Home તાજા સમાચાર gujrati ઊંઘમાં અચાનક જ કેટલાક લોકો ઊઠીને કેમ ચાલવા લાગે છે, ઊંઘમાં શું...

ઊંઘમાં અચાનક જ કેટલાક લોકો ઊઠીને કેમ ચાલવા લાગે છે, ઊંઘમાં શું થાય છે?

5
0

Source : BBC NEWS

ઊંઘમાં બોલવું ચાલવું, ઊંઘમાં બબડાટ, ઊંઘ ન આવવી, ઊંઘની બીમારી, સારી ઊંઘ કેવી રીતે આવે, બાળકો ઊંઘમાં બોલવું અને લાતો મારવી, બાળકોની ઊંઘ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તમે ક્યારેક જોયું હશે કે તમારી સાથે સૂતેલી વ્યક્તિ અચાનક ઊંઘમાં કંઈક બોલવા લાગે છે, બબડવા લાગે છે. આવા લોકોને અંગ્રેજીમાં ‘સ્લીપ ટૉકર’ કહેવામાં આવે છે.

ક્યારેક-ક્યારેક એ વાતો એટલી વિચિત્ર કે અંગત હોય છે કે કારણ વગર સંબંધોમાં કડવાશ કે વહેમ ઊભો કરી દે છે. તેને મેડિકલ ભાષામાં ‘સોમ્નિલોકી’ કહેવામાં આવે છે.

ઊંઘમાં બબડાટ માત્ર સાંભળનારની ઊંઘ જ નથી બગાડતો, પરંતુ બોલનારની તંદુરસ્તી વિશે પણ ઘણું બધું કહે છે.

મોટા ભાગના કેસમાં ઊંઘમાં બોલવું એક સામાન્ય સ્થિતિ ગણાય છે, પરંતુ જો તમારા બબડાટની ફ્રિક્વન્સી (વારંવાર બોલવું) વધી ગઈ હોય, તો તેને નજરઅંદાજ કરવું મોઘું પડી શકે છે.

એટલે સુધી કે ઘણા લોકો બબડવાની સાથે-સાથે હાથ-પગ ઉગામવા લાગે છે કે મોટેથી બૂમબરાડા પાડે છે.

ઊંઘમાં બોલવા સિવાય કેટલાક લોકોમાં તેમાં ચાલવાની પણ ટેવ હોય છે. બોલવાની સરખામણીએ ઊંઘમાં ચાલવું વધુ ખતરનાક થઈ શકે છે.

ચાલો જાણીએ, આવું શા માટે થાય છે અને તેનાથી બચવાના ઉપાય કયા છે.

ઊંઘમાં બોલવું

ઊંઘમાં બોલવું ચાલવું, ઊંઘમાં બબડાટ, ઊંઘ ન આવવી, ઊંઘની બીમારી, સારી ઊંઘ કેવી રીતે આવે, બાળકો ઊંઘમાં બોલવું અને લાતો મારવી, બાળકોની ઊંઘ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે આપણે ઊંઘીએ છીએ, ત્યારે મગજમાં એક રીતનું સુરક્ષા તંત્ર કામ કરે છે. તે સપનાં સાથે જોડાયેલી તંત્રિકા પ્રવૃત્તિઓને બોલવા કે શારીરિક ચેષ્ટાઓમાં બદલાવાથી અટકાવે છે.

પરંતુ આ સિસ્ટમ સંપૂર્ણ પરફેક્ટ નથી હોતી. ક્યારેક-ક્યારેક કેટલાક સંકેત ‘લીક’ થઈ જાય છે.

આ જ કારણે ઊંઘમાં બડબડવું, કણસવું, સાફ-સ્પષ્ટ બોલવું અને ક્યારેક-ક્યારેક સ્લીપ વૉકિંગ થઈ શકે છે.

નિષ્ણાતો અનુસાર, આવું કેટલાંક શારીરિક અને માનસિક કારણો સાથે જોડાયેલું હોઈ શકે છે.

તણાવ, હતાશા, ઊંઘની ઊણપ, દારૂનું સેવન અને તાવ જેવી સ્થિતિઓ ઊંઘમાં બોલવાની સંભાવના વધારી શકે છે.

દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલના ડૉક્ટર મોહસિન વલી કહે છે કે ઊંઘમાં બોલવું તે સામાન્ય રીતે કોઈ મોટી બીમારીનું લક્ષણ નથી હોતું, પરંતુ તે તણાવ સાથે જોડાયેલું હોઈ શકે છે.

તેઓ જણાવે છે, “ઊંઘમાં બોલવાનું એવા લોકોમાં જોવા મળે છે, જેઓ તણાવમાં ઊંઘે છે કે દિવસભરનાં કામને જરૂરિયાત કરતાં વધુ પોતાના દિલ પર લઈ લે છે. એવા લોકો ઘણી વાર એ જ વાતો ઊંઘમાં પણ બોલવા લાગે છે.”

તેમાં વ્યક્તિ સૂતાં-સૂતાં કંઈ પણ બોલી શકે છે અને ઘણી વાર સપનામાં બીક લાગવાથી પણ બોલવા લાગે છે.

ડૉક્ટરો અનુસાર તેની કોઈ અલગથી સારવાર નથી હોતી, પરંતુ તેની પાછળના કારણને સમજવું જરૂરી હોય છે.

ઊંઘમાં બોલાતી વાતો ઘણી વાર વ્યાકરણની રીતે સાચી હોય છે. તાજેતરની ઘટનાઓ કે અનુભવો સાથે જોડાયેલી હોઈ શકે છે, પરંતુ ઘણી વખત વિચિત્ર અને વાહિયાત પણ લાગે છે.

મોટા ભાગના કેસમાં ઊંઘમાં બોલવું કોઈ બીમારી નથી. જોકે, તણાવ, માનસિક દબાણ કે માનસિક સમસ્યાઓ તેની સંભાવનાને વધારી શકે છે.

મેટ્રો ગ્રૂપ ઑફ હૉસ્પિટલનાં સીનિયર કન્સલ્ટન્ટ ન્યૂરૉલોજિસ્ટ ડૉક્ટર સોનિયા લાલ ગુપ્તા જણાવે છે કે રાત્રે ઊંઘમાં બોલવું એક સામાન્ય સમસ્યા છે, જે મુખ્યત્વે બાળકોમાં વધુ જોવા મળે છે. સાથે જ તેઓ કહે છે કે જો આ સમસ્યા વધી જાય, તો ચિંતાજનક વાત છે.

ઊંઘમાં વ્યક્તિ ચાલવા કેમ લાગે છે?

ઊંઘમાં બોલવું ચાલવું, ઊંઘમાં બબડાટ, ઊંઘ ન આવવી, ઊંઘની બીમારી, સારી ઊંઘ કેવી રીતે આવે, બાળકો ઊંઘમાં બોલવું અને લાતો મારવી, બાળકોની ઊંઘ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઊંઘમાં ચાલવું જોખમકારક થઈ શકે છે. અમેરિકાના લુઇસિયાના રાજ્યમાં રહેતી એક બાળકી પેટન 14 સપ્ટેમ્બર 2024ની રાત્રે ઊંઘમાં પોતાના ઘરેથી બહાર નીકળી ગઈ અને ચાલતી-ચાલતી જંગલની વચ્ચે પહોંચી ગઈ.

બાળકી ગુમ થવાથી ઘરના લોકોએ પોલીસને જાણ કરી અને પછી બાળકીની શોધખોળ શરૂ થઈ. જ્યારે આસપાસ ક્યાંય પણ બાળકી ન મળી, ત્યારે તેના માટે ડ્રૉન કૅમેરાની મદદ લેવામાં આવી.

ડૉક્ટર મોહસિન વલી પણ માને છે કે ઊંઘમાં બોલવું સામાન્ય રીતે બીમારી નથી, પરંતુ ઊંઘમાં ચાલવાથી દુર્ઘટનાનું જોખમ રહી શકે છે.

તેમના અનુસાર, “તેમાં વ્યક્તિ ખરેખર ઊઠીને ચાલવા લાગે છે અને તેને તેની જાણ પણ નથી હોતી. એ સ્થિતિમાં પડી જવાનું કે કોઈ વસ્તુ સાથે અથડાવાનું જોખમ રહે છે. જો કોઈ અગાસી પર સૂઈ રહ્યું હોય, તો નીચે પડવાની આશંકા પણ રહે છે.”

