્કાના પ્રદેશને તાત્કાલિક ધોરણે કોઈ રાહત મળશે નહીં.
સ્થાનિક નૅશનલ ડ્રાઉટ મૅનેજમેન્ટ એજન્સીના નિષ્ણાતોના મતાનુસાર, વરસાદ અસમાન અને અનિયમિત રહ્યો છે. તુર્કાનાના અમુક વિસ્તારોમાં નહિવત્ વરસાદ પડ્યો છે, તો અમુક ભાગો સાવ કોરાધાકોર રહી ગયા છે.
વધુમાં, આ વરસાદ છેલ્લાં બે ચોમાસાંને કારણે પડેલા દુકાળની અસર ઘટાડવા માટે પર્યાપ્ત નથી.
દુષ્કાળની અસર માત્ર કેન્યા સુધી સીમિત ન રહેતાં તે સમગ્ર પૂર્વ આફ્રિકામાં પ્રસરી છે. સહાયતા એજન્સી ઓક્સફૅમના જણાવ્યા અનુસાર, કેન્યા, ઇથિયોપિયા અને સોમાલિયાનાં લગભગ 26 મિલિયન લોકો ભૂખમરા સામે ઝઝૂમી રહ્યાં છે.
લાંબા ચાલેલા આ દુકાળનો પ્રભાવ સમગ્ર તુર્કાના પ્રદેશમાં વર્તાઈ રહ્યો છે.
સૂકીભઠ નદીઓ એવી ભાસે છે, જાણે તેમણે જમીન પર તેમનાં મોં ઉઘાડાં કરી દીધાં હોય. એક સમયે ઘેટાં-બકરાં અને ઊંટનાં ઝૂંડને જ્યાંથી ચારણ મળતું હતું, તે ગોચરની જમીનો આજે સપાટ મેદાનોમાં ફેરવાઈ ગઈ છે.
કેવળ પશુધન જ નહીં, બલ્કે તેમના માલિકો પણ ખોરાકની અછતનો સામનો કરી રહ્યા છે.
‘ભોજન શોધવાનો એકમાત્ર માર્ગ’

52 વર્ષનાં એબે તેમના પરિવારને ખોરાક માટે વલખાં મારતો જોઈ રહ્યાં છે. તેમના પરિવારને દિવસમાં બે ટંક ભોજન મળવું દોહ્યલું થઈ ગયું છે.
મોટાભાગે તેઓ દિવસમાં માત્ર એક જ ટંક ખાય છે, અને એ પણ જો મળે તો.
કેટલીક વખત તેમને પાંચ દિવસ સુધી યોગ્ય ખોરાક મળતો નથી. આવી સ્થિતિમાં તેઓ શું કરતાં હોય છે, તેનું તેમણે તેમના કમજોર થઈ ગયેલા અવાજમાં વર્ણન કર્યું હતું.
“અમારી પાસે હવે ઝાડી-ઝાંખરાઓમાં જઈને કશુંક ખાવાનું શોધી કાઢવાનો એકમાત્ર માર્ગ બચ્યો છે,” એમ તેમણે કહ્યું હતું.
ભૂતકાળમાં સહાય સંસ્થાઓ કેટલીક વખત એબે જેવાં લોકોને ખોરાક પૂરો પાડતી હતી. હવે, આ કાર્ય બંધ શા માટે થઈ ગયું, તે સ્પષ્ટ નથી. જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે, અત્યંત જરૂરિયાતમંદ એવા વિસ્તારોને હવે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાની શક્યતા છે.
તે સહાયક વિતરણોએ ભૂતકાળમાં અસરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. પણ, સરકાર કે સંસ્થાઓ દ્વારા હજી સુધી આવી કોઈ મદદ મળી નથી.
પરિવારની દરેક વ્યક્તિ ભૂખમરાનો શિકાર બની છે. એબે કહે છે કે, તેમનાં માતાએ પરમ દિવસે ખાધું હતું. ત્યારથી તેઓ ભૂખ્યાં છે.
ખાવા માટે જંગલી ફળ જ એકમાત્ર ઉપાય

આવા સંજોગોમાં, જ્યારે તમામ વિકલ્પો મર્યાદિત છે, તેવા સમયે એબે જિલ્લા અને કેન્દ્રીય અધિકારીઓને તેમના પરિવારને મદદ કરવાની વિનવણી કરી રહ્યાં છે.
કાકવાનયાંગ ગામમાં એક વૃક્ષના છાંયા નીચે બેસીને ત્રણ મહિલાઓ કડક, ખરબચડું બદામી રંગનું ફળ પીસી રહી છે.
તે ‘દાઉમ પામ’ કે ‘જીંજરબ્રેડ ટ્રી’નાં ફળ છે. સ્થાનિક ભાષામાં તે “મિકવામો” તરીકે ઓળખાય છે.
જોકે, આ ફળ એટલાં સહેલાઈથી નથી મળતાં. કેટલીક વખત ભૂખ્યાં ગ્રામજનોએ તેનાં ઝાડ શોધવા માટે જંગલમાં ત્રણ કલાક ભટકવું પડે છે.
જૂના વખતમાં, ઘેટાં-બકરાં આ ફળો ચરતાં હતાં અને નાનાં બાળકો નાસ્તા તરીકે તે આરોગતાં હતાં. હવે આ ફળ સુલભતાથી મળી રહેતો ખોરાક બની ગયું છે.
ફળ પીસી રહેલાં એક મહિલા રેજીના ઇવુતે લોકોપૂએ જણાવ્યું હતું, “મને સમજાતું નથી, આ ભૂખ કોણે પેદા કરી છે. ભૂખ વેઠવી ઘણી મુશ્કેલ છે.”
તેમણે કહ્યું હતું, “અમે ભૂખનાં માર્યાં આ ફળો ખાઈ રહ્યાં છીએ.”
આ ફળનો સ્વાદ જીંજરબ્રેડ જેવો હોય છે. ફળ ખાતાંવેંત પેટ ભરાઈ જાય છે. જોકે, લોકોપૂ તેને વધુ પ્રમાણમાં ખાવાની ના પાડે છે. તેઓ કહે છે કે, આ ફળ વધુ ખાવાથી નશો અને પેટની ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.
કેટલીક વખત પરિવારો દાઉમનાં પાંદડાંમાંથી બનેલો લોટ વેચીને થોડાં નાણાં રળી લે છે.
તે પૈસામાંથી તેઓ મકાઈનો લોટ ખરીદીને તેને આ ફળના રસ સાથે ભેળવી દે છે.
તેઓ માને છે કે, આમ કરવાથી ફળનું પ્રમાણ ઘટી જશે અને તે ખાવાથી કોઈ નુકસાન નહીં થાય.
‘દિવસો સુધી લોકોએ ભૂખ્યા રહેવું પડે છે’

લોકોપૂ પાસે હવે એક જ બકરી બચી છે. તેને પણ તેઓ આ જંગલી ફળ ખવડાવે છે.
એક સમયે તેમની પાસે 20 બકરીઓ હતી. એક સિવાયની બાકી તમામ બકરીઓ મોતને ભેટી છે.
અન્યોની માફક તેમણે પણ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જિલ્લા તંત્ર કે કોઈપણ સહાયતા સંસ્થાઓએ ગયા વર્ષના મુશ્કેલ સમય દરમિયાન કરી હતી, તેવી સહાય પૂરી પાડી નથી.
આવી જ સ્થિતિ પાંચ કિલોમીટર દૂર આવેલા લતિમાની ગામની છે.
કેરિયો ઇલિકોએ ત્રણ દિવસથી કશું ખાધું નથી.
છેલ્લે તેમણે જે જરા અમથું ખાવાનું ખાધું હતું, તે પાડોશીએ આપ્યું હતું અને તે પણ એક ટંક માટે પૂરતું નહોતું.
જ્યારે મીડિયાએ તેમના ઘરની મુલાકાત લીધી, ત્યારે પાડોશીઓ તરત ત્યાં જઈ પહોંચ્યા અને તેમની મુશ્કેલીઓ જણાવવા લાગ્યા.
“તમે અહીં આવી પહોંચ્યાં છો, તો અમારી મદદ કરો, અમારી મદદ કરો.”
તેમણે કહ્યું હતું, “અમારી પાસે ખાવાનું નથી. અમે ભૂખ્યાં છીએ. અમારી બકરીઓ પણ ભૂખમરાથી મરી રહી છે.”
અહીં પુરુષો ઘણા ઓછા જોવા મળે છે. પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે, જે લોકો તેમના પશુધન માટે ખોરાકની શોધમાં નીકળી શકે છે, તેઓ ઘર છોડી ગયા છે. કેટલાક લોકો સરહદ પાર કરીને અન્ય વિસ્તારોમાં જઈ રહ્યા છે.
અધિકારીઓ ખોરાકની આ તંગીથી વાકેફ છે.
તાત્કાલિક સહાયની જરૂર
તુર્કાના જિલ્લામાં દુષ્કાળ વ્યવસ્થાપન ટીમના જેકબ લેટોસિરોએ કહ્યું કે, જિલ્લામાં 32 લાખ કરતાં વધુ લોકોને ખોરાકની તાકીદે સહાય મળવી જરૂરી છે.
તેઓ કહે છે કે, તાજેતરનો વરસાદ કમોસમી હોઈ શકે છે. આ વરસાદ કદાચ લાંબું નહીં ખેંચે અને તેની તાત્કાલિક કોઈ અસર પણ નહીં વર્તાય.
તેમના મતે, “આ વરસાદથી પશુધનને તાકીદે કોઈ સહાય નહીં મળે. તેનાથી તાત્કાલિક ધોરણે પાણીની પ્રાપ્યતા પણ કદાચ નહીં વધે. આથી, વરસાદ પડવાથી ખુશ થવાની જરૂર નથી.”
સમગ્ર કેન્યાના લગભગ 30 લાખ લોકો પ્રભાવિત થયા છે.
માનવતાવાદી સંગઠનો અને કેન્યાની સરકારે જણાવ્યું કે, તેઓ આ વધી રહેલી કટોકટી સામે કાર્યવાહી કરી રહ્યાં છે.
તુર્કાના જિલ્લાના પાટનગર લોદ્વાર નજીક આવેલા રેડ ક્રોસના ખાદ્ય સંગ્રહ કેન્દ્રમાં કર્મચારીઓ ખોરાકનો જથ્થો ભરેલા ટ્રક ઠાલવી રહ્યા છે, જે આજીવિકાનો સ્રોત ન ધરાવનારા અત્યંત જરૂરિયાતમંદ પરિવારોને પૂરો પાડવામાં આવશે.
જોકે, તુર્કાનામાં રેડ ક્રૉસ અધિકારીઓ કહે છે કે, ખોરાકની જરૂરિયાત પ્રાપ્ય સંસાધનો કરતાં ઘણી વધારે છે.
કેન્યા રેડ ક્રૉસ તુર્કાનાનાં સહ-નિર્દેશક રૂકિયા અબુબકરે બીબીસીને જણાવ્યું હતું, “અમારી પાસે ખોરાકનો જથ્થો ઘણો સીમિત છે. તે તમામ જરૂરિયાતમંદો માટે પૂરતો નથી.”
તેમણે આગળ કહ્યું હતું, “આથી જ અમે ભાગીદાર સંગઠનો અને દાતાઓને આગળ આવવા અને લોકોને મદદ કરવાની અપીલ કરી રહ્યાં છીએ.”
વર્લ્ડ વિઝન કેન્યા અને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવાં અન્ય સંગઠનો પણ જરૂરિયાતમંદ પરિવારોને ખોરાકની સહાય પૂરી પાડી રહ્યાં છે.
કેન્યાની સરકારે જાહેરાત કરી છે કે, તે દુકાળથી ગંભીર રીતે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખોરાક અને પશુધન માટે ઘાસચારાનું વિતરણ શરૂ કરશે.
જોકે, માનવતાવાદી સંગઠનોના અધિકારીઓનું કહેવું છે કે, કટોકટીનો વ્યાપ ઘણો વિશાળ છે.
તેનો અર્થ એ કે, એબે જેવાં લોકોએ તેમની પાસે બાકી બચેલાં સંસાધનો પર અને જંગલોમાંથી જે કંઈ મળતું હોય, તેના પર અસ્તિત્વ ટકાવી રાખવું પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