ડૉક્ટર વલી પોતાનો વિદ્યાર્થીકાળનો એક અનુભવ પણ જણાવે છે. તેઓ કહે છે કે 1968માં હાઇસ્કૂલ દરમિયાન વિજ્ઞાનના પેપર પહેલાં તેઓ ખૂબ તણાવમાં હતા અને રાત્રે સૂતા પછી સવારે ચાર વાગ્યાની આસપાસ ઊઠીને ચાલવા લાગ્યા હતા. તે સમયે તેમના પિતાએ તેમને અટકાવ્યા હતા.

નિષ્ણાતો અનુસાર રાતની ઊંઘ ઘણા તબક્કામાં પૂરી થાય છે.

જ્યારે આપણે સૂવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે સૌથી પહેલાં કાચી ઊંઘ આવે છે. લગભગ 20 મિનિટ પછી એ ઊંઘ ધીમે-ધીમે ગાઢ થવા લાગે છે.

ત્યાર પછી ઊંઘ ફરીથી થોડા સમય માટે હળવી થઈ જાય છે અને પછી વ્યક્તિ ખૂબ ગાઢ નિદ્રામાં સરી જાય છે, જેને રૅપિડ આઈ મૂવમેન્ટ (આરઇએમ) કહે છે.

ઊંઘનાં આ બધાં ચરણ આખી રાતમાં ઘણી વખત રિપીટ થતાં રહે છે. દરેક ચક્રની સાથે આરઇએમ એટલે કે ખૂબ જ ગાઢ નિદ્રાનો સમય વધતો જાય છે અને આ જ પ્રક્રિયા સવારે ઊંઘ ઊડે ત્યાં સુધી ચાલતી રહે છે.

આરઇએમ ઊંઘ દરમિયાન જ આપણે સૌથી વધુ સપનાં જોઈએ છીએ. આ અવસ્થામાં શરીર લગભગ સંપૂર્ણ શિથિલ રહે છે, જેથી સપનામાં ચાલતી પ્રવૃત્તિઓ અનુસાર શરીર હકીકતમાં ચેષ્ટા ન કરવા લાગે.

જોકે, ઊંઘમાં ચાલવાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે મગજ અને શરીર વચ્ચેનું સંતુલન બગડી જાય છે.

આ એક પ્રકારની ભ્રમની સ્થિતિ હોય છે, જેમાં મગજ એટલું સક્રિય થઈ જાય છે કે તે શરીરને ચાલવા–ફરવાના સંકેત આપી દે છે, પરંતુ એટલું સક્રિય નથી હોતું કે વ્યક્તિ સંપૂર્ણ જાગી શકે.

ઇટાલીના મિલાન સ્થિત નિગુઆરડા હૉસ્પિટલમાં થયેલા એક અભ્યાસમાં ઊંઘમાં ચાલનારા લોકોના મગજની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવ્યો.

સંશોધનમાં જોવા મળ્યું કે એવા લોકોના મગજના કેટલાક ભાગ તે સમયે સક્રિય રહે છે, જ્યારે બાકીના ભાગ ઊંઘની અવસ્થામાં હોય છે.

આ અભ્યાસ એ વાત તરફ ઇશારો કરે છે કે ઊંઘમાં ચાલવાની સમસ્યા ઊંઘ અને જાગવાની અવસ્થાઓની વચ્ચે ઊભા થયેલા અસંતુલનનું પરિણામ હોય છે.

ચિંતા ક્યારે કરશો?

ઊંઘમાં બોલવું ચાલવું, ઊંઘમાં બબડાટ, ઊંઘ ન આવવી, ઊંઘની બીમારી, સારી ઊંઘ કેવી રીતે આવે, બાળકો ઊંઘમાં બોલવું અને લાતો મારવી, બાળકોની ઊંઘ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટર સોનિયા લાલ ગુપ્તા અનુસાર, ઊંઘમાં બોલવાની સ્થિતિમાં વધુ ચિંતાની જરૂર નથી હોતી.

તેઓ કહે છે, “ઊંઘમાં બોલનાર કે બબડાટ કરનારા લોકોને ઘણી વાર સવારે એ વાત યાદ નથી રહેતી કે તેમણે રાત્રે શું કહ્યું હતું.”

“મોટા ભાગના કેસમાં, ખાસ કરીને બાળકોમાં, સારવારની જરૂર નથી હોતી, કેમ કે ઉંમર વધવાની સાથે આ સમસ્યા આપમેળે સમાપ્ત થઈ જાય છે.”

ડૉક્ટર ગુપ્તા કહે છે કે વયસ્કોમાં એ જોવું જરૂરી હોય છે કે ઊંઘમાં બોલવાનું કારણ શું છે અને શું તેનાથી ઊંઘની ગુણવત્તા પર અસર થાય છે?

તેઓ કહે છે કે જો કોઈ વ્યક્તિને વારંવાર ઊંઘમાં બોલવાની, બૂમ પાડવાની કે હિંસક વ્યવહાર કરવાની સમસ્યા હોય અને તેનાથી તેની ઊંઘ ડિસ્ટર્બ થતી હોય, તો તેના કારણની તપાસ કરવી જરૂરી છે.

ડૉક્ટર વલી અનુસાર, આજકાલ સમાજમાં ઘણા લોકો ઊંઘની ઊણપથી પરેશાન છે.

કેટલાક લોકોમાં ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપનિયા પણ જોવા મળે છે, જેમાં ઊંઘ દરમિયાન મગજ સુધી યોગ્ય રીતે ઑક્સિજન નથી પહોંચતો અને તેનાથી મગજ તણાવમાં જતું રહે છે.

તેમનું કહેવું છે કે ઊંઘમાં ચાલવા કે ઊંઘમાં બોલવાની સમસ્યા તણાવ, ઊંઘની ઊણપ, ચિંતા કે કોઈ બીમારી પછી પણ થઈ શકે છે.

સારવાર શું છે

ઊંઘમાં બોલવું ચાલવું, ઊંઘમાં બબડાટ, ઊંઘ ન આવવી, ઊંઘની બીમારી, સારી ઊંઘ કેવી રીતે આવે, બાળકો ઊંઘમાં બોલવું અને લાતો મારવી, બાળકોની ઊંઘ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સૂવાનું ટાઇમ-ટેબલ નિયમિત ન હોવું કે કેટલીક વાર સ્ટ્રેસના કારણે પણ તમે તેના શિકાર થઈ શકો છો. ડૉક્ટર્સ સલાહ આપે છે કે આ વસ્તુઓને યોગ્ય કરી લેવાથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

ડૉક્ટર સોનિયા લાલ ગુપ્તા ઊંઘની ગુણવત્તા સારી કરવા અંગે કહે છે, “ઊંઘવા અને જાગવાનો સમય નક્કી હોવો જોઈએ. બપોરે ત્રણ વાગ્યા પછી કૅફીનનું સેવન ન કરવું જોઈએ અને સૂતાં પહેલાં મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ.”

તેમણે કહ્યું, “જો કોઈ વ્યક્તિ વધુ તણાવ સાથે સૂવા જાય છે અને આ સમસ્યા વધી રહી હોય, તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે.”

ડૉક્ટર ગુપ્તા એ પણ જણાવે છે કે જો ઊંઘ દરમિયાન કોઈ વ્યક્તિ હિંસક ચેષ્ટાઓ કરે, જેમ કે સૂતા સમયે પાર્ટનરને લાત મારવી, તો તે કોઈ ન્યૂરૉલોજિકલ સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

તેમણે કહ્યું, “બાળકોમાં ઊંઘ સાથે જોડાયેલી આવી ફરિયાદો એટલા માટે વધુ હોય છે, કેમ કે તેમનું મગજ હજુ વિકસતું હોય છે.”

“જોકે, જો બાળક દિવસમાં વધુ સૂવે કે સ્કૂલમાં તેને વારંવાર ઊંઘ આવે, તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે અને તેની તપાસ કરાવવી જોઈએ.”

ડૉક્ટર વલી અનુસાર, તેની કોઈ સીધી સારવાર નથી. આવા કેસમાં પરામર્શ મદદરૂપ થઈ શકે છે, જે સામાન્ય રીતે મનોવૈજ્ઞાનિક કરે છે. તે સિવાય પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.

તેમનું કહેવું છે કે રાતના સમયે શરીરમાં મેલેટોનિન બને છે. જો જરૂર હોય તો ડૉક્ટરની સલાહથી મેલેટોનિન આપી પણ શકાય છે.

તેઓ એમ પણ કહે છે કે સામાન્ય રીતે આવી સ્થિતિઓમાં યાદશક્તિ પર કોઈ અસર નથી થતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS